છોડો કલકી બાતેં, કલકી બાત પુરાની ?! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

{‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.}

થોડાક વખત પહેલાંની જ આ વાત છે. મારી સવારની ઓપીડીમાં હું દર્દીઓને તપાસી રહ્યો હતો, એ વખતે મારા માણસે અંદર આવીને કહ્યું, ‘સાહેબ, એક નાનું બાળક થોડુંક વધારે તકલીફમાં દેખાય છે, અંદર મોકલું?’ મેં માથું હલાવીને હા પાડી. વીસ વરસથી મારી સાથે કામ કરતો મારો માણસ નરેન્દ્ર હવે દર્દીઓની પરિસ્થિતિ પારખવામાં નિષ્ણાત થઈ ગયો છે. અનુભવી નર્સિંગ સ્ટાફની માફક દર્દીના શ્વાસની પ્રકિયા, માથું ઢાળી દેવાનાં લક્ષણો કે પછી આંખના ફેરફારોને પારખતા એને પણ આવડી ગયું છે, એટલે જ એ આવું કંઈ કહે ત્યારે દર્દીને એક વાર જોઈ લેવાનો હું હંમેશાં પ્રયાસ કરતો.

ત્રણ મહિનાના દૂબળા-પાતળા બાળકને લઈને ગામડાનું એક દંપતી અંદ્ર આવ્યું. બાળકને ખોળામાં લઈ, એની માતા મારી બાજુમાં બેઠી. બાળક અત્યંત દૂબળું હતું. મોટે ભાગે આ ઉંમરે માતાનું દૂધ ન મળ્યું હોય એ બાળકો એવાં લાગતાં હોય છે. છ મહિના પૂરા ન થયા હોય એવાં બાળકોને ઉપરનું દૂધ આપવાના કારણે ઝાડા-ઊલટીનો રોગ પણ જલદી લાગુ પડી જતો હોય છે. ‘બાળકની ઉંમર કેટલી છે ?’ મેં પૂછવાનું શરૂ કર્યું. ‘સાડા ત્રણ મહિના.’ બાળકની માતાએ જવાબ આપ્યો. ‘ઉપરનું દૂધ આપો છો ?’ બાળકને શું થયું છે એ પૂછતાં પહેલાં મેં મારી શંકા પૂછી નાખી. ‘હા, સાહેબ ! ધાવણ નથી આવતું, એટલે શું કરવું ? ઘરની ગાયનું આપીએ છીએ.’ ‘અત્યારે એને શું તકલીફ છે ?’ મેં બાળકની તકલીફ અંગે પૂછયું.

‘એને લીલા રંગના અને વાસ મારતા ઝાડા થાય છે. તાવ પણ આવી જાય છે અને ઈવડો ઈ દી ને રાત રોયા જ કરે છે. ઊંઘ તો મુદ્દલ નથી કરતો.’ બાળકની માતાએ ફરિયાદ લખાવી. ‘પણ બહેન ! તમે એને દૂધ પીવડાવો છો શેનાથી ? વાટકી વડે કે બાટલીથી ?’ મેં સવાલ કર્યો. ‘બાટલીથી !’ માતાએ કહ્યું. ‘બસ ! બહેન જુઓ, બાળકના માંદા પડવાનું એક જ કારણ હોઈ શકે. બાટલીથી દૂધ એટલે કયારેક બાળકનું મૃત્યુ. બોટલ એ બીમારીનું ઘર છે. માટે વાટકી-ચમચી વડે જ દૂધ પીવડાવું જોઈએ. આમ તો છ મહિના પૂરા થાય ત્યાં સુધી માના દૂધ સિવાય પાણીનું ટીપું પણ આપી ન શકાય, પરંતુ આ તો તમારે ધાવણ નથી આવતું એટલે ઉપરનું દૂધ કઈ રીતે આપવું એ હું સમજાવું છું. બાકી બાટલીથી પેટના રોગો, શ્વાસના રોગો તેમ જ બીજી કેટલીક બીમારીઓ થઈ શકે.’ મેં બાટલીથી દૂધ આપવાની થતી આડઅસરો અંગે લંબાણથી સમજાવતાં કહ્યું.

