તરુણોને કુટુંબ અને સમાજજીવનના પાઠ શીખવો – ડૉ. કિરણ ન. શીંગ્લોત

(‘જનક્લ્યાણ’ સામયિકમાંથી સાભાર)

આજનું આપણું તરુણ સંતાન આવતીકાલે ભણીગણીને તૈયાર જશે અને લગ્ન કરીને કુટુંબજીવનમાં ઠરીઠામ થશે. એ મિત્રો બનાવશે અને પોતાના વ્યાવસાયિક સંબંધો પણ બાંધશે, એના કેટલાક સંબંધો ચિરંજીવી બનશે, તો કેટલાક ટૂંક સમયમાં તૂટી પણ જશે. એને કોઈની સાથે અણબનાવ, અબોલા અને ઘર્ષણ પણ થશે. તંગ બનેલા સંબંધને ટકાવી રાખવા માટે એને સંઘર્ષ કરવાનો વારો આવશે. એને સામાજિક અને વ્યાવસાયિક કારણોસર વાટાઘાટો કરવાની આવડત શીખવાની પણ જરૂર પેદા થશે. એનું કુટુંબ જ એના માટે આ બધું શીખવા માટેની પાઠશાળા છે. શાળા અને બાકીના સમાજની ભૂમિકા તેમાં ગૌણ રહે છે.

જે કુટુંબોમાં તરુણોને માનભર્યું સ્થાન મળતું નથી, એમને સાંભળવામાં આવતા નથી તે કુટુંબો એમની આ કામગીરીમાં ઊણાં ઊતરતાં હોય છે. જો તમે એમને સાંભળવાના ન હો, એમની વાત સ્વીકારવાના જ ન હો તો પછી ધીમે ધીમે એ પોતાની વાત કહેતા બંધ થઈ જાય છે, તમારાથી એક પ્રકારનું અંતર બનાવી લે છે. તરુણોની પરસ્પર વાતચીત કરવીની પોતાની સાંકેતિક વાણી હોય છે જે આપણે કદી સમજી શકતા નથી. પણ એમની જો કોઈ સૌથી મોટી કમનસીબી હોય તો તે એ કે ઘરના વડીલો અને માબાપ સાથે સંવાદ કરતા એમને આવડતું નથી. કુટુંબે આ કામગીરી કરવી જોઈએ, જે ધારેલી રીતે થતી નથી. પરિણામે એ ઉદ્ધત અને બળવાખોર બની જતા હોય છે.

આજકાલ ટીવી કુટુંબના સભ્યો વચ્ચે અંતર પેદા કરવામાં ઘણું મોટું કારણ બની ગયું ચે. અગાઉ સંયુક્ત કુટુંબની પરંપરા હતી એને ઓછામાં ઓછું એક વખત તો કુટુંબમાં બધાં ભેગાં મળીને જમતાં. આજે આપણી કુટુંબ વ્યવસ્થા બદલાઈને વિભક્ત બની રહી છે. મહિલાઓ કામે લાગી છે. પરિણામે કુટુંબના સભ્યો સાથે મળીને ગુણવત્તાનો સમય ગાળી શકતા નથી. દરેક જણ પોતપોતાના સમય પ્રમાણે જમી લે છે. માતાપિતા બંને પોતાનાં દિવસભરનાં કામો અને તણાવોથી થાકી ચૂકેલાં હોય છે. એમની પોતાની લગ્નજીવનની અને વ્યક્તિગત સમસ્યાઓ હોય છે જેનો ઉકેલ કાઢવા માટે એમની પાસે સમય અને સૂઝનો અભાવ હોય છે. સરવાળે કુટુંબનું વાતાવરણ ડહોળાયેલું રહે છે. દરેક જણ પોતાના મનમાં ધુંધવાટ અને વિફળતાની લાગણી લઈને જીવતો થઈ જાય છે. નાની નાની વાતોમાં સામસામા તીર તણાય છે. આવામાં કુટુંબમાં અર્થપૂર્ણ સંવાદ થાય અને તરુણોને સામાજિક અને કુટુંબ જીવનના વાજબી પાઠ શીખવા મળે એવું શી રીતે શક્ય બને ?

