આર્ટ ઈઝ બિયૉન્ડ પ્લાન – સોનલ પરીખ 

દેશવિદેશના વાંચનપ્રેમીઓ માટે પહેલી ગુજરાતી વૅબસાઇટ ‘રીડગુજરાતી.કૉમ’ શરૂ કરનાર સાહિત્યપ્રેમી-જીવનપ્રેમી મૃગેશ શાહ ૩૬ વર્ષની ભરયુવાન વયે બ્રેન હેમરેજથી અવસાન પામ્યા તે ઘટના ગુજરાતી પ્રજાને ધ્રુજાવી ગઈ છે.

વિશ્વ માતૃભાષા દિવસે એક અહેવાલ જણાવે છે કે છેલ્લી ત્રણ પેઢીમાં વિશ્વની ૨૦૦ ભાષા લુપ્ત થઈ ગઈ છે, ૫૩૮ ગંભીરપણે લુપ્ત થવાને આરે છે. ૫૦૨ લુપ્ત થવાના રસ્તે છે. ૬૩૨ નાશ પામશે તેવાં એંધાણ છે અને ૬૦૭નું ભવિષ્ય અસલામત છે. ટૂંકમાં વિશ્વમાં બોલાતી છ હજાર ભાષાઓમાંથી બે હજાર નાશ પામે એવી પૂરી સંભાવના છે. યુનેસ્કોના ડિરેકટર જનરલ કોઈચીરો માત્સુરાએ આ સંદર્ભે કહ્યું છે કે ભાષા જ્યારે લુપ્ત થાય છે ત્યારે તેની સાથે જોડાયેલો એક સાંસ્કૃતિક વારસો અને પરંપરા પણ લુપ્ત થાય છે.

ગુજરાતી ભાષાની સ્થિતિ કેવી છે ? અત્યારે તો બાળકોને દાદા-દાદી પોતે પણ ગુજરાતી શીખવું તો પડે છે. નવી પેઢીના તો દાદા-દાદી પોતે પણ અંગ્રેજીભાષી હશે. જાણીતા ચિંતક ગુણવંત શાહના શબ્દો યાદ આવે છે. ‘તમે ભોળા માણસ છો. તમારા સંતાનોનાં સંતાનો ગુજરાતી વાંચવાં-લખવાનું તો જાણતાં જ નથી અને બોલે છે પણ અડધુંપડધું, પરાયુંપરાયું ગુજરાતી. માતૃભાષાના ધીમા મૃત્યુની શરૂઆત થઈ ચૂકી છે.’

ગુજરાતીભાષા વિશે આવી ચિંતા જરા જુદી રીતે દસેક વર્ષ પહેલાં વડોદરાના મૃગેશ શાહના મનમાં પણ જાગી હતી. નવી પેઢીને માતૃભાષાનો સંસ્કારવારસો પહોંચાડવાનું વલોણું તેના મનમાં એવું ચાલ્યું કે તેમાંથી ગુજરાતી ભાષાની પહેલી વેબસાઈટ www.readgujarati.comનો જન્મ થયો. એટલે હાથે મૃગેશભાઈએ આ વેબસાઈટ દ્ધારા ઑનલાઈન મેગેઝિન ચાલુ કર્યું જેના આજે રોજના ૮૦૦૦ જેટલા વિઝિટર્સ છે. ૫૦૦૦ થી વધુ લેખો, એમાંનો કોઈ પણ લેખ એ જ ક્ષણે એક જ ક્લિકે વાંચવાની સુવિધા સાથે ઉપલબ્ધ છે, ઉપરાંત રોજ બે નવા લેખ ડાઉનલોડ થાય. વાચકને એક પૈસાનો ખર્ચ નહીં. ફક્ત એક ક્લિક અને વિચારોનો ખજાનો ‘ખૂલ જા સિમ્સિમ’ની જેમ ખૂલી જાય.

