વૃદ્ધ થતાં શીખીએ – અવંતિકા ગુણવંત

(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર)

લતાબહેન અને અજયભાઈનો દીકરો સુલય અને પત્ની ઋતુજા એમના નાના દીકરા હેતને લઈને પરદેશથી માત્ર બે અઠવાડિયાં માટે આવ્યાં છે. આ બે અઠવાડિયાંમાં તેમને ઘણાં કામ પતાવવાનાં છે. બેન્ક, પોસ્ટ, શેર બજાર, ઈન્સ્યોરન્સ કંપની જ્યાં જ્યાં તેમણે પૈસા રોક્યા હોય ત્યાં જવાનું છે. સગાં, સબંધીઓ અને મિત્રોને મળવાનું છે. સુલય અને ઋતુજા અમદાવાદમાં જન્મ્યાં અને અમદાવાદની સ્કૂલ, કૉલેજોમાં અભ્યાસ કર્યો છે. તેથી એમનું મિત્રમંડળ પણ અમદાવાદમાં જ છે. જે મિત્રો સાથે સંપર્ક ચાલુ રહ્યો હોય તેમને ખાસ મળવાનું છે.

સવારથી સુલય અને ઋતુજા દીકરા હેતને લઈને બહાર નીકળી પડે છે. બહાર જતી વખતે ઋતુજા એનાં સાસુ લતાબહેનને કહે છે, ‘મમ્મી, તમે રસોઈમાં કંઈ બનાવશો નહિ, બહારથી અમે લેતાં આવીશું.’ પુત્રવધુની સૂચના સાંભળીને લતાબહેન કંઈ બોલતાં નથી પણ તેઓ એમની રીતે દાળ, ભાત, રોટલી અને શાક બનાવે છે.

સુલય અને ઋતુજા બહારથી જે ખાવાનું લાવે તે માત્ર ચાખે જ. સુલય આ જોઈને બોલે છે, ‘પપ્પા, તમે કેમ અમારું લાવેલું ખાતાં નથી. મમ્મીને અમે કહીને જઈએ છીએ કે તું રસોડામાં કંઈ બનાવીશ નહિ પરંતુ મમ્મી રોજ રસોઈ બનાવે છે અને તમે એનું બનાવેલું જ ખાઓ છો.’

અજયભાઈ બોલ્યા, ‘બેટા, બહારનું ચટાકેદાર, તળેલું ખાવાનું અમને માફક ન આવે. તેથી મમ્મી જે સાદું અને ઝટ પચી જાય એવું ખાવાનું બનાવે છે અને તે હું ખાઉં છું. બહારનું હું ખાતો નથી.’

‘પણ તમારે રોજ ક્યાં ખાવાનું છે ? અમે અહીં છીએ તો લાવીએ છીએ અને પપ્પા તમે તો ખાવાના શોખીન છો.’ ઋતુજા બોલી.

ઋતુજા બોલી, ‘પપ્પા, તમને તો બધું પચી જાય છે. ખોટો વહેમ ન રાખશો. તમારી ઉંમરના બીજા લોકો ખાતા જ હોય છે ને !’

અજયભાઈ બોલ્યા, ‘બધાં ખાતા હોય છે અને પછી ડૉક્ટરને ત્યાં દોડતાં રહે છે, મારે ડોક્ટરને ત્યાં નથી દોડવું. મારે તો પૂરા સો વર્ષ જીવવું છે અને તંદુરસ્ત રહેવું છે.’

ઋતુજા બોલી, ‘પપ્પા, તમે સો નહિ પણ સવાસો વર્ષ જીવશો. તમે પંચ્યાશીના થયા પણ જ્યારે જુઓ ત્યારે કેટલા ફ્રેશ હો છો, તમે કદી થાકવાની કે કંટાળવાની ફરિયાદ નથી કરતા, અમે કંટાળી જઈએ છીએ પણ તમે કદી નથી થાકતા કે કંટાળતા !’

‘બેટા, હું કદી થાકતો નથી કારણ કે હું કુદરતના નિયમો ચીવટપૂર્વક પાળું છું. આપણા શરીરમાં સાત પ્રવેશદ્વાર છે, જ્યાંથી રોગનાં જંતુઓ આપણા શરીરમાં પ્રવેશે. માટે હું બહુ સાવધ રહું છું. એક પળના આનંદ માટે કોઈ રોગને શરીરમાં ન પેસવા દેવાય. ઊતરતી અવસ્થાએ રોગ હેરાન કરી મૂકે.

