શ્રીકૃષ્ણ : નવી દ્રષ્ટિએ – વસંતરાય પ્રભુદાસ સંઘવી

[આજનો લેખ શ્રી વસંતરાય પ્રભુદાસ સંઘવીના પુસ્તક ‘શ્રીકૃષ્ણ : નવી દ્રષ્ટિએ’ માંથી સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને પુસ્તક ભેટ મોકલવા બદલ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર]

(પ્રસ્તુત લેખમાં લેખકશ્રીએ શ્રીકૃષ્ણના જીવનને એક નવી દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કર્યો છે, આ માટે તેમણે શ્રીકૃષ્ણ પર આધારિત અમુક ધાર્મિક અને અન્ય પુસ્તકોનો પણ આધાર લીધો છે.)

૧) શ્રીમદ્ ભાગવત

શ્રીમદ્ ભાગવત પુરાણમાં રાસલીલાનું વર્ણન છે. તે અતિસુંદર અલૌકિક વર્ણન છે. શૃંગારરસ તેમાં ભરપૂર દેખાય છે. આ વર્ણન વાંચ્યા પછી ઘણાંના મનમાં આ નિમ્નકોટિની માન્યતાઓ બંધાય છે. આ માટે શ્રીમદ્ ભાગવત પુરાણમાં જે રાસલીલાનું વર્ણન છે તે જોઈએઃ “હે પરીક્ષિત ! જેમ નાનો બાળક નિર્વિકાર ભાવે પોતાના પડછાયા સાથે રમે છે. તે જ પ્રમાણે રમાપતિ ભગવાન શ્રીકૃષ્ણ ક્યારેક ગોપીઓને પોતાના હ્રદય સાથે લગાવે છે. ક્યારેક હાથથી તેમના તરફ જોતા. તો ક્યારેક લીલાપૂર્વક હાસ્ય કરતા આ પ્રમાણે તેમણે વ્રજસુંદરીઓ સાથે ક્રીડા કરી વિહાર કર્યો.”

પરીક્ષિતની શંકાઓનું નિરાકરણ કરતાં વિશેષમાં જણાવે છે કે “હે પરીક્ષિત ! શરદઋતુની તે રાત્રિ જેમાં અનેક રાત્રિઓ એકત્રિત થઈ ગઈ હતી, બહુ જ રળિયામણી હતી. ચારેબાજુ ચંદ્રમાની સુંદર ચાંદની પ્રસરી રહી હતી. કાવ્યોમાં શરદઋતુની જે રસાળ સામગ્રીઓનું વર્ણન મળે છે. તે બધા જ પદાર્થોથી તે યુક્ત હતી. તેમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની પ્રેયસી ગોપીઓની સાથે યમુના તટ પર અને ઉપવનમાં વિહાર કર્યો એ વાતનું સ્મરણ રહે કે ભગવાન સત્યસંકલ્પ છે. આ બધી તેમણે આ લીલામાં કામભાવને તેની ચેષ્ટાઓને તેની ક્રિયાને બધી રીતે પોતાનામાં કેદ કરી રાખી હતી.” ત્યાર પછી રાજા પરીક્ષિત આવો જ પ્રશ્ન કરે છે અને શુકદેવજી તેના આવા જ ભાવાર્થનો જવાબ આપે છે. તેની લાંબી ચર્ચામાં આપણે ન ઊતરીએ તો આ પરથી ખ્યાલ આવશે કે શ્રીકૃષ્ણે ગોપીઓને ભાગ્યે જ મળતા અલૌકિક પ્રેમનો અનુભવ કરાવ્યો. જેમાં કોઈ શારીરિક કામભાવોને સ્થાન ન હતું.

મહર્ષિ વ્યાસજીએ શ્રીમદ્ ભાગવત લખ્યું છે તે તેમની સાધનાની પરમોચ્ચ કક્ષા પ્રાપ્ત કર્યા પછી તેમને જે દર્શન થયું તે તેમણે અહીં લખેલ છે. વ્યાસજીની ચેતના(મનની) એ એટલી ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી હશે કે જે પરમાત્માની પરમ ચેતના સાથે જોડાઈ ગઈ હશે. (“અ-મન”ની સ્થિતિ) એટલે તેમણે લખેલ રાસલીલાનું વર્ણન આપણે યોગ્ય રીતે ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે આપણી ચેતનાને શરીરની ઈન્દ્રિયો અને મનથી થોડા ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીએ. આપણી નિમ્ન કક્ષાની માનસિકતાથી શ્રીકૃષ્ણની રાસલીલા અને રાધા અને ગોપીઓ સાથેના સંબંધ તેમ જ શ્રીકૃષ્ણના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધની ઉચ્ચ કક્ષા આપણે સમજી શકીશું નહિ.

