વ્યસ્ત ભલે, અસ્તવ્યસ્ત નહિ – ભાણદેવ

(‘વિચારવલોણું’ સામયિકમાંથી સાભાર)

યુગનો પ્રભાવ એવો છે કે માનવી વધુને વધુ વ્યસ્ત બનતો જાય છે. મોટેભાગે સૌ એવી ફરિયાદ કરતાં જોવા મળે છે કે – “સમય નથી !” આ ‘સમયની ખેંચ છે’, તે આ યુગની વિશિષ્ટતા છે અને આ યુગની ફરિયાદ પણ છે જ.

પ્રત્યેક માનવી વ્યસ્ત છે, તેમ તો નથી, પરંતુ ઘણા વ્યસ્ત છે અને કેટલાક તો અતિ વ્યસ્ત છે. આ હકીકતનો સ્વીકાર કરીને હવે પ્રશ્ન થાય છે – તો હવે કરવું શું ? પ્રત્યેક માનવી પોતાની વ્યસ્તતાને ટાળી ન શકે. પ્રત્યેક માનવીના સંયોગો એવા નથી કે તે વ્યસ્તતામાંથી મુક્ત થઈ શકે અને રહી શકે.

ત્યારે કરવું શું ? ત્યારે એક જ ઉપાય રહે છે – વ્યસ્ત ભલે, પરંતુ અસ્તવ્યસ્ત નહિ ! વ્યસ્તતા વચ્ચે પણ સ્વસ્થતા જાળવી રાખવી, વ્યસ્તતા વચ્ચે પણ અસ્તવ્યસ્ત ન બનવું, આ ઉપાય છે. પરંતુ તો પ્રશ્ન એ છે કે વ્યસ્તતા વચ્ચે પણ સ્વસ્થતા જાળવવી કેવી રીતે ? વ્યસ્તતા વચ્ચે પણ અસ્તવ્યસ્ત ન બની જવાય તેનો ઉપાય શો ? પહેલાં તો આપણે સમજી લઈએ કે અસ્તવ્યસ્ત થવું એટલે શું ?

અસ્તવ્યસ્તતાનું સ્વરૂપઃ અસ્તવ્યસ્ત એટલે અવ્યવસ્થિત, વેરણખેરણ, વેરવિખેર. અસ્તવ્યસ્ત એટલે અશાંત, રઘવાટયુક્ત, અસમતોલ. ઘરમાં કે અન્ય કોઈ સ્થાને વસ્તુ વેરવિખેર અને અવ્યવસ્થિત પડી હોય તો આપણે કહીએ છીએ – બધું અસ્તવ્યસ્ત છે. તે જ રીતે પુસ્તકાલયમાં પુસ્તકો ગોઠવણ વિના જેમ તેમ પડ્યાં હોય તો આપણે કહી છીએ પુસ્તકો અસ્તવ્યસ્ત પડ્યાં છે કે પુસ્તકાલય અસ્તવ્યસ્ત છે.

આ જ રીતે માનવીનું ચિત્ત, માનવીનો વ્યવહાર કે જીવન્શૈલી પણ અસ્તવ્યસ્ત હોઈ શકે છે. કામના અતિ બોજને સમયે કે અનેકવિધ જવાબદારીઓના ભારણ વખતે માનવીના ચિત્તમાં, વ્યવહારમાં કે જીવનશૈલીમાં આ અસ્તવ્યસ્તતા આવી શકે છે. તે વખતે તેને પોતાને અને તેમના સંપર્કમાં આવનાર સૌને કે ઘણાંને એમ અનુભવાય છે કે આ મહાનુભવ અસ્તવ્યસ્ત થઈ ગયા છે. આ અસ્તવ્યસ્તતા એક સ્વરૂપનું બેબાકળાપણું, રઘવાટ કે અસમતોલ અવસ્થા છે. આ અસ્તવ્યસ્ત અવસ્થામાં શું થાય છે ? (૧) ખોટા નિર્ણયો લેવાઈ જાય છે. (૨) અકારણ કે સકારણ વારંવાર ક્રોધ આવે છે. (૩) બોલવાનો કે વ્યવહારનો કે કાર્યશૈલીનો વિવેક રહેતો નથી. (૪) સમતા ચાલી જાય છે.