અને બેટા, કાયમ હું ફ્રેશ હોઉં છું કારણ કે હું કદી ચિંતા નથી કરતો, કદી તનાવ નથી અનુભવતો. નાનપણથી મારો આનંદી સ્વભાવ છે.’

‘પપ્પા, તમે ક્યારેય તનાવમાં નથી આવી જતા, ક્રોધ નથી કરતા, એ તો હું જોઉં છું, પણ અમને પ્રશ્ન એ થાય કે તમારા જીવનમાં એવી પળો તો આવતી જ હશે જ્યારે ચિંતા થાય, લાચારી અનુભવાય, અકળામણ થાય, ગુસ્સો આવે – ’ ઋતુજાએ અજયભાઈને પૂછ્યું. અજયભાઈ ઋતુજાના સસરા છે પણ તેઓ એક પિતાની જેમ જ ઋતુજા સાથે નિખાલસપણે વાત કરે છે, તેથી ઋતુજા તેના મનમાં ઊઠતી શંકા, કુશંકાઓનું સમાધાન સસરાને પ્રશ્નો પૂછીને મેળવે છે.

‘ઋતુજા, મેં મારા બાપુજીના મોંએ સાંભળ્યું કે, Ageing is a natural process. જીવનમાં ઉંમર વધે તેમ અવસ્થા બદલાવાની છે, તેથી આપણે અગાઉની જ દરેક અવસ્થામાં આનંદપૂર્વક સ્વસ્થતાથી રહી શકીએ માટે એની તૈયારી અગાઉથી જ કરવી જોઈએ.’

વૃદ્ધ થઈએ ત્યારે શારીરિક ક્ષમતા ઘટે પણ અનુભવ વધે. તેથી જ માણસ વધુ સક્ષમ અને સંપન્ન બને છે. વળી ત્યારે સંસારની જવાબદારી ઓછી થઈ હોય છે. સંતાનો વિકાસ પામીને એમનું જીવન જીવતા થઈ ગયા હોય છે. તેથી તેમની ચિંતા હોતી નથી.

બેટા, શરીરનું આરોગ્ય સાચવીએ તો આપોઆપ આપણું મન તંદુરસ્ત રહે અને જીવનમાં આવતાં પરિવર્તનોને સહર્ષ સ્વીકારાય અને પ્રસન્નતાથી જીવી શકાય.’

‘પણ વૃદ્ધાવસ્થામાં શરીર અને મનની શક્તિ ઓછી થઈ જાય છે, એવું આપણે જોઈએ છીએ.’ સુલય બોલ્યો.

અજયભાઈ હેતથી બોલ્યા, ‘બેટા, આપણું શરીર એક અદ્દભુત યંત્ર છે. અંદરનો બગાડ જાતે જ સાફ કરીને આપોઆપ નરવા થઈ જવાની કળા એ જાણે છે. અને આપણે આપણા શરીરને બરાબર સંબાળીએ તો જરાય વાંધો નથી આવતો. દરેક માણસ નિયમિતપણે કસરત કરે, યોગ અને પ્રાણાયામ કરે તો રોગ દૂર રહે છે. જીવનશક્તિ જળવાઈ રહે છે. ઉંમર વધે તેમ વૃદ્ધાવસ્થા તો આવે પણ તમારે વૃદ્ધ થવું કે યુવાન રહેવું છે એ તમારે નક્કી કરવાનું છે.’

સુલય બોલ્યો, ‘પપ્પા, તમે નિવૃત્ત થયા છો છતાં કંઈ ને કંઈ કામ તો કર્યા જ કરો છો. તમને કામ કરવામાં આટલો બધો રસ પડે છે? શી રીતે રસ ટકી રહ્યો છે ?’

‘બેટા, નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહિ. માટે આપણને ગમતી કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા જ રહેવાનું જેથી આપણી જિંદગી આપણને બોજ ન લાગે. જિંદગી નીરસ ન બની જાય.’