‘ભલે સાહેબ ! અમે ધ્યાન રાખશું !’ બાળકની માએ જવાબ આપ્યો. બાળકને મેં બરાબર તપાસી જોયું. દાખલ કરવું પડે એટલું સિરિયસ એ નહોતું એટલે જરૂરી દવાઓ, સમજણ તેમ જ માર્ગદર્શન આપીને મેં એમને ઘરે મોકલ્યાં. દસેક દિવસ પછી એ લોકો ફરી બતાવવા માટે આવ્યાં. બાળકની દશા જરાય સુધરી નહોતી. એને દસ દિવસ પહેલાં હતા એનાથી પણ વધારે ઝાડા થતા હતા. વજનમાં ૨૦૦ ગ્રામનો ઘટાડો નોંધાયો હતો. બાળકની પૂંઠની ચામડી ઘણી લાલ થઈ ગઈ હતી, તેમ જ એકદમ તતડી ગઈ હતી. એ સતત રડયા કરતું હતું. એનાં લક્ષણો જોઈ મેં એનો ઝાડો તપાસ કરાવ્યો. એનો રિપોર્ટ કહેતો હતો કે દૂધમાં આવતી લેકટોઝ પ્રકારની ખાંડ પચાવવા માટે એનાં આંતરડાં સક્ષમ નહોતાં. એના કારણે આવાં બાળકો જે દૂધ પીવે એ બધું જ ઝાડા સ્વરૂપે બહાર ફેંકાઈ જતું હોય છે. લેકટોઝ નહીં પચવાને કારણે બનતા લેક્ટિક એસિડના કારણે ગુદાદ્વાર તેમ જ એની આસપાસની ચામડી એકદમ લાલ થઈ જતી હોય છે. આ બાળક પણ આવી તકલીફના કારણે જ અસહ્ય રડયા કરતું હતું. આવાં બાળકો રડયાં કરે, એટલે મા-બાપ એવું ધારી લેતાં હોય છે કે એ ભૂખના લીધે રડે છે, એટલે એ લોકો દૂધ પીવડાવે છે ! આમ, તકલીફનું ચક્ર ચાલ્યા જ કરે છે.

આવાં બાળકોને સારાં કરવા માટે કાં તો લેકટોઝ જેમાં ન આવતું હોય એવો પાઉડર આપવો પડે અથવા તો ખૂબ ઓછી માત્રામાં લેકટોઝ ધરાવતું દૂધ આપવું પડે. લેકટોઝ-ફ્રી પાઉડરના ડબ્બાઓ ખૂબ મોંઘા આવતા હોવાને કારણે મેં બીજા વિકલ્પ પર જવાનું પસંદ કર્યું. આમેય આ દંપતી ખૂબ જ ગરીબ લાગતું હતું. ડબ્બાઓ પૂરતા પ્રમાણમાં ખરીદી ન શકે તો બાળકને પોષણના વધારે લોચા પડે. એ કરતાં તો લેકટોઝ ઓછું આવતું હોય એવું દૂધ જ લખી આપવું વધારે સારું કહેવાય. ગામડાંઓ મળતું બકરીનું દૂધ આ માટે ઉતમ ગણાય છે. આ બાળકનાં માતાપિતાને બકરીનું દૂધ કઈ રીતે આપવું એ સમજાવી, સારવારમાં જરૂરી ફેરફાર સૂચવીને મેં રવાના કર્યા. બાટલીથી દૂધ એ લોકોએ પ્રથમ વખત આવ્યાં ત્યારથી બંધ કરી દીધું હતું. હવે એ બાળક સાજું થઈ જશે એની મને ગળા સુધી ખાતરી હતી.

