જનારાને શ્રદ્ધાંજલિ – મીરાબેન ભટ્ટ

(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર)

હજુ તો એ પાંખો ફફડાવતો, ભરજોબનમાંથી પસાર થતો થનગનતો યુવાન હતો. એની આંખોમાં એક સપનું અંજાયેલું હતું કે સમસ્ત દુનિયામાં ગુજરાતી ભાષાના સર્વોત્તમને પહોંચાડતા રહેવું. એની ‘રીડગુજરાતી’ વેબસાઈટે વિદેશમાં વસતા અનેક ગુર્જરજનોને ગુજરાતી ભાષામાં રસ લેતા કર્યા.

એ આમ જ એક ભરબપોરે મારે ત્યાં આવી ચઢ્યો હતો. મારા એક પુસ્તકના એક પ્રકરણને એને વેબસાઈટ પર મૂકવું હતું, એની સંમતિ લેવા. ‘સાત પગલાં સાથે’ પુસ્તકનું એ પ્રથમ મુલાકાત પ્રકરણ હતું. બે લગ્નોત્સુક યુવા – યુવતી પહેલી મુલાકાતમાં જે પરસ્પર આદાન – પ્રદાન કરે છે, ભાવિ જીવનનો નકશો દોરે છે તેની વાત એ પ્રકરણમાં હતી. એ વાંચીને એને થયેલું કે મીરાબહેન કોઈ આવી જ સ્વપ્નશીલ નવયુવતી હશે, પરંતુ આવીને જોયું તો પંચોતેરના આરે પહોંચેલી શ્વેતકેશી માતૃતુલ્ય મહિલા ! પણ એકાદ કલાકની વાતચીત પછી તો હું સાચે જ એની એવી માતૃતુલ્ય બની ગઈ કે એના મા-બાપ પાસે પણ જે વાતો ન ખોલાઈ હોય એ અમારી પાસે ખોલતો થઈ ગયો.

ગમે ત્યાંથી શોધીને મારા લેખો દુનિયાને પહોંચાડતો રહ્યો અને એના પ્રતિસાદમાં આવતા સંદેશાઓને પણ પહોંચાડતો રહ્યો. ઉપરોક્ત પ્રકરણના અનુસંધાને તો બત્રીસ જેટલા પ્રતિસાદ આવેલા. ‘રીડ ગુજરાતી’ ઉપરાંત અમારા બન્ને વચ્ચેની એક મજબૂત કડી હતી મોરારિબાપુની. ‘અસ્મિતાપર્વ’ સાથે એ વર્ષોથી જોડાયેલો અને મોરારિબાપુ એના શ્રદ્ધેય સ્થાને હતા. બાપુની સેવાગ્રામ – કથા વખતે મને પવનાર સુધી પહોંચાડવાનું કામ બાપુએ મૃગેશને સોંપ્યું હતું !

હા, મૃગેશ એનું નામ. મૃગેશ ધનંજય શાહ. પિતા – પુત્ર બન્ને સદ્દભાવનાથી ભર્યા ભર્યા, પણ બન્ને ગભરુ ગભરુ લાગે ! એમની કોઈ પણ નવી દિશા દબાતા પગલે જ ખૂલે, પરંતુ ઈશ્વરી કૃપા એવી કે બધું સમું સૂતરું ચાલતું હતું. એનું કામ નિરંતર આગળ ધપ્યે જતું હતું. એના આંગણે હવે ગાડી પણ આવી ગઈ હતી અને પપ્પા સાથે દુબઈ – સિંગાપોર જેવાં પર્યટને પણ એ જઈ આવ્યો હતો.

પણ અચાનક કોણ જાણે શું થયું. આ વખતની શ્રીનાથજીની યાત્રા એના માટે જીવલેણ બની ગઈ ! માથા પાર ગરમી ચઢી ગઈ હોય કે અન્ય કોઈ કારણસર અચાનક એ એવો બેભાન થઈ ગયો કે પછી એણે આંખો જ ન ખોલી. આઠ – દસ દિવસ દવાખાનામાં રહ્યો. ધીરે ધીરે શરીરની તમામ ક્રિયાઓ જાણે સમેટાતી રહી અને એક દિવસ ડૉક્ટરે કહી દીધું કે આમ તો ઘણા દિવસ લાંબુ ખેંચી – તાણી શકાય, પણ પાછા ફરવાના કોઈ લક્ષણ જણાતા નથી ! પરિવારમાં માત્ર પિતા હતા. એમને જ કારમો નિર્ણય કરવાનો હતો. પણ ‘જેવી ઈશ્વરની ઈચ્છા’ કહી પિતા એને સ્વસ્થતાપૂર્વક ઘેર લઈ આવ્યા અને બે દિવસમાં તો બાકીની લીલા પણ સંકેલાઈ ગઈ.

