શાળામાં પ્રવેશ.. (નવલિકા) – પ્રજ્ઞા પટેલ

{‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર}

નિરાલી તો નાનપણથી ખટપટ. નિતાંત નિરાળી. નિરાલીબહેનને સ્કૂલમાં દાખલ થવાનું હતું. બાળમંદિરનાં બે બે વર્ષ તો હેમખેમ પાર કરી દીધેલાં. એમાં પણ ઘણી ગમ્મતના પ્રસંગો બનેલા. બહુ મોટી ને જાણીતી નહીં, પણ સારી, સારા વાતાવરણવાળી, શિક્ષણ સાથે સારું સંસ્કાર સિંચન કરતી શાળામાં એને મૂકવી એવું ઘરનાં બધાંએ નક્કી કરેલું. આરાધના વિદ્યામંદિર પર પસંદગી ઉતારી હતી, એની ગણના આવી શાળામાં થતી. ત્યાં બાલમંદિર, નર્સરી, જુનિયર-સિનિયર, કે.જી ની પણ વ્યવસ્થા હતી.

પહેલા દિવસે હરખાતાં હરખાતાં નિરાલીબહેન બાલમંદિરનું પગથિયું ચડયાં હતાં. પેલો નાનકડો ભરત ભરેલો અનુ ફીયાએ આપેલો બગલથેલો તો સાથે ખરો જ. જાતજાતનું ઠાંસી ઠાંસીને થેલામાં ભરી દીધેલું. બે તો નાસ્તાના ડબ્બા, પાણીની વૉટરબૅગ, બે હાથરૂમાલ… એક ફ્રૉક પર મમ્મીએ પીન કરી આપેલો, બીજો થેલામાં. ઘરમાં પણ બધાં ખુશ ખુશ. અનુ ફીયાએ બહેનબાને કપાળે કુમકુમ તિલક કર્યું, ગોળ ખવડાવ્યો ને નિરાલીબહેને સ્કૂલ તરફ પ્રસ્થાન કર્યું હતું.

‘પપ્પા, તમે પણ સાથે આવો… અનુ ફીયા તો સાથે જોઈએ જ…’ મમ્મી, પપ્પા, અનુ ત્રણે સાથે. પપ્પા તો થોડી વારમાં હળવેથી સરકી ગયા હતા પણ મમ્મી, અનુનો એમ ઝટ છુટકારો થાય એમ નહોતું. ‘ના, હું એકલી નહીં ભણું…’ ‘પણ બેટા, તારે તો રમવાનું છે…’ ‘તો એકલી નહીં રમું…’ ‘જો, જો, તારાં જેવડાં કેટલાં બધાં બાળકો છે !!’ નિરાલીએ આસપાસ જોયું તો કોઈ બાળકો નાસ્તાનો ડબ્બો ખાલી કરવા તમામ શક્તિથી લાગી ગયેલાં, કોઈ એકલાં એકલાં સૂનમૂન બેઠેલાં, વારેઘડીએ બારી-દરવાજાની બહાર ઊભેલી મમ્મીને જોયાં કરતાં હતાં, કોઈ વળી બધું ભૂલીને આ રમકડાથી પેલા રમકડા પર મચી પડયાં હતાં…

કોઈ વળી દફતર-લંચબૉક્સ છાતીસરસાં ચાપીને સજ્જ્ડ બેઠાં હતાં… કોઈ વળી આજે જ રડતાં શીખ્યાં હોય એમ મોટેમોટેથી ભેંકડો તાણીને રડતાં હતાં… કોઈ વળી ધક્કામુક્કી ઝઘડવામાં લાગી ગયેલાં. એકાદ ટાબરીયું તો ટીચરની ખુરશીમાં સરસ રીતે ગોઠવાઈ ગયું હતું, બે હાથ ખુરશીના હાથા પર, પગ ઝૂલતા રાખીને. આ બધી વિવિધ પ્રવૃતિઓમાં મારે શું કરવું – નિરાલી સમજી કે નક્કી કરી શકતી નહોતી તે એણે મમ્મી અનુ ફીયાને પસંદ કર્યાં. ‘તમે મારી સાથે બેસો.’ બહુ સમજાવી. ‘જો, કોઈની મમ્મી રૂમમાં છે ? નથી ને ? અમે બહાર જ બેઠાં છીએ…’