‘પણ, પપ્પા, તમે તો સમાજકલ્યાણની પ્રવૃત્તિ કરો છો, કેટલી જવાબદારવાળી આ પ્રવૃત્તિ છે તમારી. સીધો પૈસા સાથે જ સંબંધ !’

‘દીકરા, જે સમાજ આપણને સલામતી આપે છે, આપણને સમૃદ્ધ રાખે છે, એ સમાજ માટે હું જે કંઈ કરું છું, એ કરવું જ જોઈએ. મારી આવડત અને અનુભવનો લાભ સમાજને મળે એ જ મારો સંતોષ છે. સમાજ પાસેથી હું કોઈ લાભ કે નફાની અપેક્ષા નથી રાખતો. નિવૃત્તિકાળનો આ શ્રેષ્ઠ ઉપયોગ છે. તું જાણે છે કે વૃદ્ધાવસ્થા તો જિંદગીનું સ્વર્ણિમ શિખર મનાય છે. એ સુવર્ણકળશની જેમ હંમેશાં ઝગમગવું જોઈએ.’

‘પપ્પા, અત્યારે અમારા વૃદ્ધત્વ માટે શી તૈયારી કરવી જોઈએ ?’ ઋતુજાએ પૂછ્યું.

‘બેટા, શરીર અને મનને જાળવવાં. સૌથી પહેલાં તો તમે નકારાત્મકતાથી દૂર રહો. શરીર કે મનમાં કચરો ન નાખો. કોઈપણ પ્રકારના ક્લેશ, અસંતોષ, નિરાશા, ઉદાસીનતા, હતાશાને મનમાં ઊગવા જ ન દો. આપણા રોજિંદા જીવનમાં ક્યારેક એવી ઘટના ઘટે છે કે આપણને નુકસાન પણ થાય પણ એ નુકસાનનો વિચાર જ નહિ કરવાનો. નુકસાન કે વિષાદની પળોમાંય સ્વસ્થ રહો. વૃદ્ધત્વ આવ્યું એટલે હાર નહિ માની લેવાની. આપણે આપણી જાતમાં ભરોસો રાખવાનો, આપણા અનુભવોએ આપણને જે જ્ઞાન અને પરિપક્વતા આપી છે એનો પૂરો લાભ લેવાનો, આપણા સમગ્ર લાગણીતંત્રને હકારાત્મકતાથી ભરી દેવાનું, નિર્ભય રહેવાનું, મક્કમ રહેવાનું અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની. વિશ્વના શુભ મંગલ તત્ત્વમાં વિશ્વાસ રાખવાનો અને પ્રસન્નતાથી જીવવાનું.’

ઋતુજા બોલી, ‘પપ્પા મારી મમ્મી આનંદમાં રહે છે પણ હમણાં હમણાં એની યાદશક્તિ ક્ષીણ થતી જાય છે. તેથી એ મૂંઝાય છે, તો એના માટે શું કરવું ?’

‘બેટા, ઉંમર વધે તેમ મગજ નાનું થતું જાય છે. બ્રીઈન સેલ્સ ઘટી જાય છે, ક્યારેક લોહી બરાબર પહોંચતું નથી તેથી યાદશક્તિ ક્ષીણ થતી લાગે પણ એના માટે ઉપાય કરવાના. યોગ કરો, પ્રાણાયામ કરો, બ્રેઈન ટૉનિક જેવા કે શંખપુષ્પી ચૂર્ણ, આમળાં વગેરે લો. દવાને ખોરાક ન બનાવો, પણ ખોરાકને દવા બનાવો. આહાર વિહારમાં તકેદારી રાખીએ તો શરીરનો ઘસારો પુરાઈ શકે છે. દૂધ, દૂધની બનાવટ, તાજાં ફળો, લીલાં શાકભાજી, બદામ, પિસ્તા, કાજુ, અખરોટ, તલ, મગફળી લેવાથી શરીરને થતો ઘસારો અને ઈજાને પહોંચી વળાય છે. હ્રદયના સ્નાયુને સંકોચન કે પહોળા થવાની ક્રિયામાં વિટામિન ડી મદદ કરે છે. વિટામિન ડી હાડકાંને મજબૂત કરે છે. આપણાં હાડકાં મજબૂત હોય એ જરૂરી છે.

