મિત્રની પ્રગતિ – ડૉ. સ્વાતિ ધ્રુવ નાયક

(‘નવચેતન’ સામયિકમાંથી સાભાર)

સુદામાનેય કદી મન થાય કૃષ્ણ થવાનું,
મિત્રથી અદકેરા ખાસ મિત્ર થવાનું,
કેવળ સુખ વહેંચવાનું નામ નથી મિત્રતા,
મૈત્રીમાં બધું જ સરખે હિસ્સે વહેંચવાનું.

“પપ્પા, બેસ્ટ ફ્રેન્ડ એટલે શું ?” પ્રત્યક્ષ સવાર સવારમાં અરીસા સામે ઊભો ઊભો શેવ કરતો હતો ત્યારે જ એની સાત વર્ષની ટબૂકડી મનાંશીએ પ્રશ્ન પૂછ્યો. અચાનક પુછાયેલા પ્રશ્નથી ચોંકીને પછી ‘ફ્રેન્ડ’ શબ્દની ગૂંજ ઘણા વખતે સાંભળીને પ્રત્યક્ષનો હાથ સ્હેજ કંપ્યો… સેફટી રેઝર હોવા છતાં એનો ખૂણો લાગ્યો ને એની ગૌર ત્વચા પાર લાલ ટપકું અચાનક ઊપસી આવ્યું. એ ટપકાને ધીરે ધીરે ઊપસતું જોતાં જોતાં પ્રત્યક્ષે કહ્યું, “બેસ્ટ ફ્રેન્ડ એટલે ખાસ મિત્ર, પાક્કો દોસ્ત, પાકી બહેનપણી. મનાંશી તારી બેસ્ટ ફ્રેન્ડ કોણ ? પ્રિયલ, મુક્તા કે પછી બંને ?”

મનાંશીએ એક તદ્દન બેવકૂફને જોતી હોય એવી નજરથી પ્રત્યક્ષ તરફ જોયું. મોટા માણસની ઠાવકાઈથી અને શિક્ષકની અદાથી કમર પર એક હાથ રાખીને એનું ગોળમટોળ મોં સહેજ વધુ ફુલાવીને કહ્યું, “પપ્પા, મેં તમને ટ્રાન્સલેટ કરવા કહ્યું ? મેં તમને પૂછ્યું કે ખાસ દોસ્ત કોને કહેવાય ? મારે નક્કી કરવાનું કે મારી બેસ્ટ ફ્રેન્ડ કોણ છે, એટલે તો પૂછ્યું.”

ઊપસેલું લોહીનું ટીપું સ્થિર થઈ ગયું હતું. એટલા અમથા ઘાથી લોહીનો રેલો થોડો નીકળવાનો હતો ? તોય અંદરથી ચચરાટ થતો હતો. અમસ્તું જ આંખમાં જરા પાણી ભરાયું. તે તરફ ધ્યાન જતાં મનાંશીએ બેજિનના રેક પર રાખેલું રૂ લઈ ડેટોલમાં બોળી પ્રત્યક્ષને કહ્યું, “જરા વાંકા વળો તો” પ્રત્યક્ષે બેધ્યાનપણે પૂછ્યું, “કેમ ? મને સંભળાયું ખાસ મિત્ર એટલે….”

“અરે, વાંકા વળો પહેલાં, પછી બેસ્ટ ફ્રેન્ડ…” મનાંશીએ હુકમ છોડ્યો.

પ્રત્યક્ષ ઝૂક્યો – મનાંશીએ રૂનું પૂમળું દબાવ્યું. ચચરાટ સહેજ વધ્યો, લોહી ગાયબ થઈ ગયું. પૂમડાએ શોષી લીધું સ્હેજ ઠંડક વળી. શાની હશે ? મનાંશીના શબ્દો પડઘાતા રહ્યા, પહેલાં ઝૂકો પછી બેસ્ટ ફ્રેન્ડ’ – વર્ષો પહેલાં ન ઝૂકવાની જીદે જ બે બેસ્ટ ફ્રેન્ડને દુશ્મન બનાવી દીધા હતા. કદાચ એટલે જ આજે પણ બંને સારો મિત્ર બનાવી શકતા નથી. કદાચ.