ગોપીઓના આ નિર્વ્યાજ પ્રેમથી અભિભૂત થઈને શ્રીકૃષ્ણ સ્વયં પરમાત્મા પણ કાયમ માટે ઋણી થઈ જાય છે અને ગોપીઓને કહે છેઃ “હે પ્રિયતમાઓ ! જેને મોટા-મોટા યોગીજનો પણ છોડી શકતા નથી એવી મનની કામનાઓ, ઘરબાર, શરીરની વજ્ર જેવી કઠણ બેડીઓને તમે તોડી નાખી છે. તમારું અને મારું આ મિલન અત્યંત નિર્મળ છે. જો હું અમર જીવનથી અનંત કાળ સુધી તમારા આ નિર્મળ પ્રેમનો બદલો આપવા ઇચ્છું તોપણ આપી શકું તેમ નથી ! તમે મારા સાધુ સ્વભાવથી, સજ્જનતાથી, પ્રેમથી મને ઋણમુક્ત કરી શકો. બાકી હું તો તમારો ઋણી છું.” આ ઉત્કૃષ્ટ અવસ્થા આગળ, મોક્ષ કે મુક્તિ તો દાસી છે.

શ્રીમદ્ રાજચંદ્ર જેવા ઋજુ તત્ત્વચિંતક ગોપાંગનાઓના વિશે ગવાયેલા આ ઉત્કૃષ્ટ પ્રેમ-ભક્તિને સમજીને તેનું ગદ્દગદ્દ ચિત્તે નિરૂપણ કરે છે તે અવશ્ય હ્રદયમાં ઉતારવા જેવું છે.

(ક) ‘ગોપાંગનાની શ્રીમદ્ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે. એ દશા વારંવાર સાંભરી આવે છે; અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે; એ દશા વિદેહી હતી.’

(ખ) ‘ગોપીઓ ભગવાન વાસુદેવ(કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાખી વેચવા નીકળી હતી, એવી એક કથા શ્રીમદ્ ભાગવતમાં છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે, એ મહીની મટુકી છે અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે, તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિરૂપ (ગોપીને) થતાં એ ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે ‘અરે કોઈ માધવ લ્યો’, એમ કહે છે અર્થાત્ તે વૃતિ કહે છે કે, મને આદિપુરુષની પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય નથી, માટે તમે પ્રાપ્ત કરો, ઉલ્લાસમાં ફરી-ફરી કહે છે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છો તો અમે તમને એ આદિપુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ. ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ, મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્ત્ર કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે; મહીનું નામમાત્ર છે, આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃતરૂપ વાસુદેવ ભગવાન જ મહી રૂપે નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરી વ્યાસજીએ અદ્દભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે પૂરું છે; અને તે અમને ઘણાં કાળ થયાં પહેલાં સમજાયું છે, આજે અતિસ્મરણમાં છે; કારણ કે તે સાક્ષાત્ અનુભવ-પ્રાપ્તિ છે અને એને લીધે આજની પરમ અદ્દભુત દશા પ્રાપ્ત થઈ છે. એવી દશાથી જીવ ઉન્મત્ત થઈ ગયા વિના રહેશે નહિ અને વાસુદેવ હરિને ચાહીને કેટલોક વખત વળી અંતર્ધ્યાન થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ.

(ગ) મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું, તેમ અમને હમણાં વર્તે છે. આત્મ દર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા, કારણકે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે.

(ઘ) ‘શ્રીકૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યકત્વ ઉત્પન્ન થાય તેને સર્વ પ્રકારની સંસારીક્રિયા તે જ સમયે ન હોય તેવો કંઈ નિયમ નથી. સમ્યકત્વ ઉત્પન્ન થયા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે.’

(ડ) “શ્રીમદ્ ભાગવત પરમભક્તિ રૂપ જ છે. એમાં જે-જે વર્ણવ્યું છે, તે-તે લક્ષરૂપને સૂચવવા માટે જ છે.”

