અમદાવાદ એટલે અમદાવાદ… – વિનોદ ભટ્ટ

(‘જનકલ્યાણ’ સામયિકમાંથી)

વાહનવ્યવહાર

અમદાવાદના રસ્તાઓ પર ઠેકઠેકાણે થીગડાં જોવા મળે છે, પણ આ થીગડાંવાળા રસ્તાની અમદાવાદને શરમ નથી. શહેરના અંદરના ભાગમાં સારા કહી શકાય એવા બે જ રસ્તા છે. એક ગાંધીરોડ ને બીજો રિલીફ કે ટિળક રોડ. કોઈ ગરીબ સ્ત્રી પોતાની પાસેના બે સાડલાનું જતન કરે એ રીતે અમદાવાદ એ રસ્તાઓ પર થાગડથીગડ કરીને ચલાવે છે. ગાંધીરોડ ગાંધીજીની પોતડી જેવો ટૂંકો-સાંકડો છે. તેના પરનું દબાણ ઓછું થાય. ટ્રાફિકને રાહત થાય, રિલીફ રહે એ માટે રિલીફ રોડ તૈયાર કરવામાં આવેલો.

હવે અમદાવાદના આ રસ્તાઓ પર દોડતાં વાહનોની વાત…

લાલ બસ – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી આ લાલ બસ માતેલા સાંઢ તરીકે ઓળખાય છે. જોવાની ખૂબી એ છે કે આ સાંઢનો રંગ લાલ છે ને લાલ રંગના આ સાંઢને જોઈને રસ્તે ચાલનાર નાસભાગ કરી મૂકે છે. લાલ બસ સાંઢની જેમ મનમોજી છે. મન ફાવે ત્યારે ને ત્યાં ઊભા રહી જવાની તેમની પ્રકૃતિ છે. વચ્ચે કોઈક વાર બસ-સ્ટોપ પાસે બ્રેક વાગી જાય તો એ સ્ટોપ પાસે બસ ખડી રહી જાય છે. પણ બસ-સ્ટોપ આવ્યું એટલે ઊભા રહી જ જવું એવા જડ નિયમની આ બસને ભારે ચીડ છે. પેસેન્જરો બસની લાઈનમાં નિર્લેપભાવેઊભા રહે છે. અમદાવાદીઓ બસ અને સ્ત્રીની બાબતમાં બહુ ચિંતિત નથી હોતા, કેમ કે તે જાણે છે કે એક જાય છે તેની પાછળ વહેલીમોડીય બીજી આવે જ છે. ધીરજનો ગુણ તેણે કેળવેલો હોય છે.

અહીં એક વાર્તા યાદ આવી ગઈ. વાર્તા ઓ.હેનરીની છે. એક મોડી રાતે આઠેક વર્ષની દીકરીના પેટમાં અસહ્ય દુખાવો ઉપડે છે. દીકરી ચીસાચીસ કરીને આખું ઘર માથે લે છે. દીકરીના માથા પર હાથ ફેરવતાં બાપ આશ્વાસન આપે છેઃ ‘બેટી રડ નહીં, અબઘડી હું તારા માટે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને આવું છું…’ દીકરી માટે બાપ લેવા ઊપડે છે. સવારે દીકરીના પેટનો દુખાવો મટી જાય છે. પણ બાપ પાછો ફરતો નથી. ઘણી રાહ જોવાય છે.

આમ ને આમ વર્ષોનાં વહાણાં વહી જાય છે. દીકરી ઉંમરલાયક થાય છે. તે પરણી જાય છે ને પતિ સાથે બાપના મકાનમાં જ રહેછે, બુઢ્ઢી માની સંભાળ લઈ શકાય એ વાસ્તે. તેમને ત્યાં પુત્રી જન્મે છે, જે આઠ વર્ષની થાય છે ત્યારે એક રાત્રે ઓચિંતું જ તેના પેટમાં દુખવા માંડે છે. તેની માને વર્ષો અગાઉ દુખ્યું હતું એમ જ… બાપ બેબાકળો થઈ જાય છે. દીકરીને કહે છેઃ ‘રડ નહિ બેટી, અબઘડી હું તારા માટે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને આવું છું…’ ત્યારે દીકરીની મા તેને રોકે છેઃ ‘ના જહોન, નહિ… તું ના જઈશ, પ્લીઝ… આવી જ એક કારમી રાત્રે મારો બાપ મારા માટે દવા લેવા ગયેલો તે પાછો નથી ફર્યો. તને હું નહીં જવા દઉં… છોકરીને સવારે સારું થઈ જશે.’

