- ReadGujarati.com - http://www.readgujarati.com -

આ બધાં કાંચનમૃગો ! – દિનકર જોષી

[આદરણીય સાહિત્યકાર દિનકરભાઈ જોશીની કલમે લખાયેલ અને અખંડ આનંદ સામયિકમાં પ્રસ્તુત થયેલ લેખ આજે અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવ્યો છે. શ્રી દિનકરભાઈનો આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકાય છે.]

મારીચ રાક્ષસ હતો પણ માયાવી રૂપો ધરી શકતો હતો. આ કથા બહુ જાણીતી છે. એણે કાંચનમૃગનું સ્વરૂપ ધારણ કરીને સીતાના મનમાં મોહ પેદા કર્યો. સીતા વિદુષી સ્ત્રી હતાં, શું એ નહોતાં સમજતાં કે હરણ ક્યારેય સુવર્ણમઢ્યું હોઈ શકે નહિ ? રામ સુધ્ધાં સીતાના એ મોહને વશ થયા. શું રામ નહોતા સમજતા કે અરણ્યમાં આવું કાંચનમૃગ કદી હોઈ શકે નહિ ? કાંચનમૃગે પેદા કરેલી માયાજાળમાં આ પછી જે બન્યું એ સર્વવિદિત છે. પ્રત્યેક વ્યક્તિ અને પ્રત્યેક સમાજના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવાં કાંચનમૃગો આવે છે. આવાં કાંચનમૃગો ને પારખવાં દુષ્કર નથી હોતાં. આવું કાંચનમૃગ કદી હોઈ શકે નહિ એ જાણવા સમજવા છતાં રામ અને સીતા ફસાયાં. લક્ષ્મણે એમને ચેતવ્યાં પણ હતાં કે આ મોહ પેદા કરતું કાંચનમૃગ દુઃખદાયક જ હોવું જોઈએ. લક્ષ્મણ જેવા આત્મજનોની ચેતવણી છતાં રામ અને સીતા એ મોહને વશ થયાં. જો રામ અને સીતા પણ આ માયાવી સૃષ્ટિથી સમજવા છતાં મુક્ત થઈ શક્યાં નહિ તો પછી સામાન્ય માણસો પાસેથી આપણે શી રીતે એવી અપેક્ષા રાખી શકીએ ? અને છતાં કોઈકે લક્ષ્મણનું કામ કરવું પડશે. ભલે રોકી ન શકાય તોય કોઈક લક્ષ્મણે કહેવું તો પડશે કે રુક જાઓ, આ જે દેખાય છે, તમે જેના મોહમાં વિવેકભાન ભૂલી રહ્યા છો એ કાંચનમૃગ ભારે માયાવી છે. તમે છેતરાઈ રહ્યા છો.

પૈસે ટકે ઠીક ઠીક સંપન્ન કહેવાય એવા પરિવારમાં હમણાં જવાનું થયું. આ પરિવારમાં લગભગ સાઠેકની વયે પહોંચી ગયેલાં પતિ-પત્ની બે એકલાં જ હતાં. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બંને સાવ નંખાઈ ગયેલાં. બેઉ ટંકના ભોજન માટે ટિફિનની વ્યવસ્થા અને ઘરના રોજિંદા કામકાજ માટે નોકરની વ્યવસ્થા. રાત્રે શયનકક્ષમાં જરૂર પડ્યે પરસ્પર સહાય ન કરી શકે એવી અવસ્થામાં બેઉ જણ એકલાં. એકનો એક દીકરો એના કુટુંબ સાથે વિદેશમાં વસે. વાપરતાં વધી પડે એટલા પૈસા ત્યાંથી મોકલે. વીડિયો કૉન્ફરન્સથી પરસ્પરને હળે મળે ને વાતો કરે. પૌત્ર પૌત્રી પણ હલ્લો હાય કરે- પપ્પા, મમ્મીએ શીખવ્યું હોય એટલું. દાદા કે દાદીના ખોળામાં બેસીને એમના ગાલ પર ચીંટિયા ભરવા એ તો કદાચ આ બાળકોને ડર્ટી પણ લાગે !

