રોબૉટ જેવા માણસો – હાર્દિક રાવલ

[હાર્દિકભાઈ રાવલ મુ. પો. ખોપાળા, તા ગઢડા, જી. ભાવનગરના છે અને સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે આસિસ્ટન્ટ ઑડીયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ છે. સાહિત્ય અને વિજ્ઞાન તેમના રસના વિષયો છે. તેમનું ‘શબ્દની સુવાસ’ નામે પુસ્તક પ્રસિદ્ધ થયુઁ છે અને ભાવનગરના પગદંડી સમાચારમાં તેઓ ‘માણસ માણસ રમીએ’ કૉલમ લખે છે. પ્રસ્તુત ચિઁતન રીડગુજરાતીને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ. આપ તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે hardikraval2012@gmail.com પર કરી શકો છો.]

ચાલો, ઉત્સવ મનાવીએ, આપણાં માણસ હોવાનો, પણ થોભો,

થોડુંક આ પહેલા વિચારીએ, આપણે માણસ તો છીએ ને?

આપણે એક યાદી બનાવીએ, કે જેમાં
– ભૂલી ન શકાય તેવા પરમ મિત્રો, અને ઉષ્માભર્યા સંબંધો હોય,
– પરમ સત્ય બોલ્યા હોય તેવા પ્રસંગો હોય,
– સ્વાર્થ વિનાં મદદ કરી હોય તેવા લોકો હોય,
– ખોટું બોલ્યા પછી ખુલાસો કર્યો હોય તેવા દ્રષ્ટાંતો હોય, અને
– મૂંગા પશુઓ સાથેનો આપણો પ્રેમભર્યો વ્યવહાર સમાવી લેવાયો હોય.

પછી જોઈએ કે આપણી આ યાદી કેટલીક લાંબી થાય છે. માનવ હોવાની આ પારાશીશી વડે આપણી જાતને ચકાસીએ. જેટલી આ યાદી વધુ લાંબી, તેટલી આપણી માણસ હોવાની સંભાવના વધુ.

અહીં મારે માણસ જેવા રોબૉટની અને પછી રોબૉટ જેવા બનતા જતા લાગણીશૂન્ય માણસની વાત કરવી છે. ડાર્વિને ઉત્ક્રાંતિવાદ આપ્યો અને જીવન તથા જગત વિશે વણ ઉકેલ્યા પ્રશ્નો ઉપર પ્રકાશ પડયો. કરોડો વર્ષોના વિકાસ પછી ચોપગા વાનરમાંથી બેપગા માનવનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. લાગણી, બુદ્ધિ, તર્ક અને કલ્પના શકિતમાં અસીમ ઉપલબ્ધી સેવીને આજે મનુષ્ય આ સૃષ્ટિમાં ટોચનું સ્થાન ધરાવે છે. નવી નવી ક્રાંતિ સર્જી માનવીએ આ જગતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું છે.

મનુષ્ય બુદ્ધિશાળી હોવાની સાથે સાથે લાગણીશીલ અને ભાવનાત્મક પ્રકૃતિ ધરાવે છે. માટે જ માણસે કુટુંબ અને સમાજમાં રહેવાનું પસંદ કર્યુ. એકમેકને હુંફ અને કાળજીથી ઉછેરતો ગયો, માટે જ લગ્નસંસ્થા આજ સુધી જીવંત છે. માણસે હંમેશા સરળતાવાદી વલણ દાખવ્યું છે. વધુ નુકશાનથી ઓછા નુકશાન તરફ, દુર્ગમતાથી સુગમતા તરફ અને ઓછી સગવડથી વધુ સગવડ તરફ તે ગતિ કરતો રહયો છે અને હંમેશા સમય અને શક્તિ બચાવી વધુ કાર્યક્ષમ પરિણામો મેળવી શકાય તેવા સાધનોનો વિકાસ કરતો રહ્યો.

સાઈકલ પછી મોટરસાઈકલ અને પછી કારની શોધ એ સમય અને શકિતનો બચાવ છે. ટપાલ પછી તાર અને પછી એસ.એમ.એસ. એ શું છે? મનુષ્ય જેવો લાગતો અને તેનાં કરતા અત્યંત શકિતશાળી રોબોટ બનાવવાનું લક્ષ બીજુ શું હોઈ શકે? આટલા બધા યંત્રો, સાધનો અને સગવડતા પછી પણ ર૧મી સદીનાં ખૂબ ઓછા લોકો છાતી ઠોકીને કહી શકે કે મારી પાસે સમય પણ છે અને શકિત પણ. એ કેવી વિડંબના?