અને એટલામાં કોલબેલ વાગે છે. પતિ-પત્ની સાથે જ દરવાજો ખોલે છે તો સામે ઊબેલો વૃદ્ધ પરસેવો લૂછતાં હાથમાંની દવાની શીશી સ્ત્રીને આપતાં કહે છેઃ ‘સોરી હોં, બસ મળતાં જરા વાર લાગી એટલે મોડું થયું…’

ઓ. હેનરીની આ વાતનું પગેરું શોધવા પ્રયત્ન કરીએ તો કદાચ અમદાવાદ સુધી પહોંચે એમ મારું માનવું છે.

આ મ્યુનિસિપલ બસમાં એન્જિન આગળ હોય છે. એટલે કોઈ વખત બસ આગળની બાજુએ ઊથલી ના પડે એ માટે બસના પાછળના ભાગમાં સ્ત્રીઓની બેઠકો રાખવામાં આવે છે. આથી પુરુષોની ભીડ એ બાજુ વધુ રહે છે ને બસ આગળની તરફ હજુ સુધી ઊથલી પડી નથી.

રિક્ષા – પ્રાણને મુઠ્ઠીમાં રાખી ઓટોરિક્ષાઓથી બચીને ચાલતા, મોતની સાથે સંતાકૂકડી રમતા અમદાવાદની રાહદારીઓ ક્ષણે ક્ષણે જીવે-મરે છે. દેવહૂમા(ફિનિક્સ) પક્ષી માટે કહેવાય છે કે પોતાની રાખમાઠી જ તે સજીવન થાય છે ; તે રીતે અમદાવાદીઓ પણ પોતાની આકાંક્ષાઓમાંથી ફરી પાછી જીવતા થઈને દોડવા માંડે છે.

કેટલીક રિક્ષાઓની પાછળ ‘રોડોં કા રાજા’ લખ્યું હોય છે, જે પગે ચાલનારાઓ સાચુંય માને છે. કહેવતમાં સાચું જ કહ્યું છે કે ‘રાજા, વાજા ને વાંદરા, એ ત્રણેથી ચેતીને ચાલવું સારું.’ આ રિક્ષાનું બીજું નામ શિક્ષા (સજા) પણ છે, અને તે શિક્ષા રાહદારીઓથી વધુ તો તેમાં બેસનારાઓ માટે હોય છે.

એક વખત મારે વી. એસ. હોસ્પિટલમાં કોઈ સ્નેહીની ખબર કાઢવા જવાનું હતું. ખાલી રિક્ષાને થોભાવીને તેમાં બેસી રિક્ષાવાળાને મેં સૂચના આપીઃ ‘વી. એસ. હોસ્પિટલ લે લો…’ રિક્ષાવાળાએ સીધી થર્ડ ગીઅરમાં નાખી ભગાવવા માંડી. અને રિક્ષાને બદલે ફાયરબ્રિગેડના બંબામાં બેઠા હોવાનો વહેમ પડ્યો એટલે સાઈડમાં રિક્ષા ઊભી રખાવી રિક્ષા-ડ્રાઈવર સાથે મેં ચોખવટ કરી, ‘વી. એસ.માં મારે ખબર કાઢવા જવાનું છે, રહેવા નહીં…’
‘તો એમ કહો ને ત્યારે..’ કહી તેણે સ્પીડ સાધારણ કરી.

હા, એટલું ખરું કે રિક્ષામાં બેઠા હોઈએ એટલી ઘડી બીજો કોઈ રિક્ષાવાળો આપણા પર નથી ચડી આવવાનો એટલી ખાતરી તો રાખી શકાય. પગે ચાલનારાઓ કરતાં એટલી વધુ સલામતી ખરી. અમદાવાદના પગે ચાલનારાઓ ઓટોરિક્ષાની અડફેટે ના ચડવા શું કરવું ?