મેં વાતવાતમાં એમને પૂછ્યું –‘તમારી તબિયત સારી રહેતી નથી. ઉંમર પણ થવા આવી છે. તમારો દીકરો સુશિક્ષિત છે, અનુભવી છે, સારી આવડત ધરાવે છે અને તમારા પરિવાર પાસે પૂરતા પૈસા છે. એને અહીં તમારી સાથે રાખીને છેલ્લાં વરસો શાંતિથી ગુજારી ન શકાય ? દીકરો પણ અહીં સારો એવો ધંધો કરી શકે એમ છે.’

‘એ ખરું.’ માતા પિતા બંનેએ સાવ ફિક્કું હસીને કહ્યું ‘અમને પણ અહીં સાવ એકલું એકલું લાગે છે પણ વિદેશમાં એની જે કૅરિયર બને છે એવું અહીં કંઈ થાય નહિ. વળી એનાં સંતાનોને પણ ત્યાં નાગરિકત્વ મળે અને કૅરિયરનો ખૂબ સ્કૉપ પણ મળે.’

મેં એમની જોડે આ વિશે પછી બહુ દલીલો ન કરી પણ મારા ચિત્તમાં આ કૅરિયર પરત્વેની વિભાવના ક્યાંય સુધી ઘુમરાતી રહી. કૅરિયરનો આપણે સહુ એક જ અર્થ કરીએ છીએ. પહેલાં ખૂબ શૈક્ષણિક ડિગ્રીઓ મેળવવી અને પછી આ ડિગ્રીઓ વેચીને વધારે ને વધારે ઊંચો હોદ્દો અથવા ધન મેળવવું. આ બધામાં પ્રતિષ્ઠાનું આકર્ષણ પણ ખરું.

માણસે પરિવારની રચના કોઈ ચોક્કસ આયોજનપૂર્વક નહિ કરી હોય પણ કેટલીક પાયાની જરૂરિયાતોને કારણે આવી રચના આપોઆપ થઈ ગઈ હોવી જોઈએ. પરિવાર એ પ્રાકૃતિક ઉત્ક્રાંતિ છે. સેંકડો વરસો પછી પણ માણસની આ મૂળભૂત જરૂરિયાતો એવી ને એવી જ રહી છે એટલે પરિવાર આજ સુધી ટકી રહ્યા છે. વીસમી સદીના ઉત્તરાર્ધ પછી આમાં ભારે પરિવર્તન આવ્યું છે. માણસની પ્રાથમિક જરૂરિયાતો બદલાઈ છે એવું નથી. એટલું જ નહિ પણ જે પરિવારો સાથે રહે છે એમાં સુખ-શાંતિ છલોછલ ભર્યાં છે એવુંય નથી. જરૂરિયાતોમાં ખાલીપો વધ્યો છે અને આ ખાલીપા વિશે પૂરી સભાનતા હોવા છતાં પરિવારો તૂટતાં જાય છે અને એનાં અનેક કારણો પૈકી, સામેથી નીતરેલું સહુથી અગત્યનું કારણ કેરિયર નામનું આ ‘માયાવી મૃગ’ છે.