મનાંશીએ પાછો વાતનો દોર હાથમાં લીધોઃ “ચાલો બોલો હવે…”

પ્રત્યક્ષે કહ્યું, “બેટા, ખાસ દોસ્ત એટલે એવો દોસ્ત જેની સાથે આપણને બહુ જ ફાવે “ એની સાથે રમવાનું ગમે, વાત કરવાનું ગમે, લેસન કરવાનું ગમે…”

“પપ્પા, બેસ્ટ ફ્રેન્ડ હોય તો કોમ્પીટીશન હોય ? ગમ્મે તેનો પહેલો નંબર આવે, તો ફ્રેન્ડશીપ તૂટી જાય ? આ વખતે મારો ફર્સ્ટ રૅન્ક આવ્યો તો પ્રિયલ મારી સાથે બોલતી જ નથી. બધાને કહેતી ફરે છેઃ આવતી એક્ઝામમાં મનાંશીને હરાવી દઈશ. પપ્પા, ગઈ એક્ઝામમાં એનો ફર્સ્ટ રૅન્ક આવેલો તો હું ખુશ થયેલી.” મનાંશીએ અઘરા પ્રશ્નો પૂછવા માંડ્યા હતા. એને લઈને પ્રત્યક્ષ ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયો. સુમ્લા ચા-નાસ્તો બનાવી રહી હતી. એની હાજરીથી પ્રત્યક્ષમાં હિંમત આવી. એણે કહ્યું, “બેટા, બેસ્ટ ફ્રેન્ડ હોય તેને આપણી ઈર્ષા ન થાય, આપણે ખુશ થઈએ તો એ પણ ખુશ થાય. તું પ્રિયલની બેસ્ટ ફ્રેન્ડ છે. એ પણ તારી બેસ્ટ ફ્રેન્ડ બનશે. ધીમે ધીમે સમજી જશે – તારી જેવી ડાહી નથી ને એટલે…”

“ટીચર પણ મને એમ જ કહેતા હતા પપ્પા,” મનાંશી ખુશ થઈ કહેવા લાગી કે “મનાંશી હોશિયાર પણ છે અને ડાહી પણ છે. ગુડ ગર્લ… પણ મને નથી ગમતું એવું કહે તે…”
અચાનક મનાંશીનો બદલાયેલો મૂડ જોઈ પ્રત્યક્ષે કહ્યું, “કેમ ? ગુડગર્લ કહે તે તો સારું કહેવાય.”

મનાંશીએ કહ્યું, “પણ પછી મારી ફ્રેન્ડઝ બરાબર બોલતી નથી. જા, તું ટીચરની ચમચી હોશિયારી મારે… એવું બધું બોલે છે.”

પ્રત્યક્ષે કહ્યું, “અચ્છા, કોઈ પણ ફ્રેન્ડ એવી નથી કે તારા વખાણ સાંભળી ખુશ થઈ જાય ?”

મનાંશીએ કહ્યું, “હા, પેલી પલક છે ને ? તે બહુ ખુશ થઈ જાય. પણ એનો નંબર તો છેક દસમો આવે છે. હોશિયાર નથી.” પ્રત્યક્ષે કહ્યું, “બેટા, એ જ તારી બેસ્ટ ફ્રેન્ડ કહેવાય. એના બેસ્ટ ફ્રેન્ડ બનવું હોય તો તારે પણ એની સાથે રહેવું પડે. હોમવર્કમાં એને મદદ કરવી પડે. ને કોઈ દિવસ એનો ફર્સ્ટ રૅન્ક અવે તો ખુશ થવું પડે.”

મનાંશી દૂધ-નાસ્તો પતાવી રમવા ઊપડી ગઈ. તત્કાળ તો એની ગૂંચ ઊકલી ગઈ હતી. પણ પ્રત્યક્ષના મનમાં વર્ષોથી પડેલી ગૂંચની ગાંઠ અચાનક ઊપસી આવી હતી. આરવ ખાસ મિત્ર.
શબ્દો ઘૂમરાતા હતા. ગૂંગળાતા હતા. એણે સુમ્લાનો સહારો લીધો. “સુમ્લા, બરાબર કહ્યું ને ?”

સુજલાએ કહ્યું, “સાચું કહું તો… ના, એવડી અમથી છોકરીને મિત્રતાના માપદંડ બતાવવાની શું જરૂર છે ?”

