અસ્મિતાપર્વઃ૧૭ (ભાગ-૨) મુકુન્દરાય પારાશર્ય વિશે.. – મીનળ દવે

[ પ્રતિવર્ષ હનુમાન જયંતિ નિમિત્તે પૂ. મોરારિબાપુના સાંનિધ્યમાં મહુવા ખાતે યોજાતા અસ્મિતાપર્વના કેટલાક ચૂંટેલા સારરૂપ વક્તવ્યોનું આપણે અહીં રસપાન કરીએ છીએ. ચાલુ વર્ષે શ્રી મીનળ દવે દ્વારા સર્જક વિશેષ પરિચયમાં શ્રી મુકુન્દરાય પારાશર્ય વિશે આપેલ વક્તવ્ય આજે અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. કેટલાક અન્ય વક્તવ્યો પણ આપણે સમયાંતરે માણતાં રહીશું. – રીડગુજરાતી.]

આદરણીય બાપુ તથા પ્રિય મિત્રો, મુકુન્દરાયના સર્જન વિશે વાત કરું એ પહેલા ત્રણ નાની ઘટનાઓ તમારી પાસે મૂકી આપું. આ સર્જકને ઓળખવામાં આ ઘટનાઓ મદદરૂપ થશે. લગભગ સવાસો વર્ષ પહેલા મોરબીના એક ભટ્ટજી કથા કરીને ઘરે આવ્યા, સાથે થોડીક સંપત્તિ પણ આવી હશે. કોઈ ચોરેને ખબર પડીને રાત્રે છાપો માર્યો. પટારો ખોલ્યો ને અંદર હાથ નાખવા જાય ત્યાં ભટ્ટજી જાગી ગયા ને ચોરનો હાથ એટલી મજબૂતાઈથી પકડ્યો કે હાથ પટારામાંથી બહાર નીકળી પણ ન શકે અને એ છટકી પણ ન શકે ; અને ત્યારે ભટ્ટજીએ ચોરને કહ્યું કે, ‘ભાઈ! બ્રાહ્મણના ઘરના પટારામાં પોથી હોય, પૈસા ન હોય. પણ તું મારા ઘેર આવ્યો છે તો તને ભૂખ્યો નહીં જવા દઉં, ખાલી હાથે નહીં જવા દઉં.’ એને જમાડ્યો, થોડાક પૈસા આપ્યા અને સન્માર્ગે જવાનો ઉપદેશ આપ્યો. આ પહેલી ઘટના.

આ ઘટના બન્યાના લગભગ પાંચેક દાયકા પછી એ જ કુટુંબના એક બીજા સભ્ય સાથે બનેલી બીજી ઘટનાઃ એ કુટુંબના મોભીના પત્નીનું અવસાન થતા તેની પાછળ શ્રીમદ્દ ભાગવત પારાયણ બેસાડવામાં આવી હતી. આ મોભી નિયમિત ભાગવત સાંભળવા બેસે ત્યારે હાથમાં બાંધેલી સોનાની ઘડિયાળ બાજુમાં મૂકી દે. એક ભગવા વેશધારી વ્યક્તિ ત્યાં આવીને બેસે. છેલ્લે દિવસે પેલા વ્યક્તિએ ધીમેથી સોનાની ઘડિયાળ સેરવી લીધી. કથા પૂરી થઈ મોભીનું ધ્યાન તો ગયું કે ઘડિયાળ નથી, પણ કશું બોલ્યા નહીં. કથા સાંભળી જનાર દરેક લોકોને શીખ આપી એમ એ વ્યક્તિને પણ પોતાને ગામ પાછી જવા માટે ફર્સ્ટ કલાસનું ટ્રેનનું ભાડું આપ્યું અને સાંજે જ્યારે એ વ્યક્તિ ટ્રેનમાં બેઠી હશે ત્યારે આ મોભી સ્ટેશન પર મળવા ગયા. જોયું તો પેલી વ્યક્તિ તો થર્ડ કલાસના ડબ્બામાં બેઠી છે, તો પણ કશું બોલ્યા નહીં. એમને વંદન કર્યા અને પછી કહ્યું કે, ‘તમે સવારે સોનાની ઘડિયાળ લીધીને ત્યારે સાંકળી લેવાનું ભૂલી ગયા હતા, આ સાંકળી હું તમને આપવા આવ્યો છું.’ આ બીજી ઘટના.

લગભગ થોડાક વર્ષો પછી બનેલી ત્રીજી ઘટનાઃ આ જ કુટુંબની એક વ્યક્તિ અંગ્રેજ સરકારના શાસન સમયે ભાવનગર રાજયની અંદર રેશનિંગ ખાતામાં કામ કરે. બીજા વિશ્વયુદ્ધના કારણે તંગી. આ વ્યક્તિ રેશનિંગ ખાતામાં કામ કરતી હોવા છતાંય ઘરમાં ક્યાંય વધારાનો અનાજનો દાણો ખુલ્લી રીતે ન આવી જાય એનું બરાબર ધ્યાન રાખે. એક રેશનિંગના વેપારીને વિચાર આવ્યો કે, ‘આ વ્યક્તિનું કુટુંબ તો બહોળું છે, અને આ ખાતાના અધિકારીને ઘેર અનાજની તંગી પડે એ ચાલે?’ એટલે જઈને અનાજનો મોટો થેલો એમને ઘેર મૂકી આવ્યા. સાંજે ઘરે આવ્યાને ખબર પડી કે કાળાબજારનું અનાજ એમને ઘરે પહોંચ્યું છે, તો અનાજનો થેલો લઈ પેલા અધિકારીને ત્યાં પહોંચ્યા અને અનાજ પાછું આપ્યું ને સન્માર્ગે ચાલવાની શિખામણ આપતા કહ્યું કે, ‘મને જેટલું અનાજ મળે છે એમાંથી ઘર કઈ રીતે ચલાવવું તે હું અને મારા ઘરના સભ્યો સારી રીતે જાણીએ છીએ.’