આપણી રોગપ્રતિકારક શક્તિ અકબંધ રાખવામાં વિટામિન ડી મદદ કરે છે. પરંતુ જેમ ઉંમર વધે તેમ શરીરમાં વિટામિન ડી ઓછું બને છે. માટે બહાર સૂર્યપ્રકાશમાં ફરવું જોઈએ, કુમળા તડકામાં બેસવું જોઈએ. આપણા શરીરની ઊણપો વિશે સમજીને તે પૂરવા પ્રયત્ન કરવો જોઈએ.’

ઋતુજા બોલી, ‘પપ્પા, હું ભણતી હતી ત્યારે આ બધું ભણવામાં આવતું હતું, પણ એ તો હું પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખતી હતી. આ બધી જાણકારી જીવનમાં ઉતારવાની સૂઝ ન હતી. પરંતુ અત્યારે સમજાય છે કે શું ખાવું ને શું ન ખાવું, કયો ખોરાક લેવાથી ક્યા અંગને પોષણ મળે છે, એ વખતથી જ જો એક સમજ કેળવાઈ હોત તો શરીર કેવું તંદુરસ્ત હોત !’

અજયભાઈ બોલ્યા, ‘અરે બેટા, તમે નાનપણમાં ખુલ્લી હવામાં, કુમળા તડકામાં દોડાદોડ કરી હોત, રમતો રમ્યાં હોત તો તમારા શરીરનો બાંધો સુદ્રઢ હોત. જુઓ, હું પંચ્યાશી વર્ષનો થયો પણ બાગકામ બધું કરી શકું છું ને ! પણ કોઈ વાતનો અફસોસ નહિ કરવાનો, જાગ્યા ત્યારથી સવાર. હવે આજથી, આ ક્ષણથી તબિયતની કાળજી લો, અને પ્રસન્નતાથી જીવો. આપણને જે મળ્યું છે એને સ્વીકારો અને ખુશ રહો.’

‘પપ્પા, હવે અમે વૃદ્ધત્વથી ગભરાઈશું નહિ, પણ જાગ્રત થઈને પૂરા મનથી વૃદ્ધત્વને વધાવીશું.’ ઋતુજા બોલી. સુલયે હસીને મૌનપણે પપ્પાની વાત પર મહોર મારી.

– અવંતિકા ગુણવંત


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જૈસે કો મિલા તૈસા.. – મહેશ દવે
વિલાતાં જીવન ! – હરિશ્ચંદ્ર Next »   

13 પ્રતિભાવો : વૃદ્ધ થતાં શીખીએ – અવંતિકા ગુણવંત

 1. Harsukh says:

  ખરેખર થોડો તો વિચાર કરવાનિ જરુર છે.

 2. sandip says:

  આભાર્………..

 3. pjpandya says:

  અખ્ન્દ આનન્દ્મ દર માસે લેખનિઆ કોલમ મનઇ હોઇ ચ્હે

 4. jayshree says:

  પગ ગરમ, પેટ નરમ, મગજ ઠંડુ.-

 5. Ashish says:

  Nice article. Thank you for carrying on the work.

 6. prakash says:

  very nice..and worth reading..

 7. gita kansara says:

  વાહ્..વાહ્.. મજા આવેી વાચેીને.ઉપયોગેી માહિતેીને યુવાનવર્ગ્ માતે જરુરેી માર્ગ્દર્શન મલ્યુ. આભાર્.

 8. jignisha patel says:

  આપ્નો ખુબ ખુબ આભાર આ સરસ કામ આગળ વધાર્વા બદલ.
  હુ આપનુ નામ નથી જાણતી પણ આપ બહુ સારુ કામ કરો છો તે બદલ અભિનંદન.

 9. Akhtar Vahora says:

  તદ્દન સાચુ! તમારે વૃદ્ધ થવું કે યુવાન રહેવું છે એ તમારે નક્કી કરવાનું છે!

 10. Girish soni says:

  very excellent and useful.

 11. mamta says:

  Thanks very nice articles

 12. Arvind Patel says:

  Be like child with child & Never give advise with any body. In current age there is no need to give adivses to any body. young peopple live in today, Elders live in yester years. This is the generation gap.
  Let us remain in present in all time. We will remain fresh this way. No past hang ups as well as no worry for tomorrow. This is the way to be happy & keep happy to all.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.