બીજા અઠવાડિયે એ લોકો ફરીથી બતાવવા આવ્યાં. બાળકને જોઈને મને નવાઈ લાગી. એની હાલતમાં કોઈ જ પ્રકારનો સુધારો થયો નહોતો. એની પૂંઠ પણ એવી જ લાલ અને તતડી ગયેલી હતી. એનો સાદો અર્થ એ જ હતો કે એનાં માતાપિતાએ મારી સલાહનું પાલન કર્યુ નહોતું ! નહીંતર તો આટલા દિવસમાં એ બાળક સંપૂર્ણ સારું થઈ જવું જોઈતું હતું. ‘કેમ ? હવે શું થયું છે એને ?’ મેં બાળકની માતાને પૂછયું. ‘એને ઝાડા થઈ ગયા છે, સાહેબ !’ બાળકની માતાએ જવાબ આપ્યો. ‘ફરીથી બોટલથી દૂધ આપવાનું શરૂ નથી કર્યુ ને ?’ મેં શંકા સાથે પૂછયું. ‘ના રે સાહેબ ! બાટલી તો પહેલી વખત તમારી પાસે આવ્યાં ત્યારથી જ બંધ કરી દીધી છે.’ ‘તો બરાબર ! દૂધ કયું આપો છો ?’ મેં બીજો સવાલ કર્યો.

‘ઘરની ગાયનું !’ બાળકની માએ જવાબ આપ્યો. ‘ગાયનું ?’ મને ગુસ્સો ચડયો. નાના ગામડામાં બકરીનું દૂધ મળી જ રહે, એટલા માટે તો મેં એ સૂચવ્યું હતું. મને લાગ્યું કે આ લોકોએ મારી સલાહ એક કાને સાંભળી ને બીજા કાનેથી કાઢી નાખી હતી. કદાચ ઘરની ગાયનું દૂધ મફત મળતું હોય અને બકરીનું દૂધ વેચાતું લાવવું પડે એટલા માટે પણ એવું કર્યુ હોય ! મેં પૂછી જ નાખ્યું, ‘કેમ ? તમને બકરીનું દૂધ આપવાનું નહોતું કહ્યું ? તો પછી ગાયનું દૂધ શું કામ ચાલુ રાખ્યું ?’ બાળકની માતા કંઈ ન બોલી. એણે એના પતિ સામે જોયું. ‘ગાયનું દૂધ ઘરનું હતું, એટલે એ આપ્યું !’ એ ભાઈએ જવાબ આપ્યો.

‘પણ ભાઈ બાળકની જિંદગી જોખમમાં મૂકાઈ ગઈ. તમને કોઈને વિચાર જ ન આવ્યો ? કદાચ તમે લોકો થોડીક કરકસર કરતા હો એવું બની શકે, પરંતુ બાળક માટે થોડુંક તો સમજવું જોઈએ ને ? આ ભૂલ માટે મારે તમને બેદરકાર જ ગણવા પડે. બોલો, આવું શું કામ કર્યું ? હવે સાહેબ, તમે બેદરકાર ગણો તો બેદરકાર ! અમે જે કરીએ છીએ તે તમને કહી દીધું. હવે તમે દવા આપીને સારું કરી દો !’ બાળકના પિતાએ કહ્યું. ‘એટલે ? તમારે લોકોએ ધ્યાન નથી રાખવું, કાળજી નથી લેવી અને મારે દવાઓના ડોઝ આપ્યા કરવાના ? બિચારા બાળકનો કોઈ વાંકગુનો ખરો ? તમારે સુધરવાની જરૂર છે. એની ખાતરી આપવાને બદલે તમે બાળકને વધારે દવાઓ આપવાનું કહો છો ? તમને શરમ આવવી જોઈએ !’ મારાથી થોડા ઉગ્ર અવાજમાં કહેવાઈ ગયું, ‘બોલો, તમે બકરીનું દૂધ આપવાનાં છો ? જો બકરીનું દૂધ આપવાનાં હો તો જ હું દવા લખી આપું !’ ‘ના સાહેબ ! અમે બકરીનું દૂધ નહીં આપી શકીએ !’ આ વખતે બાળકની માતાએ જવાબ આપ્યો.

