દાંપત્યજીવનનો ઉત્તરાર્ધ – જયવતી કાજી

(‘સંબંધોનાં મેઘધનુષ’ પુસ્તકમાંથી સાભાર)

અઢાર-ઓગણીસ વર્ષની મુગ્ધ તરુણી અને ત્રેવીસ ચોવીસ વર્ષનો એક તરવરાટભર્યો સોહામણો તેજસ્વી યુવાન. બંનેને પરિચય થાય છે. બંને અવારનવાર મળે છે, પરિચયમાંથી પ્રણયસંબંધ પાંગરે છે. પ્રારંભકાળનો સંબંધ પણ કેવો હોય છે ? ઝાકળભીનો, લીલી કૂંપળ જેવો નાજુક કોમળ એ સંબંધ. યુવક યુવતી બંને ક્યારેક હાથમાં હાથ ઝાલી સમુદ્રતીરે ઊછળતાં મોજાં નિહાળતાં બેસે છે, તો ક્યારેક, કોઈક એકાંત સ્થળે બેઠાં બેઠાં પ્રણયગોષ્ઠિ કરે છે. બંને એકબીજાંને સાંભળે છે. એમનાં સંબંધમાં મૈત્રી છે, સહાનુભૂતિ છે, સાદગી છે. બંને વચ્ચે એક દુનિયા નિર્માણ થાય છે. એ દુનિયા એમની બંનેની જ છે. એમાં અન્ય લોકો નથી, અન્ય કોઈ રસ નથી. જવાબદારીના ભાર વગરનો, બંધનોથી મુક્ત સંબંધ છે. ભૂતકાળનું એમાં કોઈ ઋણ નથી. ભવિષ્યનાં સોણલાં સેવાય છે. આરંભકાળનો આ સંબંધ ઘણો સુંદર હોય છે. એમાં વાસંતી પ્રભાતની આહલાદકતા હોય છે, નવજાત શિશુની સુકોમળતા હોય છે. બંનેને થાય છે, પ્રણયનો વસંતકાળ લંબાઈ જાય. બસ, આવુંને આવું જ જીવન રહે તો કેટલું સારું ! આવી ને આવી ઉત્કટતા, મિલનનો આનંદ અને તન્મયતા કાયમ રહે તો કેવું સારું !

પરંતુ દુનિયામાં કશું જ શાશ્વત નથી. કશું જ કાયમ રહેતું નથી. મોસમ બદલાય છે. સાગરમાં ભરતી પછી ઓટ આવે છે. પત્રપુષ્પથી શોભતી વસંતનું સ્થાન નિષ્પર્ણ શિશિર લે છે. તેમજ સંબંધમાં પણ બદલાવ આવે છે.

દાંપત્યજીવનમાં પણ એક પછી એક વર્ષો વીતતાં જાય છે. સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાની ભૂમિકામાં પરોવાતાં જાય છે. પુરુષ વ્યવસાયમાં-કારકિર્દીમાં અને બહારની દુનિયામાં વ્યસ્ત રહે છે, તો સ્ત્રી એની પારંપરિક ગૃહિણી અને માતાની ભૂમિકામાં-ઘરસંસારમાં ખૂંપી જાય છે. હવે સંતાનો મોટાં થઈ જાય છે. ક્યારેક પરણીને કે અભ્યાસાર્થે બહાર જતાં રહે છે, ઘર ખાલી થઈ જાય છે – Empty nest syndrome ઊભો થાય છે. બંનેને શું કરવું, શું થઈ ગયું, કશી જ સમજ પડતી નથી. બંને એકબીજાંથી ખોવાઈ ગયા હોય એમ લાગે છે. બંનેને જીવનમાં કશુંક ખૂટતું લાગે છે-ખાલિપો લાગે છે. એમને થાય છે, એમનાં શરૂઆતના સંબંધમાં જે કંઈ મધુર તત્ત્વ હતું એ ક્યાં ગયું ? ક્યાં ગઈ એ આત્મીયતા ? ક્યાં ગઈ એ મિલનની ઝંખના ? આવું શીદને થઈ ગયું…

‘હવે સ્પર્શમાં ક્યાં રહી ઝણઝણાટી
ને મુખ પર હવે એ તલસાટ ક્યાં છે ?
હવે કોણ પૂછે, કહો કેમ મોડા છે ?
હવે એવી મીઠી ફરિયાદ ક્યાં છે ?
ઝરૂખો રહે છે સાવ ખાલી,
નજરોની જાજમના બિછવાર ક્યાં છે ?’