અસ્તવ્યસ્તતા કેવી રીતે ટાળવી ? – હવે આપણે જોઈએ કે વ્યસ્ત જીવનમાં સ્વસ્થ કેવી રીતે રહેવું અને અસ્તવ્યસ્તતા કેવી રીતે ટાળવી.

(૧) સાધનપરાયણ જીવન જીવોઃ વ્યસ્ત જીવન વચ્ચે પણ ‘વ્યસ્ત ભલે,. પણ અસ્તવ્યસ્ત નહિ’, તેમ સિદ્ધ કરવા માટે નિત્ય સવારસાંજ સાધનભજન માટે થોડો સમય કાઢો. વ્યસ્ત જીવનમાં સાધન માટે સમય કાઢવો ? હા, વ્યસ્ત જીવનને અસ્તવ્યસ્ત બનતું અટકાવવા માટે સાધન માટે સમય કાઢવો જોઈએ. શું સાધન કરવું ? વ્યક્તિગત ભિન્નતાને અહીં સ્થાન છે જ. આમ છતાં આટલું કહી શકાયઃ (૧) પ્રાણાયામ (૨) જપ (૩) ધ્યાન.

(૨) સ્વાધ્યાયઃ સ્વાધ્યાય એટલે ઉત્તમ ગ્રંથોનું અધ્યયન. કોઈ એક સારું પુસ્તક સતત સાથે રાખવું. જ્યારે અનુકૂળતા મળે ત્યારે સ્વાધ્યાયમાં ડૂબી જવું. યાદ રહે, આ ડૂબી જવું તરવા માટે છે ! શાનો સ્વાધ્યાય કરવો ? અહીં પણ વ્યકિતગત ભિન્નતાને સ્થાન છે જ. આમ છતાં થોડું અહીં પ્રસ્તુત છેઃ (૧) મહાપુરુષોના જીવચરિત્ર (૨) ગીતા, ભાગવત, રામાયણ (૩) મહાપુરુષોની વાણી.

(૩) સત્સંગઃ જ્યારે થોડો સમય મળે, તક મળે ત્યારે સાધુપુરુષોનો, સજ્જનોનો સંગ કરતા રહો. આ સત્સંગ મનને અસ્તવ્યસ્ત થતું અટકાવશે, સ્વસ્થતા જાળવી રાખતા શીખવશે.

(૪) જાગૃતિઃ અસ્તવ્યસ્ત અવસ્થા બેભાનાવસ્થામાં હોય છે, જાગૃતાવસ્થામાં નહિ. આપણા વ્યવહારમાં જેને જાગૃતાવસ્થા ગણીએ છીએ તે યથાર્થ જાગૃતાવસ્થા નથી, ઉપરછલ્લી કે છીછરી જાગૃતાવસ્થા હોય છે, શારીરિક જાગૃતાવસ્થા છે. મનોમય જાગૃતાવસ્થા નથી. જેમ જેમ જાગૃતિ અર્થાત અવધાનનો વિકાસ થતો જાય તેમ તેમ અસ્તવ્યસ્તતાનું પ્રમાણ ઘટતું જાય છે. આ જાગૃતિ અર્થાત અવધાનનો વિકાસ થાય કેવી રીતે ? જાગૃતિનો ઉપાય જાગૃતિ જ છે. આમ છતાં આટલા સહાયક ઉપાયો બની શકેઃ (૧) જાગૃતિપૂર્વક પ્રાણાયામ (૨) જાગૃતિપૂર્વક જપ (૩) શ્વાસ પ્રત્યે જાગૃતિ (૪) શાંભવી મુદ્રા (૫) સોડહમ્ ઉપાસના.
આપણે આપણી અસ્તવ્યસ્ત અવસ્થા પ્રત્યે, અપણા રધવાટ પ્રત્યે, આપણી અશાંત અને અસમતોલ અવસ્થા પ્રત્યે જાગૃત બનીએ તો ? જાગૃતિના પ્રકાશમાં આ અસ્તવ્યસ્તતા ટકી શકે નહિ.

