[‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર.]
કસ્તૂરબા એક સામાન્ય સ્ત્રી હતાં. તેઓ દ્રઢચિત તથા શ્રદ્ધાપ્રાણવાળી વ્યક્તિ હતાં. તેમનું જીવન જોડાયું એક ક્રાંતદર્શી મનીષી સાથે, એક વિલક્ષણ પુરુષની સાથે, જેમનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. નાની ઉંમરમાં લગ્ન થયાં. યૌવનના વિકારોના ઉતાર-ચઢાવ જોયા. એકબીજા પ્રત્યે આકર્ષિત-આસકત થયાનો તબક્કો પણ તેઓએ જોયો. બન્નેને પરસ્પરનો પરિચય થવા લાગ્યો. પછી તેઓ દક્ષિણ આફ્રિકા પહોંચ્યાં. દક્ષિણ આફ્રિકાનું તેઓનું સહજીવન રોમહર્ષક હતું. બે વ્યક્તિઓના સયુંકત પરાક્રમનો તથા વિલક્ષણ, વિચક્ષણ, ધ્યેયનિષ્ઠ વ્યક્તિની સાથે, સદા-સર્વદા સાવધાન અને જાગ્રત વ્યક્તિની સાથે સંસાર માંડવો, એ કેટલી મોટી પરીક્ષા અને કસોટી કસ્તૂરબાની રહી હશે, એ કોઈ વાર વિચારવું જોઈએ. ગાંધીજી પોતે પોતાનું નવનિર્માણ કરી રહ્યા હતા. તેમની ઉપસ્થિતિ જાણે કે સામે ચોવીસ કલાક શક્તિશાળી પ્રજવલિત સર્ચલાઈટ !
સર્વ ધર્મોના અધ્યયન અને રાયચન્દભાઈના માર્ગદર્શન પછી ગાંધીજી એક એવા હિન્દુ રહ્યા, જે હિન્દુ હોવાની સાથે મુસલમાન પણ હતા, જૈન પણ હતા, બૌદ્ધ પણ હતા અથવા એમ કહો કે સંપ્રદાયોનાં આવરણો પોતાની ચેતના પરથી હટાવીને એક અનાવૃત વિશુદ્ધ પરિપૂર્ણ માનવ બની રહ્યા. સંપ્રદાયોના સંસ્કારોનાં આવરણ ફેકી દીધા પછી મનુષ્યનું વ્યક્તિત્વ બદલાઈ જાય છે, આહાર-વિહાર-આચરણ બદલાઈ જાય છે. ઘરમાં કોઈ વાર હરિજન આવે, મુસલમાન આવે, ખ્રિસ્તી આવે, તેની બધી વ્યવસ્થા કરવાની, મળમૂત્ર ઉપાડવાં પડે તો તે પણ ઉપાડવાનાં, મળમૂત્રનાં વાસણ પણ સાફ કરવાના. શું વીત્યું હશે તે નારી પર ? ગાંધીજી પાસે તેની બૌદ્ધિક સમજ હતી, જ્ઞાન હતું, વિદ્વતા હતી.
તેઓ ઇંગ્લૅન્ડ તથા દક્ષિણ આફ્રિકામાં ભણ્યા હતા. સમાજના વ્યાપક સંબંધોમાં આવ્યા હતા. બાની પાસે શું હતું સિવાય કે ગાંધીજીને જોવા ? એક જબરજસ્ત અવલોકન-નિરિક્ષણ શક્તિ ધરાવતી એ નારી હશે. તેઓ નિરીક્ષણમાંથી શીખ્યાં, ગ્રંથોમાંથી નથી શીખ્યાં. મને લાગે છે કે કસ્તૂરબાએ સ્વશિક્ષણ કર્યું. બાપુને જોતાં ગયાં અને પોતાનું કરતાં ગયાં. પુરાણા સંસ્કારોનાં વસ્ત્ર છોડતાં ગયાં, નવા સંસ્કારોને ઘણી મુશ્કેલીથી પરંતુ ધારણ કરતાં ગયાં. બાએ આ જે તપ કર્યું, તે તપનું ભાન બાપુને હતું.