કુટુંબમાં કોઈ કોઈનું સાંભળે જ નહીં તો કેમ ચાલે ? સાંભળવું તો કૌટુંબિક અને સામાજિક સંભાષણની પહેલી જરૂરિયાત છે. તારા વિચારો અને અભિપ્રાયનું મારે મન મૂલ્ય છે, મને તારી વાતમાં રસ છે એવો સંદેશ દરેક માબાપ પાસેથી એમના સંતાનને ત્યારે જ સાંપડે કે જ્યારે એની વાતને આદરથી સાંભળવામાં આવતી હોય. માત્ર કાનથી એને સાંભળીએ તે ન ચાલે, સાથે આપણું હ્રદય પણ એની વાતમાં જોડાયેલું હોવું જોઈએ.

કુટુંબના સભ્યો ગમે તેટલા વ્યસ્ત હોય છતાં વચ્ચે નિયમિત રીતે એકબીજા સાથે ભેગાં મળીને ચર્ચા – વાતચીત કરવાના મોકા એમણે પેદા કરવા જ જોઈએ. ડિનર ટેબલ આના માટે શ્રેષ્ઠ તક પૂરી પાડે શકે છે. અઠવાડિયે એક વખત પિકનિક પર જવું જોઈએ. સાથે મળીને સૌએ હળવી ક્ષણો માણવી જોઈએ. જીવનને અતિશય કામમાં ડુબાડી દેવાથી કૌટુંબિક સંબંધોમાં ઓટ આવે છે. આની સૌથી માઠી અસર કુટુંબના તરુણો પર થતી હોય છે. ઘરનાં બાળકો તેમ જ યુવાનોને પણ પોતાનો અભિપ્રાય કે મત વ્યક્ત કરવાની છૂટ અને તક મળવી જરૂરી છે. પરસ્પરના મતભેદો પણ ખુલ્લા દિલથી ચર્ચાવા જોઈએ.

તરુણો આદેશ કે હુકમની ભાષા સમજતા નથી એ એમની ઉંમરની ખાસિયત છે. એટલે એમની સાથે જોહુકમીથી વાત કરવાને બદલે ચર્ચાનો માર્ગ લેવો વધારે હિતાવહ છે.

કૌટુંબિક વાદવિવાદ અને ઝઘડા બાળકો માટે શિક્ષણની ઉત્તમ ગરજ સારી શકે છે !

કુટુંબમાં કોઈ વાત પર મતભેદ કે ઝઘડો પેદા થાય ત્યારે ઘરનાં સંતાનો એના મૂક સાક્ષી બનતાં હોય છે. આની એમના પર સારી કે માઠી બંને પ્રકારની અસર થઈ શકે છે. બે વ્યક્તિઓ વચ્ચે વિવાદ થાય તેમાં કંઈ અસામાન્ય નથી. પણ બાળકોના દેખતાં તેનું કેવું પ્રદર્શન થાય છે, તેમ જ તેનો નિવેડો શી રીતે આણવામાં આવે છે તેના પરથી બાળકો અજ્ઞાતપણે ઘણું શીખી લે છે. પતિપત્ની વચ્ચે વિકરાળ ઝઘડો સંતાનોના દેખતા થાય છે ત્યારે બંને જણ પોતાના વાણી-વર્તન પરનો કાબૂ પણ તરત જ ખોઈ બેસે છે, પછી સમાધાન બાળકોની ગેરહાજરીમાં થતું હોય છે. ઝઘડા દરમિયાન બંને પક્ષ એકબીજા પર અણછાજતા આક્ષેપો કરવામાં કંઈ પાછી પાની કરતા નથી, જે એમની સામે રહેલું બાળક મૂક સક્ષી બનીને સાંભળતું રહે છે. ઉપરાંત બંને પક્ષ વચ્ચે વધતા-ઓછા વખત માટે અબોલા પણ થઈ જાય છે. આ દરમિયાન ઘરનું બાળક મુંઝાય છે, એની ચિંતા કરનારું વિભક્ત કુટુંબમાં કોઈ હોતું નથી. પાસપડોશ સાથે એવો સંબંધ આજના સોસાયટી કલ્ચરમાં રહ્યો નથી કે જેથી બાળક કોઈના ઘરે જઈને માબાપના ઝઘડાની તાણ હળવી કરી શકે. આ બધામાંથી બાળક કુટુંબજીવન, લગ્નજીવન અને સંબંધોની તાણ દૂર કરવા બાબતમાં પોતાના મનમાં નકારાત્મક ગ્રંથિ બાંધી બેસે છે. તરુણ વયનું સંતાન આવા સમયે પારાવાર પરેશાની ભોગવે છે. આની એના ભવિષ્યના સામાજિક જીવન પર માઠી અસર પડી શકે છે. આનો પતિપત્નીએ બારીક ખ્યાલ રાખવો જોઈએ. આપણે બાળકોના દેખતાં ગમે તેમ ઝઘડીએ અને છાનામાના બેડરૂમમાં સમાધાન કરી લઈએ એનો સંતાપ આપણાં સંતાનોને ભોગવવાનો આવે છે.