આ ત્રણ ઘટનાઓ એક પુસ્તકમાં મૂકાય છે, પણ જો હમણાં ઈન્ટરનેટના માધ્યમથી ફેસબૂક પર મૂકી હોત તો ઓછામાં ઓછા ૨૫ હજાર લાઈકસ આને મળ્યા હોત કારણ કે, આજે જ્યારે મૂલ્ય હ્રાસનો સમય આવી ગયો છે ત્યારે આવી મૂલ્યોનું સંવર્ધન કરતી ઘટનાઓ બહુ ઓછી મળે છે અને આ ત્રણે ત્રણ ઘટનાઓ એક જ કુટુંબની હતી. ત્રીજી ઘટના તે આપણા સર્જક મુકુન્દરાય પારાશર્ય. સોનાની ઘડિયાળની વાત કરી તે મુકુન્દરાયના પિતરાઈ કાકા પ્રભાશંકર પટ્ટણી અને પ્રથમ ઘટના હતી મુકુન્દરાયના પ્રપિતામહ છોટાભાઈ ભટ્ટની. બાર વર્ષની વયે છોટા ભટ્ટે કૂવામાં પડવાના કારણે પત્ની ગુમાવી હતી, ફરી ક્યારેય પરણ્યા નહોતા પણ કથા કરતા જે પૈસા મળે તેમાંથી એક જ કામ કરતા હતાઃ થાળા કે પાળ વિનાના જે કૂવાઓ હોય એને થાળા અને પાળ બંધાવતા હતા. આવા વાતાવરણમાં, પરિવેશમાં, પૂર્વજો અને વડીલોની વચ્ચે જે વ્યક્તિને રહેવાનું મળ્યું હોય એ વ્યક્તિ જ્યારે આપણી પાસે ગદ્ય, વિવેચન, સંપાદન કે નવું સર્જન લઈને આવે ત્યારે એ જે સાહિત્ય હોય એ પોતાના સમકાલીન સાહિત્ય કરતા નોખું પડતું હોય તો આપણને જરા પણ અચરજ કે આશ્ચર્ય ન થવું જોઈએ.

૧૩મી ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ મુકુન્દરાય પારાશર્યના જન્મને સો વર્ષ પૂરા થયા અને ૧૯ મે, ૨૦૧૪ના રોજ તેમના અવસાનને પણ ૨૯ વર્ષ પૂરા થયા છે, તો હાલમાં તેમની વાત કરવાની કોઈ પ્રસ્તુતા ખરી? જેમના જન્મને સો વર્ષ પૂરા થઈ ગયા હોય અને એમના કાવ્યો અને સત્યકથાઓ એ બધું વીસરાઈ ગયેલા જમાનાની વાત કહેતી હોય છે. એમની એક સુંદર કવિતાની વાત આપણને આજના જમાનાની વાત પણ કહી જાય છે. આ કાવ્ય એમના પ્રથમ કાવ્યસંગ્રહમાંથી લેવાયું છે. એમણે અને એમના ફોઈના દીકરા પ્રબોધ ભટ્ટનો સંયુક્ત કાવ્યસંગ્રહ ‘અર્ચન’ એકસાથે પ્રગટ થયો હતો. આ કાવ્યને સમજ્યા પછી આપણે જાણી જઈશું કે આ કવિ સો વર્ષ પછી પણ પ્રસ્તુત છે કે નહીં. કાવ્યનું શીર્ષક છે, ‘સૌથી મોટો પ્રશ્ન’

‘એક દિન મહેતાજીએ છોકરાને પ્રશ્ન કર્યો,
ઈતિહાસ વિશે પ્રશ્ન સૌથી કયો મોટો છે?
યાદ કરીને છોકરાઓ પ્રશ્નનો વિચાર કરે
મહેતાજીની આંગળીની ચીંધ સૌ માથ ફરે.’

એક વખત શિક્ષક એક પ્રશ્ન પૂછે છે, સૌ બાળકો તેનો ગંભીરતાથી વિચાર કરે છે, ઈતિહાસ વિશે મોટો પ્રશ્ન કયો છે તે બાબતે સૌ પોત પોતાનો તર્ક લડાવે છે. કુરુક્ષેત્ર, ટ્રોય કેરો, ફ્રેન્ચ ક્રાંતિ અને ધારાઓ વિશે વિચારે છે, તો વળી અવનવી શોધો તથા ધર્મનો પણ વિચાર આવે છે. સિપાઈઓના બળવાઓ અને સત્યાગ્રહના ગોટાઓ પણ આવે છે, પણ સાચો જવાબ કોઈને પણ મળતો નથી. છેલ્લે બેઠેલો એક ગરીબ છોકરો જવાબ આપે છે,

‘છેલ્લે બાંક છેલ્લો રાંક છોકરો જવાબ દે,
સા’બ! સા’બ! પ્રશ્ન એક રોટલાનો મોટો છે.’

જ્યાં સુધી માણસના પેટ ભૂખ્યા હશે ત્યાં સુધી આ કવિ ક્યારેય અપ્રસ્તુત બને એવું મને નથી લાગતું.