‘ના એટલે ના, અહીં જ બેસો, મારી સાથે રમો…’ ટીચર પણ શું કરે ? એમણેય બહુ સમજાવી, જાતજાતની રીતે પટાવવાની મથામણ કરી… પણ આ તો નિરાલી… એક કલાક માંડ થયો હશે, ત્યાં… ‘ચાલો હવે ઘેર જઈએ… ટાઈમ થઈ ગયો…’ નિરાલી બોલી. ‘હજુ બેલ નથી વાગ્યો. ટીચર કહે ત્યારે જ ઘેર જવાય.’ મમ્મીએ કહ્યું ‘પણ હું કહું છું ને… બધું બધું પૂરું થઈ ગયું… બસ, હવે જઈએ.’ ‘બેટા, હજુ બધાં રમે છે ને ! આપણાથી વહેલાં ન જવાય…’ અનુ. એ રૂમમાં, એક ખૂણામાં બાળકોને રમવા નાનકડો પિતળનો ઘંટ રાખ્યો હતો, તે નિરાલીએ દોડતાં જઈ ટન્… ટન્… ટન્… ઘંટ વગાડી દીધો. ટીચર કંઈ કહે એ પહેલાં તો બધાં છોકરાં બહાર.

બાલમંદિરનો પહેલો દિવસ પૂરો. બધાં ઘેર આવ્યાં. ‘મારે બાલમંદિર નથી જવું. કાલે હું નહીં જાઉં…’ ઘેર પહોંચતાં જ નિરાલીએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો. ‘પણ બેટા, એમ કેમ ? બાલમંદિરમાં તો બહુ મજા આવે.’ ‘પણ મને નથી આવતી એનું શું ?’ ‘કેટલાં બધાં રમકડાં હતાં ? કેટલી બધી ગેઈમ હતી ? મજા આવે બેટા, સાચું કહું છું… મને તો બાલમંદિર બહુ ગમે…’ મમ્મીએ દીકરીને લાડથી સમજાવતાં કહ્યું. ‘તે મમ્મી, તું તારે જજે. હું ઘેર રહીને તારાં કામ કરીશ.’ ‘પણ તને કેમ નથી જવું ? ત્યાં કેમ નથી ગમતું ?’ અનુએ પૂછયું. ‘ત્યાં છે ને રૂમમાં એકેય ઝાડ નથી, ફૂલો નથી… મને તો એની સાથે રમવું ગમે… ત્યાં ન હોય ડૉગી કે ન હોય પીંછાં…’ સ્કૂલના ટીચર-આચાર્યને મળીને, સમજાવીને બધી વાત કરી.

બાલમંદિરના બધા વર્ગોમાં ફૂલોના નાનકડાં કૂંડાં મૂકાવવાં તેઓ તૈયાર થયા. કૂંડાં મુકાવી આપશે નિરાલીના પપ્પા, એ શરતે. પપ્પાએ થોડા ટેડી બેર ખરીદીને શાળાને ભેટમાં આપ્યા. બીજે દિવસે નિરાલીબહેન ખુશી ખુશી બાલમંદિર ગયાં. સાથે મમ્મી અને અનુ ફીયા તો ખરાં જ. પૂરું એક અઠવાડિયું મમ્મી-અનુ એની સાથે રહ્યાં. નિરાલી રમતમાં પરોવાઈ જાય એટલે બહાર જઈને બેસે. દોસ્તી કરવામાં નિરાલી કુશળ. એને માસૂમ, જૂઈ, હિરવા, વેદાંત સાથે સારું ફાવવા લાગ્યું. અને આમ નિરાલી બાલમંદિરમાં રમતી-ભણતી થઈ હતી.