પરસ્પર ઝઘડો થાય ત્યારે કુટુંબના સભ્યોએ અને ખાસ કરીને પતિપત્નીએ શી કાળજી રાખવી જોઈએ ?

સંતાનોના દેખતા થતા લડાઈ-ઝઘડામાં કુટુંબમાં કેટલીક આચારસંહિતા જાળવવી સંતાનોના સામાજિક વિકાસની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે.

* પોતાનો ગુસ્સો શાંત પાડવો જોઈએ. ગુસ્સામાં સામેના પાત્ર પર બેહુદા આક્ષેપો ન કરવા જોઈએ. સામેનું પાત્ર વિવાદની ગરમીમાં આક્ષેપો અને દલીલો કરવા પર ઊતરી આવે ત્યારે બીજી વ્યક્તિએ શાંત રહેવું જોઈએ અને પોતાના આવેગ પર કાબૂ જાળવી રાખવો જોઈએ.

* પોતાનો અવાજ ધીમો રાખવો જરૂરી છે. લડવામાં ચીસો કે બૂમબરાડા પાડવાથી કશો હેતુ સરતો નથી. સામેના પાત્રની દલીલ કે તેના આક્ષેપનો જવાબ ધીમા અને હળવા અવાજમાં આપવો જોઈએ.

* સામેની વ્યક્તિની વાત જરૂરથી સાંભળો. એ તમારી પાસેથી શું ઈચ્છા રાખે છે તેની નોંધ લો. પોતાનો પક્ષ ઉગ્ર રીતે રજૂ કરવા જતાં એની વિનંતી કે એના આગ્રહની ઉપેક્ષા થાય તે બરાબર નથી.

* દલીલબાજીમાં પોતાનો દ્રષ્ટિકોણ કે વિવાદનો મૂળભૂત મુદ્દો ભુલાઈ ન જવો જોઈએ. મોટેભાગે લડાઈ-ઝઘડામાં એવું બનતું હોય છે કે ગુસ્સામાં અને પ્રસંગની ગરમાગરમીમાં લડાઈનો મૂળ મુદ્દો ભુલાઈ જાય છે અને વાત આડે પાટે ચઢી જાય છે. પછી જુની વીતી ચૂકેલી વાતોને યાદ કરીને લડાઈ આગળ વધે છે અને બંને પક્ષ એકબીજા પર ભળતા આક્ષેપો કરવા લાગે છે. આવામાં સમાધાન અશક્ય બની જાય છે.