મુકુન્દરાય પારશર્યનું એક સરસ કાવ્ય છે ‘અલકા’. તેની પાછળનો એક નાનો રસિક ઈતિહાસ છે. મુકુંદભાઈ લખે છે કે, ‘મેઘદૂત જ્યારે વાંચ્યું ત્યારે બહુ જ મજા આવી હતી, પણ એવું લાગ્યું કે બહુ ઉતાવળે વાંચ્યું છે એટલે કદાચ કેટલીક વસ્તુ મારાથી ચૂકાય ગઈ હશે. કઈ વસ્તુ ચૂકાઈ હશે? તો કે પહેલો વરસાદ પડે અને છોકરાઓ નીકળી પડે ને વરસાદને જે રીતે ઝીલતા હોય ને ન્હાતા હોય એનું વર્ણન તો કાલિદાસે કર્યું જ હોય ને! અષાઢ મહિનામાં વરસાદ શરૂ થતા ચર્તુમાસમાં મંદિરોમાં ભજન-કીર્તન, ઈશ્વરની સ્તુતિ થાય તે તો કાલિદાસ નહીં જ ચૂક્યા હોય ને?’ એમણે ફરીથી મેઘદૂત વાંચ્યું અને એમને એવું લાગ્યું કે આ તો કદાચ એમાં નથી અને એમને થયું કે આ વાત તો આવવી જ જોઈએ અને એટલે જ એમણે બીજા બધા સંસ્કૃત કાવ્યો, નાટકોમાં લખાયેલા અને ૠતુના વર્ણનોને એમણે સંગ્રહિત કર્યું અને એમાંથી આવ્યું ‘અલકા’ કાવ્ય. ગુજરાતી સાહિત્ય અને ભાષાના જે અભ્યાસી છે તે જાણે છે કે ‘વસંતવિલાસ ફાગુ’ નામનું આપણું એક ઉત્તમ કાવ્ય. એ કાવ્યના કવિનું નામ અજ્ઞાત છે, પણ એમણે જે જે વર્ણનો આપ્યા છે એ વર્ણનોના સમર્થનમાં સંસ્કૃત અને પ્રાકૃતમાંથી એવા જ વર્ણનની પંક્તિઓ સાથે મૂકી આપી છે. એટલે આજે જ્યારે આપણે આંતરકૃતિત્વની વાત કરતા હોઈએ એના વર્ષો પહેલા મુકુંદરાય આ કાર્ય આપણી પાસે કરી ચૂક્યા છે.

મુકુન્દરાય પારશર્યના પરિવારની મૂળ અટક તો હતી ભટ્ટ. પરિસ્થિતિના કારણે એમના પ્રપિતામહ પોરબંદર છોડીને મોરબી આવીને વસ્યા. આ કુટુંબના એક સભ્ય અને મુકુન્દરાયના પિતરાઈ કાકા પ્રભાશંકર પટ્ટણી રાજકોટ કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક ભટ્ટ પરિવારને ત્યાં એમને જમવાનું થાય. એક વખત એ ભટ્ટ પરિવારની સ્ત્રીએ એમને અટકની બાબતમાં મહેણું માર્યું અને પ્રભાશંકરે ભટ્ટ અટક ત્યજી દીધી અને પ્રભાશંકર પટ્ટણી બન્યા. એમના ભત્રીજા મુકુન્દરાયે એ પટ્ટણી અટક પણ ત્યજી દીધી. ત્યજી એટલે છોડી દીધી, એ અર્થમાં નહીં પણ પરાશર ગોત્રના હોવાના કારણે કવિતા લખતી વખતે એમણે ‘પારાશર્ય’ ઉપનામ ધારણ કર્યું અને પછી એ જ એમની ઓળખ બની ગઈ. તો એક જ પરિવાર ભટ્ટ, પટ્ટણી અને પારાશર્ય- એમ આગળ વધતો ગયો.

આ પરિવારના સંસ્કારોએ નાનપણથી જ મુકુન્દરાયને પ્રેરવાનું કામ કરેલું. એમના પિતા વિજયશંકરે અનેક વ્યવસાયો કર્યા હતા. સૌરાષ્ટ્રમાં પહેલી ખાંડસરીનું કારખાનું નાખેલું. આ ઉપરાંત, સિનેમા નિર્માણ અને વિતરણનું કાર્ય પણ કર્યું હતું. આ ઘરના વાતાવરણ અને વારસાએ બાળકોને સિનેમાની બદી અને બુરાઈઓથી બચાવ્યા હતા. બાળક નાનું હોય અને માંદું પડે ત્યારે ઔષધ તો આપવામાં આવે જ, પણ ઘરની કોઈ પણ વ્યક્તિ એ બાળક કે બીમાર વ્યક્તિના માથે હાથ ફેરવે અને જુદા જુદા સ્ત્રોતનું ગાન કરે. રોજ સવારે અને સાંજે ઘરમાં સામૂહિક રીતે પ્રાર્થના થાય. ઋતુ બદલાય એની સાથે પ્રાર્થનાઓ પણ બદલાય. આ જે સંસ્કારો હતા એ સંસ્કારોએ કવિની કાવ્યબાનીમાં સંસ્કૃત શૈલી અને તત્સમ્ શબ્દોનો પૂરેપૂરો પ્રભાવ પાડ્યો છે. પણ માત્ર સંસ્કૃત, તત્સમ શબ્દો કે સંસ્કૃત પ્રભાવ એ જ એમની કવિતાની ઓળખ નથી. આ એક એવા કવિ છે કે જેમણે હંમેશાં સત્યની શોધ કરી છે, જીવનમાં સદ્દ્ને શોધવા મથ્યા છે અને એ જ એમની કાવ્યની અંદર પ્રગટતું રહ્યું છે. આ એવા આધ્યાત્મિક કવિ છે કે જેમણે સંસારમાં રહીને પણ ઈશ્વરને પામવા માટેની મથામણ કરી છે અને મથામણ કરતા-કરતા એમને સંસાર ક્યારેય બેસૂરો લાગ્યો નથી. એમનું એક કાવ્ય આપણને આ જ વાતની પ્રતીતિ કરાવે છે. કવિ કઈ રીતે સંસારને ચાહતા ચાહતા ઈશ્વર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે તે અહીં જોવા મળે છે. કાવ્યનું શીર્ષક છે, ‘ધરતીને અડીને’. આ કાવ્યની નાયિકા એ જીવનના બધા જ અનુભવોમાંથી પસાર થઈ ગયેલી એક વૃદ્ધ સ્ત્રી કામ કરતાં-કરતાં અને લોકોને મદદ કરતાં-કરતાં પોતાની વાત ક્યારેક માંડીને બેસે છે.

‘આ ધરતીને અડીને ઊભું છે આભ, એમાં કંઈ જ નથી છેટું, છે ઓરું.
ધરતી જેવું એમાં કશું લીલું નથી, સરવાળે સાવ બધું કોરું.’