પ્રત્યક્ષે કહ્યું, “પણ એણે પૂછ્યું…”

સુમ્લાએ કહ્યું, “તો તમારે કહેવું હતું ને કે આપણે બધાના બેસ્ટ ફ્રેન્ડ બનવાનું. બધાની સાથે દોસ્તી રાખવાની, બધાને મદદ કરવાની, તો બધા જ આપણા બેસ્ટ ફ્રેન્ડ બને. જોકે તમારી વાત ખોટી ન હતી છતાં…”

પ્રત્યક્ષે કહ્યું, “બહુ ભલા થવામાં ઠોકર ખાવી પડે, ને એ ઘા પછી વર્ષો સુધી તકલીફ આપે. હું પણ આરવને ખાસ મિત્ર માનતો હતો ને ? શું કર્યું એણે ? મારી જ પીઠમાં ઘા કર્યો ?”

જૂના ઘા ફરી તાજા થયા. આરવ યાદ આવતા જ ભૂતકાળ ચોર પગલે આવીને પ્રત્યક્ષના મનમાં ઊથલપાથલ મચાવી રહ્યો…. બાળપણનો ખાસ મિત્ર આરવ, હંમેશાં સાથે ને સાથે. મહોલ્લામાં કોઈ નવું શું આવ્યું હોય તે તેને તો ખબર પણ ન પડે કે કયું ઘર પ્રત્યક્ષનું છે ને કયું ઘર આરવનું. સાથે જ સ્કૂલ કરી, સાથે જ એન્જિનિયરિંગ કૉલેજમાં એડમિશન લીધું… સાથે જ સિવિલ એન્જિનિયર થઈને કન્સ્ટ્રક્શનનો ધંધો ચાલુ કર્યો.
પૈસો આવતાં જ માણસના મનમાં શેતાન જન્મ લેતો હોય છે ને વખત જતાં માણસના મનનો કબજો કરતો હોય છે. પ્રત્યક્ષે ફિલસૂફની અદાથી વિચારીને ડોકું ધુણાવ્યું ને સુજલાને કહ્યું, “બહુ દર્દ થાય છે સુમ્લા, જ્યારે કોઈ પોતાનું દગો કરે ત્યારે…”

સુજલાએ કહ્યું, “તમે મનાંશીને શું કહ્યું હમણાં ? મિત્રની પ્રગતિથી આનંદ પામે તે સાચો મિત્ર – તમારે આરવની પ્રગતિથી દુઃખી થવાની શી જરૂર ?”

પ્રત્યક્ષ ઉશ્કેરાઈ ગયો, “સુમ્લા મને આરવની ઈર્ષા નહોતી, અરે એક વખત જો એણે મને કહ્યું હોત ને કે મારે સ્વતંત્ર ધંધો કરવો છે તો હું એને સામે ચાલીને બધું ગોઠવી આપતે… મને ખબર હતી કે એનો પરિવાર સામાન્ય છે. ધંધો કરવા જેટલી મૂડી એની પાસે નથી. એટલે તો એને મેં મારી સાથે રાખ્યો. ફક્ત મારી મૂડી, છતાં નફામાં ભાગ સરખો – કેટલું સરસ કમાવા લાગ્યા હતા અમે ? ત્યારે બધાએ મને બહુ કહેલું કે તમારી મૂડી છે તો તમારો હિસ્સો મોટો હોવો જોઈએ. તોય મેં બંનેના સરખા જ ભાગ રાખેલા ને હંમેશાં એનું હિત જોયેલું. સ્કૂટર લીધા તો બંનેના સરખા, ગાડી બંનેની સરખી. આંધળો વિશ્વાસ મૂકેલો મેં એના પર… પણ પેલો નીરવ સાચુ જ કહેતો હતો. આરવને પહેલેથી મારી ઈર્ષા હશે. હું ભણવામાં એનાથી આગળ, પૈસેટકે સુખી… એટલે જ મારાથી, આગળ નીકળી જવા માટે…”છટ્ટ થોડાંક રૂપિયા માટે આવું કર્યું ?” “સુમ્લા, નીરવે જ્યારે મને કહ્યું કે આરવે પોતાનો સ્વતંત્ર કોન્ટ્રાક્ટ રાખ્યો છે… એના સગાનું ઘર બાંધવાનો…. ત્યારે મેં બિલકુલ સાચું માન્યું ન હતું. મારાથી છૂપું રાખીને આરવ કોઈ કામ કરે જ નહીં. એવી મારી માન્યતા તે દિવસે ધૂળધાણી થઈ ગઈ જ્યારે મેં ખુદ એને સાઈટ પર પૈસા લેતા જોયો. એણે મારી સાથે દગો કર્યો છે. સુજલા હું તે જ સેકન્ડે એની સાથે દોસ્તીનો છેડો ફાડીને આવતો રહ્યો… દસ વર્ષ થયા વાતને, પણ હજુ સુધી એક પણ વાર મળ્યો નથી. આ જ શહેરમાં મારા જ ધંધામાં મારો જ હરીફ બની બેઠો છે. આવા દોસ્ત કરતાં દુશ્મન સારા, એટલે જ મેં મનાંશીને કહ્યું કે…