વધુ અભ્યાસ અર્થે કર્ણ પરશુરામ પાસે ગયો હતો. અર્જુન કૈલાસમાં ભગવાન શંકર પાસે ગયો હતો. શિક્ષણ પ્રાપ્તિની પિપાસા પ્રશંસાપાત્ર છે અને પ્રગતિકારક પણ છે. પણ સાંપ્રત કાળમાં જે માતાપિતાઓ પોતાનાં સંતાનોને વિદેશમાં અભ્યાસાર્થે મોકલી રહ્યાં છે તે પૈકી કોઈનો ઉદ્દેશ અભ્યાસ કે શિક્ષણ નથી. જે અભ્યાસ માટે તેઓ જાય છે તે પૈકી ઘણાખરા તો ભારતમાં પણ થઈ શકે એવા હોય છે. આમ છતાં આપણામાં વિકસેલી લઘુતાગ્રંથિને કારણે વિદેશમાં કરેલા અભ્યાસને આપણે ઊંચો દરજ્જો આપીએ છીએ. વિદેશમાં અભ્યાસ અર્થે જનારાઓ પણ વિદેશમાં સ્થાયી થઈને વધુ કમાણી કરવા માટે જ જતા હોય છે. વિદેશોમાં વસતા સરેરાશ ભારતીયો ખરેખર તો કાળી મજૂરી કરતા હોય છે. આ કાળી મજૂરી પછી તેઓ જે બચત કરે છે એ પાઉન્ડ કે ડોલર ખરેખર તો સ્થાનિક રૂપિયો જ હોય છે પણ આપણા દેશની નિર્બળ આર્થિક લેવડદેવડને કારણે પેલો પાઉન્ડ કે ડૉલર રૂપિયા કરતાં ઘણો મોટો લાગે છે.

આ કહેવાતી કૅરિયર જન્મભૂમિ સાથેનાં મૂળિયાં ઉખેડી નાખે છે, સાંસ્કૃતિક ચેતનાનું હનન કરે છે અને જે સંતાનોને જન્મ આપતી વખતે માતાપિતાએ ખુશખુશાલ થઈને પેંડા વહેંચ્યા હોય છે એ જ માતાપિતા એકલવાયી અવસ્થામાં ઊંડા ખાલીપા સાથે ભાડૂતી શબવાહિનીમાં ગોઠવાઈને સ્મશાને પહોંચે છે. આ પછી માત્ર પાઉન્ડ કે ડૉલરના વિનિમય દરના કારણે લાખ બે લાખને મોટી રકમ મનાવીને પેલાં વિદેશી સંતાનો અહીં કુળદેવીએ કે જ્ઞાતિ સંસ્થામાં સદ્દગતના સ્મરણાર્થે દાન કરે છે.

નિષેધ અભ્યાસનો નથી, નિષેધ વધુ શિક્ષણ મેળવવાનો નથી. નિષેધ આ કાંચનમૃગને સમજવાનો છે. કૅરિયર એટલે મૃગના શરીર ઉપર ચમકતો સુવર્ણનો રંગ નથી. કૅરિયર એટલે સમર્થ અને સમૃધ્ધ જીવન, એવું જીવન કે જેમાં શિક્ષણ અને અધ્યયન તો હોય જ પણ આપણો પોતાનો પરિવાર, સમાજ, સંસ્કૃતિ આ બધાંના ઊર્ધ્વીકરણમાં આપણું પણ કંઈક યોગદાન હોય જ. જે સાંસ્કૃતિક વારસો જન્મતાંવેંત આપણને મળ્યો છે એ વારસામાં મુઠ્ઠીભર ઉમેરો કરીને જે જાય છે એણે જ કૅરિયર બનાવી છે.

