શું વિચારો છો તે નહીં, શું માનો છો તે વધુ મહત્વનું છે – શ્રુતપ્રજ્ઞ સ્વામી

[ ડિસેમ્બર ૧૯૬૬માં ભૂજમાં જન્મેલા, આજના સમયના પ્રતિભાશાળી આધ્યાત્મિક વક્તા અને હકારાત્મક વિચારોના તથા યોગ અને ધ્યાન ક્રિયાઓના પ્રેરણાદાયી સન્યાસી શ્રી શ્રુતપ્રજ્ઞ સ્વામી ‘પીસ ઑફ માઈન્ડ’ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા જૈનધર્મ અને તેના સિદ્ધાંતો વિશે માર્ગદર્શ આપે છે. રીડગુજરાતીને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ અડ્રેસ anuvrat8@gmail.com પર અથવા ફોન નં +૯૧ – ૯૪૨૭૩૬૬૧૬૪ પર કરી શકાય છે.]

હું નાનો બાળક હતો ત્યારે મને ભાષણ આપવાનો ખૂબ શોખ હતો. ઘણી વાર સ્પર્ધામાં ભાગ લેતો અને એના માટે કલાકો સુધી તૈયારી કરતો અને કલાકો સુધી ભાષણ ગોખતો. મનમાં પૂરો આત્મવિશ્વાસ રહેતો કે ભાષણ બોલી શકીશ. એક વાર સ્પર્ધામાં ભાષણ માટે ઉભો થયો તો 500 લોકોને જોઇને ભાઈઓ અને બહેનોથી આગળ બોલી ન શક્યો. એક – બે મિનિટ એમને એમ બોઘાની જેમ ઉભો રહેતો. ત્યાં સભામાંથી એક યુવાન રોળો નાખીને મને કહેવા લાગ્યો અરે બોલ યાર! બોલ ! તું પ્રયત્ન કર,આત્મ -વિશ્વાસ રાખ અને બોલ! અને પછી જેમ તેમ કરીને હું બોલી શક્યો. ભાષણ આપીને હું નીચે ઉતર્યો અને એ અનુભવથી હું બે વસ્તુઓ શીખ્યો. એક એ કે મારા જેવી શરમાળ અને ડરપોક વ્યક્તિ જો આ કામ કરી શકે તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ આ કરી શકે છે.બીજું હું એ શીખ્યો કે ક્યારેય ગોખણપટ્ટી ન કરવી.

લગભગ દરેક વ્યક્તિ જીવનમાં સફળતા ચાહતી હોય છે. ઘણી વાર જે પોતાને અસફળ માને છે એ પણ અસફળ નથી હોતો પણ તેને ખબર નથી હોતી કે તે સફળ છે. એક ઉદાહરણ આપું. તમે બધા સ્કુટર કે કાર ચલાવતા હશો ? ભારતની સડકો પર વાહન ચલાવવું શું સફળતા નથી? વિદેશની કોઈ વ્યક્તિને કહો કે અહી વાહન ચલાવે. બીજા દિવસે એના ફોટા સાથે કેન્ડલ જલતી જોવા મળશે. મતલબ એ પોતાના દેશમાં વાહન ચલાવવામાં સફળ હતો પણ ભારતમાં અસફળ થઇ ગયો. તમે અહી સફળ છો. સમય અને સ્થિતિ સાથે સફળતાની પરિભાષાઓ બદલાય છે.પહેલા વાહન ચલાવવું સફળતા હતી, પછી ડીગ્રી મેળવવી સફળતા લાગે છે જોબ પણ મળી જાય છે, ત્યાર પછી જોબ મળી જાય તેમાં સફળતા દેખાય છે જોબ પણ મળી જાય છે. પછી લગ્ન થઇ જાય તો સફળતા છે. લગ્ન થઇ ગયા અને આમ એક જ વ્યક્તિની જેટલી ચાહો એટલી લાંબી લિસ્ટ સફળતાની બનાવી શકાય. કહેવાનો અર્થ એટલો જ કે તમે સફળ છો. મુશ્કેલી એક જ છે કે તમે માનતા નથી કે હું સફળ છું.માની જાઓ તો કામ થઇ ગયું સમજો.