પુરુષને હવે અંગત સંબંધની ઉષ્માની ઊણપ લાગે છે. સ્ત્રીને જાણે પોતાને કશું જ કરવાનું નથી, પોતાનું કશું જ નથી એવી લાગણી સતાવે છે. બંને એકબીજાંની અલગ અલગ જરૂરિયાત સમજી શકતાં નથી. બંનેને થાય છે, સાથે રહેવાં છતાં જાણે એકબીજાંથી વિખૂટાં પડી ગયાં છે. પહેલાંનું એ ખળખળ વહેતું પ્રેમનું ઝરણું કેમ સૂકાઈ ચાલ્યું ?

દાંપત્યના મધ્યાંતરે – ક્રિકેટની પરિભાષામાં કહું તો દાંપત્યની બીજી ઈનીંગમાં આવી નાજુક પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. દાંપત્યજીવનના નાટકનો પ્રથમ અંક જવાબદારી – પ્રવૃત્તિઓ અને સંઘર્ષથી ઉભરાતો હોય છે. હવે શરૂ થાય છે દાંપત્યનો – ગૃહસ્થજીવનનો નવો અધ્યાય-ઉત્તરાર્ધ. જ્યારે દાંપત્ય સંબંધને નવો આયામ આપવાનો હોય છે… હવે ખોવાયેલાંને ફરી ખોળવાના હોય છે – ફરીથી પામવાના હોય છે… ફરીથી એકત્વ સાધવાનું હોય છે.

હવે સંતાનોને ઉછેરવાની જવાબદારીઓ જતી રહી હોય છે, આર્થિક સદ્ધરતા આવી ગઈ હોય છે. બંને માટે સમયની મોકળાશ રહેતી હોય છે, ત્યારે ફરીથી એકબીજાંની સોબત વધુ માણવાની હોય. ખલિલ જિબ્રાને ‘The Life of Love’ માં આ અવસ્થા માટે ખૂબ જ સરસ લખ્યું છે.

‘મારી પ્રિય સાથી ! મારા સમગ્ર જીવનની સાથી ! તું નજીક આવ, કે જેથી શિશિર મને સ્પર્શે નહિ. તારા હ્રદયની સુંદર વાતો મને કહે, કારણ કે, આ બારણાની બહાર તોફાન છે. દીવામાં તેલ પૂરો કે જેથી ઝાંખો ન પડે. એ દીવાને તારી પાસે મૂક કે જેથી હું તારા મુખ પર લખાયેલા અશ્રુઓ – તારું જીવન મારી સાથે કેવું હતું તે વાંચી શકું. મારા પ્રિય દિલ ! આત્મા ! તું મારી સમીપ આવ.’

તો લગ્નના અઢી-ત્રણ દાયકા પછી પતિપત્નીને કહે છેઃ ‘ચાલો સખી ! ફરી પેલા શિશિરવૃક્ષની તળે જઈને બેસીએ અને રજનીગંધાના પુષ્પ જેવાં તાજાં થઈ જઈએ ?’

દાંપત્ય સંબંધના આ સ્વરૂપને સમજવામાં જ આપણી ઘણી વખત ભૂલ થતી હોય એટલે જ જે સંબંધ અન્યોન્ય માટે સ્નેહપૂર્ણ અને આધ્યાત્મિક બની રહેત, જીવન હર્યુંભર્યું બનત અને જીવનપથ વધુ સોહામણો અને સુંવાળો બનત તેને બદલે દુષ્કર બની રહે છે.

ગમેતેવો કરમાયેલો છોડ પણ પ્રેમભર્યાં જતનથી-સુંવાળા સ્પર્શથી ફરી પાંગરી ઊઠે છે, દાંપત્ય સંબંધને પણ આ વાત લાગુ પડે છે. હવે ફરી પાછો એકબીજાંની સંગે વધુ સમય વીતાવવાનો હોય છે. આથમતી સંધ્યા આ સમુદ્રતટ પર રેતીમાં બેસી સંધ્યાના બદલાતાં રંગો નિહાળવાના હોય અથવા તો વહેલી સવારે ઉદ્યાનમાં સાથે ચાલતાં ચાલતાં પંખીનો કલરવ સાંભળવાનો હોય ! સાથે પર્યટન-પિકનિક-સિનેમા જોવાનો આનંદ માણવાનો હોય. સંતાનો અને તેમનાં સંતાનો-પૌત્ર-પૌત્રીઓ સાથે હળવા-મળવાનો આ આનંદભર્યો સમય છે. પોતાનો શોખ-રુચિ કેળવવાનો હવે વખત છે અને ધીમે ધીમે કુટુંબનાં સંકુચિત વર્તુળમાંથી થોડા બહાર નીકળી સમાજ અભિમુખી થવાનું હોય છે.

