રીડગુજરાતી : દસમા વર્ષમાં મંગલ પ્રવેશ…

સૌપ્રથમ તો મૃગેશભાઈના પિતાજી શ્રી ધનંજયભાઈ શાહ રીડગુજરાતીના સર્વે વાચકો, મૃગેશભાઈની માંદગી અને અવસાનના કપરા સમયમાં પડખે રહેનાર સર્વે સહ્રદયો, મદદકર્તાઓ અને સહભાવકોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તેમણે મને કહ્યું કે કેટલા બધાં લોકોએ ફક્ત ઓનલાઈન ઓળખાણે કેટકેટલી મદદ કરી છે, એ ઋણાનુબંધ નહીં તો બીજુ શું? એ સર્વે જાણીતા – અજાણ્યા લોકોનો આભાર કઈ રીતે વ્યક્ત કરવો? દરેક સુધી અંગત રીતે પહોંચવુ શક્ય ન હોઈ આજના દિવસે એ સર્વેનો તેઓ હ્રદયપૂર્વક અને નતમસ્તકે ધન્યવાદ કહેવા માંગે છે. તેમનો સર્વે પ્રત્યેનો આ આભાર વ્યક્ત કરવા કોઈ શબ્દો નથી, ફક્ત એક લાગણી છે જેની અભિવ્યક્તિ શબ્દોમાં મૂકવી મારે માટે અશક્ય છે.

સ્વ. મૃગેશભાઈની ગેરહાજરીમાં રીડગુજરાતી દસમા વર્ષમાં પ્રવેશી રહી છે, એટલે આ લખું છું ત્યારે દસમા વર્ષમાં પ્રવેશને મંગલ કઈ રીતે કહેવો એ પ્રશ્ન સ્વાભાવિક છે. થોડાક દિવસ પહેલા મૃગેશભાઈના ઘરે તેમના પિતા સાથે તેમના ઘરે બેઠો હતો, રીડગુજરાતી અને અન્ય અનેક બાબતો વિશે તેમની સાથે વિગતે વાત થઈ. તેમની સ્વસ્થતા અને સંજોગોનો માર સહન કરવાની ક્ષમતા ગજબની છે, એકના એક પુત્રને ખોઈ બેઠેલા પિતાને માટે આ ખૂબ મુશ્કેલ વાત છે, પણ પુત્રની એકમાત્ર ઇચ્છા, તેના કર્મને આગળ ધપાવવાની ખેવના પણ એટલી જ સહજ છે. એમણે મને કહ્યું, ‘ગમે તે રીતે રીડગુજરાતીને ચાલુ રાખવાનો પ્રયત્ન કરવો જ છે.’ એક ક્ષણે તો વર્ડપ્રેસ અને સમગ્ર વેબસાઈટ ચલાવવાનિ પ્રક્રિયાઓ એ શીખવા તૈયાર થઈ ગયા હતા, પણ પુત્રવિયોગ એ બધુંય તરત થવા નહીં દે, એને થોડોક સમય અવશ્ય લાગશે. તેમનો જુસ્સો જોઈને મને પણ થયું કે અનેકોનો પ્રેરણાસ્ત્રોત એવી આ વેબસાઈટ બંધ તો ન જ થવી જોઈએ. મને લાગે છે કે સાહિત્ય આપણને ગમે તેવા કપરા સંજોગોમાંથી પણ માર્ગ શોધીને આગળ વધવાની પ્રેરણા આપે છે, એ હતાશ મનમાં નવો જુસ્સો અને કામ કરવાની ધગશ પ્રેરે છે, એ અશક્યતાઓના વાદળોની વચ્ચેથી પણ શક્યતાના સૂર્યકિરણો મોકલે છે. મૃગેશભાઈની વાતને, ઇચ્છાને અને કાર્યને આગળ ધપાવવું એ જ એક માત્ર ઉદ્દેશ રાખીને તેમના પિતાની ઇચ્છા મુજબ હું અત્યારે રીડગુજરાતીના સર્વ વાચકો સમક્ષ ઉપસ્થિત થયો છું ત્યારે મનમાં એક સંતોષ છે, આ વેબસાઈટને આગળ ધપાવવામાં શક્ય પ્રયત્ન કરી શકવાનું. મૃગેશભાઈ જ્યાંથી પણ આ જોતા હશે, તેમના કાર્યને આગળ વધતું જોઈને અવશ્ય આનંદ અનુભવતા હશે.