કૅરિયર જેવો જ બીજો છેતરામણો શબ્દ ડેવલપમેન્ટ છે. આમ તો કોઈપણ વિકાસને આપણે પ્રચલિત અંગ્રેજી ભાષાના આ શબ્દથી ઓળખીએ છીએ. મુંબઈનો બહુ વિકાસ થયો છે આવો શબ્દ જ્યારે હું સાંભળું છું ત્યારે મારા મનમાં વિકાસની વ્યાખ્યા વિશે અવઢવ થવા માંડે છે. છેલ્લાં પચીસ પચાસ વરસમાં વસતિ ચાર ગણી થઈ ગઈ, વેપાર ઉદ્યોગ દશ વીસ ગણો વધ્યો. છૂટાછવાયા વિશાળ બંગલાઓમાં બંગલાના માલિકો અને ભાડૂઆતો પણ કોઈપણ પ્રકારના ડર કે ચિંતા વિના વસતા હતા. હવે આ વિકસિત થયેલા શહેરમાં પાંચ ટકા વસતિ પાસે અપાર સંપત્તિ છે. લાખોની સંખ્યામાં વસતા લોકો પાસે જાજરૂ નથી, ખાવા ધાન નથી. સવારે ઘરની બહાર ગયેલી વ્યક્તિ સાંજે સુરક્ષિત પાછી ફરે ત્યારે જ હાશ થાય એવો ભય સામાન્ય પ્રજામાં ફેલાયેલો છે. અહીં ઉલ્લેખ ભલે મુંબઈનો કર્યો હોય પણ આ પરિસ્થિતિ બધાં જ મહાનગરોને લાગુ પડે છે. સરકારી ચોપડે મોટરોની સંખ્યા, વધેલી વસતિ, નવાં બંધાયેલાં મકાનો, વ્યાપારી ધોરણે થતી લેવડદેવડો, બેંકોના મોટા મોટા આંકડા આ બધાને ડૅવલેપમેન્ટ કહે છે. ડૅવલેપમેન્ટની આ વ્યાખ્યાનો સ્વીકાર કરતાં પહેલાં સમજી લેવું જોઈએ કે જેમ અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, નિરાધાર સ્ત્રીઓના વનિતા વિશ્રામો આ બધું સમાજમાં ઉપયોગી હોવા છતાં એને વિકાસ ન કહેવાય. શાળાઓની તથા અન્ય શિક્ષણ સંસ્થાઓની સંખ્યા વધી છે, શેરીએ શેરીએ મહાલય જેવાં એરકંડિશન્ડ કોચિંગ ક્લાસો ફાલ્યા કૂલ્યા છે પણ એ શિક્ષણધામો નથી પરંતુ, શિક્ષણ ઈન્ડસ્ટ્રી છે. શિક્ષણના નામે અર્થહીન પાઠ્યપુસ્તકો ગોખાવતી હાટડીઓ છે. અહીં નવી પેઢી કેળવાતી નથી. માત્ર ‘રટ્ટો’ કરીને સર્ટિફિકેટોની લૂંટફાટ કરે છે. આ લૂંટફાટ સહુથી મોટા પ્રમાણમાં તો આ શિક્ષણ સંસ્થાના માલિકો કરતા હોય છે. શિક્ષણના નામે લગભગ ઘણાખરા રાજકારણીઓ પોતાના પરિવારની શાળા કે કૉલેજો ખોલીને ધમધોકાર ‘વિકાસ’ સાધી રહ્યા છે.

ડૅવલેપમેન્ટ ઉપરાંત આજકાલ ‘રિડેવલેપમેટ’ શબ્દ ખાસ્સો પ્રચલિત બન્યો છે. આનો અર્થ એવો થાય છે કે ડેવલેપમેન્ટ તો પૂરેપૂરું થઈ ચૂક્યું છે અને હવે જે ‘ડેવલપ્ડ’ જ છે એને વધુ વિકસિત કરવું. જે સમાજમાં લાખો નહિ બલકે કરોડો સ્ત્રી પુરુષો અને બાળકો ભૂખ્યાં સૂતાં હોય, જેમને અંગ ઢાંકવા પૂરતાં વસ્ત્રોય ન હોય, શિક્ષણ કે તબીબી સારવાર ન હોય, ઠંડીગાર કે ધોધમાર વરસતા વરસાદની રાત્રિએ માથે છાપરું ન હોય અને છતાં બધું ‘ડેવલપ્ડ’ થઈ ચૂક્યું છે એમ માનીને આપણે ‘રિડેવલપ-મેન્ટ’ કરી છીએ. વરસોવરસ વિકાસના નામે છેતરામણા આંકડા આપીને આપણે આપણી જાતને છેતરી રહ્યાં છીએ. આ છેતરપિંડી એટલી હદે આગળ વધેલી છે કે એને સમજવા માટે એક નાનકડું ઉદાહરણ જોઈએ.

