બુદ્ધ પુરુષોની ભાષા કરુણાસભર હોય છે – મોરારિબાપુ

[ ઈન્દોર ખાતે યોજાયેલી ‘માનસ–સંવાદ’ રામકથાની પુસ્તિકામાંથી સાભાર. પુસ્તિકા સંપાદન: નીતિન વડગામા. પુસ્તિકા પ્રાપ્તિ માટે સંપર્ક : ramkatha9@yahoo.com ]

Image (62) (468x640)રામકથા સંવાદનું શાસ્ત્ર છે. એમાં સંવાદ જ સંવાદ છે. આખા વિશ્વમાં સૌની વચ્ચે સંવાદ બહુ જ આવશ્યક છે. આજે ઈદનો તહેવાર છે, તો સૌને ઈદ મુબારક. ‘માનસ-સંવાદ’ વિશે કેટલાક પશ્ન છે, ત્યાંથી શરૂ કરું. ‘બાપુ, કયારેક કયારેક વિવાદથી લાભ થાય છે એવો મારો વ્યક્તિગત અનુભવ છે, તો શું વિવાદ કરીને લાભ લેવો જોઈએ ?’ – આપનો શ્રાવક.

વિવાદ લાભ થાય એવું બની શકે. પરંતુ મારું એક સૂત્ર છે, તમે અગાઉની કથાઓમાં સાંભળ્યું હશે અથવા ન સાંભળ્યું હોય તો સાંભળી લો. કયારેક કયારેક વિવાદથી લાભ થાય છે અને તમારો એવો વ્યક્તિગત અનુભવ પણ છે એટલા માટે વિવાદથી તમે લાભ લેવા માગો છો, એવો તમારો પ્રશ્ન છે. એના ઉતરમાં એટલું જ કહેવું છે સજ્જ્નો, દરેક લાભ શુભ નથી હોતો. આપણે દરવાજામાં, ચોપડાઓમાં શુભ-લાભ વગેરે વગેરે લખીએ છીએ. દરેક લાભ હંમેશા શુભ નથી હોતો, પરંતુ દરેક શુભ લાભ હોય છે. કોઈ પણ શુભ વચન, કોઈ પણ શુભ કરમ કે વચન, શુભ વાત, શુભ આચરણ, શુભ દર્શન એ દરેક શુભમાં લાભ હોય જ છે.

દરેક લાભમાં શુભ હોય જ એવું કહેવું મુશ્કેલ છે. એટલે વિવાદથી લાભ થતો હોય તો તમારા અનુભવમાં થતો હશે, પરંતુ એમાં શુભ હોય એ કહેવું મુશ્કેલ છે, અથવા વિવાદથી થયેલો લાભ દીર્ઘજીવી નથી હોતો. એ લાભ શું કામનો જે લાભને કારણે થયેલા વિવાદનો એક ખટકો તમારા દિલને હંમેશા રહ્યા કરે ! દિલને ચેન મળવું જોઈએ. મનને પ્રસન્નતા મળવી જોઈએ. આ કથા શા માટે છે ? આટલી બધી શકિત શા માટે કામે લગાડવામાં આવે છે ? આ બધુ શા માટે છે ? શુભ થાય, પ્રત્યેક જીવન પ્રસન્નતાથી ભરાઈ જાય એ માટે. અને ચાહે દેવ હોય, ચાહે અસુર હોય, ચાહે પૃથ્વીના મનુષ્યો હોય, રામકથા એટલે કે ભગવદ્કથાને કારણે જ એમનું શુભ થાય છે.

મારા શ્રોતા ભાઈ-બહેનોને કહેવા માગું છું કે, અલ્લાહ તમને ખૂબ લાભાન્વિત રાખે, ‘सर्वे भवन्तु सुखिनःI પરંતુ શુભનો વિચાર કરો, લાભનો નહીં. દેવ હોય, દાનવ હોય, માણસ હોય એ રામકથાથી, રામ એટલે કે સત્યથી, પ્રેમથી, કરુણાથી શાંતિ પામે શકે છે. ‘માનસ’ ની એક પંક્તિ એની સાક્ષી છે –