ઓટોરિક્ષાની અડફેટે ના ચડવા માટેની માર્ગદર્શિકા

અમદાવાદની રહીશોને ગાય કરતાંય વધારે ડર ઓટોરિક્ષાનો હોય છે. અમદાવાદમાં હવે કોઈ કોઈને ‘કૂતરાના મોતે મરવાના’ શાપ નથી આપતું. તેને બદલે ‘રિક્ષાના મોતે મરજે’ એમ કહે છે. ચન્દ્રવદન મહેતાએ ક્યાંક લખ્યું છે કે હું અકસ્માતમાં ગુજરી જાઉં તો માનજો કે કોઈ સાઈકિલસ્ટે જ મને અડફેટે ચડાવ્યો હશે. ઘણાંબધાં વર્ષો પૂર્વે, અમદાવાદમાં ઓટોરિક્ષાઓ શરૂ નહોતી થઈ ત્યારે ચં. ચી.એ આ લખેલું. અત્યારે જો તે વડોદરાને બદલે અમદાવાદમાં રહેતા હોત તો ચોક્કસ લખત કે ‘રિક્ષાવાળા સિવાય બીજા કોઈએ મને અડફેટે નથી ચડાવ્યો…’

એટલે જેણે રિક્ષાની અડફેટે ન ચડવું હોય તેણે રિક્ષાની એટલે કે રિક્ષાવાળાની ભાષા સમજવી પડશે. જોકે સોએ સો ટકા ગેરંટી આપી શકાય નહીં. પણ આ સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે તો રિક્ષાવાળાની અડફેટમાંથી ઊગરી જવાશે.

રિક્ષાની અડફેટે ન ચડવું હોય તો શ્રેષ્ઠ ઉપાય એ છે કે ઘરની બહાર નીકળવું નહિ. રિક્ષાવાળો તમારા ઘરમાં ઘૂસી જઈને તમને કચડી નહીં નાખે એટલું તો હું ખાતરીપૂર્વક કહું છું. તમે મેડા પર રહેતા હશો તો…

પહેલી જ સૂચના તમને ઘર બહાર નહિ નીકળવાની આપી છે છતાં ઘરની બહાર નીકળ્યા વગર તમારે ચાલે એમ ન હોય તો બેધડક બહાર નીકળવું. પણ તમારી આગળ જે રિક્ષા ચાલી રહી હોય તેની પાછળ લખાયેલ લખાણ ખાસ વાંચતાં રહેવું. જે રિક્ષાની પાછળ, ‘ચાર દિન કી હૈ જિંદગાની’, ‘મૃત્યુ મારો જન્મસિદ્ધ હક છે’ કે એવા મતલબનું કોઈ સૂત્ર લખાયું હોય એ રિક્ષાની આગળ કે પાછળ ચાલવામાં વધુ જોખમ છે.
એક રિક્ષાની પાછળ મનુ, રાજુ, કલ્પેશ, નીતા અને અમર એવાં પાંચ નામો લખેલાં. રિક્ષવાળાને મેં તેનો અર્થ પૂછતાં તેણે જણાવેલું કે આ રિક્ષાની અડફેટે આવીને આ બધાં શહીદ થયેલાં. એટલે આવાં નામો લખેલી રિક્ષા હોય તો તે પસાર થઈ જાય ત્યાં સુધી એક બાજુએ ઊભા રહી જવું.

આગળ જતા રિક્ષાવાળાના હાથને બદલે પગના હલનચલન તરફ વિશેષ ધ્યાન આપવું. રિક્ષામાંથી જો તે પોતાનો જમણો પગ બહાર કાઢીને લંબાવે તો સમજવું કે તે ડાબી તરફ વળવાની ઈચ્છા રાખે છે. ને મોટા ભાગે તે ડાબી બાજુએ જ વાળશે, છતાં નક્કી નહીં. એ વખતે તેની જમણી આંખ ફરકે તો પછી જમણી બાજુએ વાળી લે, તોપણ એક વાત ચોક્કસ છે કે ડાબી બાજુ સહેજ આગળ વધ્યા પછે જ તે જમણી દિશામાં ફંટાશે.

