જવા દો ને વાત – કલ્પના દેસાઈ

(‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર)

આપણામાં ‘કેમ છો?’ પૂછવાનો રિવાજ કેમ છે તે જાણો છો? આપણે કોઈને રોજ મળીએ કે રોજ ફોન કરીએ તોય કેમ છો પૂછવાનું ન ભૂલીએ – કેમ? એક તો કઈ ઘડીએ કોને શું થાય તે કંઈ કહેવાય નહીં. જો આપણે એકાદવાર પૂછવાનું ચૂકી જઈએ અને ત્યારે જ જો એમનું માથું ફાટતું હોય તો એમનો બધો ગુસ્સો આપણા ઉપર નીકળે કે નહીં? એમને તો એમના માથાના દુખાવાની કથા કહેવી હોય (માથું ફાટતું હોય તોય!) અને આપણે બીજે જ લવારે ચડ્યા હોઈએ! તે ઘડીએ જો, ‘કેમ છો?’ પૂછ્યું હોય તો એમની સાથે આપણને પણ રાહત રહે. (આપણને ઓછી!)

બીજું કે પહેલેથી જ જો ઢીલો અવાજ સંભળાય તો આપણને ફોન વહેલો મૂકવાનું સિગ્નલ મળે છે. ‘લાગે છે કે તમારી તબિયત ઠીક નથી. હું કાલે ફોન કરું.’ (ભલા માણસ, કોણે દીઠી કાલ? આજે જ મારી રામકહાણી કે રોગકહાણી સાંભળી લો ને.) પણ આપણે તો, ‘હાશ છૂટ્યા…’ કરતાંક ફોન મૂકી દઈએ છીએ! ત્રીજું કે… અમસ્તાંય આપણી નજીવી વાતોમાં રિસાવાની ટેવ! ‘મને તો કેમ છોય ના પૂછ્યું. સંસ્કાર જ ખોટાં ને !’ કાલે જ મળ્યા હોય કે દિવસમાં ચાર વાર કેમ ન મળ્યા હોય ! ‘કેમ છો?’ પૂછ્યા વગર ડગલું નહીં ભરવાનું. ચોથું કે… જવા દો તમે જ કારણ શોધી લેજો કે બીજાં ક્યાં કારણો છે કેમ છો, કેમ છો કરવાનાં. પણ ઘણા આ વાતે બહુ રમૂજ પૂરી પાડે છે.

‘કેમ છો?’

‘મજામાં. તમે કેમ છો?’

‘અરે જવા દો ને. કંઈ બોલવા જેવું નથી.’

‘કેમ? શું થઈ ગયું એકદમ?’

‘કંઈ નહીં. હવે તમે જવા દો ને વાત. મારી તબિયતની તો વાત જ કરવા જેવી નથી.’ (આવા લોકોને મોણ વગરનું ખાવાનું ગળે નહીં ઊતરતું હોય!)

‘ચાલો બસ? તમે આટલું કહો છો તો રહેવા દીધી વાત. નથી પૂછવા તમારી તબિયતના સમાચાર. બીજી કોઈ વાત કરું. ક્યું પિક્ચર જોયું રવિવારે?’

‘પિક્ચર ક્યાં જોવા જવાય છે હવે? મારી તબિયતનું જ કંઈ ઠેકાણું નથી પડતું ને. તમે જવા દો ને વાત.’

‘એટલે પિક્ચરની વાત પણ નહીં કરવાની?’

‘ના, ના એમ નહીં. પિક્ચર તો ઠીક છે હવે પણ તબિયતની વાત કરું છું.’

‘પણ હમણાં તો તમે તબિયતની વાત કરવાની ના પાડી.’

‘હા, એ તો એવું, કંટાળી જવાય ત્યારે બોલી પડાય. બાકી મારી તબિયતની તો તમને શું વાત કરું ?’

પાછો ફરીફરીને એ જ સવાલ આવીને ઊભો રહે. વાત કરવી છે કે નથી કરવી? ને જો કરવી છે તો કઈ વાત કરવી છે? આપણા દરેક સવાલ પર જો એ વાતને જવા દેવાનું કહેતા હોય તો આપણે શું કરવું? આપણે ફરી જો એમને થિયેટર તરફ વાળીએ તો એમને ગમે નહીં.

‘હાલમાં બે-ત્રણ પિક્ચર જોવા જેવા આવ્યાં છે. તમને ગમશે.’

આપણી વાત તો ન સાંભળી હોય એમ એને હવામાં ઉડાડતા બોલે, ‘તમને મેં વચ્ચે વાત કરેલી ને મારા ગળાના દુખાવાની? બરાબર ખવાતું પણ નથી ને બોલાતું પણ નથી.’