ત્યાં જ મનાંશી દોડતી આવી. કહેવા લાગી, “પપ્પા, પ્રિયલ, પલક, આસ્થા બધાં જ મારાં તો બેસ્ટ ફેન્ડ થઈ ગયાં, આજે સાઈકલ રેસમાં હું જીતી તો બધ્ધાએ ચીયર અપ કરી તાળીઓ પાડી…”
પ્રત્યક્ષે કહ્યું, “પણ, પ્રિયલને તો તારી જેલસી થતી હતી ને ?”

મનાંશીએ કહ્યું, “હા, એટલે મેં એને પૂછ્યું કે મારો ફર્સ્ટ રૅન્ક આવે તે તને ગમતું નથી ? તો ખબર છે એણે શું કહ્યું ? એણે કહ્યું કે એ એ દિવસે એની મમીને બહુ તાવ આવેલો એટલે એ મૂડમાં ન હતી. ને પેલા રીમાએ મને ખોટેખોટું કીધેલું કે પ્રિયલ મારાથી આગળ નીકળી જવાનું કહેતી હતી.”

મનાંશી બોલતી રહી ને પ્રત્યક્ષ સાંભળતો રહ્યો. સુમ્લા મંદ મંદ હસતી રહી. સાંજે ચાલવા ગયા ત્યારે અચાનક જ સુજલાએ પ્રત્યક્ષને પૂછ્યું, “પ્રત્યક્ષ, આરવ આ તરફ જ રહે છે ને આ સામેની સોસાયટીમાં ?”
પ્રત્યક્ષે કહ્યું, “હા, હવે પાછી એનું નામ ન લેતી, રાતે ઊંઘ નહીં આવે. મારે યાદ જ નથી કરવો એ દગાખોરને…”
પણ સુજલા સમજાવટના સૂરે બોલી, “એક વાત કહું ? ચાલોને એના ઘરના સામેથી જ નીકળીએ ?”

“કંઈ કામ નથી.” પ્રત્યક્ષે કહ્યું, “પણ આજે સુજલા કંઈ જુદા મૂડમાં હતી. એણે કહ્યું, “આરવ કંઈ થોડો જોવાનો છે. ને જુએ તો કેવો ઝંખવાય છે એ જોવું છે મારે – એનેય એના ગુનાની નામોશી તો હશે ને ?”
વાતવાતમાં બંને આરવના ઘર સુધી પહોંચી ગયાં. આરવ અને એની પત્ની બહાર ઓટલે જ ખુરશી નાંખી બેઠાં હતાં. પ્રત્યક્ષના ચહેરાના બદલાતા ભાવ જોઈ સુજલા સમજી ગઈ કે એ આરવ જ છે. પ્રત્યક્ષ પાછો વળવાનું કે ઝડપભેર આગળ વધી જવાનું વિચારે તે પહેલાં તો સુજલાએ બૂમ પાડી, “આરવભાઈ, અમે આવીએ કે ? જોકે બહુ મોડું થઈ ગયું છે; રાત પડે તે પહેલાં ઘણાં વર્ષો પછી મળી લઈએ.”

આરવ અને પ્રત્યક્ષ બંને હતપ્રભ બની જોતાં જ રહ્યાં. પ્રત્યક્ષને સમજ ન પડી કે સુજલાએ આવું ગાંડપણ શું કામ કર્યું ? એ કંઈ સમજવા જાય એટલામાં તો આરવ દોડતો આવીને જોરથી પ્રત્યક્ષને ભેટી પડ્યો. પ્રત્યક્ષ ધક્કાથી થોડો પાછળ ખસ્યો. આરવના હાથોની ભીંસ વચ્ચે એના હ્રદયનો ધબકાર અનુભવાતા આપોઆપ આરવને વીંટળાવા થોડા ઉપર ઊઠ્યા પાછા હેઠા પડ્યા, પાછા ઉપર ઊઠ્યા પણ આરવની લાગણીના દરિયામાં માથાડૂબ મોજાં ઊછળતાં હતાં. પ્રત્યક્ષ અવશ્યપણે એમાં તણાયો. કાંઠે આવતાં વલખાં માર્યા પણ ભરતી ભારે હતી. આખરે ડૂબ્યો…