ને જે રિક્ષાવાળાને પગે વાગ્યું હશે અથવા તો પગમાં ખાલી ચડી હશે એ લોકો જ સાઈડ આપવા માટે પગને બદલે હાથનો ઉપયોગ કરશે. આવો કોઈ રિક્ષાવાળો પોતાનો ડાબો હાથ બતાવે તો તમારે માનવું કે તે આગળ જવા નથી માગતો. એ ત્યાં જ અટકી જશે, તમારેય અટકી જવું. એ પોતાના જમણા હાથની હથેળી બહાર કાઢીને ઊભી કરી દે, આશીર્વાદ આપવા જેવી, ‘તથાસ્તુ’ની મુદ્રા કરે તો તમારે એ તફર જરાય લક્ષ ન આપવું. એ તમને નહિ પણ પોતાના આગળના વાહન માટેનો સંકેત છે. આગળ જતા વાહનવાળાને એ કંઈક કહેવા માગે છે.

આગળ રિક્ષા ચલાવનાર રિક્ષાની ગતિ ઓછી કરીને મીટર સામે જોઈને રિક્ષા ચલાવતો હોય તો માની લેજો કે તે શૂન્ય પૂરું કરીને એકડો આવે એટલા જ અંતરે રિક્ષા ઊભી કરી દેવાનો છે. શૂન્યમાંથી સર્જન કરવામાં તેને વધુ રસ છે. મીટરનો કાંટો શૂન્ય પરથી ખસીને એક પર આવે એટલે તેના મોઢા પર વિજયનું સ્મિત ફરકે છે. રિક્ષાવાળાનું ગણિત વધારે પાકું હોય છે.

કોઈ રિક્ષાવાળો તમારા પગ પાસે જ રિક્ષા લાવીને, બ્રેક મારતાં ચૂં…નો અવાજ કરે તો એનો અર્થ એમ સમજવાનો કે તમે સાચી સડક પાર ચાલો છો.

તમારી આગળ જો એ કશુંક બબડતો આગળ નીકળી જાય તો એનો અર્થ એમ કરવાનો કે તે ડાબી ગલીમાં વળવા માગે છે.
અને છેલ્લી ચેતવણી. મિત્ર સાથે રસ્તે ચાલતાં, આ લેખની ચર્ચા કરશો નહિ. નહિ તો પછો કો’ક રિક્ષાવાળો તમને ચોક્કસ અડફેટમાં લઈ લેશે.

ખટારો – આ ‘ખટારો’ શબ્દ બોલતી વખતે ‘સરસ્વતીચંદ્ર’નો પેલો જમાલ યાદ આવી જાય છે. ગોવર્ધનરામે જમાલ માટે આ વાક્ય વાપર્યું છેઃ ‘સારા અને નરસાની લડાઈમાં નરસાને કંઈ જ ગુમાવવાનું નથી…’ ખટારાનુંય આવું છે. તેની સથે અથડાનાર વાહને જ સહન કરવાનું હોય છે, ખટારાએ નહીં. દાદાઓ ગળે રૂમાલ બાંધે છે, એ રીતે ખટારાઓ સૂત્રો ટીંગાડે છે. આમાંનાં કેટલાંક ધમકીરૂપ હોય છે. એક ખટારા પાછળ બોર્ડ હતુઃ ‘હમ સે જો ટકરાયેગા, મિટ્ટી મેં મિલ જાયેગા…’ બાકી ‘ફિર મિલેંગે’ વાક્ય તો દર ત્રણમાંના બે ખટારાઓ પર લખાયેલા જોવામાં આવે છે. આ વાંચતી વખતે, ‘બચ્ચુ, આ વખતે તો બચી ગયો છે, પણ ફરી વાર મારી આડે ન ઊતરતો…’ જેવી ગર્ભિત ચેતવણી વાંચતા હોઈએ એમ લાગે છે.

અમદાવાદની પ્રજાને ફૂટપાથ પર ચાલવા કરતાં રસ્તાની વચ્ચે ચાલવામાં પોતાની સલામતી વધુ જણાય છે જેનું કારણ આ ખટારા જ છે. ખટારાને ફૂટપાથ પર ચાલવાનું ઘણી વાર મન થઈ આવે છે; એટલે લોકોએ રસ્તાની વચ્ચોવચ ચાલવાની ટેવ પાડી છે.