એક વાર નાયિકાને ધરતી અને આકાશ નજીક લાગે છે, પછી તો એ ઊભી થઈને આ નજીક દેખાતા સ્વર્ગમાં જાય છે. સ્વર્ગની થોડી વાત પણ કવિતામાં આવે છે, તો નરસિંહ અને મીરા જેવા ભક્તોને જોવાની નાયિકાની ઈચ્છા પણ વ્યક્ત થઈ છે. ત્યાં તો એને રાધાવર સાક્ષાત ભગવાન જ મળી જાય છે! પછી તે નાયિકાને આખું સ્વર્ગ બતાવે છે, પાછી ફરતી નાયિકાને ઈશ્વર રોકે પણ છે, પણ નાયિકા તો પોતાના બાકી કામો ભગવાનને ગણાવી ધરતી પર પાછી ફરે છે. પાછી આવેલી તે સ્ત્રીને હરિને કોચવાતા મૂકીને આવ્યાનું દુઃખ પણ થાય છે. અહીં ભાષાની મીઠાશ, સાવ સાદી અને તળપદી ભાષામાં એક ભક્તહ્રદયને આપણી પાસે ખુલ્લું મૂક્યું છે. છેલ્લી કડીમાં કવિ જે વાત કરે છે તે આખી ભક્તિનું રહસ્ય આપણી પાસે ખોલી આપે છે.

‘જેને સાંભળીને દળણા દળું ને ગાઉં પ્રભાતિયા ખાતે,
શું કે રાત કરું કામ એને નામ બેન જીવું હું એમને નાતે.
હું જેવી તું તેથી કીધી આ વાત, બાકી ઘરડાની વાત હોય કેવી,
મર્મની અનુભવી હોય તે જાણે, નકર મનમાં જ રાખવા જેવી.
તે દીનું બેન મારું લીલું ખેતર મને લાગે ના સીમમાં કોરું
આ ધરતીને અડીને ઊભું છે આભ, એમાં કંઈ જ નથી છેટું, છે ઓરું.’

હરીન્દ્ર દવે મુકુંદરાય પારાશર્યને લખે છે કે, ‘તમારી સત્યકથાઓ અને થોડી સચ્ચાઈભરી કવિતાઓને કારણે આ ભાષા બોલતો દરેક માનવ તમારો કૃતજ્ઞ રહેશે.’ એની નીચે આપણને સહી કરવાનું મન થાય કે ખરેખર આ વાત બહુ સાચી છે. ગુલાબદાસ બ્રોકરે એક વખત એવું લખ્યું હતું કે, ‘હું ઘણા બધા માણસોને ઓળખું છું, પણ જેને જોઈને તરત જ મારા મનમાં થાય કે આ પ્રભુનો માણસ. એવા બહુ ઓછી માણસો મેં જોયા છે અને મારા મિત્ર મુકુંદરાય પારાશર્ય એમાના એક છે એ વાતનું મને ગૌરવ છે.’

આ એવા કવિ છે જેને નિયતિએ મુઠ્ઠી ભરીને મુશ્કેલીઓ, સમસ્યાઓ અને દુઃખ આપ્યું છે. સ્નાતક થયા પછી મુકુંદરાય પારાશર્યએ પી.એચ.ડી. નો અભ્યાસ શરૂ કર્યો, થિસીસ લખીને પેટીમાં મૂકીને ચાલ્યા નોકરીએ. થોડા દિવસ પછી પાછા આવીને યુનિવર્સિટીમાં સબમીટ કરાવવા પેટી ખોલી તો માત્ર કાગળનો ભૂક્કો. ઊધઈ એ થિસીસ ખાઈ ગઈ હતી. થોડાક સમય પછી કાવ્યસંગ્રહ ‘ભદ્રા’ની હસ્તપ્રત તૈયાર કરી તે લઈને જામનગર જવા ટ્રેનમાં બેઠા. રસ્તામાં એ ચોરાઈ ગઈ. ‘ગૌરી’ નામની નવલકથા છાપખાનામાં છપાવા આપી તો ૧૧૧ પાનાં છપાયા ને હસ્તપ્રત અદ્રશ્ય થઈ ગઈ. સૌથી મોટી ચરમસીમા ત્યારે આવી જ્યારે ભાવનગરમાં રેશનિંગ ખાતામાં નોકરી કરતા હતા અને આઝાદી પછી રાજયોનું વિલીનીકરણ થતાં ૨૦ વર્ષની નોકરી પર તાળું મરાઈ ગયું. પછી એક ખાનગી સંસ્થામાં કામ કરવાનો વારો આવ્યો અને ઓછામાં ઓછા પગારમાં એમણે પોતાની સદ્દ્વૃતિ જાળવી રાખી. આ કવિના કાવ્યમાં, વ્યવહારમાં, વાણીમાં ક્યારેય કટુતાનો અનુભવ આપણને થતો નથી.

ઉમાશંકર જોશીએ એમના મૃત્યુ પછી પરિવારને જે પત્ર લખ્યો હતો એમાં લખ્યું હતું કે, ‘ભરતકુંજમાં(મુકુંદરાય પારાશર્યનું ઘર) જ્યારે આવું છું ત્યારે હું તપોવનમાં પ્રવેશતો હોઉં એવો મને અનુભવ થાય છે.’ અંતે તેઓ કહે છે કે, ‘મુકુંદરાય પારાશર્ય હતા ત્યારે પણ આપણા ક્યાં રહ્યા હતા? એ ભગવાનના માણસ થઈ ગયા હતા અને અત્યારે જ ભગવાનના માણસ તરીકે જ આપણી વચ્ચે છે.’ ગુજરાતી ભાષાના મોટાભાગના વિવેચકોએ એમની કવિતા અને સત્યકથા વિશે લખ્યું જ છે. મુકુંદરાય પારાશર્ય કેવા માણસ હતા? તેમના જ એક દુહાથી તેમની વાત કરીએ. બે પંક્તિમાં જો આપણે તેમને ઓળખવા હોય તો આ દુહાની જ વાત કરવી જોઈએ.

‘મરને તળિયે જીવીએ દુનિયા દેખે નઈ,
મકના એવી છીપ થા કે મોતી પાકે મઈ.’