આપણે આટલા વર્ષો જેને બચાવવાની કોશિશ કરી એ બચી જવા પામ્યુ ખરૂં. છતાં આપણે સુખી હોવાનાં બગણાં ફૂંકતા થાકતા નથી. શું આપણે સુખી છીએ ખરા? યંત્ર ઉપર નિર્ભર થતો ગયો તેમ તેમ માણસ પોતાનું માણસપણું ગુમાવી રહ્યો છે તેમ નથી લાગતુ? યંત્રની વિકૃતિમાં જડાયા પછી લાગણી બચી જવા પામે ખરી? આજે માણસ પાસે નિરાંતે શ્વાસ લેવાનો સમય નથી, ઊંડા અને ઉષ્માભર્યા સંબંધો નથી અને મળવા જેવા માણસોનો તો જાણે દુષ્કાળ પડયો હોય તેવુ લાગે છે. છતાં આપણે માણસ હોવાનો ઢંઢેરો પીટતા ફરીએ એ માણસનાં નામે કલંક જેવુ નથી લાગતું?

હળ ચલાવવાની તાકાત ગુટખા ખાતા યુવાનમાં રહી નથી. માયકાંગલા શરીર અને સંવેદના વિહોણા હૃદય લઈ માણસ હોવાની મશાલ કયાં સુધી સળગતી રહેશે ? જીવંત વાતાવરણમાં રહેતા હોઈએ તો આપણામાં જીવંતતા પાંગરે. કમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રીનની સામે બેસી રહીએ તો લાગણીનું સંવર્ધન અટકી પડે.

ઘણાખરા લોકોને છેલ્લે સૂર્યોદય કયારે જોયો એ યાદ પણ નહીં હોય, ચકલીનું ગીત આપણે પથારીમાં હોઈએ છીએ ત્યારે પૂરું થઈ જતું હોય છે. વેલેન્ટાઈનના દિવસે ફૂલવાળી ગુલાબનાં ઢગલા કરીને બેઠી હોય ત્યારે થોડીક સુગંધ પામી શકાય. બાકીનાં ત્રણસોને ચોસઠ દિવસોમાં તો કોને ખબર કે ફૂલ એટલે શું? ત્યારે પ્રશ્ન થાય કે માણસ જેવા રોબૉટ તો આપણે બનાવ્યા, હવે ધીરેધીરે રોબૉટ જેવા માણસો તો તૈયાર નથી થતાં ને? નાનપણથી જ બાળકને રોબૉટ બનવાની તાલીમ મળવા લાગે છે. આપણી પાસે બાળકને રમાડવાનો અને તેની જીજ્ઞાસા સંતોષવાનો સમય તો છે નહીં, માટે તેને એક બે પ્લાસ્ટીકના રમકડા પકડાવીને છોડી દઈએ છીએ, યંત્રમાનવનાં સામ્રાજયમાં આગળ ધપવા માટે.

માટીનાં બળદગાડાઓ ગાયબ થઈ ગયા. પાણીમાં પેલી હોડીઓ ક્યારનીય તણાઈ ગઈ. પાંચીકા રમતા હવે કેટલી છોકરીઓને આવડે? માટીમાં કૂબા પાડવાનું બાળકો ભૂલી ગયા. હવે બાળકો ટચસ્ક્રીન મોબાઈલમાં કાર્ટૂન જોવાનું પસંદ કરે છે અને એ રીતે પોતાની જાતને દિશાશૂન્ય, લાગણીશૂન્ય અને વિચારશૂન્ય બનાવી લે છે.

બાળકમાં નામશેષ થઈ રહેલા માણસનું સંવર્ધન કરવાનું અને તેમાં ધૂસપેઠ કરતા રોબૉટનું નિકંદન કાઢવું જરૂરી છે. નહીંતર…

– હાર્દિક રાવલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

26 thoughts on “રોબૉટ જેવા માણસો – હાર્દિક રાવલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.