જૈસે કો મિલા તૈસા.. – મહેશ દવે

[શ્રી મહેશભાઈ દવે દ્વારા સંકલિત ‘પાંદડે પાંદડે’ શ્રેણીમાં તાજેતરમાં ‘પાંદડે પાંદડે ઝાકળ’નામનું પુસ્તક છે. હંમેશની જેમ સુંદર બોધપ્રદ કથાઓના આ પુસ્તકમાંથી માણીએ એક સુંદર કૃતિ. શ્રી મહેશભાઈનો આપ આ નંબર પર +91 9427606956 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

(૧) જૈસે કો મિલા તૈસા

મુલ્લા નસરુદ્દીન ભારે ચતુર હતા. જેવા સાથે તેવા થઈ છેતરનારને છેતરતા.

મુલ્લા નસરુદ્દીનના ગામમાં ત્રણ મૌલવી આવી ચડ્યા. ચોરામાં આવી મૌલવીઓએ કહ્યું, ‘અમે જે સવાલ કરીએ તેનો જવાબ તમારા ગામમાંથી કોઈ આપી નહીં શકે. કાં તો જવાબ આપો, નહીં તો અમને નજરાણું ધરો.’ ગામની આબરૂનો સવાલ હતો. ગામલોકોએ વિચાર્યું, મુલ્લાને બોલાવીએ. એ વિદ્વાન અને હોશિયાર છે, જરૂર જવાબ આપી શકશે.

મુલ્લા તો એમના ગધેડા પર બેસી હાથમાં ડંગોરો લઈ આવી પહોંચ્યા. પહેલા મૌલવીએ સવાલ પૂછ્યો, ‘પૃથ્વીનું મધ્યબિંદુ ક્યાં આવેલું છે ?’ મુલ્લાએ તરત ડંગોરો તેમના ગધેડાના પાછલા પગ પાસે પછાડ્યો ને કહ્યું, ‘અહીંયાં.’ મૌલવીએ પૂછ્યું, ‘એ તમે કેવી રીતે કહી શકો ?’ મુલ્લાએ જવાબ આપ્યો, ‘ગધેડાના પગથી પૃથ્વી માપવા માંડો. મધ્યબિંદુ જરાય આઘું-પાછું આવે તો તમારો જોડો ને મારું માથું.’

પછી બીજા મૌલવીએ પૂછ્યું, ‘આકાશમાં તારા કેટલા છે ?’ મુલ્લાએ જવાબ આપ્યો, ‘મારા ગધેડાના શરીર પર જેટલા વાળ છે એટલા. માનવામાં ન આવતું હોય તો ગણી લો. એકે ઓછોવધતો થાય તો લાનત છે મને.’

છેલ્લે ત્રીજા મૌલવીએ પૂછ્યું, ‘મારી દાઢીમાં કેટલા વાળ છે ?’ મુલ્લાએ જવાબ આપ્યો, ‘મારા ગધેડાના પૂછડામાં છે એટલા. ખોટું લાગતું હોય તો એક વાળ તમારી દાઢીમાંથી ખેંચો ને એક વાળ ગધેડાના પૂછડામાંથી. બધા વાળ ખેંચી કાઢશો ત્યારે સંખ્યા બરાબર થઈ જશે. ન ઓછી ન વધારે.’

ત્રણે મૌલવીઓ દૂમ દબાવીને નાઠા.

મુલ્લા નસરુદ્દીન સ્વભાવે આળસુ; ઘરમાં પડ્યા રહે, કામ કરવાનું નામ નહીં. બહારના કામો પણ તેમની બીબીએ કરવાં પડતાં. એક વાર બીબી ચિડાયાં ને કહ્યું, ‘જાવ, કરિયાણાની દુકાને જઈ પાંચ કિલો ચોખા લઈ આવો, નહીં તો રાતે ખીચડી નહીં મળે.’ હવે ખીચડી વિના તો કેમ ચાલે ? મુલ્લા થેલી લઈને ઊપડ્યા દાણાવાળાને ત્યાં.

મુલ્લાએ ચોખાનો ભાવ પૂછ્યુ. દાણાવાળાએ કહ્યું, ‘દસ રૂપિયે કિલો.’ મુલ્લાએ પાંચ કિલો ચોખા તોલી આપવા કહ્યું. દાણાવાળાને થયું કે મુલ્લા કદી માલ ખરીદવા આવતા નથી અને આમે મૂરખ છે તેથી થોડી ચાલાકી ચાલી જશે. તેણે તોલમાં પાંચ કિલોથી થોડા ઓછા ચોખા આપ્યા. મુલ્લાએ ફરિયાદ કરીઃ ‘કેમ પાંચ કિલોને બદલે ઓછા ચોખા આપો છો ?’ મુલ્લાની જાણીતી આળસને ધ્યાનમાં લઈ દાણાવાળાએ મુલ્લાની બનાવટ કરી, ‘થોડા ઓછા ચોખા આપું તો એટલું વજન તમારે ઓછું ઊંચકવું પડે ને ?’

મુલ્લાએ થેલી ઉપાડી ને ચોખાની કિંમતના રૂપિયા આપ્યા. રૂપિયા ગણીને દાણાવાળાએ કહ્યું, ‘મુલ્લા, આ તો ચાળીસ રૂપિયા જ છે. દસ રૂપિયા ઓછા કેમ આપ્યા ?’ ‘ગણવામાં તમને ઓછી મહેનત પડે ને એટલે.’ મુલ્લાએ જવાબ આપ્યો અને ચોખા ઉપાડી ચાલતા થયા.

– મહેશ દવે

[કુલ પાન : 44. (મોટી સાઈઝ) કિંમત રૂ. 35. પ્રાપ્તિ સ્થાન : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 1-2, અપર લેવલ, સૅન્ચુરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 26560504. ઈ-મેઈલ : info@imagepublications.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જવા દો ને વાત – કલ્પના દેસાઈ
વૃદ્ધ થતાં શીખીએ – અવંતિકા ગુણવંત Next »   

9 પ્રતિભાવો : જૈસે કો મિલા તૈસા.. – મહેશ દવે

 1. Kaumudi says:

  સરસ વાર્તા – ઝટપટ વાચી લીધી

 2. gita kansara says:

  વાર્તાનેી રમુજ સાથે માર્મેીક તકોર મજા આવેી ગઈ.

 3. pjpandya says:

  બહુ સરસ દ્રસ્ત્નત વાર્તા

 4. Amit says:

  બહુ સરસ

 5. mayuri says:

  બહુ સરસ્

 6. namrata says:

  વેરિ નાઈસ

 7. Narendra pandya says:

  ખુબ સરસ વાર્તા . વાંચતા મઝા પડી.ધન્યવાદ.

 8. ravi patel says:

  wahhhhhhhhh…….

 9. Kanaiyalal A Patel ( CA ) USA says:

  Very Good .

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.