તળિયામાં જીવતા હોઈએ પણ દુનિયાને ખબર ન પડે કે છીપલી ક્યાં છે? પણ જે મોતી નીપજે ને એની કિંમત તો અબજોમાં અંકાય. બધો જ ભાર, રેતી, માછલીનું વજન ઝીલતા ઝીલતા પણ અંદરથી મોતી પકવવાનું.

મુકુંદરાય પારાશર્યની વાત કરવી હોય તો એમની સત્યકથાઓ અને એમાં પણ ખાસ કરીને ‘મારી મોટી બા’ની વાત કર્યા વિના રહી જ ન શકાય. એમના દાદી અવલકુંવરે થોડા વર્ષોમાં આંખ ગુમાવેલી. મોટાભાગના વ્યક્તિ એમની સલાહ લેવા આવે. મોટી બા ડહાપણની જે વાતો માંડે એ વાતો સાંભળીને મુકુંદરાય પારાશર્યનું ચારિત્ર્ય ઘડાયું. એમને થયું કે મોટી બા જે વાતો કરે છે એ વાતો પોતે ક્યાંક નોંધવી જોઈએ. એમણે આ વિશે પિતાને પૂછ્યું તો પિતાએ બહુ સરસ જવાબ આપતા કહ્યું કે, ‘માત્ર લખવા ખાતર લખવું છે કે એને જીવવું છે?’ આ સરસ વાત મુકુંદભાઈએ નોંધી છે. તેમને થયું કે આ જે સમયખંડ છે તે ધીમે ધીમે નષ્ટ થઈ રહ્યો છે.આ જે બધા મનુષ્યો છે તે હવે નથી મળવાના. આ બધા માણસો જાણે કે સતયુગના છે.

દસ-બાર વર્ષના મુકુંદરાય ઘરમાં હતા ને બારણે કોઈ ભિખારીનો અવાજ આવ્યો. અંધ મોટી બાએ બારણે કોણ છે તે જોઈને તેને કંઈક આપવાનું કહ્યું. એકાદ દીકરાએ કહ્યું, ‘છે કોઈ ભિખારી જેવો એને શું આપવાનું? પછી એ લોકોને ટેવ પડી જાય.’ મુકુંદરાયે કયું કે, ‘આટલા બધા ઘેર ફર્યો હશે, કોઈએ નહીં આપ્યું હોય? આપણે આપવાની શી જરૂર છે?’ મોટી બાએ જિંદગીનો બહુ મોટો પાઠ શીખવાડતા કહ્યું કે, ‘બધાએ તમારી જેમ જ માન્યું હશે કે બીજા આપશે અને ભીખ માગવી એ ખોટી વસ્તુ છે એ વાત સાચી, પણ જેને જરૂરિયાત હોય એ માગતો હોય અને જેની પાસે એ જરૂરિયાત સંતોષવાની વસ્તુ હોય એ છતાંય ન આપે ને એ એનાથી પણ વધારે ખરાબ. ભૂખ્યો તો દુશ્મન ઘેર આવે ને તો એનેય ખાવાનું આપવું જોઈએ.’ દુકાળનું વર્ષ હતું ને ઘરમાં ખાવાનું ખૂટ્યું હતું, તો પણ મોટી બા જેટલા પણ અનાથ બાળકો હતા એ બધાને પોતાને આંગણે લાવતા. કેટલીય દીકરીઓને, દીકરાઓને તેમણે મોટા કર્યાં હતા. જેણે પોતાના ઘરમાં નાનપણથી આ બધી વસ્તુઓ જોઈ હોય અને પછી જ્યારે એ લખે ત્યારે કટુતા, વિષાદ કે સંસારની કડવી બાજુ નહીં આવે. કોઈને કદાચ એવું લાગે કે આ એકાંગી છે, અખિલ દર્શન નથી. તો એમણે કહ્યું છે કે, ‘બધું જ જોઈ શકાય છે, બધું જ દેખાય છે પણ મારો આશય, હેતુ તો પહેલેથી જ જીવનની ઉત્તમ બાજુઓ જોવાનો અને એનું જ આલેખન કરવાનો છે, જેને કારણે સદ્દ્જીવન આપણા લોકો સુધી પહોંચતું જાય.’ મોટી બાએ એમને કહ્યું હતું કે, ‘દરેક માણસમાં સારપ અને ખરાબી તો હોવાની જ. આપણો જેવો સ્વભાવ એવું આપણે લેવાનું.’

મુકુંદરાયે એક દોઢ પાનાંની સત્યઘટના લખી છે જેનું શીર્ષક છે ‘સીમમાં વસ્તી’. ઈતિહાસમાં આ કોઈ સત્યઘટનાના પાત્રોના નામ લખાવાના નથી. ઈતિહાસ તો માત્ર રાજા-મહારાજાઓના લખાય કે જેમણે લાશના ઢગલા પાડ્યા હોય. જેમણે વૃક્ષો ઉછેર્યાં હોય, લોકોના પેટ ભરવા માટે અનાજ વાવ્યું હોય, તનતોડ મહેનત કરી હોય ને પરસેવો પાડ્યો હોય એની વાત આપણે ક્યારેય ઈતિહાસમાં લખવાના નથી અને મુકુંદરાયે એવી વ્યક્તિઓને આપણી પાસે સત્યકથાઓમાં મૂકી આપી છે. સામા પટેલ એનું નામ. વૃદ્ધ થયા ને પગ ડગમગવા માંડયા અને એમને કામ કરવાનું મન થયું. એમણે ગામની સીમમાં એક વડલો હતો એની પાસે આઠ-નવ પીપર વાવી. પછી બન્યું એવું કે એ વર્ષે વરસાદ મોડો ને સામા પટેલના કૂવામાં પણ પાણી ખૂટી ગયું, તો થોડે દૂર એક કૂઈમાંથી કાવડ ભરીને પાણી લાવે ને પેલી પીપર ને વાવે. રસ્તે જતાં કોઈકે પૂછયું કે, ‘ભાઈ! હાથપગ ચલતા નથી ને ભાભા આટલું બધું પાણી શું કરવા લઈ આવો છો? રહેવા દો ને.’ તો તેઓ કહે, ‘ના, આ એવો માર્ગ છે કે રસ્તામાં કોઈ ઝાડ નથી. લોકો અહીંથી ચાલતા પસાર થાય ને જરાક છાંયો મળે, ઢોર બેસે, માણસ બેસે, પંખી બેસે એના માટે થઈને વાવું છું.’ તો પેલો માણસ કહે છે, ‘વાવવું હોય તો એકાદ ઝાડ વાવો, આટલા બધા શું કરવા?’ અને સામા પટેલે જે જવાબ આપ્યો, આપણા કોઈ પણ પર્યાવરણવિદ્દ આ જવાબ નહીં આપે. એણે કહ્યું કે, ‘ભાઈ, આપણે માણસ ગામમાં રહેતા હોઈએ એટલે એકબીજાને મળતા હોઈ, પણ ધારો કે સીમમાં રહેતા હોય ને કોઈને મળવાનું મન થાય તો ગામમાં જઈ મળીને પાછા આવીએ, પણ એકલું ઝાડવું હોય તો એને પણ કોક’દી એકલું લાગે ને? એને કો’કને મળવાનું મન થાય તો એ જાય ક્યાં? એટલે હું આ ચાર-પાંચ પીપર વાવું છુ.’ આજે આપણે પર્યાવરણની વાત કરીએ છીએ, દિવસો, વર્ષો ને મહિનાઓ ઉજવીએ છીએ, પણ આ પ્રેમ છે ઝાડ માટેનો આપણી પાસે?

