- ReadGujarati.com - http://www.readgujarati.com -

વાંચન : ઘટ્યું છે, પણ અટક્યું નથી… – મૃગેશ શાહ

છેલ્લા કેટલાંક વર્ષોમાં ટૅક્નૉલૉજીએ આપણા જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. રોજબરોજનાં આપણાં કેટલાંય કામ હવે એવાં થઈ ગયાં છે કે જે કદાચ આપણે કોમ્પ્યુટર કે સ્માર્ટફોન વગર ન કરી શકીએ. બિલ ભરવાની લઈને બૅન્ક એકાઉન્ટ સુધી અને ટિકિટ બુક કરાવવાથી લઈને શૉપિંગ સુધીનાં દરેક ક્ષેત્રમાં ટૅક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ આજકાલ જોવા મળે છે. આજે તો માણસને પોતાના ભાવ-સંવેદનાઓ પણ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને સ્માઈલી દ્વારા Feeling wonderful, Feeling Happy કે Feeling Boared… દર્શાવવી પડે છે. જે રીતે કાગળની શોધ થવાને લીધે નવા યુગનો ઉદય થયો હતો, એમ ટૅક્નૉલૉજી થકી જુદાં જુદાં સાધનો દ્વારા વાંચનને જે એક નવી દિશા મળી છે તે જાણે ફરીથી કોઈ નવા યુગનો ઉઘાડ થયો હોય તેવી છે. પુસ્તક તો વાંચન માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે જ. એનું સ્થાન કોઈ ન લઈ શકે, પરંતુ બદલાતા જમાનાની સાથે માણસ પાસે વાંચનનો સમય ખૂબ ઘટતો ગયો છે એ વાત પણ કબૂલવી રહી. રોજ સવારે સાત વાગ્યે ઘરેથી નીકળીને રાતે દસ વાગ્યે ઘરે પહોંચનાર વ્યક્તિ ગમે તેટલો વાંચનનો શોખીન હોય તો પણ તે લાઇબ્રેરી જવાનો સમય તો ન જ ફાળવી શકે. મહાનગરોનો જેમ જેમ વિકાસ થતો ગયો એમ અંતર લાંબા થતા ગયા. કુટુંબો જેમ વિભક્ત થતાં ગયાં તેમ જવાબદારીઓ વધતી ગઈ. આર્થિક જરૂરિય્સાતો વધી એમ ઉચ્ચ શિક્ષણનું મહત્ત્વ પણ વધ્યું… આ બધાં જ નાનાં લાગતાં કારણોથી જ આજે વાંચનની આખી દિશા બદલાઈ ગઈ છે, જે આપણે બરાબર સમજવી પડશે. હવે તરસ્યો કૂવા પાસે પહોંચી શકે એવો સમય રહ્યો નથી, તેથી કૂવાએ જ તરસ્યા પાસે પહોંચવું રહ્યું !

આ કૂવાને તરસ્યા પાસે પહોંચવાનું કામ ટૅક્નૉલૉજીએ ખૂબ સારી રીતે કર્યું. આપણે એને ‘બ્લૉગ’ નામ આપી શકીએ. ગુજરાતી ભાષામાં સૌથી પહેલાં કેટલાંક ગુજરાતી કાવ્યોના બ્લૉગની શરૂઆત 2005માં થઈ. વાંચનની નવી દિશામાં આ પહેલું કદમ કહી શકાય. જેમની પાસે પુસ્તક હોય તે તેમાંથી ચૂંટેલાં મનપસંદ કાવ્યો એક બ્લૉગ એટલે કે ઑનલાઈન ડાયરી સ્વરૂપે મૂકે અને વાચક એને ઑફિસમાંથી જ નવરાશની પળોમાં વાંચી લે ! કેટલી સુંદર સુવિધા ! માત્ર કાવ્ય જ શું કામ ? લ્લોકો ઑનલાઈન વાંચતા હોય તો બધાને પ્રેરાઈને મેં જુલાઈ-2005માં સાહિત્યના તમામ પ્રકારોનો રસ મળવો જોઈએ – એ હેતુથી રીડ ગુજરાતી. કોમ (www.readgujarati.com)ની શરૂઆત કરી. ત્યારથી લઈને આજ સુધી સતત 5000થી વધુ લેખો તેમાં પ્રકાશિત થયા. સામયિકો, પુસ્તકો વગેરેમાંથી ચૂંટેલા લેખોનું ઑનલાઈન ભાથું લોકોને મળવા લાગ્યું અને રોજના વાચકોની સંખ્યા 3000ને આંબી ગઈ. રીડગુજરાતીને રોજની 8000થી વધુ ક્લિક મળવા લાગી. ટૅક્નૉલૉજીના માધ્યમથી એટલે કે પોતાના સ્માર્ટફોન પર, ટૅબ્લેટ પર કે કોમ્પ્યુટર પર વાંચતો આ વર્ગ એવો છે, જે યુવા છે અને ઑફિસના સમય દરમિયાન વ્યસ્તતામાંથી પણ પોતાના વાંચન માટે સમય કાઢી લે છે. ઑનલાઈન વાંચનનો ફાયદો છે કે તમે મનગમતો લેખ મિત્રને ફોરવર્ડ કરી શકો છો કે ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર મિત્રો સાથે શૅર કરી શકો છો. પુસ્તક જેવી ખોવાઈ જવાની કે ફાટી જવાની અહીં કોઈ મર્યાદાઓ નથી. જે લેખ ગમે છે તેમાં ‘કોમેન્ટ’ દ્વારા પ્રતિભાવ આપી શકાય છે અને શક્ય છે કે એ લેખના સર્જક પોતાના વાચકો સાથે એ રીતે લાઈવ સંપર્કમાં રહી શકે છે. વળી, મનગમતો લેખ ગમે ત્યારે ગૂગલ પર સર્ચ કરીને ફરીથી શોધી શકાય છે. જેઓ સતત પ્રવાસમાં રહે છે તેઓ પણ પોતાના સ્માર્ટફોન પર નિરાંતે લાંબો સમય વાંચી શકે છે. ઈન્ટરનેટ દેશ-વિદેશના સીમાડા ઓળંગી જાય છે, આથી ઑનલાઈન પ્રકાશિત થતા લેખો સૌથી ઝડપથી વાચકો સુધી પહોંચે છે.