અમારા ગીધુકાકા પાસે એક યુવાન આવ્યો. તેને આત્મહત્યા કરવાની ધૂન મગજ પર સવાર થઈ ગયેલી. કાકાને તે કહેવા માંડ્યોઃ ‘ગીધુકાકા, બસ, જીવવામાં હવે રસ નથી. માંકડ મારવાની દવા પીને જીવનનો અંત આણવાનું મન થઈ ગયું છે…’

ત્યારે ગીધુકાકાએ તેને ઠપકો આપ્યોઃ ‘બેવકૂફ ! શા માટે એવો ખોટો ખરચો કરે છે ! ને માંકડ મારવાની દવા પીનેય નહીં મરે તો પાછો આત્મહત્યાનો કેસ મંડાશે. એ કરતાં તને એક સહેલો રસ્તો બતાવું…’

‘બતાવો કાકા’, પેલાએ ગંભીરતાથી માર્ગદર્શન માગ્યું.

‘તારે ખરેખર જો મરવું જ હોય તો આ સામેની ફૂટપાથ પાર ખાટલો નાખીને બેસ… સાંજ સુધીમાં કોઈ ટ્રકવાળો તારી મુરાદ બર લાવી દેશે…’

સ્કૂટરઃ કહેવત છે ને કોઈ જગ્યાએ ના ચાલે… તે અમદાવાદમાં ચાલે. કદાચ એ જ કારણે બીજા કોઈ શહેર કરતાં અમદાવાદમાં સ્કૂટરો વધારે ચાલે છે. સ્કૂટર પરથી અમદાવાદનું સ્ટેટસ નક્કી ના કરી શકાય. તે કોઈ બેન્ક કે સરકારી ઓફિસનો પટાવાળો હોઈ શકે કે ગેરેજનો મિકેનિક પણ હોઈ શકે, છતાં સ્કૂટર પર બેસવાની તેની ઢબ પરથી એટલું નક્કી કરી શકાય ખરું કે આ સ્કૂટર તેનું પોતાનું છે કે બીજાનું વાપરવા લીધું છે !

રસ્તા પર ચાલતાં વાહનોમાં વધુમાં વધુ જોખમ સ્કૂટરવાળાને છે એમ જણાતાં સરકારે વચ્ચે સ્કૂટર જેવાં બે પૈડાંનાં વાહનો માટે ‘હેલ્મેટ’ ફરજિયાત કરવાનું વિચારેલું. એક સરકારી પ્રવક્તાને મેં એ વિશે પૃચ્છા કરેલીઃ ‘શા માટે સરકાર કાયદાથી પ્રજાને હેલ્મેટ પહેરાવવા માગે છે?’ ત્યારે તેણે જણાવેલું કે, ‘લોકશાહીમાં લોકો જ રાજા હોય છે. પ્રજા જ રાજા ગણાય એટલે તેને માથે મુગટ હોવો જોઈએ.’

વાહનો જે રીતે શહેરમાં દોડી રહ્યાં છે એ જોતાં સ્કૂટર, મોટર, સાઈકલ જ નહીં, તેની પાછળ બેસવાવાળા તેમ જ ચાલવાવાળા માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવી જોઈએ. અમારા ગીધુકાકા કહે છે અમદાવાદમાં સ્ત્રીઓ માટે, ખાસ કરીને પરણેલી સ્ત્રીઓ માટે ફરજિયાત હેલ્મેટ હોવી જોઈએ. પરણેલી સ્ત્રી માટે હેલ્મેટ ફરજિયાત હોય તો પતિ તેને સમજાવી શકે કે પત્ની, આમેય તેં ચોપડેલાં લાલી-લિપસ્ટિક કે પફ-પાઉઅડર હેલ્મેટમાંથી બહાર દેખાવાનાં નથી. તો પછી શા માટે તેની પાછળ આટલો બધો શ્રમ કરે છે? – જો કે ગીધુકાકા એ નથી જાણતા કે પરિણીત સ્ત્રી તેની સાડી સાથે મેચ થાય એવી જુદા જુદા રંગની સાત હેલ્મેટ માટે હઠ કરશે તો અમદાવાદના સાડીવાળાને ત્યાં જ આ હેલ્મેટ વેચાતો થશે. વેપારીઓ ભવ્ય સેલની જાહેરાતમાં લખશે કે અમારે ત્યાંથી સાડી ખરીદનારને સાડીના મેચીંગની હેલ્મેટ ભેટ આપવામાં આવશે ને તેના વરને બાપડાને અઢીસો રૂપિયાની સાડીના પાંચસો ખરીદવા પડશે…