આરવને પૂછ્યું નહીં તોય અવિરત બોલતો રહ્યો… “માફ કર દોસ્ત, તારાથી એ સોદો છુપાવ્યો, એ મારા બનેવીનું ઘર હતું. મારી બહેનને સાસરામાં બહુ ત્રાસ પડતો હતો. બનેવીએ ઘરથી છાનું રાખીને મકાન બાંધવું હતું. ટુકડે ટુકડે પૈસા આપવાના હતા. તોય પૂરા પૈસા આવે તેમ ન હતું. લાખેક રૂપિયાની ખોટ હતી. મારે લીધે તું ખોટ શું કામ સહન કરે ? એવું વિચારીને ન કહ્યું. તને કહેતે તો તું પણ ખોટમાં પણ ભાગ રાખતે. પણ દોસ્ત, તારા નફામાં બધું ઉદાર થઈ મને ભાગ આપ્યો હતો તે મારી ખોટ મારે એકલાએ ખાવી હતી.”

પ્રત્યક્ષે કહ્યું, “ગાંડા, નાનપણથી બધું વહેંચીને ખાધું હતું, ને તારે એકલાએ ખોટ ખાવી હતી ? જોયું ? અને પછી ? દોસ્તી તૂટી ને ? તારા વગર આટલાં વર્ષ કેમ કાઢ્યાં ?” ત્યાં જ આરવની મા લાકડીના ટેકે બહાર આવી. પ્રત્યક્ષનો અવાજ આટલાં વર્ષ પછીય ઓળખી ગઈ હતી તેથી એણે કહ્યું, “બેટા, આમ દોસ્તને છોડી જવાય ? તારા ગુસ્સાથી ને દોસ્તી તૂટવાથી આરવ કેવો થઈ ગયો હતો. ખબર છે ?”

“તે દિવસે તેં દગાખોર કહીને દોસ્તી તોડી, તે ફોનનો ઘા કરી સીધો દોડ્યો. એના રૂમમાં જઈ પંખે દોરડું બાંધીને ગળે ભરાવ્યું.”

“શું ?” પ્રત્યક્ષને આંચકો લાગ્યો. આરવ આત્મહત્યાનો પ્રયત્ન કરતો હોય એવા દ્રશ્યથી કલ્પનાએ પણ એને થથરાવ્યો. જો એવું થયું હોત તો પોતે ખુદને માફ કરી શકત ? એવું વિચારે ત્યાં આરવની માએ કહ્યું, “ભગવાનનું કરવું તે ત્યારે જ એનાં બેન-બનેવી ઘર છોડીને આવ્યાં ને બધાંએ દોડાદોડ કરી બારણાના આગળા તોડી એને બચાવી લીધો. ભાઈ, આવી તે રીસ કરાતી હશે ? ખાસ દોસ્ત આવા હોય ?”

બીજે દિવસે પ્રત્યક્ષે પોતાને ઘેર આવેલા આરવને બતાવી મનાંશીને કહ્યું, “જો, ખાસ મિત્ર આને કહેવાય. બેટા, છે તો મારો ખાસ દોસ્ત પણ તારે લીધે મને પાછો મળ્યો છે. વર્ષો પહેલાં ખોઈ નાંખેલો મેં, હવે ખોવાવા નહીં દઉં…”

– ડૉ. સ્વાતિ ધ્રુવ નાયક


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous છોડો કલકી બાતેં, કલકી બાત પુરાની ?! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
વ્યસ્ત ભલે, અસ્તવ્યસ્ત નહિ – ભાણદેવ Next »   

28 પ્રતિભાવો : મિત્રની પ્રગતિ – ડૉ. સ્વાતિ ધ્રુવ નાયક

 1. rajendra shah says:

  ધનિ સરસ વાત્— અભિનન્દન્

 2. ankit says:

  Too good.

 3. Vallari Marthak says:

  Uncle, Very Nice selection of Article. Hats of too You

 4. Komal Shah says:

  Very Nice

 5. Pravin V. Patel says:

  સત્યઘટના હોય એવી સુંદરતા પ્રગટે છે. ખાત્રી કર્યા વિના અભિપ્રાય બાંધી લેવો એ ખતરનાક હોઇ શકે છે. અંતે મિત્રતાની ં સુગંધ પ્રસરી.
  પ્રેરણાદાયી અને ઉમદા વાર્તા.
  હાર્દિક અભિનંદન.