બ્લૉગ અને વેબસાઈટ પછી હવે લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ તરફ વધારે વળ્યા છે. યુવા વર્ગ પોતાનો મોટા ભાગનો સમય આ વેબસાઈટો પર વીતાવે છે. આથી લેખકો અને સર્જકો પોતાની રચનાઓ સીધેસીધી આ પ્રકારની નેટવર્કિંગ સાઈટ્સ પર પ્રકાશિત કરવાનું વધારે ઉચિત સમજે છે. ગુજરાતીમાં મોટી નવલકથાઓ જેવી લાંબી કૃતિઓ લોકો ઑનલાઈન વાંચવા ટેવાયેલા નથી, પરંતુ તે છતાં ઈ-બુક્સનો યુગ હવે શરૂ થઈ ચૂક્યો છે, એમ ચોક્કસ કહી શકાય. ઘણાખરા ઈ-સામયિકો પણ ઉપલબ્ધ થતાં જાય છે. લોકોને નાનાં અને પ્રેરક લખાણો નેટવર્કિંગ સાઈટ્સ પર વાંચવા ગમે છે. વ્હોટ્સ ઍપ જેવી મોબાઈલ એપ્લિકેશન પર રોજના હજારો લોકો અનેક પ્રકારનાં રમૂજી લખાણો, પ્રેરક વાક્યો, સુવિચાર તેમ જ ટૂંકી બોધકથાઓ વાંચતા હોય છે. આને પણ વાંચનનો એક પ્રકાર જ કહી શકાય ને !

ટૂંકમાં વાંચન અટક્યું નથી. હા, થોડું ઘટ્યું હશે અથવા તો વાંચનની પદ્ધતિમાં જરૂર ફેર પડ્યો છે, તેમ કહી શકાય. પરંપરાગત વાંચનનાં સાધનોને બદલે હવે ટૅક્નૉલૉજીનાં ઉપકરણો લોકોને વધુ સરળ લાગે છે. નવી પેઢી માટે તો એ જ એક આધાર છે. યુવા વર્ગની પુસ્તકાલયોમાં અવરજવર ઓછી થઈ હશે, પરંતુ આજે પણ જેને વાંચનમાં રસ છે તે પોતાનો રસ્તો પોતાની મેળે કરી જ લે છે. સવાલ છે કોઈ પણ રીતે તેમના સુધી સત્વશીલ અને વિચારપ્રેરક વાંચન પહોંચાડવાનો. જો એમને એમની વ્યસ્તતા વચ્ચે પણ હૂંફ આપે, હકારાત્મક વિચારધારા પ્રગટાવે તેવું વાંચન ક્યાંથી પણ મળી રહેશે, તો તેઓ વાંચવાના જ છે. પુસ્તકાલયોમાં પુસ્તકો ભલે ધૂળ ખાતાં દેખાય, પરંતુ તેમાંનો અર્ક તો ટૅક્નૉલૉજીનાં માધ્યમ દ્વારા લોકોનાં જીવન સુધી ખૂબ ઝડપથી પહોંચી ગયો હશે. ટૅક્નૉલૉજીની આ જ કમાલ છે ! હાથમાં દેખાતું કાગળ એક મિનિટમાં સ્કેન થઈને ઈ-મેઈલ દ્વારા વિશ્વના બીજા ખૂણે પહોંચી જાય છે. આપણને તો રસ છે શુભ વિચારોના પ્રચાર-પ્રસારમાં અને એમાં આજના યુગમાં ટૅક્નૉલૉજી આપણને મજબૂત ટેકો આપી રહી છે.

– મૃગેશ શાહ

‘જન્મભૂમિ’ વર્તમાનપત્ર સાથે તા. ૯ જૂન ૨૦૧૪ના રોજ પ્રસ્તુત થયેલ ‘જન્મભૂમી જન્મદિન ટેકનૉલૉજી વિશેષાંક’માં મૃગેશભાઈ દ્ધારા લખાયેલો વિશેષ લેખ પ્રસ્તુત થયો હતો. સ્વ. મૃગેશભાઈનો શક્યતઃ આ છેલ્લો લેખ છે.