સાઈકલ – અમદાવાદમાં સાયકલ ચલવનારનું કામ દોરડા પાર ચાલનારા નટ કરતાંય વધુ મુશ્કેલ છે, કેમ કે દોરડા પર માત્ર એક ને એક વધુમાં વધુ બે જ માણસો હોઈ સામેથી કોઈ આવીને અથડાઈ જાય એવું ભાગ્યે જ બને. જ્યારે અહીં તો ‘વન-વે’ માંથી ગમે તે કોઈ સામેથી આવીને અથડાઈ પડે છે. હવે તો ગધેડા ચારવાવાળા પણ ગદર્ભ પર બેસવાને બદલે સાઈકલ પર બેસીને ગધેડા ચારવા જતા હોય છે એટલે સાઈકલસવાર ક્યારે કોની અડફેટે ચડી જશે એ કહેવાય નહિ.

હું કોલેજમાં ભણતો હતો ત્યારે સાઈકલ પર બેસીને જતો હતો ત્યાં બાજુની ગલીમાંથી એક કાકા મારી સામે ધસી આવીને ઊભા રહી ગયા. મારી સાઈકલ કાકા તરફ આકર્ષાઈને ‘કાકાની શશી’ પેઠે નફ્ફટાઈથી તે તેમને વહાલ કરવા પહોંચી ગઈ. તેને મેં બીજી તરફ દોરવા વ્યર્થ પ્રયાસ કર્યો પણ તે કાકાના બે પગની વચ્ચે ખડી રહી ગઈ. સાઈકલ નીચી હતી. એટલે મારા લાંબા પગ જમીન પર ટેકવી મારા બચાવમાં હું બોલ્યોઃ ‘મુરબ્બી આમાં મારો દોષ નથી. પાછળથી રિક્ષા આવતી’તી ને સાઈડમાંથી બસ પસાર થઈ એટલે મારી નજર ત્યાં ગઈ એટલામાં તમે સામેથી આવી ગયા…’ સાઈકલ હજી કાકાના બે પગ વચ્ચે ઊભી હતી. અત્યાર સુધી ચૂપ ઊભેલા કાકાએ પોતાના પગ સામે જોતાં શાંતિથી કહ્યું, ‘સાંભળી લીધું તારું બચાવનામું… હવે તો મારા બે પગ વચ્ચેથી સાઈકલ કાઢ ! આ તે કંઈ સાઈકલ-સ્ટેન્ડ છે ?…’ ગરીબની જોરુ જેવા આ વાહન માટે આટલું બસ…

* * *

કહે છે કે અસલ અમદાવાદમાં એક સાથે દસ ગાડાં ચાલી શકે એટલા પહોળા રસ્તા હતા ને બળદો કે ઊંટોએ રસ્તા પાર તોફાન કરી કોઈ મોટા અકસ્માતો કર્યાની નોંધ નથી. ટ્રાફિક નિયમનની જરૂર કોઈને લાગતી નહીં.

જ્યારે આજે વર્ષમાં એકાદ વીક ‘ટ્રાફિક વીક’ તરીકે આવે છે. જો કે આથી ટ્રાફિફને ખાસ ફાયદો થતો નથી, પણ જોનારાને ગમ્મત પડે છે. આ નગરમાં જ્યાં ટ્રાફિકને જ કોઈ ગંભીરતાથી લેતું નથી તો પછી ‘ટ્રાફિક વીક’ નો સવાલ જ નથી. પણ તે ઊજવવાથી ઊજવનારને મનમાં સારું લાગે છે, શહેરમાં કશું કર્યાનો સંતોષ થાય છે.