(૫) સમજઃ સમજના અભાવમાં સમસ્યાઓ પ્રગટ થાય છે અને સમજના પ્રકાશમાં સમસ્યાઓ નિવૃત્ત થાય છે. સમજવિકાસની યાત્રા તે જીવનવિકાસની યાત્રાનું એક મૂલ્યવાન પાસું છે. પોતાની જાતને જોતા રહો, તપાસતા રહો, ફંફોળતા રહો અને પોતાની જાતને સમજતા રહો. પોતાના જીવનની સમસ્યાઓના મૂળભૂત સમસ્યાઓના સ્વરૂપને સમજો. પોતાની ગ્રંથિઓ અને લાગણીઓને જોતાં રહો. પોતાની અસ્તવ્યસ્તતાને સમજો, તેના કારણોને સમજો. આ સમજયાત્રા માનવીને તેની અસ્તવ્યસ્તતામાંથી બચાવી લે છે. સમજના પ્રકાશમાં આ અસ્તવ્યસ્તતાનું વિસર્જન થવા માંડે છે. સમજના પ્રકાશમાં વ્યસ્ત ભલે, પણ અસ્તવ્યસ્ત નહિ – આ સિદ્ધ થઈ શકે છે. સમજની યાત્રા એક યાત્રા છે. યાત્રાથી કંટાળવું નહિ કારણકે જીવન જ એક યાત્રા છે.

(૬) ભયમુક્તિઃ આપણી અસ્તવ્યસ્તતાનું કારણ છે – ભય અને ચિંતા. ભય રાક્ષસ છે અને ચિંતા ડાકણ છે. આ બંને સાથે મળીને આપણા જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. આપણે અનેકવિધ કર્મોમાં વ્યસ્ત હોઈએ છીએ ત્યારે જે તે કર્મ સાથે સંલગ્ન ભય અને ચિંતા આપણને બેબાકળા કરી મૂકે છે અને માત્ર કર્મને જ નહિ, સમગ્ર જીવનશૈલીને પણ અસ્તવ્યસ્ત કરી મૂકે છે. ભયમુક્તિનો ઉપાય શો ? ચિંતાથી મુક્ત થવું કેમ ? વસ્તુતઃ ચિંતા પણ ભયનું જ એક સ્વરૂપ છે. તેમાંથી મુક્તિનો માર્ગ છે, પોતાના ભય અને પોતાની ચિંતાના યથાશક્ય સતત દર્શન. દર્શનના પ્રકાશમાં ભય અને ચિંતા વિસર્જિત થવા માંડશે.
વર્તમાનયુગના મનીષિ શ્રી જે. કૃષ્ણમૂર્તિ કહે છે, “If you are totally free from fear, the heaven is with you.” જો તમે ભયથી સંપૂર્ણ મુક્ત બની શકો તો તમે સ્વર્ગની લગોલગ છો.

(૭) બિનજરૂરી ક્રિયાઓથી બચોઃ બધાં જ વર્તમાન પત્રો વાંચવા, ટી.વી.ની સામે બેસી રહેવું, વાતો કરવામાં સમય વિતાવવો, સામાજિક પ્રસંગોમાં સમય આપવો – આ બધી પ્રવૃત્તિઓમાં સમય બગાડવાનું બંધ કરીએ તો આપણી વ્યસ્તતા ઓછી થઈ જશે અને આપણે સાધન, સ્વાધ્યાય અને સત્સંગમાં વધુ સમય આપી શકીશું અને આપણી અસ્તવ્યસ્તતા નિયંત્રણમાં આવશે.