શીખગુરુઓએ રાસલીલાને જે રીતે મૂલવી છે તે પણ જાણવા જેવું છે. “ઘડીઆ સભે ગોપીઆ, પહર કંન્હ ગોપાલ” દિવસની બધી ઘડીઓ ગોપીઓ છે અને પ્રહર શ્રીકૃષ્ણ ગોપાલ છે. પવન, પાણી અને અગ્નિરૂપી તત્ત્વો તે ગોપીઓએ પહેરેલાં ઘરેણાં છે. સૂર્ય-ચંદ્ર એ બે અવતાર છે. સમગ્ર પૃથ્વી રાસરૂપી રંગમંચનો ધનમાલ છે. સમગ્ર દ્રશ્ય જગત રાસનો વ્યવહાર છે. દુનિયા આ જ્ઞાન વિના ઠગાય છે અને એને કાળરૂપી યમ ખાઈ જાય છે.

“આપે ગોપી આપે કાના, આપિ ગઉ ચરાવે કાના” પોતે જ ગોપી છે અને પોતે જ કહાન છે, એ પોતે જ વનમાં ગૌ ચરાવે છે. પોતે જ ઉત્પન્ન કરે છે અને પોતે જ પ્રલય કરે છે, પણ હે કૃષ્ણ ! તું તો અસંગ છે તને એનો તલ જેટલો પણ સ્પર્શ નથી !

(૧) પૂર્ણાવતાર ભાગ-૧લો – લે. ડૉ. ઉપેન્દ્ર સાંડેસરા

આ જ બાબતને આપણે બીજા દ્રષ્ટિકોણથી જોઈએ. શ્રીકૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા ત્યારે તેમની ઉંમર પૂરી બાર વર્ષની પણ ન હતી. આ ઉંમરે છોકરા છોકરીઓ સાથે રમે એ સ્વાભાવિક હોય છે. આ ઉંમરે કામ-વિકાર છોકરા-છોકરીના શરીરમાં પેદા થયો હોતો નથી. વિશેષમાં રાધા કે ગોપીઓ શ્રીકૃષ્ણની વાંસળી સાંભળી ગમે ત્યારે તેને મળવા દોડી જતી હતી. રાસલીલાના વર્ણનમાં પણ રાત્રિના સમયે બધી ગોપીઓ પોતાના પતિ, ઘર અને અન્ય સગાંવહાલાંઓને છોડી શ્રીકૃષ્ણને મળવા દોડી ગઈ હતી.

તે ગોપીઓના પતિ તેમ જ કુટુંબના સભ્યો શ્રીકૃષ્ણના પવિત્ર, નિર્મળ પ્રેમને જાણતા હતા. ગોપ-ગોવાળિયાઓએ પણ તેનો અનુભવ કર્યો હતો. તેઓએ ગોપીઓને શ્રીકૃષ્ણને મળવા જતાં રોકી નથી, કારણ કે તેમને તેમના પર જરા પણ સંદેહ હતો નહિ. એટલે સામાન્ય માણસની દ્રષ્ટિએ જોઈએ તોપણ શ્રીકૃષ્ણની ગોપીઓ સાથેની રાસલીલા અંગે આપણે કોઈ સંદેહ રાખવો જોઈએ નહિ.