ટ્રાફિક નિયમનમાં મદદરૂપ થવા મેં કેટલાક મદદરૂપ થવા મેં કેટલાંક સૂત્રો ને કાર્ટૂનોના આઈડિયા તૈયાર કરીને આવું કામ કરનાર મિત્રોને આપેલા. ભવિષ્યમાં ભીડવાળા ચાર રસ્તા પર આ પ્રકારનાં હોર્ડિંગ્સ મુકાવવાનું કોઈને મન થાય તો મૂકી શકે એ વાસ્તે અહીં થોડા નમૂના આપીએ છીએ.
‘આજ કરતાં આવતી કાલ વધારે સારી હશે… તમારે તે જોવી હોય તો ફૂટપાથ પાર ચાલો…’

* * *

‘તમે રસ્તો ઓળંગી લો ત્યાર પહેલાં કોઈ વાહન તમને ના ઓળંગી જાય એની તકેદારી માટે હંમેશાં લીલી બત્તી થાય ત્યાં સુધી થોભો…’

* * *

‘તમે પણ ભવિષ્યમાં ભારતના રાષ્ટ્રપતિ બનવા ઇચ્છાતા હો તો ઝિબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો ઓળંગો…’

* * *

પોલીસ ઇન્સ્પેકટરઃ (સ્કૂટરચાલકને) ‘તમે તમારી પત્નીથી કંટાળી ગયા હશો એ સ્વીકારું છું. તોપણ આમ બેફામ રીતે સ્કૂટર ના ચલાવાય, બીજાનો તો ખ્યાલ કરો !’

* * *

‘આ રસ્તો સ્મશાનઘાટ તરફ જાય છે. જરા ધીરે હાંકો…’

* * *

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે આ બધું હું જ કરું છું. તું તો નિમિત્ત માત્ર જ છે. તેમ છતાં અકસ્માત કરવા બદલ પોલીસ તમારું જ નામ લખશે. શ્રીકૃષ્ણનું નહીં…


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous શાળામાં પ્રવેશ.. (નવલિકા) – પ્રજ્ઞા પટેલ
જનારાને શ્રદ્ધાંજલિ – મીરાબેન ભટ્ટ Next »   

10 પ્રતિભાવો : અમદાવાદ એટલે અમદાવાદ… – વિનોદ ભટ્ટ

 1. rajendra shah says:

  as usual Vinod Bhatt special

 2. Kanu Mistry says:

  સરસ ! હુમેશનિ જેમ વિનોદ ભુત તરફથિ.

 3. gita kansara says:

  મજાનો લેખ્.સાચુ પ્રતિબિમ્બ તાદ્ર્શ્ રજુ લેખ દ્વારા પ્ર્સ્તુત કર્યુ.આભાર્.

 4. i.k.patel says:

  લેખ વાંચી બહુ મજા આવી. હા હા હા……

 5. pjpandya says:

  અમદાવાદ્મા ફરતા હોઇએ તેવુ લગ્યુ

 6. chandrakant Gadhvi says:

  સાહેબ અમદાવાદ ને ખુબજ ચાહે, ફરે અને હાસ્ય નિરુપે આવા જ લેખો લખતા રહો.
  ખુબ જ અભિવાદન ,અભિનન્દન વિનોદભાઇ.

 7. S.R.MAKWANA says:

  સરસ લેખ્..

 8. Arvind Patel says:

  Writer shri Vinod Bhatt is havein great sence of humor.
  Real our Ahmedabad is uniques among other cities.
  We like mess !! We don’t believe in system !! Irregularities is the Regular identity of our city !!
  Amadavadi was having the typical charectoristic. In gujarati we use to say : How to buy !! ( Saru, Sastu, Takawu & Uhar ) Measn, good, cheapest,life long & on credit. some one was travelling in train & ask fellow passanger, which station is this !! He told give me coin & will reply you. He said ok, I understood, this is Amdavad.
  Many more stories for our city.

 9. Kalidas V,Patel {Vagosana} says:

  મજાનો લેખ. અમદાવાદની સાચી ટ્રાફિક ઓળખ મળી.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.