એક પ્રયોગશાળામાં, લેબોરેટરીમાં બેઠેલા વૈજ્ઞાનિક્ને જેટલા નિર્મમ થઈને પ્રયોગ કરવા પડે છે, તેમ માનવીય સંબંધોમાં, પોતાના દૈનિક જીવનમાં, ફિનિકસ આશ્રમમાં બાપુ પ્રયોગ કરતા રહ્યા. સત્યના પ્રયોગ રૂપે તેમનું જીવન હતું અને ફિનિકસ આશ્રમ તેની પ્રયોગશાળા હતી. ગાંધીજીની છાયા જેવાં રહીને પોતાને ધડતાં ગયાં. તેઓએ માતૃત્વ ધારણ કર્યું હતું. એ માતૃત્વ બે-ચાર બાળકોનું નહી, આશ્રમમાં આવનારાં બધાં બાળકોનું. ૩૭ વર્ષની વયે જયારે ગાંધીજીના ચિતમાં બ્રહ્મચર્ય વ્રતનો સંક્લ્પ થયો ત્યારે તેમાં અવરોધ તો શું બનવાનાં હતાં ? સહયોગિની શું બનવાનાં હતાં ? બાપુના શબ્દોમાં ‘તેમનો સંકલ્પ મારા કરતાં પણ વધારે સહજ હતો.’ આમાં બાપુએ બાનું કેવું મૂલ્યાંકન કર્યું છે ! બા સંત હતાં. સાબરમતી સંતના ગુણગાન તો થયાં, પરંતુ બા છદ્મસ્થ સંત હતાં. મીરાં અથવા તામિલ સંત આંડાલ કે કાશ્મીરનાં સંત લલ્લેશ્વરીની તુલનામાં બાને નથી રાખતી. પરંતુ હું બાની પ્રેમી છું. મેં બાના દર્શન તો નથી કર્યાં કે નથી કયારેય ગાંધીજી પાસે જવાનું થયું, પરંતુ ગાંધીજીના જીવનમાં તેમનાથી વધારે મને બાનાં દર્શન થયાં છે. તેથી નાનપણથી જ હું તેમની પ્રેમી અને પ્રશંસક રહી છું. સહનશીલતા સહજ આત્મોત્સર્ગ, આત્મવિલોપન. યોગિની કસ્તૂરબાનું એવું વ્યક્તિત્વ હતું કે જેવી રીતે મીઠું પાણીમાં ઓગળી જાય ત્યારે પાણીનો સ્વાદ બદલાય, ગુણધર્મ બદલાય છે તેવી રીતે ખબર નહિ, બાપુના ગુણધર્મો બદલાયા હશે, કસ્તૂરબાનું જીવન એટલે શ્રદ્ધાનું જીવન, બાની અસ્મિતા બાપુની અસ્મિતામાં ભળવાથી એક મહાકાવ્ય બની ગઈ. જેમની ગરિમા મૌન રહી એવાં વિભૂતિમયી હતાં. કસ્તૂરબા !અમાસની રાત્રિમાં જેમ ચંદ્રમાં પોતાની સોળમી કલામાં જઈને પ્રતિષ્ઠિત થાય છે તેવી રીતે બાની બધી વિભૂતિમાં બાપુમાં આત્મવિલોપન કરીને સમાઈ ગઈ.
બા માટે સત્ય શું હતું ? જૂના જમાનામાં ઊછરેલી, દૂર દૂરના કોઈ ગામમાં જન્મેલી, બહુ શિક્ષિત નહિ એવી નારીને માટે સત્યનું અથવા શ્રદ્ધાનું બિદું શું હતું ? ‘પતિ એ પરમેશ્વર’ એ વાત માની લઈને તે પ્રમાણે જીવી લેવામાં સાર્થકતા સમજી. એ જમાનામાં તેમની દ્રષ્ટીએ આ સત્ય પકડયું અને તેમાં પોતાની ધારણાને પ્રતિષ્ઠિત કરી. પોતાની જેમાં શ્રદ્ધા છે તે વ્યવહારમાં ચરિતાર્થ કરવી, જે સહન કરવું પડે તે વગર ફરિયાદે, મધુરતાને આંચ આવ્યા વગર, મોઢા ઉપરની રેખા પણ ન બદલે તેમ સહન કરી લેવું. પોતાની રુચિઓ, અભિરુચિઓને એક તરફ હટાવી દઈને, આ બધું તેઓએ પોતાના પારિવારિક જીવનમાં કર્યું અને બાપુની સાથે રહીને જીવ્યા. કયારેક ફિનિકસ આશ્રમ તો કયારેક કારાવાસ – આ બધામાં તેઓ સાથે રહ્યાં. મૂલ્યોને પ્રજવલિત રાખતાં ગયાં અને એક દિવસ બાપુના ખોળામાં માથું રાખીને મહાપ્રયાણ માટે ચાલી નીકળ્યાં.
3 thoughts on “યોગિની કસ્તૂરબા – વિમલા ઠકાર”
મને આ સાહિત્ય વાંચી ને લાગ્યુ કે કસ્તુરબા નુ જીવન અને લક્ષ્મણ ના પત્નિ ઉર્મિલા નુ જીવન લગભગ સમાન જેવુ છે. ફરક એક જ કે ઉર્મિલા ના જીવન પતિ વિનાનો ૧૪ વર્ષનો વનવાસ હતો જ્યારે કસ્તુરબા ના જીવન મા ૩૭ વર્ષ બાદ પુરા જીવનનો.
બહુ જ સરસ લેખ.. અભિનન્દન્…
કસ્તુરબા ગાંધી વિષે પુસ્તકો માં ઝાઝું લખાયું લાગતું નથી. પણ તેમણે ગાંધીજી નો ખુબ આકરો તાપ વેઢ્યો હોવો જોઈએ. એક સફળ માણસના પીઠ બળ તરીકે જીવન ભાર સાથ આપ્યો છે. કદાચ તેમણે જીવન ભર તેમને પોતાને શું ગમે છે કે શું નથી પસંદ તેવું ક્યારેય વિચાર્યું નહિ હોય. ખુબ જ સહનશીલ જીવન રહ્યું હશે. આવા કસ્તુબા ગાંધી ને કોટી કોટી વંદન.