તમારે સફળ થવું હોય તો માત્ર એક વ્યક્તિ તમને મદદ કરી શકશે અને એ વ્યક્તિ બીજું કોઈ નથી પણ તમે પોતે જ છો. એક સામાન્ય પ્રશ્ન તમારી જાતને પૂછો કે તમે જીવનના 90 ટકા કામમાં સફળ થયા ત્યારે તમે શું કર્યું હતું? તમે એમાં કેવી રીતે સફળ થયા હતા? બસ બાકી રહેલી દસ ટકા સફળતા માટે એ જ રીતને કામમાં લ્યો ને ! પરંતુ એવું આપણે નથી કરી શકતા. કેમ? શું કામ નથી કરી શકતા? કારણ એક છે. સમજો એક ઉદાહરણથી – તમારા હાથમાં એક ડબ્બો હોય અને એમાં તમે એક બોલ નાખો, પણ એ અંદર નથી જતી. બીજો બોલ નાખો એ પણ બહાર પટકાય છે. કારણ છું હશે? કારણ એક જ છે અને તે એ કે એ ડબ્બાનું ઢાંકણું બંધ છે. હું શું કહેવા માંગું છું સમજી ગયા હશો. એ જે ડબ્બો છે ને એ આપણું મન છે અને ઢાંકણું એ આપણી માન્યતાઓ છે. આપણે જયારે પણ કંઈ સાંભળીએ છીએ કે વાંચીએ છીએ ત્યારે વાસ્તવમાં આપણે એ જે છે એ સાંભળતા કે વાંચતા જ નથી હોતા,પરંતુ આપણે આપણી જાતને જ સાંભળતા હોઈએ છીએ કે જાતને જ વાંચતા હોઈએ છીએ. મતલબ કે હું જે માનું છું એ જ સાંભળું છું અને બાકીનાને બાયપાસ કરું છું.

કંઈક નવું શીખવું હોય તો તેનું વિજ્ઞાન શું છે? જેનું મગજ સદાય નવું ગ્રહણ કરવા ખૂલેલું હોય છે એ જ કંઈક શીખી શકે છે. કોનું મગજ ખૂલેલું હોય છે? માત્ર અને માત્ર બાળકનું. એટલે જ એ બધું જલ્દી શીખી શકે છે. આપણે પોતાની જાતને મોટી માનીએ છીએ એટલે કંઈ જ શીખી નથી શકતા. કંઈક શીખવું છે તો પહેલા બાળક જેવા બની જાઓ. અઘરું છે બાળક જેવા બનવું. ઘણાં ગંભીર લોકો તો બાળકને પણ બાળક રહેવા નથી દેતા. બાળકોને પણ હવે શિક્ષણના નામે, ટેલેન્ટ અને સ્પર્ધાના નામે, ઓલરાઉન્ડ બનાવવાના ચક્કરમાં આપણે અત્યંત કુમળી વયમાં એનું બાળપણ છીનવી લઈએ છીએ અને એ જ બાળકો મોટા થઈને બીજાની શાંતિ છીનવામાં સફળ થાય છે. બે પ્રકારના લોકો હોય છે. એક એ જેઓ ઘરમાં હંસતા – ખીલતા રહે છે પણ બહારની દુનિયામાં ગંભીર અને ઉદાસ રહે છે અને બીજા એ જેઓ ઘરમાં પણ ઉદાસ અને ગંભીર રહે છે,જાણે કે એમની હંસી કોઈએ લુંટી લીધી હોય. જિંદગીની ઠોકરો ખાઈ ખાઈને એમનું હાસ્ય ક્યાંક અટકી ગયું છે. આવી અટકેલા હાસ્યને એમ કહી શકાય કે કબજિયાતનો રોગ લાગુ પડ્યો છે. કંઈક શીખવું હોય તો પહેલા બાળક જેવા બની જાઓ અને માનેલી અને સાંભળેલી માન્યતાને બાજુએ મૂકીને ખુલ્લા દિલથી સાંભળો, સમજો અને શીખો.