‘હં… તે? કંઈ વધી ગયું?’ (‘થોડી તબિયત ઊતરશે ને ઘરનાને શાંતિ મળશે’… આવો વિચાર મનમાં ઝબકી જાય પણ કંઈ બોલાય છે? જવા દો ને… )

‘અરે, જવા દો ને વાત’ બોલતા અટકીને આગળ બોલ્યા, ‘તેનું આજ સુધી કંઈ ઠેકાણું નથી પડયું.’ (ક્યારના તો એકધારું, સરસ ને ચોખ્ખા (કડક) અવાજે બોલ્યે રાખો છો! ઠીક છે હવે, પૂછ્યું છે તો પૂરું કરું.)

‘એમ?’

‘આપણે પથ્થર એટલા દેવ પૂજીએ ને તેમ મેં ડૉક્ટર એટલા દેવ ગણીને પગથિયાં ઘસ્યાં છે – દવાખાનાંનાં, પણ આ ગળાનું કંઈ ઠેકાણું નથી પડતું. પીવાની દવાના બાટલા, ગોળા-ટીકડાનાં ડબલાં, એકસ-રેના થપ્પા ને પૈસાનાં પાણા કરી કરીને હવે ગળે આવી ગયા. એક ડૉ. કે વૈદ બાકી નથી.’ (આપણને એમની ઉપમા અને ભાષા માટે સહેજે માન થઈ જાય.)

આવા સમયે આપણા મનમાં સ્વાભાવિકપણે જ બે-ચાર સલાહો કે ઉપાયો બહાર આવું-આવું થવા માંડે ને ? પણ એમનાથી સહન નહીં થાય એમ સમજી આપણે માંડી વાળીએ.

‘જવા દો. હવે શું કરવાના? હવે તો બધું ભગવાન ભરોસે જ છોડી દો. ક્યારેક તો સારું થશે ને?’

હજી એની એ જ વાત થયા કરે કદાચ, પણ આપણે જ વાતને વિરામ આપી જવા દઈએ.

અઠવાડિયા પછી ફોન આવે.

‘કેમ છો? કેમ છો?’ પત્યા પછી આપણને થાય કે, હવે એમના ગળામાં તો મંદિરના ઘંટા વાગે છે ને બળદના ગળાના ઘુઘરા રણકે છે! ક્યા ડૉ. થી ને કઈ દવાથી વાત આપણે પૂછતાં નથી. કેમ? તો કદાચ એમને વાત જવા દેવી હોય તો? આપણા પૂછવાનો કોઈ અર્થ રહે?

‘ચાલો, સારા સમાચાર કહેવાય.’

‘અરે, શું સારા સમાચાર? ગળાનું પત્યું કે ખભાનો દુખાવો ચાલુ!’

‘શું વાત કરો છો?’

‘અરે, તમે વાત જ જવા દો ને. (ખભાની વાત પણ જવા દેવાની?) આ ખભાથી તો એટલો ત્રાસ થાય છે ને કે,…’ બોલતાં એમનો અવાજ ગળગળો થવા માંડે. આપણે જો નજીક હોઈએ તો આપણો ખભો આપી શકીએ પણ શું થાય? કાન જ આપવા પડે! એમની વાત જવા દઈને એમને નિરાશ ન કરાય.

‘આટલા દિવસ તો તમારા ખભા એકદમ સારા હતા ને! (મજબૂત, અડીખમ ને કેટલાયનો ભાર ઊંચકવાવાળા કે પછી કેટલાયને ખભા ઊંચા કરીને નન્નો ભણનારા! અચાનક શું થઈ ગયું?) ‘અરે ભાઈ, કોઈ દિવસ નહીં ને મેં એક દિવસ પલંગ ખસેડયો. પલંગ તો ખસ્યો નહીં, પણ મારા ખભા ત્યારથી ખસતા બંધ થઈ ગયા – જકડાઈ ગયા બોલો. મારા તો હાથ જ કામ કરતા બંધ થઈ ગયા. શું વાત કરું તમને એટલી તકલીફ પડે છે ને. હવે તો કંટાળો આવી ગયો છે – જવા દો તમે, વાત કરવા જેવી નથી. (તો અત્યાર સુધી શું કર્યું?) હવે તમે જ કહો, (વાતને જવા નહીં દેતા) શું કરવું? એમની વાત સાંભળવી કે એક કાનેથી સાંભળી બીજા કાનેથી જવા દેવી? કે પછી, શરૂઆતમાં મક્કમ પણ પછીથી ઢીલા પડી જતા નિર્ણયની જેમ, જવા દેવા જેવી – નાખી દેવા વાત સાંભળ્યા કરવી? એમને તો વાત કરવી છે, જવા નથી દેવી, પણ જ્યાં સુધી એ બોલ્યા કરશે કે, ‘જવા દો ને વાત’ આપણે એટલી બધી વાત સાંભળવી કે જવા દેવી?

– કલ્પના દેસાઈ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “જવા દો ને વાત – કલ્પના દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.