બાલમંદિર પછી ધોરણ એકમાં પ્રવેશ મેળવવાની ઘડી આવી. એડમિશન માટે ઈન્ટરવ્યૂનો જમાનો. બાળકનો તો ખરો જ, મમ્મી-પપ્પાનો પણ ઈન્ટરવ્યૂ. થોડાં વર્ષો પછી દાદા-દાદી, પૂરા પરિવારે બાળકના શાળાપ્રવેશ માટે ઈન્ટરવ્યૂ આપવા જવું પડે તો નવાઈ નહીં. એડમિશન… ઈન્ટરવ્યૂ… પ્રશ્નો-જવાબો… નિરાલી માટે તો આ નવા નવા શબ્દો. ઘરમાં બે અઠવાડિયાં પહેલાંથી ધીમી ગતિની તૈયારીઓ ગોઠવાવા માંડેલી. ઈન્ટરવ્યૂ માટે નિરાલીને સહજ રીતે તથા સરસ રીતે તૈયાર કરવાની હતી. ‘પણ મારો ઈન્ટરવ્યૂ શા માટે ?’ ‘બેટા, એ સ્કૂલ સરસ છે ને ? તને ત્યાં ભણવું છે ને ?’ પપ્પા. ‘બધી વાત સાચી પણ ઈન્ટરવ્યૂ… મારે નથી આપવો.’

‘સારી સ્કૂલ તારાં જેવાં સરસ ને હોશિયાર બાળકોને જ એમાં ભણવા દે…’ ‘તો પછી હું બીજી સ્કૂલમાં ભણવા જઈશ.’ ‘એ સ્કૂલમાં તારા મિત્રો પણ છે, તારા જાણીતા ટીચર્સ પણ છે…’ મમ્મીએ સમજાવ્યું. ‘બેટા, તારે નહીં, અમારે પણ ઈન્ટરવ્યૂ આપવાનો છે…’ પપ્પા. ‘તે તમે જઈને આપી આવો… બસ ?’ નિરાલીને ઘણુ સમજાવી, હળવેથી-પ્રેમથી. તરત સુંદર મજાનો યુનિફોર્મ સિવડાવ્યો ; દફતર, બૂટ-મોજાં, નવી નોટો, લંચબૉકસ… બધી નવી નવી વસ્તુઓ જોઈ-મેળવી નિરાલી ખુશ… ‘હં… હવે ઈન્ટરવ્યૂનું જોયું જશે.’

પપ્પાએ ઑફિસમાં બે દિવસ રજા રાખી. મમ્મી, દાદા-દાદી, અનુ વારાફરતી બધાં નિરાલીના ઈન્ટરવ્યૂની તૈયારીમાં. ‘બેટા, આને આ કહેવાય, પેલું તેમ કહેવાય, આ ચોરસ આકાર, આ લંબચોરસ, આ લાલ રંગ, પેલો પીળો… ફળો-ફૂલો, વૃક્ષો, શાકભાજી, પંખીઓ, ઋતુઓ, દિવસ મહિના… બધાંનાં નામ, ઓળખ નિરાલીને યાદ કરાવવામાં આવ્યાં. રિહર્સલ કરાવવામાં આવ્યાં.’ ‘તમે ચિંતા નહીં કરો, મને બધી ખબર છે, બધું આવડે છે… તમારી નિરાલી ઠોઠ નથી, હોશિયાર છે…’ ઈન્ટરવ્યૂ કમિટી સામે નિરાલી, મમ્મી-પપ્પા બેઠાં છે. ‘નમસ્તે’ કહેવાનું શીખવેલું, નિરાલી તો એ ભૂલી જ ગઈ. ખુરશી એની ઊંચાઈથી પણ થોડી ઊંચી હતી, તે કૂદકો મારીને આરામથી બેસી ગઈ. મમ્મી-પપ્પાને સહજ પ્રશ્નો પૂછવામાં આવ્યા. પછી આવ્યો નિરાલીનો વારો.