* બંને પક્ષ સામસામા આક્ષેપો અને ફરિયાદો કરવાને બદલે પોતાના દ્રષ્ટિકોણથી શક્ય તે ઉકેલ સૂચવવો જોઈએ.
માબાપને લડતા જોઈને સંતાનો પણ ભવિષ્યમાં પોતાના જીવનમાં આવો પ્રસંગ ઊભો થાય તો પોતે શી રીતે વર્તવું જોઈએ એના પાઠ શીખે છે. એટલે માબાપે પોતાના પરસ્પરના વિવાદ દરમિયાન પોતાના વર્તન-વ્યવહાર સ્વસ્થ રહે તેની ખાસ ચીવટ રાખવી જોઈએ. બાળકોના વર્તન-વ્યવહાર માટે તેના માબાપ જ તેની આદર્શમૂર્તિ બને છે એ ભૂલવું ન જોઈએ.

એની વાતચીત તોડી ન પાડશો

તરુણ સંતાન સાથે કોઈ મુદ્દા પર વિવાદ પેદા થાય ત્યારે તેનો નિવેડો આણવા મટે એની સાથેનો સંવાદ સતત ટકી રહે તે જોવું માબાપ માટે જરૂરી છે. એને આપણે આ વિધાનો એની સાથેના વિવાદમાં અવરોધક બની શકે છેઃ ‘તું ક્યારે મારી વાત સાંભળીશ ?’ ‘નાદાન છે કે શું ?’ ‘તને કેટલી વાર કેહવાનું ?’ ‘ચૂપ કર !’ ‘શરીર વધાર્યું છે એટલી બુદ્ધિ નથી વધતી !’ ‘તારામાં શાણપણ ક્યારે આવશે ?’ ‘સમજ પડે છે કે નહીં ?’ ‘સામી દલીલ કરતાં જ આવડે છે ?’ ‘તું નહીં સુધરવાનો !’ ‘તારાથી તોબા !’ વગેરે, વગેરે. આવી વેળાએ માબાપ સામાન્ય રીતે પોતાનો કક્કો ખરો કરાવવાનું વલણ અખત્યાર કરતા હોય છે. પોતાના સંતાનની વાત કે એની રજુઆતનો મુદ્દો સાંભળવા-સમજવાનો એ ઈન્કાર કરી દે છે. આ બરાબર નથી. તરુણ વયનું સંતાન આપણા આગ્રહ કે આદેશને વશ થતું નથી, એને બદલે સ્પષ્ટ રજુઆત કે વિનંતી વધારે કામ કરી જાય છે. જો પરસ્પરને ચર્ચામાં વધારે પડતી ઉગ્રતા આવી ગઈ હોય તો વાતને આગળ વધારવાને બદલે થોડો વિરામ પાડી દેવો વધારે ઉપયોગી નીવડે છે. ‘બોલ ! તું શું કહેવા માગે છે ?’ અથવા ‘આપણે થોડા શાંત પડીને પછી આ બાબતમાં ચર્ચા કરીએ તો ? ત્યાં સુધી તું વિચાર પણ કરી લે’ એને એમ કહીને વાતચીતનો તંતુ જળવાઈ રહે તે વધારે અગત્યનું છે.

સામાજિકતાના પાયાના ગુણો

દરેક તરુણને બીજા સાથે સંભાષણ કરતા આવડવું જરૂરી છે. સામાજિક વિકાસનો આ પાયાનો ગુણ છે. જો એને આનાથી વંચિત રાખવામાં આવે તો આગળ જતાં વ્યક્તિગત સંબંધો તેમ જ વ્યાવસાયિક જીવનમાં એને ઘોર નિષ્ફળતા સાંપડી શકે છે. સફળ સામાજિક જીવન માટે નીચેનાં કૌશલ્ય એને એના ઉછેર અને શિક્ષણ દરમિયાન કુટુંબ અને સ્કૂલે શીખવવા જોઈએ જ !