મૃત્યુ પોતે જ અજ્ઞાત પ્રદેશનું અચાનક આવી પડતું આગંતુક, એમાં અકાળે આવતું અણધાર્યું મોત તો માણસને જાણે અજ્ઞાતના મહાસાગરનાં ઊંડાં જળમાં ડુબાડી દે છે ! પરંતુ આપણા માટે જે અકસ્માત, તે નિયતિ માટે તો નિત્યનાં વિધિવિધાન જ છે ! માણસ કશું જ ગૃહિત ધારીને જીવી ન શકે. એણે તો હર પળ અકસ્માત માટે તૈયાર રહેવું પડે. એ ઘટના अ–कस्मात् ક્યાંથી આવી પડે તેનાથી અજાણ હોઈએ છીએ ત્યારે તો એ ‘અકસ્માત’ કહેવાય છે.

‘સાવધાન !’ ઈશ્વરની સૂચના આપવાની આ રીત છે. અવધાનતા આથે જીવવું તે સાવધાની, ધ્યાન જુદી ચીજ છે. અવધાનતા જુદી ચીજ છે. અવધાન એટલે પ્રતિપળ વધું સમેટીને જીવવું. ક્ષણાર્ધ માટે પણ કેન્દ્ર પરથી નજર ન હટે. જે સતત ન હોય તે સાવધાની જ કહેવાય. સૂરજ સતત તપે છે, નદી સતત વહે છે, પૃથ્વી સતત ઘૂમે છે. ચાંદ-તારા-નક્ષત્રો સતત ઘૂમતા રહે છે. તો જીવનની પ્રતિક્ષણની આ સાવધાની પણ સાતત્ય માગી લે છે.

હવે સાવધાની અને સ્મરણ સતત મરણનાં કરવાનાં કે પ્રભુનાં- એ આપણી પસંદગીનો વિષય છે. સદ્દનસીબે પ્રભુ જો ‘પ્રીતમ પ્યારો’ બન્યો હશે તો આ સાવધાની વરદાનરૂપ બની જશે. એક બાજુ, પ્રીતમનું નિત્ય મધુર સ્મરણ, બીજી બાજુ એની બનાવેલી દુનિયાના સૌ જીવાત્મા સાથે પ્રેમભર્યા સંબંધની ખેવના ! આવા અભિગમથી પૃથ્વીલોક અને પ્રભુલોક બંને લોક સધાશે. આપણી પાસે પૃથ્વી પરના સ્નેહીજનોની પ્રેમસંપદા પણ આવશે, જે આપણા ગયા પછી ફૂલની મીઠી સુગંધ બનીને પૃથ્વી પર વહેતી રહેશે. પરંતુ ઘણા લોકોને માટે આ જ્ઞાન ‘સ્મશાન જ્ઞાન’ જેટલું ક્ષણિક નીવડે છે. આ નિરંતર યાદ નથી રહેતું. એટલે ભગવાન અને મૃત્યુ નિત્ય-સ્મરણનો વિષય છે. જે રીતે શ્વાસ લેવા-મૂકવાનું યાદ કરવું પડતું નથી, એવો જ ભગવાન હૈયા વગો થઈ જવો જોઈએ. શ્વાસે શ્વાસે રામ કહો, બિના નામ નહીં સાંસ ! હકીકતે, ભગવાન યાદ કરવાની ચીજ નથી. ભગવાન યાદ આવવાની ચીજ છે. એ સતત યાદ આવતો રહેવો જોઈએ.

મૃત્યુ સતત યાદ આવતું થઈ જાય તે માટે વિનોબાએ આપણી નિત્ય નિદ્રાને મૃત્યુનો પૂર્વપ્રયોગ બનાવી દેવાની ભલામણ કરી છે.