अमर नाग नर राम बाहुबल ।
सुख बसिहहिं अपनें अपनें थल ॥

રામનું બાહુબળ એટલે કે રામનું બળ પણ કરુણવાન છે. ભગવાનનું શીલ પણ કરુણા છે. ભગવાનની આંખ પણ કરુણા છે. ભગવાનનું ચાલવું પણ કરુણા છે. ભગવાનનું બેસવું પણ કરુણા છે. ભગવાનની પલકો ઉઠાવવી એ પણ કરુણા છે. અહીં બળ એટલે કોઈ તામસી રજોગુણી વાત નથી. દેવ હોય, અસુર હોય, માનવ હોય એ રામની કૃપાથી, સુખથી જયાં છે ત્યાં પોતપોતાનાં સુખ, શાંતિ અને શુભનો અનુભવ કરે છે. સુખ માટે સ્વર્ગ – વૈકુંઠમાં નથી જવું પડતું. તમે જયાં હોય ત્યાં રામની કરુણાથી,રામના બાહુબળથી શુભ પામી શકો છો. આ બધાં ઋષિએ કહેલાં આર્ષવચન છે અને ઋષિની વાણી ખોટી નથી પડી શકતી. હું નિવેદન કરું કે પરમાત્માના બાહુબળને યાદ રાખો. બાહુબળ એટલે રામના બાહુની કરુણા. એવો એક હાથ, એવી એક બાહુ જે આપણને બાંહોમાં લીધા પછી, આપણો હાથ પકડયા પછી એ હાથ કયારેય છોડતી નથી, એ બાહુની છાંયામાં જીવન જીવવા માગું છું. હાર –જીત એક સપનું હોય છે. જયાં સુધી સપનું છે ત્યાં સુધી છે, સપનું તૂટી જાય છે તો પછી હાર હાર નથી રહેતી, જીત જીત નથી રહેતી. એટલા માટે મહાદેવે કહ્યું –

उमा कहउ मैं अनुभव अपना ।
सत हरि भजनु जगत सब सपना ॥

માનો કે સપનામાં તમને કોઈ અભિનંદન આપે છે, બધાં તમારું સન્માન કરવા માગે છે સપનામાં, પરંતુ જયારે સપનું તૂટી જાય ત્યારે આપણે એ સિંહાસન નથી પામી શકતા, એ જ ખાટલો, એ જ ગોદડી અને એ જ આપણે ! અને તમે સૂતા હો, સપનામાં તમને કોઈ હાથ ખેંચીને અંધારી ગલીમાં લઈ જાય અને ત્યાં પાંચ-દસ માણસો ભેગા થઈને તમને ગાળો દે, તમારું ઘણું બધું અપમાન કરે ! પરંતુ સપનું ખતમ, અપમાન ગાયબ; સપનું ખતમ, સન્માન ગાયબ. આ બધી સપનાની માયા છે. એટલે હાર-જીતવાળી વાત મને માફ્ક નથી આવતી.

મારી કથા સાંભળનારાઓ સાવધાન રહે કે તમને કોઈ ગાળો દે, તમારી આલોચના થાય તો સમજવું કે સપનું ચાલી રહ્યું છે. અને કોઈ એમ કહે, તમે તો બાપુની બધી કથા સાંભળો છો, કેવા શ્રાવક છો ! અદ્દભુત છો ! કોઈ પ્રશંસા કરે તો પણ યાદ રાખીને સાંભળવું કે આ બધાં સપનાં છે. તત્વતઃ આપણે જે છીએ એ જ છીએ. સંસાર દ્વંદ્વાત્મક માનવામાં આવે છે અને દુનિયાનાં બધાં દ્વંદ્વો સ્વપ્નભંગ થતાં જ સમાપ્ત થઈ જાય છે. શું હારવું, શું જીતવું ?

હું અહીંથી નીકળું છું ત્યારે ગલીમાં, ચોકમાં બાળકોથી લઈને માતાઓ સુધીના ઘણાં લોકો ગાડી પાસે આવવાની કોશિશ કરે છે, એ ઓછો આદર નથી. અને દુનિયામાં સૌને આદર જ મળે એવું થોડું છે ? અનાદએ પણ થાય છે, આલોચનાઓ પણ એટલી જ થાય છે. પરંતુ ગુરુકૃપાથી બોલતાં બોલતાં આપ સૌની શુભકામનાઓથી હું એ સમજવાનો ભરપૂર પ્રામાણિક પ્રયાસ કરું છું કે એ સપનાં છે, નહીંતર આટલી બધી પ્રતિષ્ઠા મારી નાખશે ! આટલી પ્રતિષ્ઠા મળ્યા બાદ પાગલ ન થઈ જઈએ એ જ કરુણા છે.