એવું જ એક મૂળવાજી ઠાકોરને વફાદાર રહેતું પાત્ર એટલે દાનો કોળી. એણે જોયું કે કારભારી અને ગામનો વાણિયો હાલતા-ચાલતા મૂળવાજી ઠકોરને કશું પણ કહી જાય. એનાથી આ સહન ન થાય, કયારેય ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી હોવા છતાં એ કારભારી અને વાણિયાને ત્યાં ચોરી કરી ધન દાટી દે છે. કોઈને ખબર ન પડી કે ચોરી કોણે કરી છે. ઘણો વખત વીતી ગયા પછી એક વખત દરબારમાં આવીને પોતે પેલી બે ચોરી કરી હતી તેની કબૂલાત કરી. સોનાના સિક્કા જે કોથળીમાં રાખ્યા હતા એ રેશમી કોથળી સળી ગઈ હતી, પણ એક પણ સિક્કો ઓછો નહોતો થયો. કારભારી અને વેપારીએ એને પૂછયું કે, ‘તે આમાંથી કશું લીધું કેમ નહીં?’ તો કહે, ‘લેવાતું હશે? લઈએ તો પાપ પડે. આ ચોરી કરીને તોય મારો બાપ મરી ગયો. આનો રૂપિયો વાપર્યો હોત તો મારું શું થયું હોત? મારાથી બાપુનું જે અપમાન થતું હતું તે સહન નહોતું થતું એમને પાઠ ભણાવવા મેં આ ચોરીએ કરી હતી.’ પછી દાના કોળીને મુકુંદરાયના દાદા જે વૈદક પણ જાણતા હતા તેમની સાથે કામ કરવાનું સોંપાયું. દાદાએ એને દોથો ભરીને અમુક વનસ્પતિ લાવવા કહ્યું. દાનો કોળી થોડાક જ મૂળિયા લઈને આવ્યો ને કહ્યું કે, ‘હું સવારે ગયો ને એના પાંદડાં પર જે પાણીનાં ટીપાં પડ્યા હતા, ને મને થયું કે આને ઉખેડવાનું પાપ મારાથી થાય? મને બીજું કોઈ કામ આપો, ઉગાડવાનું કામ કહો, ઉખેડવાનું નહીં.’ આ બધા માણસો ખબર નથી ક્યાંક ખોવાઈ ગયા છે, મુકુંદરાયે આપણી પાસે માણસોને જીવતા કરવાનું કામ કર્યું છે.

રમેશ પારેખે જેમ મીરા સામે પારના કાવ્યો લખ્યા છે ને એ પહેલા રમેશ પારેખ, અનિલ જોશી કે મનોજ ખંડેરિયાને પણ પોતાનું નામ લખવાનું મન થાય એવા કાવ્યો મુકુંદરાય પારાશર્યએ લખ્યા છે. એવા જ એક કાવ્યની આપણ વાત કરીએ, કાવ્યનું શીર્ષક છે ‘હરિમાં હોમ્યો મેં સંસાર…’

‘હરિમાં હોમ્યો મેં સંસાર ને એની ડીલે ચોળી રાખ,
જીવ્યો રાખીને શેની ઝંખના, તેનો અંતર્યામી શાખ.
હરિનું ગણીને મેં જાળવ્યું, સઘળું ધર્યું હરિને પાય,
હતું જે જેનું થઈ રહ્યું મારે હરખ ન માય.
હરિએ સ્વીકર્યો સંસારને મારે શિરે મૂકયો હાથ,
ભરાયા લોચન મેં જ્યાં ઉંચકયા, જોયા મલકાતા નાથ.
હતું શું ભૂલાયું આનંદમાં સઘળું થયું વિણ આયાસ,
ગોરંભે વરસ્યું આખું આભ જ્યાં લાગી ચાતકને પ્યાસ.
હરિમાં હોમ્યો મેં સંસાર’

આ જ કવિ ‘સરોદ’ના ભજનની હરોળમાં મૂકી શકાય એવું ‘પાતાળે નીકળ્યા પાણી’ નામનું ભજન પણ લખે છે. તેઓ માત્ર આધ્યાત્મિક કવિ નહોતા, પણ કુટુંબજીવનના અને પ્રકૃતિના પણ કવિ હતા. એમના ઘણા બધા પ્રકૃતિકાવ્યો વિશે વાત થઈ છે, પણ એમનું એક પ્રકૃતિકાવ્ય એવું છે કે એમાં કોઈ પણ પ્રકારનો અલંકારનો કે ભભકભરી ભાષાનો ઉપયોગ નથી થયો, માત્ર સીધા – સાદા શબ્દો પણ તમારા કાનમાં પેલા મંદિરની ઘંટડીનો જે રણકાર હોય ને એ રણકાર ઝળહળાવી ઊઠે એવી આ કવિતાનું શીર્ષક છે ‘વીજલડી ચમકે’.

