વિલાતાં જીવન ! – હરિશ્ચંદ્ર

(‘વીણેલા ફૂલ’ પુસ્તકમાંથી સાભાર)

અમારા નાના કસબામાં પણ એક ફૅશનેબલ સલૂન ખૂલી હતી. શહેરના જેવી જ આકર્ષક સજાવટ, ફર્નિચર, સાધનો, ટાપટીપ બધું જ આંજી નાખે એવું.

સ્વાભાવિક રીતે જ ગ્રાહકો તેની સામેની મગન વાળંદની દુકાન છોડી આ નવી સલૂન તરફ વળતા. મનેય મન તો થઈ જતું. પણ મગન વાળંદને એના બાપદાદાના વખતથી મારી દાઢી કરવાનો અને માથાના વાળ કાપવાનો અધિકાર મળેલો હતો. ઘણી વાર મને થતું કે નીચું માથું રાખી એની નજર ચૂકવી હું પણ આ નવી સલૂનનો સ્વાદ એક વાર ચાખી આવું. પરંતુ મગનના નંખાયેલા ચહેરા પર મારી નજર પડતી અને તેનો આ અધિકાર છીનવી લેતાં મારો જીવ નહોતો ચાલતો.

મગનના બાપ અને એમના બાપ અને એમનાયે બાપ વરસોથી વાળંદનો જ ધંધો કરતા આવ્યા હતા. પહેલાં એક ડે’લામાં બેસતા. પછી આ દુકાન જમાવી હતી. મગન નાનો હતો ત્યારથી હાથ અજમાવતો. એક વાર ભૂલથી અસ્તરો મારા કાન સુધી લઈ ગયેલો. એનો બાપ એના પર એવો ખીજાયેલો ! પણ પછી એણે આત્મવિશ્વાસપૂર્વક સરસ કામ કરવા માંડેલું. બાપ પચાસ-પંચાવનનો થયો તેટલામાં હુક્કો ગગડાવતો અને પોતરા રમાડતો આરામ કરી શકતો હતો. મગને બધું સંભાળી લીધેલું.

મગનના હાથમાં જાદુ હતો. હળવે હાથે એવી હજામત કરે કે ખબરેય ન પડે. વાળ કાપી લીધા પછી માથું છાતી સરસું લઈ ઘડીક એવી ચંપી કરે કે માથું હળવુંફૂલ થઈ જાય. સાથે બગલેય કાઢી આપે અને કાનના વાળ પણ. હાથપગના નખ તો કાપી આપવાના ખરા જ. બધું કામ ભારે સ્ફૂર્તિથી કરે.

પરંતુ હું જોતો હતો કે નવી સલૂન ખૂલી પછી છ-બાર મહિનામાં મગન નંખાતો જતો હતો. એનો આત્મવિશ્વાસ ડગી ગયો હતો અને એનામાં સુસ્તી આવવા લાગી હતી. એની ઘરાકી તૂટી ગઈ હતી. ગરીબી એની ગૃહસ્થીમાં ડોકિયું કરી રહી હતી. થોડા મહિનામાં જાણે એની ઉંમર દસ વરસ વધી ગઈ !

હું તો ન ભણ્યો. પણ મારા દીકરાને જરૂર ભણાવવો છે, એવી એની હોંશ હતી. એટલે કિશનને ભણાવવા એણે ઘણી મહેનત કરેલી. છતાં સાથે સાથે કહેતો કે ભણી-ગણીને પછી અમારો આ બાપીકો ધંધો કરવો હોય તો ભલે કરે. પરંતુ આજકાલ હવે મગન મને કહેવા લાગેલો, ‘કિશનને કોઈ સરકારી નોકરીમાં લગાડી દો. તમારા જેવાના આશીર્વાદ હશે તો ઠેકાણે પડી જશે.’

એના ભાંગેલા મનોબળની આ નિશાની હતી. વાળ કાપતાં કાપતાં એ પોતાના મનનો ધૂંધવાટ બહાર કાઢતોઃ ‘આ નવી સલૂન ખૂલી છે. ફૅશન પાછળ બધા ગાંડા છે. અરે, છોકરો કે છોકરી તેનીય ખબર નથી પડતી ! મોટા વાળ વધાર્યે જાય છે. કાપવાનું તો ખાસ કશું હોતું નથી. છતાં ભાવ અમારાથી બમણો ! બસ, પાંચ-દસ મિનિટની કાતરની કરામત. એવા મફતના પૈસા લેવા મારો ધરમ ના પાડે છે….’

‘કિશન દુકાનમાં તમને મદદ કરતો થાય એટલે તમેય તમારી દુકાન સારી જ જમાવી શકશો. આજના જમાનામાં થોડું બાહ્ય આકર્ષણ ઊભું કરવું પડે.’

‘ના, ના. કિશન હવે આ ધંધામાં નહીં પડે. દુકાનદારીનો શો ભરોસો ? તેના કરતાં સરકારી નોકરીમાં લાગી જાય તો ગંગા નાહ્યા.’

બાપીકો ધંધો છોડી કિશન આમ નોકરી કરવા લાગે એ મને રુચતું નહોતું. પણ મગનને હું સમજાવી ન શક્યો. બાપ-દીકરો રોજ મારી પાસે આવીને નવી નવી અરજીઓ લખાવી જતા. પણ હું કિશનને નોકરી ન અપાવી શક્યો. ધીરે ધીરે એ લોકોની મારા પરની આસ્થા ઊઠતી ગઈ. એટલે એમણે બીજાને શોધી લીધા. નોકરી માટે મગને પૈસા આપવાની પણ તૈયારી બતાવી અને એક દિવસ કિશન અઢીસો રૂપિયાની નોકરીનો નિમણૂક-પત્ર લઈ મારી સામે આવી ઊભો.

‘હવે તો તું બાબુસાહેબ બની ગયો !’ – મેં વધાઈ આપી. એક સંતોષ એના ચહેરા પર ચમકતો હતો. હવે એ વાળંદનો દીકરો નહોતો, પણ સરકારી ઓફિસનો બાબુ હતો. હવે એની પાસે હેસિયત હતી. કદાચસ મગન એ જ ઈચ્છતો હતો.

પાછળથી મને ખબર પડી કે મગન એની દુકાન અને ઘર છોડીને બીજે જઈ રહ્યો હતો. કિશનને અઢીસો રૂપિયાની નોકરી અપાવવા માટે એ લોકોને અઢી હજાર રૂપિયા આપવા પડ્યા હતા તેથી મગને પોતાની દુકાન અને ઘર કાઢી નાખ્યાં. મગનને મેં એ જ દુકાન ને ઘરમાં નાનેથી મોટો થતો જોયો હતો. એ ઘર છોડીને એ લોકો બહાર નીકળતાં હતાં ત્યારે મને તેઓ આત્મસમર્પણ કરનાર હારેલા સૈનિકો જેવા લાગ્યાં.

મગને ફરી પોતાની દુકાન જૂના ડે’લામાં શરૂ કરી દીધી. એક બાજુ કિશનને સરકારી નોકરી મળી અને બીજી બાજુ મગન પોતાના જૂના ડે’લામાં પાછો પહોંચી ગયો.

(શ્રી સતીશ જાયસવાલની હિંદી વાર્તાને આધારે)

– હરિશ્ચંદ્ર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “વિલાતાં જીવન ! – હરિશ્ચંદ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.