‘બેટા, તારું નામ શું છે ?’ આચાર્યા મેડમે પૂછયું. ‘નિરાલી… નિ…રા…લી… પણ… દાદા-દાદી. અને ફીયા મને લાડમાં નટખટ નિરાલી કહે છે…’ ‘સરસ નામ છે હોં…’ બીજાં ટીચર બોલ્યાં. ‘છે સ્તો… તમારું શું નામ છે ?’ નિરાલીએ ખિસ્સામાંથી પીછું કાઢતાં ટીચરને પૂછી લીધું. ‘હં… મારું ? મિતાલી…’ ટીચરે હસતાં જવાબ આપ્યો. ‘સારું નામ છે… પણ આખું નામ શું છે ?’ નિરાલી ઈન્ટરવ્યૂ આપવા નહીં, લેવા બેઠી છે. મમ્મી-પપ્પા ન બોલી શકે, ન કંઈ કરી શકે. ‘મિતાલી અતુલકુમાર પરીખ…’ ટીચરે પૂરું નામ કહ્યું. ‘બેટા, આને શું કહેવાય ?’ બૉલ બતાવતાં બીજા ટીચરે પૂછયું. ‘સાવ સહેલો પ્રશ્ન છે, આને બૉલ કહેવાય, તે ગોળ છે.’

‘આને કયો રંગ કહેવાય ?’ લીલા રંગનો કાગળ બતાવી પૂછવામાં આવ્યું. ‘છે ને તે વૃક્ષો બધાં લીલા રંગના હોય છે, તેથી આનો રંગ લીલો કહેવાય…’ ‘આ કયો રંગ કહેવાય ?’ લાલ રંગનું સફરજન બતાવી પુછાયું. ‘સફરજન… અનુ ફીયાને બહુ ભાવે… રેડ… રેડ એટલે લાલ રંગ… મને જરાયે નથી ગમતો. પપ્પાને હું રોજ કહું છું, ડીમ લાઈટ લાલ રંગની છે, તે બદલી કાઢો…’ ‘તો તને કયો રંગ ગમે ?’ આચાર્યા મૅડમે પૂછયું. ‘હં… મને બ્લ્યૂ… એટલે કે વાદળી બહુ ગમે… આકાશ બ્લ્યૂ… દરિયો બ્લ્યૂ… મારી ઢીંગલીની આંખો બ્લ્યૂ… મારા કબાટનો રંગ બ્લ્યૂ…’ બધાં હસી પડયાં.

‘બસ… બસ… નિરાલીને આકાશ, દરિયો બહુ ગમે, ખરું ?’ ‘નિરાલીને તો વાતો કરવીય બહુ ગમે… બસ, હવે હું જાઉં ?’ નિરાલી જવાબની રાહ જોયા વિના ઊભી જ થઈ ગઈ. ઈન્ટરવ્યૂ કમિટીનાં સભ્યો એને જોઈ રહ્યાં. મમ્મી-પપ્પા ચિંતામાં, ઊભાં રહ્યાં. ‘તમે પણ જઈ શકો છો… તમારી નિરાલી નિરાળી જ છે…’ આચાર્યા મૅડમ બોલ્યાં. ‘એમ નહીં, નટખટ નિરાલી…’ નિરાલીએ લહેકાથી કહ્યું. ચાર દિવસમાં તો સ્કૂલેથી પત્ર આવ્યો. નિરાલી તો ખુશ ખુશ. ‘હું ઈન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ… હું તો કહેતી જ હતી…’ આજે તો આખી શાળામાં, બધાં શિક્ષકોમાં નિરાલી જાણીતી છે. એ હોશિયાર છે, હસમુખી છે, બધાને મદદરૂપ બને છે, નટખટ નિરાલી છે ને !!!

Leave a Reply to Jigisha buch Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

22 thoughts on “શાળામાં પ્રવેશ.. (નવલિકા) – પ્રજ્ઞા પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.