આંકડાશાસ્ત્રના એક વિદ્વાન પ્રાધ્યાપક એક વાર પોતાના પરિવાર સાથે પિકનિક માટે ગયા. પિકનિકના ચોક્કસ સ્થાને પહોંચવા માટે રસ્તામાં એક નદી ઓળંગવી પડતી હતી. નદી કંઈ ખાસ મોટી નહોતી. પ્રોફેસરે નદીના એક કાંઠે ઊભા રહીને જોયું કે નદી ખાસ ઊંડી પણ લાગતી નથી. એક લાંબું બાંબુ હાથમાં લઈને નદીની ઊંડાઈ માપવા માંડી. નદી કાંઠા ઉપર એક ફૂટ ઊંડી હતી. સહેજ આગળ જતાં એની ઊંડાઈ અઢી ફૂટ હતી. એનાથી સહેજ આગળ જતા આ ઊંડાઈ છ ફૂટ થઈ જતી હતી અને ફરીવાર સામા કાંઠે પહોંચતાં એની ઊંડાઈ એક કે બે ફૂટ થઈ જતી હતી. પ્રોફેસરે આ બધા માપની સરેરાશ કાઢી તો એ ત્રણ ફૂટ આવતી હતી. પ્રોફેસર પોતે, એમનાં પત્ની અને પરિવારના બીજા સભ્યોની ઊંચાઈ ત્રણ ફૂટથી તો વધારે હતી જ. પ્રોફેસરે પોતે આગળ ચાલીને સહુને કહ્યું – ‘આ નદીની ઊંડાઈ ત્રણ ફૂટથી વધુ નથી એટલે આપણે સહુ સુખરૂપ સામે પહોંચી જઈશું.’ પ્રોફેસરનું આંકડાશાસ્ત્ર સાચું હતું પણ પરિણામ સાવ વિપરિત આવ્યું. ત્રણ ફૂટની સરેરાશ ઊંડાઈવાળી નદીમાં છ ફૂટની ઊંડાઈવાળા પ્રવાહમાં વચ્ચે સહુ ડૂબી ગયા.

આપણા દેશમાં વિદ્વાનો કહેવાતા આ આંકડાશાસ્ત્રીઓ વિકાસના નામે આવી જ ગમ્મત કરી રહ્યા છે. દેશના પ્રત્યેક નાગરિકની સરેરાશ માસિક આવક પાંચ કે છ હજાર રૂપિયા છે અને એક ટંક ભોજન ત્રણ કે ચાર રૂપિયામાં થઈ શકે છે એવા સરકારી આંકડા આપણે થોડા મહિનાઓ પહેલાં જ વાંચ્યા હતા. દુર્ભાગ્યે આ આંકડાશાસ્ત્રીઓ પોતે ડૂબતા નથી પણ બીજાને ડુબાડે છે.

કૅરિયર અને ડૅવલેપમેન્ટ જેવો જ એક માયાવી શબ્દ પ્રગતિ પણ છે. એક માણસ ચોક્કસ દિશામાં હેતુપૂર્વક દશ વીસ માઈલ ચાલે તો એણે પ્રગતિ કરી કહેવાય, પણ એને કોઈ ચોક્કસ દિશાનું ભાન જ ન હોય, ક્યાં અને શા માટે જવું છે એની ગતાગમ પણ ન હોય અને છતાં કોઈક કેડી ઉપર દશ વીસ માઈલ ચાલી નાખે તો એને પ્રગતિ કહેવાય ખરી ?માત્ર ચાલવું એ પ્રગતિ – progress નથી. તાડના ઝાડ ઉપર કોઈ માણસ અત્યંત કષ્ટપૂર્વક ચડી જાય પણ ઝાડ ઉપરથી કશું પણ ઉતારવાનું ન હોય તો એ ચડવાથી એણે પ્રગતિ કરી છે એમ ન કહેવાય. સ્ત્રીભ્રૂણની ગર્ભાવસ્થામાં જ હત્યા કરીને જો આપણે દેશની વસતિ ઘટાડીએ તો એને કુટુંબનિયોજનમાં પ્રગતિ કરી છે એમ ન કહેવાય, એણે સામાજિક સંતુલનને હાનિ કરી છે એમ જ કહેવાય. માત્ર કશુંક કરવું એ પ્રગતિનો હેતુ નથી. કર્યા પછી કશુંક સામાજિક સ્તરે સિધ્ધ થાય એ વધુ મહત્વનું છે.