રીડગુજરાતી માટે આગળનો આગળનો રસ્તો સહજ નથી, પણ મૃગેશભાઈના પિતાની સાથે થયેલ ચર્ચા મુજબ રોજ એક લેખ મૂકવાનો પ્રયત્ન થશે. આ માટે અનેક હાથની જરૂર પડશે. અત્યારે થયેલ ગોઠવણ મુજબ લેખની પસંદગી મહદંશે ધનંજયકાકા કરશે અને એમાં જરૂર પડ્યે હું પણ મદદ કરીશ. આ ઉપરાંત લેખ મૂકવાની, એડીટીંગની અને વેબસાઈટ સંભાળવાની જવાબદારી મેં સ્વીકારી છે, દરેક કામમાં મદદની જરૂર પડશે, એકથી વધુ મિત્રોનો સહકાર જોઈશે અને આશા છે કે એ મળી રહેશે. રીડગુજરાતી માટેના લેખ કાયમની જેમ મૃગેશભાઈના જ ઈ-મેલ સરનામે મોકલવાના રહેશે. જે મિત્રો લેખ ટાઈપ કરવામાં, વેબસાઈટ સંચાલનમાં અને આર્થિક રીતે – એમ ત્રણમાંથી કોઈ પણ રીતે મદદ કરવા માંગતા હોય તેમનું સ્વાગત છે. આ ઉપરાંતની કોઈ પણ સહાય સહર્ષ આવકાર્ય છે.

જેમ મૃગેશભાઈ હવે શરીર છોડીને પંચતત્વમાં ભળી ગયા તેમ રીડગુજરાતી પણ હવે સર્વની વેબસાઈટ થઈ છે, એક સંપાદક તરીકે અમારી ફરજ ફક્ત તેને યોગ્ય રસ્તે રાખવા પૂરતી જ રહેશે. આપણા સૌની આ વેબસાઈટ આજે દસમાં વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે અહીં પણ સનાતન નિયમ મુજબ બદલાવ જ પ્રકૃતિ છે, રીડગુજરાતીની પદ્ધતિ અને સંચાલનમાં પણ આવનારા સમયમાં થોડોઘણો બદલાવ થશે જ, પણ તેની મૂળભૂત પ્રણાલી, સારતત્વ અને સત્વને ધ્યાનમાં રાખવાના છે, તેમાં સહેજ પણ બાંધછોડ નહીં થાય. વાંચન માટે આતુર સૌ વાચકમિત્રોને રોજ એક લેખ આપી શકું એ માટે બનતી કોશિશ કરીશ. દસમા વર્ષમાં મંગલપ્રવેશ નિમિત્તે રીડગુજરાતી માટે આપની શુભેચ્છાઓ ચાહું છું.

દસમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે આજે સર્વે વડીલ સાહિત્યકારો, ઉત્તમ પુસ્તકો અને લેખન રીડગુજરાતી સુધી પહોંચાડનાર સૌ પ્રકાશકો તથા લેખક મિત્રો, મૃગેશભાઈની બીમારી – અવસાન દરમ્યાન મદદ માટે ખડે પગે ઉભા રહેનાર તથા આર્થિક સહાય કરનાર મિત્રો, વેબસાઈટના ખર્ચ અને સંચાલન માટે સહાયતા કરનારા સૌ દાતાઓ, સમગ્ર રીડગુજરાતી વાચક પરિવારની શુભેચ્છાઓ અને આશિર્વાદની આજે સૌથી વધુ જરૂર છે. વિચારપ્રેરક અને સત્વશીલ સાહિત્યના વાંચન દ્વારા રીડગુજરાતી આપણા સૌના જીવનપથને વધારે ને વધારે ઉજ્જ્વળ અને પ્રકાશિત કરવામાં નિમિત્ત બને તેવી પ્રાર્થના સાથે વીરમું છું.

– જીજ્ઞેશ અધ્યારૂ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

25 thoughts on “રીડગુજરાતી : દસમા વર્ષમાં મંગલ પ્રવેશ…”

Copy Protected by Chetan's WP-Copyprotect.