શ્રીકૃષ્ણમાં કોઈ પણ પુરુષ અથવા સ્ત્રીને આકર્ષવાનું અદ્દભુત બળ હતું. તે તેઓ પૂર્ણાવતાર હતા તેને કારણે હતું. પૂર્ણાવતાર એટલે તેઓના વ્યક્તિત્વમાં (Personality) પૂર્ણ પુરુષ અને પૂર્ણ સ્ત્રી બન્ને સમાયેલાં હતાં. આ અંગે ગુણવંત શાહે તેમના પ્રવચનમાં કહ્યું છેઃ “શ્રીકૃષ્ણને આજે હું સાવ જ જુદા દ્રષ્ટિબિંદુથી અવલોકવા માંગું છું. અંગ્રેજીમાં જેને ‘એડ્રોજીનસ પર્સનાલિટી’ કહેવામાં આવે છે તેની ચર્ચા ટૂંકમાં કરવી છે. ‘એન્ડ્રો’ એટલે ‘પુરુષ’ અને ‘જેની’ એટલે ‘સ્ત્રી’ એન્ડ્રોજીનસ પર્સનાલિટી એટલે એવી વ્યક્તિ કે જેના વ્યક્તિત્વમાં સ્ત્રી-પુરુષ સમત્વભાવ પ્રગટ થવાને કારણે સ્ત્રી-પુરુષ એવો જાતિભેદ ઓગળી ગયો છે. સ્ત્રી મટી ગઈ, પુરુષ મટી ગયો અને કેવળ વ્યક્તિત્વ રહી ગયું. આ એક અનોખી અવસ્થા છે. જે પ્રાપ્ત થયા પછી સેક્સ ખરી પડે અને બ્રહ્યચર્ય માટેની ભૂમિકા તૈયાર થાય. ભારતમાં બ્રહ્મચર્યની વાત આવે છે અને ધર્મગુરુઓ એટલા ટાઇટ થઈ જાય છે કે વાત ન પૂછો. શ્રીકૃષ્ણ બ્રહ્મચારી હતા ખરા ? બ્રહ્મચર્યની વ્યાખ્યા જે રીતે વિનોબાજીએ કરી છે તે નોંધવા જેવી છે. એ વ્યાખ્યા શ્રીકૃષ્ણને બ્રહ્મચારી તરીકે પ્રમાણે છે. શ્રીકૃષ્ણ બ્રહ્મચારી હતા એવું કહીએ તો કોઈ મોં બગાડે. પરંતુ કદાચ સાબિત કરી શકાય તેમ છે કે શ્રીકૃષ્ણ બ્રહ્મચારી હતા. વિનોબાજી કહે છે કે પુરુષમાં સ્ત્રીના ગુણોનો વિકાસ થાય અને સ્ત્રીમાં પુરુષના ગુણોનો વિકાસ થાય ત્યારે બ્રહ્મચર્ય સિદ્ધ થાય. આ વાત અત્યંત મૌલિક છે… વિનોબાજીની વ્યાખ્યાને જરા આગળ લંબાવીએ. શ્રીકૃષ્ણના જીવનની અને તેમાંય શ્રીકૃષ્ણની લીલાની વાત કરીશું, તો આપણને તેમનામાં પરમ સ્વસ્થ એન્ડ્રોજીનસ પર્સનાલિટીનાં દર્શન થશે. આવા અનોખા અર્થમાં શ્રીકૃષ્ણનું જે વ્યક્તિત્વ છે, વિભૂતિતત્વ છે તે અત્યંત આકર્ષક છે. હજી સુધી કોઈ માનવીય વ્યક્તિ આટલી હદે એન્ડ્રોજીનસ અવસ્થા પ્રાપ્ત કરી શકી હોય એવું જાણ્યું નથી.”

(૧) “શ્રીકૃષ્ણઃ મારી દ્રષ્ટિએ” – લે. ગુણવંત શાહ, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ

શ્રીકૃષ્ણની એક સત્ય પ્રતિજ્ઞા આપણે જોઈએ. જેને સમજવાથી શ્રીકૃષ્ણ પોતાની જાતને બ્રહ્મચારી કહે છે તેનો આપણને ખ્યાલ આવશે. મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામાએ છોડેલ બ્રહ્માસ્ત્ર અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ પર પડેલ. જેથી ઉત્તરાએ મૃત બાળકને જન્મ આપ્યો. તે વખતે શ્રીકૃષ્ણે આવીને ઉત્તરાને આશ્વાસન આપ્યું કે હું મારી સત્ય પ્રતિજ્ઞાથી તારા બાળકને સજીવન કરીશ.
“હું આજીવન બ્રહ્મચારી છું તે સત્ય પ્રતિજ્ઞા પર જાહેર કરું છું અને તે સત્ય હોય તો બાળક સજીવન થાઓ.”

(૨) મહાભારત

શ્રીકૃષ્ણ પરણેલા છે, ઘણી રાણીઓ છે, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ વગેરે પુત્રો-પૌત્રો હતા. આમ છતાં તેઓ બ્રહ્મચારી તરીકે પોતાની જાતને સત્ય પ્રતિજ્ઞા પર કેમ જાહેર કરે છે ? તેનો ઉપરના લખાણથી ખ્યાલ આવશે. આ પ્રશ્ન ઘણો ગહન અને ઊંડા ચિંતનને યોગ્ય છે તેથી આપણે એ અંગે વિશેષ ચર્ચા કરતા નથી. શ્રીકૃષ્ણનાં આ વિધાનોની સાથે જ પરીક્ષિત જીવતો થાય છે. જોવાનું એ છે કે શ્રીકૃષ્ણે ક્યારેક અસત્ય ભાષણ કર્યું છે, યુદ્ધમાંથી ભાગ્યા પણ છે, સ્વતંત્ર બની વિહર્યા પણ છે. છતાં એમનાં વિધાનો નક્કર સાબિત થયાં છે તેનું કારણ છે શ્રીકૃષ્ણની અસંગ મનોદશા. અસત્ય ભાષણ કરતાં શ્રીકૃષ્ણ નિર્લેપ રહ્યા છે. કોઈ પણ પ્રકારની બાહ્ય પરિસ્થિતિ તેમના આંતરિક વીર્યનું સ્ખલન કરી શકી નથી. આ અર્થમાં શ્રીકૃષ્ણ અજેય છે.