 6. Hassan Ali Wadiwala says:

  Mistake made by an educated is always big
  To remain straight and not hurting any near or dear
  By putting your foot in other’s shoes
  Surely you can get best result if you have patience…..wife like Sulla did it with using her out box (sixth sense)

 7. pjpandya says:

  ઘનિ સુન્દર વાર્તા

 8. Nitin says:

  નોખી અને સરસ ક્રુતિ.સદ્ગત શ્રી મ્રુગેશ ભાઇ નો આરમ્ભાયેલ યગ્ન આગળ વધતો રહે તેવી શભેચછા

  • Rutvi says:

   ઘણી જ સારી વાર્તા…આ સાઈટ ધ્વારા મ્રુગેશભાઈ હજી અહીં જ છે. એમના પ્રયાસો ને આગળ ધપાવવા બદલ આભાર્…

 9. gita kansara says:

  ખુબજ પ્રેરનાદાયેી વાર્તા.મ્રુગેશભાઈનો આત્મા જરુર ત્રુપ્ત થતો હશે.તેમના અધુરા સ્વ્પ્નોને પુરા કરવા માતે પ્રયાસ કરવા બદલ આભાર્.

 10. સેજલ says:

  આંખમાં આંસુ આવી ગયા.
  બાળપણની યાદ તાજી થઇ ગઇ.
  ધન્‍યવાદ આટલી સરસ વાર્તા રજૂ કરવા માટે.

 11. tarana says:

  mem,..this story is really heart touching….

 12. Triku C . Makwana says:

  ખુબજ સરસ.

 13. Amrutlal Hingrajia says:

  ‘ધૂમકેતૂ”ની પ્રખ્યાત વાર્તા પોસ્ટ ઓફિસનું કથન યાદ આવે છે, “માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધુ જગત શાંત થઈ જાય.”
  સરસ અને સંવેદનશીલ પ્રસંગ.

 14. Kanaiyalal A Patel ( CA ) USA says:

  ખાત્રી કર્યા વિના અભિપ્રાય બાંધી લેવો એ ખતરનાક હોઇ શકે છે.

 15. swati Naik says:

  Thanks to all readers
  Mrugeshbhai is in our creations

 16. Jay Patwa says:

  OMG !!! ડૉ. સ્વાતિ ધ્રુવ નાયક

  Very very nice.I never expected.
  You made me to cry.
  I remember my friend Dipak Thakar.We were seating on same bench.One day on some matter our ego strike,we did not speak for 7 days and change bench.

  We both are not comfortable without each other and we just started speaking.I was in 8th grade,before 53 years.

 17. prakash says:

  Really heart touching..heartily congratulations..

 18. mamta says:

  Very nice very nice

 19. Parikshit Joshi says:

  Navchetan mathi varta ne ahi samavva bdl Aabhar !!!

 20. gopal khetani says:

  અદભુત.

 21. RIDDHI BALAR says:

  very well story…and i really like is story…

 22. Nikhil says:

  ઘણી જ સરસ્ વાર્તા…

 23. Sonal says:

  Really nice story . U made me cry . While reading d story I had my dearest friend in my mind with whom no contacts since 15 yrs. I think I should contact her as my life is dull without her. Thanks for d inspiration

 24. shirish dave says:

  સારી વાર્તા છે.

 25. asha.popat Rajkot says:

  આદભૂત સ્ટોરી. મિત્ર મરી શકે છે, ‘મિત્રતા મરી શકતી નથી’ દોષ તારે તે દોસ્તાર.’ મારુ બાળપણ યાદ આવી ગયું. મિત્રો સાથે આજ ભૂલાયેલી ગેમ રમતા. મેરેજ પછી પોતાના પુરાણા મિત્રોને મળવાની લાલસા જાગૃત થઈ આવી. ખૂબ ખૂબ આભિનદન સ્વાતિ ધ્રુવ નાયક.

 26. Arvind Patel says:

  ધારણાઓ ઘણી વખત ખોટી હોઈ છે. સત્ય હકીકત કઈ અલગ જ હોઈ અને આપણે કઈ જુદું જ ધરતા હોઈએ આવું ઘણી વખત બને છે. સાચી વાત સમજવી આમાં જરાયે ઉતાવળ ના કરાવી. ખોદીએ ડુંગર અને નીકળે ઉંદર. આવી ઉતાવળથી ખુબ જ સંવેદન શીલ સંબંધો ખરાબ થઇ જાય. અને પર વગરનો અફસોસ થાય એ વધારામાં.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.