બસ, દિવસ વિરમ્યો, સાંજ પડી અને રાતનાં ઓળાં ઊતરી આવે ત્યાં રોજના દૈનિક જીવનનો વીંટો વાળીને ગર્ભાગારમાં મૂકી પ્રીતમને ઓરડે પહોંચવાની તૈયારી કરવી. સજીધજીને શય્યા પર પડ્યા કે તરત આંખો મીંચતા જ પ્રભુ સાથે દ્રષ્ટિ મિલન સધાઈ જાય ! ગાઢ નિંદ્રા એ પૃથ્વી પરના જીવલોકનું મહામૂલું ઘરેણું છે. પરમ સુખદાયી…

આમ તો પળે પળે લાખો જીવ મરતાં હશે, પરંતુ આપણને સ્પર્શી જનારાં મોત પણ આમ જ હવાની લહેરની જેમ અકસ્માત આવી પડે છે ! જીવનનું સ્વરૂપ જ આવું છે, એ જેટલું વધારે આત્મસાત થાય તેટલું વધારે સહ્ય બની શકે. આપણી અસહ્યતાનું મુખ્ય કારણ-વિયોગ છે. જીવનમાં વિયોગને પચાવવો એ મોટો જીવનયોગ છે. આ પાચનપ્રક્રિયા રોજરોજ ચાલે તો જ આ વાત પચી શકે તેવી છે. એ માટે ‘લગોલગ, છતાંય અલગ’ હોવાની મનોવૃત્તિ કેળવવી પડે છે. ઈશ્વર આપણા માટે આ ‘એકલતા’ એટલા માટે સર્જી છે કે એ એકાકીતામાંથી સર્વાભિમુખતા કેળવાય. આપણી પોતાની એકાકીતામાં ડૂબી જવું તે પૂરતું નથી. જેવી રીતે બી ધરતીના પેટાળના એકાંતિ અંધારામાં ફૂટીને અનેક બનવા તરફ આગળ વધે છે, એ રીતે આપણી એકાકીતાએ પણ નિજાત્મામાં ડૂબીને અનેકતાને પેદા કરવાની છે.

જ્ઞાનેશ્વર મહારાજે કહ્યું છે કે આ નરબીજ એ બ્રહ્મબીજ છે. બ્રહ્મ એટલે અનંત-વ્યાપ્તિ ! આપણા જન્મ-જન્માંતરનાં એક પછી એક આવતાં મરણ જો આપણને બ્રહ્મ-બીજત્વની પ્રાપ્તિ ન કરાવે તો આપણા ફેરા વ્યર્થ ગણાશે.

વિશ્વની ઘણી ભાષામાં અનેક પ્રકારના તહેવારોની ઉજવણી થાય છે, પરંતુ ભારત સિવાય બીજા કોઈ પણ દેશમાં મૃત્યુને ડેથ-ફેસ્ટિવલ, એટલે કે ‘પ્રયાણોત્સવ’ કહેવાયો નથી. આ ભારતીય સંસ્કૃતિ છે જ્યાં મૃત્યુનો પણ મહોત્સવ રચાય છે. અને મૃતકને આપવાની અંજલિને ‘શ્રદ્ધાજંલિ’ કહેવાય છે ! આ જ તો ખૂબી છે ભારતીય સંસ્કૃતિની. અહીં મરણાંજલિ પણ શ્રદ્ધાંજલિ બની જાય છે. આ શ્રદ્ધાંજલિ માનવીની આ શ્રદ્ધાને રૂઢ કરવા માટે છે કે જે ગયું છે, તેનો માત્ર દેહ ગયો છે. એની અનંત યાત્રા હજુ ચાલુ જ છે અને પ્રભુનાં ચરણોમાં શ્રદ્ધાપૂર્વક એ જ નિવેદન છે કે એની યાત્રાને એની મંઝિલ સુખરૂપેણ પ્રાપ્ત થઈ જાય ! જનાર માટેની આવી શ્રદ્ધા એ જ સાચું શ્રાદ્ધ છે. એ જ સાચું તર્પણ છે ! ભાઈ મૃગેશ અને ભરતભાઈ બન્નેની સ્મૃતિમાં આ શ્રદ્ધાંજલિના શબ્દફૂલ પાથરીને સૌની શાંતિ માટે પ્રાર્થું છુ.

– મીરાબેન ભટ્ટ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “જનારાને શ્રદ્ધાંજલિ – મીરાબેન ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.