સજાતીય અને વિજાતીય અંગે આપણે ઉપર જોયું અને શ્રીકૃષ્ણની એન્ડ્રોજીનસ પર્સનાલિટી વિશેના ગુણવંત શાહના વિચારો જાણ્યા. આ જ વાત આપણા ભક્ત કવિઓએ પોતાનાં ભજનોમાં, કાવ્યોમાં અને શ્રીકૃષ્ણનાં ગુણગાન ગાવામાં કહી છે. શ્રીકૃષ્ણભક્તિના અષ્ટ સખાઓએ શ્રીકૃષ્ણની ભક્તિનાં પદો ગોપીભાવથી લખ્યાં છે. તેઓ બધા પુરુષ હોવા છતાં તેઓ જાણે કે શ્રીકૃષ્ણની ગોપી હોય તે ભાવે ગોપી થઈને ભજનો, પદો, કીર્તનો લખ્યાં છે. જે લોકો ભક્તિભાવથી આજે પણ ગાય છે. આપણા આદ્યકવિ નરસિંહ મહેતા જેમણે તેમનાં પ્રભાતિયાંમાં અને અન્ય ભજનોમાં અધ્યાત્મ વિદ્યાની ગહન વાતો સહજતાથી લખી છે. તેઓએ પણ ઘણાં પદો શ્રીકૃષ્ણની ગોપી થઈને ગોપીભાવથી લખ્યાં છે. ઉદાહરણઃ

(૧) ગાવડી દ્યોને ગોતી ગોપાળ લાલા….

(૨) હું તો વારી રે ગિરધરલાલ તમારા લટકાને…

(૩) હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવોને…
પામી પામી પામી હું તો પુરણ વરને પામી રે,
મળીયો મળીયો મળીયો મહેતા નરસૈંયાનો સ્વામી રે…

ગંગાસતી જેમણે પણ પોતાનાં પદો તળપદી ભાષામાં સાવ સાદી ઉપમાઓ વડે પાનબાઈને સંબોધીને જે ભજનો લખ્યાં છે, તેમાં પણ જાતિપણું છોડવાની વાત આવે છેઃ
જાતિપણું છોડીને તમે આવો રે મેદાનમાં
તમને દેખાડું ગુરુજીનો દેશ જો…

સૌરાષ્ટ્રના એવા જ એક સંતકવિ દાસી જીવણે જેટલાં ભજનો લખ્યાં છે તે તમામ ગોપીભાવથી લખેલાં ભજનો છે. તે પોતે પોતાની જાતને શ્રીકૃષ્ણની દાસી ગણાવતા. એટલું જ નહિ તેઓના પહેરવેશ પુરુષને બદલે સ્ત્રી જેવો જ પહેરતા. વાળ વધારીને ચોટલો ગૂંથલો રાખતા, હાથમાં કંગન, પગમાં ઝાંઝર વગેરે બધાં જ સ્ત્રીનાં આભૂષણો પહેરીને તેઓ ફરતા. આમ ઘણા નામી-અનામી શ્રીકૃષ્ણભક્તોએ ગોપીભાવથી ભજનો લખ્યાં છે તે બધાં જ, ના વત્તે-ઓછે અંશે એન્ડ્રોજીનસ પર્સનાલિટી હશે જ અને તો જ તેઓના હ્રદયના ભાવોમાંથી નીકળેલાં ભજનો અમર થઈ ગયાં છે. ભગવાન શંકરની અર્ધનારીશ્વરની મૂર્તિ ખૂબ જ પ્રસિદ્ધ છે.

– વસંતરાય પ્રભુદાસ સંઘવી

[પુસ્તકની કિંમત રૂ. ૭૦/- પ્રાપ્તિસ્થાન – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ (૭૯) ૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “શ્રીકૃષ્ણ : નવી દ્રષ્ટિએ – વસંતરાય પ્રભુદાસ સંઘવી”

Copy Protected by Chetan's WP-Copyprotect.