તમે પણ કોશિશ કરો. આપણે દ્વન્દ્વોથી પર થઈ ગયાં છીએ એવું નહીં કહી શકીએ, પરંતુ એ સમજવાની ગુરુકૃપાથી પ્રામાણિક કોશિશ કરો તો જરૂર કરીએ કે આ સપનાં છે. અને યાદ રાખજો, તમારી જે ખૂબ પ્રશંસા કરશે, એ જ કયારેક ને કયારેક તમારી એટલી જ નિંદા કરશે. જયારે એની વાત તમે નહિ માનો, એના મત મુજબ તમે હા નહિ કહો, તો એને બદલતાં વાર નહિ લાગે. સંવાદ કયારે તૂટી જાય એનું કાંઈ ઠેકાણું નહિ ! એટલા માટે બુદ્ધપુરુષો સાથે સૂર મેળવી રાખો. मिले सूर मेरा तुम्हारा I એ સંવાદ છે.

વકતા-શ્રોતાનો સૂર મળે, રાજા-પ્રજાનો સૂર મળે, સંપ્રદાય-સંપ્રદાયનો સૂર મળે, ધર્મ-ધર્મનો સૂર મળે, તો વિશ્વ કેટલું ખૂબસૂરત થઈ જાય ! એટલે આ જે પળ છે એને પકડો. બાકી, નિયમ છે કે, જેટલી માત્રામાં સન્માન થાય છે, એટલી માત્રામાં આલોચના પણ થાય છે. પરંતુ સન્માન દેખાય છે, આલોચના અદ્રશ્ય રહે છે. સન્માન સૌની સાક્ષીએ થાય છે, અપમાનના સાક્ષી કેવળ સાધક જ હોય છે. અત્યારથી એ વિચારવાનું શરૂ કરશો તો કામ આવશે, જે પ્રતિષ્ઠાઓ મળશે એને તમે પચાવી શકશો. એ જરૂરી છે. કથામાંથી કંઈક ગાંઠે બાંધો તો કથામાં આવવું સાર્થક.

કાલે કોઈ યુવક પૂછી રહ્યો હતો, ‘બાપુ, મુસ્કુરાહટ સંવાદ પેદા કરી શકે ?’ બહુ સરળ ઉપાય છે બેટા, મુસ્કુરાહટ સંવાદ પ્રગટ કરી શકે છે. મુસ્કુરાઓ. ગોવિંદને યાદ કરો. એ દૂર પડે તો બુદ્ધપુરુષને તમને થોડો સમય આપ્યો હોય અને એમના સાન્નિધ્યમાં બેસવાનું મળી ગયું હોય તો એ સાન્નિધ્યને યાદ કરો. એમનું બોલવું, એમનું હસવું એ બધું યાદ કરો. ઉદ્ધવ ગોપીઓને પૂછે છે, ‘તમે સ્મરણ કરો છો, વાતો કરો છો, એનું પરિણામ શું આવ્યું ?’
‘ઉદ્ધવ, એ જાણવાનું રહેવા દો, પરિણામ ન પૂછો.
ઉદ્ધવ આ જ્ઞાનીઓનો વિષય નથી, પ્રેમીઓનો પ્રદેશ છે.
ઉદ્ધવ, અમારી બધી ક્રિયા શિથિલ થઈ ગઈ છે. અમે સૂઈએ તો જાગી નથી શકતાં, જાગીએ તો સૂઈ નથી શકતા ! એ પ્રેમનું પરિણામ છે.’
ખુમાર સાહેબે કહ્યું છે –

आगाजे महोब्ब्त का मजा आप कहिए ।
अंजामे महोब्ब्त का मजा हम से पूछिए ॥

ખુમાર સાહેબ કહે છે. મહોબ્બતના પરિણામની મજા અમને પૂછો. એ ગૌરીશંકરથી પણ ઊંચી વાત છે.

Leave a Reply to kalpana bhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “બુદ્ધ પુરુષોની ભાષા કરુણાસભર હોય છે – મોરારિબાપુ”

Copy Protected by Chetan's WP-Copyprotect.