મને નવાઈ લાગી. એ લોકો મજૂર વર્ગનાં હતાં એટલે હું એમને લેકટોઝ-ફ્રી ડબ્બાઓના બદલે સસ્તો અને ગામડાંઓમાં સહેલાઈથી ઉપલબ્ધ વિકલ્પ સૂચવતો હતો, પરંતુ આ લોકો તો એ પણ સ્વીકારવા તૈયાર નહોતા. મારો ગુસ્સો થોડો વધી ગયો હતો, પરંતુ હું આગળ કંઈ પણ વિચારું કે બોલું એ પહેલાં બાળકની માતા બોલી, ‘સાહેબ ! એ છોકરાના બાપા નથી બોલી શકતા એટલે હું કહું છું કે, અમને અમારા ગામમાં કોઈ બકરીનું દૂધ આપતું નથી. નહીંતર અમારા બાળકથી વિશેષ અમારા માટે શું હોય ? અમે ગાય પણ એટલે જ રાખી છે .’ ‘કેમ ? તમને કોઈ બકરીનું દૂધ કેમ નથી આપતું ?’

‘અમે હરિજન છીએ ને એટલે, સાહેબ ! અમારા ગામના બકરાવાળા બધા અમારાથી અભડાય છે !’ એ બહેન બે મિનિટ અટકી. પછી બોલી, ‘આ તો સાહેબ, તમને અમે પેટછૂટી વાત કરી દીધી. અમારો દીકરો ગાયના દૂધથી હેરાન થાય છે એ અમેય સમજીએ છીએ અને આ વરસે હીરાના ધંધામાં મંદી આવી ગઈ. નકર અમે એક બકરી પણ બાંધી દેત. ગાય કાઢીને બકરી લઈએ તો આખું ઘર ખાય શું ? હવે શું કરવું એની અમને સાચી સલાહ તમે જ આપો અને દવા આપો !’

હું સ્તબ્ધ થઈ ગયો. મારો બધો અણગમો તેમ જ ગુસ્સો વરાળ બનીને ઊડી ગયો. આઝાદી પછી સાઠ વરસનાં વહાણાં વાઈ ગયાં પછી પણ મારા દેશનાં ગામડાંઓની આ દશા હતી એ વાતથી જ મારું મન ભરાઈ આવ્યું. અસ્પૃશ્યતા આટલા વરવા સ્વરૂપે આજે પણ એમની એમ જ જીવંત છે એ વાત જે આધાત પમાડનારી હતી. મારું મન જાણે કે મને જ પૂછતું હતું કે કયાં છે મારું સ્વતંત્ર ભારત ? ઘડીક તો શું કરવું, શું જવાબ આપવો એ પણ મને ન સમજાયું.

થોડીવાર પછી ન છૂટકે મેં એમને લેકટોઝ-ફ્રી પાઉડરનો ડબ્બો લખીને વિદાય કર્યા. એ દિવસ ૨૬ જાન્યુઆરીનો, ગણતંત્ર દિવસ હતો. ટીવી પર આપણા મોટા નેતાઓ જે સમયે દેશના વિકાસ અંગે લેકચર ઝાડતા હશે એ વખતે એક ગરીબડાં, લાચાર અને પોતાના કોઈ પણ વાંક વગર જ દુનિયાના વ્યવહારોથી દુખાયેલાં અને દુભાયેલાં મા-બાપ પોતાના માંદા બાળકને તેડીને મારી ઓફિસમાંથી બહાર જઈ રહ્યાં હતાં. મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. બારીમાંથી સ્વ. મૂકેશના કંઠે ગવાયેલ દેશભક્તિનું ગીત સંભળાઈ રહ્યું હતું : ‘આજ પુરાની ઝંઝરો કો તોડ ચૂકે હૈ, નયે જગતસે હમ ભી નાતા જોડ ચૂકે હૈ !’ આજે પહેલી વખત, મારું મન એ વાકયો માનવાની ના પાડતું હતું !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “છોડો કલકી બાતેં, કલકી બાત પુરાની ?! – ડૉ. આઈ. કે. વીજળીવાળા”

Copy Protected by Chetan's WP-Copyprotect.