મૃગેશભાઈનો જન્મ નવમી જુલાઈ, ૧૯૭૮માં. તેમના પિતાનું નામ ધનંજયભાઈ ઠાકોરભાઈ શાહ. માતા કોકિલાબહેન. કોકિલાબહેનના મૃત્યુ પછી એકમેકના આધારે જીવતા પિતા-પુત્રમાંથી હવે પુત્ર પણ ચાલ્યો ગયો છે. ભર્યા સંસારમાં સાવ એકલા પડેલા આ નિવૃત્ત બેંક અધિકારી ભાંગી તો પડ્યા છે, પણ દીકરાની રીડગુજરાતી પ્રવૃત્તિને ચાલુ રાખવા કટિબદ્ધ છે. ‘મૃગેશ નાનો હતો ત્યારથી બધાથી અલગ રીતે વિચારતો. યુવાન થયો ત્યારે પુરાણો – ઉપબિષદો સહિત ઘણું બધું પચાવી ગયેલો. કમ્પ્યુટર એપ્લિકેશનનો સ્નાતક થયો, સીએના વિદ્યાર્થીઓ માટે ઈંફર્મેશન ટૅક્નૉલૉજીનાં ત્રણ પુસ્તકો લખ્યાં, ઉપરાંત ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઑફ ઈંડિયામાં વિઝિટિંગ ફૅક્લટી તરીકે લેક્ચર્સ આપતો. રીડગુજરાતી શરૂ કરવાનો વિચાર તેને આ દરમિયાન જ આવેલો !’ તેઓ કહે છે.

એક મુલાકાતમાં રીડગુજરાતીના જન્મની વાત કરતા મૃગેશભાઈએ કહ્યું હતું કે મારી આસપાસ રૂટિનથી ત્રસ્ત પરિવારોને જોતો. વાંચવાની ટેવ નહીં, નવા તાજા વિચારોને અવકાશ બહીં. પ્રશ્રો ઊભા થાય તે યોગ્ય રીતે ઉક્લે નહીં. ઊલટા વધતા જ જાય. એક વાર ક્લાસમાં ભણાવતો હતો. સામે યુવાન ગુજરાતી ચહેરા. મેં ગુજરાતી પુસ્તકો અને વાચનની વાત કરી તો મોટા ભાગનાની પ્રતિભાવ એવો હતો કે એ બધું બોરિંગ છે. હું ઘણા સમય સુધી આ પ્રસંગને ભૂલી શક્યો નહીં. કોઈ ઈનોવેટિવ રસ્તો હોય તો જ આ પેઢી વાંચે. મને તો કમ્પ્યુટર આવડે. બીજું કંઈ જાણું નહી. થયું, એક ગુજરાતી વેબસાઈટ ચાલુ કરું. તેના પર આ પેઢીને વાંચતી કરું.

પણ આજથી થોડાં વર્ષ પહેલાં આ કામ ઘણું કપરું હતું. બારમા ધોરણની યુવકભારતી માટે લખેલા એક ખાસ લેખમાં મૃગેશભાઈએ ઈંટરનેટ પર પ્રાદેશિક ભાષાઓ લખાતી-વંચાતી થઈ તેની રસપ્રદ કડીબદ્ધ માહિતી આપી છે. તેઓ કહે છે કે જો ચક્રની શોધ માનવીનું પહેલું વિરાટ કદમ ગણાય, તો મુદ્રણયંત્રની શોધને બીજું ને ઇ-વર્લ્ડને ત્રીજું વિરાટ કદમ ગણવું જોઇએ. તેની શરૂઆત અંગ્રેજીથી થઈ કારણ કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. હવે પ્રાદેશિક ભાષાઓમાં પણ ઇંટરનેટ ઉપલબ્ધ છે પણ થોડાં વર્ષ પહેલા હિન્દીમાં વેબસાઇટ તૈયાર કરવાનું કામ નાકે દમ લાવી દેનારું પુરવાર થયું હતું. ડાયનેમિક ફોન્ટ અને યુનિકોડના આગમનને તેઓ પ્રાદેશિક ભાષાના સુવર્ણયુગ તરીકે ઓળખાયે છે. ભાષા ઇન્ડિયા.કોમે પ્રાદેશિક ભાષાઓમાં લખવું શક્ય બનાવ્યું, ૨૦૦૫ માં બ્લોગની શરૂઆત, તેનું વેબસાઇટથી પણ વધી ગયેલું પ્રચલન, રીડ ગુજરાતી માટે ઉપયોગી બનેલું ઑપેરામીની વેબ બ્રાઉઝર – આ બધી માહિતી વિદ્યાર્થીઓ, કૉમ્પ્યુટરના જાણકારો અને કૉમ્પ્યુટરથી અજાણ્યાઓ તમામને રસ પડે ને અચંબો પમાડે તેવી રીતે મૃગેશભાઈએ મૂકી છે.