(૮) સમયનો કાર્યક્ષમ ઉપયોગઃ કાર્ય કરવાની શૈલી એવી રીતે ગોઠવવી કે ઓછા સમયમાં વધુ કામ, વધુ સારી રીતે થઈ શકે. ક્યું કામ જાતે કરવું, ક્યું કામ કોને સોંપવું, કામ કેવી રીતે પાર પાડવું – આ બધી સમયનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની કળા છે. જેમને આવી કળા સાધ્ય છે, તેમને વ્યસ્તતા નડતી નથી અને અસ્તવ્યસ્તતા આવતી નથી.

વ્યસ્તતાની વચ્ચે સ્વસ્થતાઃ એક સંત દીર્ઘકાળપર્યંત હિમાલયમાં રહ્યા. સંનિષ્ઠભાવે સાધનાપરાયણ જીવન જીવ્યા. એકાંતમાં રહ્યા અને મહદ્ અંશે મૌન જ રહ્યા. ભક્તોના આગ્રહથી અને સાધના હવે પરિપૂર્ણ થઈ છે, તેમ માનીને તેઓ હિમાલય છોડીને નીચેના મેદાની વિસ્તારમાં આવવા તૈયાર થયા.

આશ્રમ બન્યો. હજારો માણસોની આવનજાવન શરૂ થઈ. આશ્રમનો અને શિષ્ય-શિષ્યોનો મોટો સંસાર શરૂ થયો. સમસ્યાઓ પણ આવવા માંડી. ગુરુજીને કવચિત્ ક્રોધ પણ આવવા માંડ્યો. ગુરુજી વિચારે છે – હિમાલયમાં તો મને ક્રોધ, ભય આદિ આવેગો આવતા જ નહિ. હવે આ શું થયું છે ? અહીંનું વાતાવરણ ખરાબ છે ? હિમાલય પાછો ચાલ્યો જાઉં ?

આખરે ગુરુજી સમજે છે – હિમાલયમાં ભય, ક્રોધ ઉત્પન્ન થાય તેવા સંયોગો આવતા જ નહિ એટલે એવો ભ્રમ થયો કે હું ક્રોધ, ભય આદિ આવેગોથી મુક્ત છું. વસ્તુતઃ આ આવેગો મારામાં હતા જ. સંયોગો બદલાતાં આ અંદર સંતાઈને બેઠેલા આવેગો બહાર આવવા માંડ્યા.

હવે હિમાલય જવું નથી. હવે અહીં આ માનવ મહેરામણ વચ્ચે જ રહીને મારે ક્રોધ, ભય આદિ આવેગોની સન્મુખ થવું છે અને તેમનું નિરાકરણ કરવું છે !

શાંત, એકાંત સ્થાનમાં સાધકને પોતે સ્થિતપ્રજ્ઞ થઈ ગયાનો ભ્રમ થઈ શકે છે. આ સ્વસ્થતા ખરી સ્વસ્થતા ન પણ હોય. વ્યસ્ત જીવનમાં પણ સ્વસ્થતા જળવાય તો તે ખરી સ્વસ્થતા છે ! એકાંત સાધનાનું મૂલ્ય નથી, તેમ નહિ. પરંતુ સ્વસ્થતાની આ કસોટી પણ કરી જોવી જોઈએ – વ્યસ્તતામાં પણ સ્વસ્થતા ! અને આમ બને તો આમ સિદ્ધ થાય છેઃ “વ્યસ્ત ભલે, અસ્તવ્યસ્ત નહિ.”

– ભાણદેવ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “વ્યસ્ત ભલે, અસ્તવ્યસ્ત નહિ – ભાણદેવ”

Copy Protected by Chetan's WP-Copyprotect.