‘મને ગમતો સૂરજ, મારી નિસબતનો સૂરજ’ – અનિલ ત્રં. આચાર્ય

[‘ખૂશ્બુ જિંદગીની’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી અનિલભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +૯૧ ૯૯૯૮૦૧૦૩૭૯ સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

‘તણખલાં જેમ ચાંચમાં,
તડકો લઈ પારેવું,
માળામાં લપાઈ ગયું
ને સૂરજ પણ છુપાઈ ગયો.’

Image (59) (405x640)ગમે તે પડાવનો, ઋતુનો, સમયનો, દિશાનો, દશાનો સૂર્ય મને ગમે છે. તે હંમેશાં મને મારો પોતીકો લાગ્યો છે, સ્વજન જેવો. ઉદિત થતાં બાલ્ય સૂર્યની કોમળતા મારી પ્રભાતની પળોને મુલાયમતા બક્ષે છે. આ કોમળ, પવિત્ર અને નિર્મળ ક્ષણોથી મારા દિવસનો આરંભ થાય છે. મારી બારી માંહેથી આંગણાની વેલ પરનાં ડોકિયાં કરતાં ફૂલો, વૃક્ષોનાં પાંદડાંઓ, લોનનાં ઘાસની બિછાતને સ્પર્શતો આ સૂરજ હંમેશાં મારો લાગ્યો છે. આ સૂરજ સમાજવાદી છે. દરેકને કશા જ ભેદભાવ વિના, રિઝર્વેશન કવૉટાના કંકાશ વિના સમાન આપે છે, સમાન વ્યાપે છે, સમાન કિરણો ધરે છે. ન અહોભાવ, ન પૂર્વગ્રહ. તે ઝુંપડપટ્ટીની ગંદકી કે ફાઈવ સ્ટાર હોટલ કે વૈભવી ફલૅટની સ્વચ્છ ફર્શ પર સમાન વિસ્તરે છે અને મળે છે. તેનાં કિરણો દરેકને સ્પર્શે છે અને દરેકને સમાન સહ્મદયતાપૂર્વક ‘Good Morning’ કહે છે.

તૂટલા છાપરામાંથી ચળાઈને તેમાંનાને તે વિશેષ ચાહે છે. પોતે અંદર જઈ હાથ મિલાવી સામેથી શુભ પ્રભાત કહે છે. પ્રભાતથી મધ્યાહન સુધીનો સૂરજ, સવારની સ્કૂલના ટાઈમ ટેબલમાં ગોઠવાયેલો લાગે છે. તે બપોરે મસ્તક પર સ્થિર બની જાય છે ત્યારે કડક હેડમાસ્તર કે કર્કશા ભાર્યા જેવો તીખો લાગે છે. પણ મસ્તક પર આવવું તેની પસંદગી નથી. પૃથ્વી ફરતી રહે છે તે નહીં અને પૃથ્વી તેને પોતા પર જુદા જુદા સ્પોટ પર ધરે છે. રાત જે જન્મે છે તે સૂરજનું ન હોવું નથી.

સૂરજ અસ્તનો થતો રહે છે. ધીમે ધીમે સમંદરના પાણીને સ્પર્શતો હોય છે. ડૂબતા પહેલા પોતાના કેસરવર્ણી કિરણો સમુદ્રનાં પાણીને, ટેકરીઓની ટોચ અને ઢોળાવોને, વૃક્ષ પરના પંખીઓના માળાઓને પોતાના રંગનો સ્પર્શો થકી ‘Good Evening’ કહે છે. તેમને આવતીકાલની કોમળતાનો વાયદો આપે છે. ગોધૂલિવેળાએ સીમથી ગામ પરત થતાં ધણનાં પગલામાં ઊંચકાતી ધૂળને રંગીનતા બક્ષે છે. કયાંક સાંજની મુગ્ધતા જન્મે છે તો કયાંક તન્હાં સાંજની એકલતાની ખામોશી ક્ષિતિજ પર ડોકાવા લાગે છે. બનારસની ગંગા ધૂમિલ બનતી રહે છે દરેક સાંજે. હરદ્વારની સાંજ પવિત્રતા રચે છે. જંગલની સાંજમાં ધીમે ધીમે નમી જન્મવી શરૂ થઈ જાય છે. રણની રેતીમાં આકાર લેતી સાંજ ‘હાશ’ આપે છે. દરેક મુકામે જુદા જુદા મિજાજ જન્મવાતો સૂરજ પોતે સાંજે મ્લાન લાગે છે. દિવસભરની થકાન લઈને ઘેર પરત થતા માનવ જેવો. તે સમંદરમાં ડૂબી જાય છે અને અંધકારની ચાદર પથરાઈ જાય છે.