૨૦૦૫ની નવમી જુલાઈએ પોતાના ઘરના બેઠકખંડમાં પોતે વસાવેલાં થોડાં પુસ્તકોના સથવારે મૃગેશભાઈએ પોતાના કમ્પ્યુટર પર રીડગુજરાતી. કોમ શરૂ કર્યું, જે આજ સુધી ત્યાંથી જ તૈયાર થાય છે. જે કંઈ સારું વાંચવામાં આવે તેનો ગમતાનો ગુલાલ કરવાની નેમ. પુસ્તકો-સામયિકોનું વાંચન, ચયન, ટાઈપિંગ-ફોર્મેટિંગ બધું મૃગેશબાઈ એકલે હાથે કરે. ટેક્નૉલૉજીના વિકાસની સામે રીડગુજરાતીનું માળખું પણ બદલાતું જાય. તેનું મોબાઈલ વર્ઝન પણ તેમણે બનાવ્યું હતું. શિક્ષિત, બૌદ્ધિક, ઑફિસના લંચાવર્સમાં કે મુસાફરીમાં સરાસરી નજરે હળવું, ટૂંકું, પ્રેરક લખાણ વાંચતા, તરત જ પ્રતિભાવ મોકલતા અને ન ગમતા બ્લોગ-સાઇટને ‘ક્લોઝ’ કરી દેતા યુવા સાઇબર વાચકથી માંડી જમાનાની સાથે તાલ મિલાવતા પ્રૌઢો-વડીલો પણ શોખથી રીડગુજરાતી વાંચે. મૃગેશભાઈએ વેબવર્લ્ડને અન્ય માદ્યમોનું પ્રતિસ્પર્ધી નહીં પૂરક માન્યું હતું. ઈન્ટરનેટને તેઓ કેળવણીનું પ્રસન્ન વિચારવિકાસનું, પ્રેરણાનું અને વાચનની અનેક શક્યતાઓનું માધ્યમ બનાવી શક્યા હતા. છેલ્લી પાંચ મેની પોંસ્ટમાં તેમણે ‘રીડગુજરાતી એંડ્રોઈડ’ એંપ ડેવલપ કરવા માગે છે તેની વાત કરી હતી.

રીડગુજરાતીએ માતૃભાષાને વૈશ્વિક સ્તર આપ્યું છે. તમામ જાણીતા અખબારો, સામયિકો, રેડિયો અને ટીવી માધ્યમોએ તેની નોંધ લીધી છે. ‘ઊનાળાના બળતા દિવસે લીમડાનો હર્યોભર્યો છાંયો માણસને જે શાંતિ આપે તે શાંતિ મારે રીડગુજરાતી દ્ધારા આજના સ્ટ્રેસકૂલ-હાર્ડવર્કિંગ લોકોને આપવી છે.’ કહેતા મૃગેશભાઈએ રીડગુજરાતીને નવી કલમોને હંમેશાં આવકારી હતી. તેના રોકડ ઈનામો અને અન્ય ખર્ચ ડોનેશનની રકમમાંથી નીકલતા. ખૂટે તો ગાંઠના ગોપીચંદન થતાં. મૃગેશભાઈ માનતા કે સારા કામને સહકાર મળી જ રહે છે. રીડગુજરાતી ઈઝ સ્પોંસર્ડ બાય ગોડ. લેખનને તેઓ માત્ર એક કલા નહીં. પણ જીવનની એક જિંદગીમાં અનેક જિંદગીનું કામ કરી, જાણે અવતારાકાર્ય પૂરું થયું હોય તેમ ચાલ્યા ગયા છે. રીડગુજરાતી ચલાવી પુત્રના આત્માને શાંતિ આપવા માગતા તેમના પિતાની પડખે શું આપણે નહીં ઊભા રહીએ ?

– સોનલ પરીખ (જન્મભૂમિ પ્રવાસી, રવિવાર તાં.  ૮ જૂન ૨૦૧૪)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

25 thoughts on “આર્ટ ઈઝ બિયૉન્ડ પ્લાન – સોનલ પરીખ ”

Copy Protected by Chetan's WP-Copyprotect.