છેલ્લા દશકામાં ક્મ્પ્યૂટરો અને મોબાઈલ ફોનની સંખ્યા કરોડોમાં વધી છે. ટૅલિવિઝન માત્ર ઘરે ઘરે જ નહિ, ઝૂંપડે ઝૂંપડે પહોંચ્યાં છે. જે ઝૂંપડાંઓ કે ઘરોમાં કુદરતી હાજતે જવા માટે શૌચાલયો પણ નથી ત્યાં ટી.વી., મોબાઈલ કે કમ્પ્યૂટરે પોતાની જગ્યા કરી લીધી છે. અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં જ્યાં પીવાનું ચોખ્ખું પાણી પણ ઉપલબ્ધ થતું નથી ત્યાં મોબાઈલ કે ટી.વી. એ પોતાની જગ્યા કરી લીધી છે. ગ્લોબલાઈઝેશન કે લિબરલાઈઝેશનના નામે જે વિદેશી ચીજવસ્તુઓ આપણને દશ રૂપિયામાં ઘરે બેઠા મળે છે એનું જ સ્વદેશી ઉત્પાદન આપણને બમણું કે ત્રણ ગણું મોંઘું પડે છે, આઈ.પી.એલ. ક્રિકેટના નામે ઊભી બજારે ક્રિકેટરો કહેવાતા કાળા માથાના માણસો સરેઆમ વેચાય છે. આ બધું પ્રગતિ કહેવાય ખરું ? સવા અબજની વસતિવાળા આપણા દેશમાં સિત્તેર કરોડ મોબાઈલ ફોનધારકો છે. આની સામે લગભગ પચાસ કરોડ માણસો પાસે શૌચાલાય નથી. હાથમાં મોબાઈલ ધારણ કરીને કોઈ પુરુષ કે સ્ત્રી ક્યાંક ખૂણે ખાંચરે જાહેરમાં શૌચ ક્રિયા માટે બેઠો હોય એ દ્રશ્ય કેવું વરવું લાગે છે ! અહીં મોબાઈલ એ પ્રગતિ કહેવાય કે ગંદકી કહેવાય ?

થોડા વરસો પહેલાં એક બૅંક સ્ટાફની ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે હું સેવારત હતો. બૅંકના નાના મોટા કર્મચારીઓ અહીં સમાંતરે જુદા જુદા બૅંકિંગ વિષયો ઉપર તાલીમ મેળવવા આવતા. એક જુવાન અને પ્રશિક્ષિત માણસની અધ્યાપક તરીકે વરણી થઈ. આ અધ્યાપક સાવ નવોસવો હતો એટલે વર્ગમાં હું એને મુશ્કેલી ન પડે એ માટે વિશેષ કાળજી લેતો હતો. પ્રત્યેક વર્ગને અંતે હું એને પૂછતો કે વર્ગમાં પ્રતિભાગીઓ કેવો પ્રતિભાવ આપે છે ? જવાબમાં એ હંમેશાં કહેતો – ‘ભારે ઉમળકાભેર પ્રતિભાવ સાંપડે છે.’ એક વાર મેં એની જાણ બહાર એના વર્ગનો પ્રતિભાવ જાણવા ખંડની દીવાલ પાસે ઊભો રહ્યો. વર્ગના પચીસેક જેટલા પ્રતિભાગીઓ પૈકી કોઈ એની વાત સાંભળતા નહોતા. બધા જ અશિસ્તથી શોરબકોર કરતા હતા. પેલો અધ્યાપક આ શોરબકોરને ઉવેખીને પોતાની વાત કર્યે રાખતો હતો અને વર્ગમાં જાણે શાકપીઠ હોય એવું વાતાવરણ હતું.

આ બધું નજરોનજર જોયા પછી અને વર્ગ પૂરો થયા પછી મેં પેલા અધ્યાપકને ફરી વાર પૂછ્યું – ‘કેવો રહ્યો આજના વર્ગનો પ્રતિભાવ ?’