‘આષાઢી સાંજના વીજલડી ચમકે,
ચમકે રે વીજલડી ચમકે..
સીમ મહીં ચમકે, પાદરમાં ચમકે,
જોતી હું વાટ એના મારગડે ચમકે
સૂકી ઉજાગરે આંખ મહીં ચમકે
ચમકે રે વીજલડી ચમકે..
દરિયા પર ચમકે, ડુંગર પર ચમકે
ઈશાને ચમકે, દખ્ણાદિ ચમકે
સૂના આવાસ સરી ગોખે રે ચમકે
ચમકે રે વીજલડી ચમકે…’

એક મેઘાણી હતા જેમણે વીતી ગયેલો સમય, સોરઠની વાતો વિવિધ પુસ્તકોમાં શબ્દસ્થ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ વીરતા, ટેક, પ્રેમ, શૌર્ય એમણે ત્યાં મૂકી આપ્યું. મુકુંદરાય પારાશર્યએ સત્યકથામાં એવા વિશાળ પાયા ઉપર તો નહીં, પણ સમાજના એક નાનકડા ખંડને લુપ્ત થતા જતા મૂલ્યોને અને સાચવવા મથતા માણસોને આપણી સામે મૂકી આપ્યા છે. એક અદ્દ્ભુત પાત્ર એમાં છે દયામાસી. મુકુંદરાય પારાશર્યના મોટી બાના એ નાના બેન. મોટી બા બાર વર્ષના હતા અને એમની માને ઉપરવાળુંનું તેડું આવ્યું. મોટી બાના પિતા એ વખતે ગોરપદું કરે એટલે ઘેર ઘેર ફરવાનું. બાર વર્ષના મોટી બા સાસરે ગયા ત્યારે આઠ-નવ વર્ષની દયાને પણ એના પિતા મૂકી ગયા. મુકુંદરાયના દાદા પણ એવું માને કે પારકી દીકરી આપણા ઘરે દુઃખી ન થવી જોઈએ, એટલે ઘરના દીકરા જ્યારે જમતા હોય ત્યારે દયા જમી કે નહીં તેની પહેલા વાત કરે. આ દયાના જેની સાથે લગ્ન થયા તે અંબાશંકર ભટ્ટ સમાજની દ્રષ્ટિએ ખૂબ જ સારા માણસ, પણ પત્ની અને બાળક સાથે અત્યંત ક્રૂર. વાતે વાતે, હાલતા ને ચાલતા, ડગલે ને પગલે પત્નીને મારે. એમની આ ક્રૂરતાને કારણે મોટો દીકરો માનસિક રીતે અસ્વસ્થ બની ગયો હતો. મોટી બાથી બહેનનું દુઃખ ન જોવાતા પાસેના ઘરમાં જ આશ્રય આપ્યો. બનેવીને ભગવાન મળ્યા હોય એમ મંદિરમાં રહે, ઘરે આવે ત્યારે પોતે સંસારી છે એ વાતની પ્રતિતી પત્નીને મારીને કરાવે. દયામાસી ક્યારેય પતિ વિશે એક શ્બ્દ પણ ઘસાતો બોલ્યા નથી. હંમેશાં એમ જ કહે કે, ‘મારા નસીબમાં જે લખ્યું હશે એ મને મળ્યું. એમને હું ગમતી નથી એટલે આવું કરે છે.’ બપોરે મોટી બા ભજન ગાતા હોય કે મંડળી આવી હોય ત્યારે દયામાસી આવીને બેસે અથવા તો ખાટલામાં પડયા પડ્યા સાંભળે. આ એક એવું ચિત્ર છે કે અહીં આપણને એક કાળી બાજુ પણ જોવા મળે. અંબાશંકરની ક્રૂરતાનો એક જ નમૂનો આપણને આ કાળી બાજુ બતાવી જાય છે. બટાકા બાફયા હોય એ પાણીમાં ચા અને ખાંડ નાખે અને એ પાણી છોકરાઓ મારફતે દયામાસીને મોકલાવે. દયામાસીનું આખું ગર્ભાશય શરીરમાંથી બહાર આવી ગયેલું અને તે સમયનું સ્ત્રી તબીબીશાસ્ત્ર આટલું આગળ વધેલું નહીં. આવી બીમારીમાં પેલું પાણી માસી પીવે અને ઝાડા છૂટી જાય. આ જોઈ માસા કહે, ‘બહુ સારુ. પેટ સાફ થઈ જશે.’ આ ક્રૂરતાની અવધિ ! છતાં માસીના મોઢામાંથી કયારેય એક શબ્દ નીકળ્યો નહી. મૃત્યુની પળે પણ એમના મોઢામાંથી આ જ વાત નીકળતી રહી, ‘પ્રભુ ! મને સદ્દ્વિચાર આપજે.’ તો દુઃખ વેઠીને પણ જેણે સદ્દ્વિચારની જ માંગ કર્યા કરી એવા આ બધા પાત્રો નરસિંહ અને મીરાના ગોત્રના છે.