એક સરસ મજાની વાર્તા છે એ કદાચ તમારી જિંદગી બદલી શકે. કદાચ આ વાર્તા તમે સાંભળી કે વાંચી હોય તો પણ બાળક બની ફરી ધ્યાનથી વાંચો. અકબર અને એની સાથે બીરબલ હતો. બંને શિકાર માટે જતા હતા. અકબર જ્યાં તલવાર કાઢવા ગયો ત્યાં તલવારથી તેનો અંગૂઠો કપાઈ ગયો. સૈનિકોને બૂમો પાડીને બોલાવે છે કે, ‘મારો અંગૂઠો કપાઈ ગયો. જુઓ હાથ લોહીથી ખરડાઈ ગયો.’ એટલામાં બીરબલ આવે છે અને હસતો હસતો કહે છે – ‘રિલેક્ષ રહો મહારાજ રિલેક્ષ રહો. કેમ રાડો નાખો છો? જે કંઈ થાય છે એ સારા માટે જ થાય છે.’ અકબરે કહ્યું, ‘શું બકવાસ કરે છે તું? હું તને મારો સમજતો હતો અને તું મારા માટે આવું વિચારે છે?’ અકબરે સૈનિકોને આદેશ આપ્યો અને કહ્યું ‘આને લઇ જાઓ, ઉલટો લટકાવો અને આખી રાત બરાબરની ધોલા ઈ કરો અને સવાર પડતાં ફાંસીએ લટકાવી દો.’ સિપાઈઓ બીરબલને લઇ જાય છે અને ત્યારે બીરબલ ફરી એ જ બોલે છે કે ‘જે થાય છે તે સારા માટે થાય છે.’ અકબર એકલો શિકાર કરવા જાય છે. આદિવાસીઓ અને પકડીને લઇ જાય છે જ્યાં તેમનું નૃત્ય ચાલતું હોય ત્યાં દેવીને બલી ચડાવવાની હતી અને આ બકરો હાથમાં આવ્યો. એટલામાં એક આદિવાસીએ કહ્યું કે આનો અંગૂઠો તો કપાયેલો છે. આ બલી માટે કામ નહિ આવે અને તેને છોડી મૂકે છે.

અકબર ભાગતો ભાગતો આવે છે અને બીરબલને કહે છે કે કૃપા કરી મને માફ કરી દે. મારો અંગૂઠો કપાયો એ સારા માટે કપાયો. મને તેનું પ્રમાણ મળી ગયું. તને મેં ગુસ્સામાં લટકાવ્યો ત્યારે પણ તું કહેતો હતો કે જે થાય છે તે સારા માટે તો મને સમજાતું નથી કે તારા માટે શું સારું થયું? ‘અરે જહાંપનાહ ! હું તમારી સાથે હોતને તો મારી બલી ચડાવી દીધી હોત… બોલો મારા માટે સારું થયું કે નહિ?’ અકબરે કાન પકડી લીધા. તમને એક પ્રશ્ન પૂછું કે તમે લોકો લકમાં, નસીબમાં માનો છો? હું પણ માનું છું કે લક જેવી કોઈ વસ્તુ છે પણ હું માત્ર ગુડ લક – સારા નસીબમાં માનું છું. ખરાબ નસીબ નામની કોઈ વસ્તુ દુનિયામાં નથી હોતી, કેમ કે જે થાય છે તે સારા માટે જ થાય છે તો પછી ખરાબ નસીબ આવ્યું જ ક્યાંથી? આપણી સાથે જીવનમાં ઘણી વાર ખરાબ થાય છે, પણ તે ખરાબ લાગે છે છતાં વાસ્તવમાં તે ખરાબ છે જ નહીં. આજે ખરાબ લાગે છે, પણ સમય જાય છે ત્યારે સમજાય છે કે એ ખરાબ હતું નહિ, સારું જ હતું. આજે મારી વાતને અહી જ વિશ્રામ આપું છું અને આ વાત પર વિચાર કરજો કે તમે તમારા જીવનમાં બનતી ખરાબ ઘટનાને, પરિસ્થિતિને કેવી માનો છો? ખરાબ માનશો તો બધું ખરાબ થશે અને સારું માનશો તો બધું સારું બનશે. તમે શું વિચારો છો કે બોલો છો તે જરાય મહત્વનું નથી, પણ તમે શું માનો છો એ જ સૌથી મહત્વની બાબત છે.

– શ્રી શ્રુતપ્રજ્ઞ સ્વામી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “શું વિચારો છો તે નહીં, શું માનો છો તે વધુ મહત્વનું છે – શ્રુતપ્રજ્ઞ સ્વામી”

Copy Protected by Chetan's WP-Copyprotect.