* વાતચીતની કળા – માબાપ એને માત્ર ઉચ્ચ શિક્ષણ જ આપીને બેસી રહે તે પૂરતું નથી. અભ્યાસો અને અવલોકનોથી એવું જણાયું છે કે જે લોકો કોમ્યુનિકેશનની સારામાં સારી આવડત ધરાવે છે તે શૈક્ષણિક યોગ્યતાની ઊણપ હોવા છતાં કોઈપણ વ્યવસાયમાં ઝળહળતી સફળતા મેળવતા હોય છે. તરુણોની મુશ્કેલી એ છે કે એમને પોતાની વયના મિત્રો સાથે પોતાની સાંકેતિક ભાષામાં વાતચીત કરતા સારું આવડે છે, પણ પોતાના વડીલો અને મોટેરાઓ સાથે સંવાદ કરવામાં એ કાચા પડી જાય છે. એમની પરસ્પરની વાતચીત સમજવાનું આપણું ગજું નથી. પણ મોટેરાં સાથે વાત કરવા જતાં અણઆવડતને કારણે તે ખભા ચઢાવે છે, મોં મચકોડે છે કે ઉદ્ધત વાણીમાં સામે થતા હોય છે. આમાંથી એમને બહાર આણીને સઘળી ઉંમરના લોકો સાથે અર્થપૂર્ણ વાતચીત કરવાની કળા એમને શીખવવાનું આપણું કર્તવ્ય છે.

* સાંભળવાની કળા – પોતાનો કક્કો ખરો કરાવતાં અને એકપક્ષી વાતચીત કરતાં તો દરેકને આવડે, પણ સામેના માણસની વાતને ધીરજપૂર્વક સાંભળવાનું, એના મતને સમજવાનું અને એની લાગણીઓને ને જરૂરિયાતને સમજવાનું સહેલું નથી. કોઈની પણ સાથે વાત કરીએ ત્યારે આપણે એને બોલવાની પૂરતી તક આપવી જોઈએ. એ એની વાત બરાબર રજૂ ન કરી રહે ત્યાં સુધી આપણે બોલીએ નહીં. એને માત્ર કાનથી જ નહીં, હ્રદયથી સાંભળીએ. એની સાથે આંખોનો સંપર્ક જાળવી રાખીએ, જરૂર પડે તો વચ્ચે માત્ર ટૂંકો હુંકારો ભરીએ અને એની વાત આપણે બરાબર સમજ્યા છીએ એ એકાદ-બે વાક્યોમાં ખુલાસો કરીને સ્પષ્ટ કરીએ.

* સહકારની ભાવના – એકબીજાની સાથે રહીને કામ કરીને સમાન ઉદ્દેશને સિદ્ધ કરતાં શીખવીએ.

* વાટાઘાટ કરવાની કળા – સંબંધોમાં પેદા થતા તણાવ અને ઘર્ષણને દૂર કરવા માટે આ આવડત હોવી જરૂરી છે. એમાં બંને પક્ષે થોડી થોડી બાંધછોડ કરવી જરૂરી હોય છે. કમનસીબે આજની નવી પેઢી ફિલ્મો, ટેલીવિઝન અને વિડીયો ગેમ્સમાંથી ખોટો સંદેશ મેળવીને તૈયાર થતી હોય છે. આક્રમક બનો. મારામારી કરો. બંદૂક ઉઠાવો અને બદલો લો. આ આજની દુનિયાનું નવું ચલણ બની રહ્યું છે.

* ભેગા મળીને જીવવાની અને વહેંચવાની ભાવના – સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારાં કામ એ ઉક્તિને સાર્થક કરવાની કળા દરેક યુવાનને શીખવવી જરૂરી છે. જો ઊછરી રહેલી આ પેઢી પોતાનાં સપનાં અરસપરસ વહેંચે, સાથે મળીને આયોજન કરે અને ખભે ખભા મેળવીને કામ કરે તો સમાજજીવન ઊજળું બની શકે. આપણે એમને માનવતાનાં કામોમાં જોતરવા જોઈએ.

જે માબાપ અને વડીલો આ કળામાં પાવરધાં હશે તે જ પોતાનાં સંતાનોને તે શીખવી શકશે.

– કિરણ ન. શીંગ્લોત

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “તરુણોને કુટુંબ અને સમાજજીવનના પાઠ શીખવો – ડૉ. કિરણ ન. શીંગ્લોત”

Copy Protected by Chetan's WP-Copyprotect.