મુકુંદરાય પારાશર્ય પર સૌથી મોટો પ્રભાવ મોટી બાનો, એમના પિતા વિજયશંકરનો અને ત્રીજો પ્રભાવ પ્રભાશંકર પટ્ટણીનો. પ્રભાશંકર પટ્ટણીએ પોતાનું જીવનચરિત્ર લખવા દીધું હતું નહી. એમના મૃત્યુ પછી મુકુંદરાયને થયું કે પ્રભાશંકરના જીવનના કેટકેટલા પાસાં અજાણ્યા રહી જશે. આ એવા માણસ કે જ્યારે એમણે ભાવનગરની ધુરા સંભાળી ત્યારે ભાવનગર રાજયની સિલ્કમાં રોકડા રૂપિયા ૮, ઝવેરાતમાં એક મોતીની માળા અને લાખો રૂપિયાનું દેવું હતું અને પંદર વર્ષ પછી જ્યારે દિવાનપદ છોડયું ત્યારે રોકડ રકમ હતી ૧૮ કરોડ રૂપિયા, અનેક ફંડ, સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્રની અસ્કાયમતો. આ પ્રભાશંકર પટ્ટણી આટલા બધા વિચક્ષણ, પણ એમણે પોતનું જીવનચરિત્ર ન લખવા દીધું. પણ એ પ્રભાશંકર પટ્ટણીના દીકરા અનંતરાયે પોતાની મૃત્યુશૈયા વખતે કહ્યું હતું કે, ‘મને એવું લાગે છે કે પ્રભાશંકર વિશે જો કોઈ લખી શકે તો એ મુકુંદરાય જ લખી શકે.’ ‘કુમાર’માં પ્રભાશંકર પટ્ટણીના જીવનના જે કેટલાક પાસાંઓ, ઘટનાઓ મુકુંદરાયે લખી હતી એ ઘટનાઓ પછી પુસ્તકરૂપે વ્યક્તિત્વદર્શન કરાવી જાય છે.

ગાંધીજી જેમની સલાહ લે અને અંગ્રેજી અધિકારી જેના ઉપર વિશ્વાસ મૂકી શકે એવા એક જ પ્રસંગની વાત મુકુંદરાય આપણી પાસે મૂકે છે. એક અંગ્રેજ અધિકારી હતો કિલી. પ્રભાશંકર દિવાન તરીકે નિવૃત થઈ ગયા પછી એમનું જે માન ભાવનગરમાં હતું એ કિલીને ગમતું નહોતું. એટલે પ્રભાશંકરને હંમેશાં નીચે પાડવાનો એ પ્રયત્ન કરે પણ પ્રભાશંકર હાથમાં ન આવે. મોરબીના રાજકુમારના લગ્ન હતા અને પ્રભાશંકરને આમંત્રણ હતું. કિલીએ બધી વ્યવસ્થા ગોઠવીને પ્રયત્ન એ કર્યો કે પ્રભાશંકરની મોટર છેલ્લે હોય. પ્રભાશંકર પટ્ટણી એમનો આ સ્વભાવ જાણે એટલે એ મોટરમાં બેઠા જ નહીં. વરઘોડો રાજમાર્ગ પર આવ્યો એટલે પ્રભાશંકર પ્રજાની વચ્ચેથી નીકળ્યા અને વરઘોડાની રખેવાળની જગ્યાએ પોતે લગામ પકડીને ચાલવા લાગ્યા. પાછળની જ ગાડીમાં બેઠેલા મહારાજા લખદીસિંહજીએ કહ્યું, ‘પ્રભાશંકરભાઈ ! આમ હોય. આવો મોટરમાં.’ અને જેની મોટરને છેલ્લે કાઢવાની વાત થઈ હતી એ પહેલી મોટરમાં જઈને બેઠા. આ જ કિલી જ્યારે નિવૃત થઈને ઈંગ્લૅન્ડ ગયા અને પ્રભાશંકર ત્યાં પ્રવાસે ગયા હતા અને કિલીએ બજારમાં ફરતા જોયા ને જમવા બોલાવ્યા, અને કિલીને કહ્યું કે, ‘કંઈ મુશ્કેલી હોય તો બોલો.’ તો એમણે કહ્યું કે, ‘મારા દીકરાને ભણાવવાના કેટલાક પ્રશ્નો છે.’ તો પ્રભાશંકરે પોતાની અંગત મૂડીમાંથી એમના દીકરાને ભણાવવા માટેની વ્યવસ્થા કરી હતી. આ પ્રભાશંકર પટ્ટણીનું વ્યક્તિત્વ આપણાથી છાનું રહી જાત જો મુકુંદરાયે આ વ્યક્તિત્વ દર્શન ન કરાવ્યું હોત.

સૌથી છેલ્લે મુકુંદરાય પારાશર્યના કાવ્યની આ વાત કર્યા વગર તો રહેવાય જ નહીં. કાવ્ય છે ‘નવા વર્ષના રામરામ’. એમાં વચ્ચે એક પંક્તિ એવી આવે છે કે એનો અર્થ થાય છે કે નવું વર્ષ માત્ર દિવાળી પૂરી થાય ત્યારે જ ન હોય, ગમે ત્યારે નવું વર્ષ હોય. તો આ નવા વર્ષના રામ રામ તમને સૌને કરીને મારી વાત હું આટોપી લઈશ.

‘નવા વરસના, બાપા, રામરામ.
સૌ પે રે’જો રામની મેર,
રાતદિ’ રામને સંભારતા
કરજો ભાવતી લીલાલે’ર,
નવા રે વરસના, બાપા, રામરામ.
બાયું બોનું, સંધાયનો
રે’જો અખંડ ચૂડો,
ઢોરાં છોરાં સીખે સૌ રીઓ,
નીતરે આફુડો મધપૂડો
નવા આ વરસના, બાપા, રામરામ.
ખેતર ખેડી ખાતર પૂરજો
વાલો વરસે અનરાધાર,
સાચુકલાં બીયારણ વાવજો,
કે ધાન ઊતરે અપરંપાર
નવા આ વરસના, બાપા, રામરામ
ઊભું વરસ દિવાળી જ રે’,
જેના રુદિયામાં રામ,
હરખ સંતોષ ગાજે સામટો,
ખોરડું નૈં, આખું ગામ;
નવા રે વરસના, બાપા, રામરામ
ઓણ જે કીધા અમે રામરામ
તમે સૌને કરતા રો’;
સંધાનાં જીવતર ફળો રામથી,
એવી દૂવા લેતા રો’.
નવા રે વરસના, બાપા, રામરામ.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “અસ્મિતાપર્વઃ૧૭ (ભાગ-૨) મુકુન્દરાય પારાશર્ય વિશે.. – મીનળ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.