‘બહુ જ સરસ સાહેબ ! બધા જ પ્રતિભાગીઓ બહુ જ ઉત્સાહભેર ભાગ લેતા હતા.’

જે અશિસ્ત એટલે કે વર્ગમાં સ્વચ્છંદતાપૂર્વકનું વર્તન તથા શાકપીઠ જેવું વાતાવરણ પ્રર્વતતું હતું એને આ અધ્યાપક પ્રતિભાવ કહેતા હતા. એક રીતે તો આ પ્રતિભાવ તો હતો જ. એ હકારાત્મક નહોતો – એ નિષેધાત્મક હતો. આ નિષેધાત્મક પ્રતિભાવને આ સજ્જન ‘મારા ક્લાસમાં રિસ્પોન્સ બહુ સારો છે’ એવું કહેતા હતા.

જંગલોનો નાશ કરીને ત્યાં ઈમારતો ખડકી દેવી અથવા સિમેન્ટની સડકો બનાવી દેવી એને માત્ર પ્રગતિ ન કહેવાય. અરણ્યોનો વિસ્તાર વધે એ પણ જરૂરી છે અને એટલે ક્યારેક ક્યાંક જંગલોનો વિકાસ થાય તો એ પણ પ્રગતિ જ છે. માણસે માત્ર પોતાની ભૌતિક સગડોના વધારાને પ્રગતિ કહી છે પણ પ્રકૃતિ પાસે એના પોતાના માપદંડો માણસ સહિત જીવમાત્ર માટે ઘડાયેલા છે.

થોડા દશકાઓ પહેલાં શાળાના અભ્યાસક્રમોમાં પર્યાવરણ શબ્દ પ્રચલિત નહોતો આમ છતાં એનું આડકતરું શિક્ષણ ભૂગોળના વિષયમાં સમાવિષ્ટ થઈ જતું હતું. પ્રાથમિક શાળામાં જ આપણને ઋતુઓ વિશે શિખવાડાતું, શિયાળો, ઉનાળો અને ચોમાસું આ ત્રણ ઋતુઓ ઠંડી, ગરમી અને વરસાદ સાથે સંકળાયેલી છે અને ભારત જ એક એવો દેશ છે કે જ્યાં આ ત્રણેય ઋતુઓ ચોક્કસ સમયસર આવે છે અને જાય છે એવું કહેવામાં આવતું. ઋતુ શબ્દ જ સંસ્કૃતના ઋત એટલે શબ્દ પરથી બન્યો છે. ઋત એટલે પરમ સત્ય. પ્રાકૃતિક ધોરણે ઠંડી, ગરમી અને વરસાદનું આવવું જવું ત્યારે પરમ સત્ય મનાતું હતું એટલે આના માટે ઋતુ શબ્દ બન્યો. પણ હવે આજે એવું નથી રહ્યું. શિયાળામાં ગરમી, ઉનાળામાં વરસાદ કે ચોમાસામાં પણ બધું કોરું ધાકોર હોય એ સહજ થઈ ગયું છે. હજારો વરસોથી જે પરમ સત્ય હતું એને કોણે ઊલટાવ્યું ? પ્રકૃતિ માણસના અટકચાળા લાંબો વખત સહન કરી શકતી નથી. અન્યથા દુનિયાની સાત અબજની વર્તમાન વસતિને તો શું આવનારી પેઢીઓને સુધ્ધાં, પ્રત્યેકને ઘર, વસ્ત્ર અને આહાર પ્રાપ્ત થાય એટલી સમૃદ્ધિ એની પાસે છે જ. માણસે પોતે જ આ અસંતુલનો સર્જ્યાં છે અને હવે આ બધાને એ પ્રગતિ કે વિકાસ જેવાં છેતરામણાં કાંચનમૃગથી ઓળખાવે છે.

કાંચનમૃગને વહેલાસર ઓળખીને માણસ જો પોતાનો વિવેક નહિ વાપરે તો જે કાંચનમૃગે રામ, સીતા કે લક્ષ્મણને પણ છોડ્યા નહોતા એ કાંચનમૃગ આપણને પણ ભરખી જશે.

– દિનકર જોષી