સૂરજ એક જ છે પણ ગામડાની સીમમાં વિરહતો સૂરજ, શહેરની દૌડધૂપનો ટ્રાફિકમાં અટવાતો સૂર્ય, હિલ સ્ટેશનની પહાડીઓનો સૂરજ, સમંદરની બાહોંમાં ફેલાતો રહેતો સૂરજ, સહારાનાં રણનાં ખુલ્લા બદન પરનો સૂરજ, આડાબીડ જંગલોનાં વૃક્ષોનાં પાંદડાંમાંથી ચળાઈને આવતો સૂરજ, ગંગાનાં પાવન નીરમાં ન્હાતો સૂરજ, હિમાલયનાં શિખરો પરનાં બર્ફની સફેદ ચાદરને સ્પર્શતો, રોમાંચિત અને પ્રકાશિત કરતો સૂરજ, ગરીબોની ઝુંપડીઓ અને શ્રીંમતોના મહેલો જેવા બંગલાઓ પર વિસ્તરતો સૂરજ. એક સૂર્યના અનેક પહેલૂઓ. સૂરજ ધરતીની એક એક રજને સ્પર્શે છે રોમાંચિત કરે છે. તે દરેક સજીવનાં અસ્તિત્વનો અંશ છે.

જુદી જુદી મોસમમાં જુદા જુદા મિજાજ લઈ આવતો સૂરજ. વરસાદી મોસમમાં વાદળો સાથે છૂપાછૂપી રમતો, ગરમીની તપ્ત મોસમમાં હાહાકાર મચાવતો સૂરજ, શર્દ મોસમમાં પ્રેમિકાનાં સ્પર્શની હૂંફ જેવો મધુર સૂર્ય. મારા રૂમની બારીએથી દેખાતો સૂર્ય, મારો પોતાનો સૂર્ય પોતાનાં કિરણો ધરી મને સ્પર્શે છે, હસ્તધનૂન કરે છે, મિત્રતાનો હાથ ફેલાવે છે ત્યારે બાળપણનાં નિર્દોષ મિત્ર જેવો લાગે છે. પ્રિયાના સ્પર્શ જેવો ઉષાનો સૂર્ય મને પ્રિય છે. મને આથમતો સૂર્ય પણ ગમે છે. મ્લાન, શાંત અને આવજો કહેતો. પ્લૅટર્ફોર્મથી સરકતી અને દૂર દૂર થતી રહેતી, ક્ર્મશ : ઓઝલ બની રહેતી ટ્રેનમાં બેસેલા સ્વજનોને આવજો આવજો કહેતો દિલગીર, અશ્રુભીના સ્વજન જેવો મારી નિસબતનો સૂરજ. તે સમંદરનાં પાણીને શોષી વાદળ સર્જતો વરસાદનો નિમિત છે. મેદાનો પર સરકતો, પહાડોની ટોચ પર મલકાતો, સમંદરના પાણીને રોમાંચિત કરતો રહેતો, પડછાયાની રમત સર્જતો. મારા ઘરની પૂર્વ અને પશ્ચિમની બારીએથી ડોકાતો આવતો અને જતો. મને ગમતો સૂરજ છે.

મારા વતનના નાના મધૂરા ગામથી શહેરોમાં આવીને હું અટવાઈને ગયોં હોંઉ, અટૂલો પડી ગયો હોય તેમ લાગે છે. શહેરની માનવભીડ વચ્ચે એકલતાનાં દ્વિપની પીડા બેચેન કરી મૂકે છે અને વતનની દૂરીનો ઝુરાપો મને રડાવતો રહે છે. મને સૂરજ પણ મારી જેમ શહેરમાં અટવાયેલો લાગે છે. મન થઈ જાય છે, ચાલો વતનની ફૂર્સત અને નિર્દોષ જિંદગી તરફ પાછા ફરી જઈએ અને સૂર્યને પણ મારી સાથે ત્યાં લઈ જવું. ગામડાનાં ઘરનાં છાપરા પરનાં દેશી નળિયાં પર છવાતો, ફળિયામાં ફેલાતો, ગામનાં પાદરમાં અમારી સાથે ધૂપછાંવની રમત રમતો, નદીની રેતમાં અમારી સાથે આળોટતો, સાંજે વિદાય લેતા લેતા સવારે મળવાનું વચન આપતો. ખેતરોનાં મૉલ પર ‘ડિસ્કો – ડાન્સર’ બની જતો સૂરજ. મારું અને સૂરજનું ત્યાં મળવું જ ગમતું મિલન છે. તે સૂરજને લઈ વતન પરત થવાને મન પોકારી ઊઠે છે.

તે મારી નિસબતનો સૂરજ છે. કદાચ તમારી પણ નિસબતનો પણ સૂરજ છે.

[કુલ પાન: ૧૧૯. કિંમત રૂ. ૧૦૦. પ્રાપ્તિસ્થાન: નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૩૨૯૨૧.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.