આ રીતે દાંપત્ય સંબંધને નવું પરિમાણ આપવાનું હોય છે. એમ જ કહોને કે નવો યુગલધર્મ આચરવાનો હોય છે. સંબંધમાં સ્નેહ-સાથ-સાહચર્ય બધું ખરું પણ સાથે સ્વતંત્રતા અને મોકળાશ ઉમેરવાના હોય છે. દબાવ કે તાણ વગરનો મૈત્રી સંબંધ હોય. સમીપતા ખરી પણ બંનેને ‘space’ મળવી જોઈએ. બંનેને હવે સાથે રહીને પોતપોતાનો વિકાસ સાધવાનો હોય છે. માત્ર ‘હું’ અને ‘તું’માંથી પ્રેમને જનસમાજ સુધી હવે વિસ્તારવાનો હોય છે.

પ્રેમની અવસ્થા જોઈએ. પહેલાં રોમાંટિક પ્રેમ અને પછી ધીમે ધીમે એકબીજાં પ્રત્યે ભક્તિભાવ-devotion અને એમ કરતાં કરતાં પ્રાપ્ત થાય છે બે આત્માનું – બે દિલનું સાહચર્ય. બંને એક છતાં અલગ… સાથે અને સંગે છતાં સ્વતંત્ર અને તણાવરહિત. એમાં અન્યોન્ય પર અવલંબન હોય છે. એનાં પોતમાં વણાયેલા હોય છે જીવનના સાથે રહેલા સંઘર્ષો-વિજય-આશાનિરાશાની સ્મૃતિ.

હા, પણ એ માટે એક વાત ખાસ યાદ રાખવાની છે કે, સંબંધને નવું સ્વરૂપ-નવું પરિમાણ આપવા માટે વિતેલાં વર્ષોના મતભેદ-મનભેદ-માન અપમાન-દુઃખદ સ્મૃતિઓને વિસરવી જ રહી ! ઘણી વખત માણ્યું તેનું સ્મરણ મધુર બની રહે એને બદલે ભૂતકાળની દુઃખદ સ્મૃતિ સુખની ઘડીને ક્યારેક વાદવિવાદમાં ઘસડી જાય.

સફળ, સુખદ અને સંવાદી દાંપત્ય માટે કોઈ એક ફોર્મ્યુલા નથી પણ એક વાત તો સુનિશ્વિત છે કે સફળ લગ્નજીવનમાં કશુંય એકતરફી કે એક પક્ષીય હોતું નથી. આ યાત્રા પતિપત્ની બંનેની સહિયારી છે.

તે છતાં ‘સ’થી શરૂ થતાં આ પાંચ શબ્દસૂરો (૧) સ્નેહ (૨) સન્માન (૩) સ્પર્શ (૪) સમય અને (૫) સહકાર, જો આ સંબંધમાં ભળે તો દાંપત્યજીવન સુરીલું બની રહે. ‘સ’થી શરૂ થતાં આ પાંચ શબ્દોના સોપાન જે દંપતી એકબીજાંના સંગાથે ચઢી શકે છે તેમનું દાંપત્ય સુરમ્ય બની રહે છે અને બે માન વચ્ચેનો આધ્યાત્મિક અને તણાવમુક્ત સંબંધ ધીમે ધીમે નિર્માણ થતો જાય છે. બે માનવ વ્યક્તિઓ આધ્યાત્મિક વિકાસના સહયોગીઓ-એકબીજાંના કલ્યાણ મિત્રો અન્યોન્ય માટે તીર્થ સ્વરૂપ બની રહે.

દાંપત્યજીવનના બીજા અંકમાં-ઉત્તરાવસ્થામાં આવું અલગતા સાથેનું ઐક્ય સિદ્ધ કરવાનું હોય છે. એ સંબંધને વિકસાવતાં વિકસાવતાં પરમનિયંતા સુધી પહોંચવાનું હોય છે અને આમ થાય તો કવિ મેઘબિંદુ કહે છે તેમ ગાવાનું મન થાય.

પાનખરમાં પ્રીત અમે જાળવી રાખી
હવે લીલુંછમ જીવવાની કેવી મજા, જોને કેવી મજા
લઈને તરાપો અમે નીકળી પડ્યાં ને મનભરી ભવસાગર ઘૂમ્યાં
આંધી તોફાન કંઈ કેટલાંય તોયે અમે વાયરાની સંગે ઝૂમ્યાં
પછી કિનારે બેસીને સ્મરણોનાં શંખને હુંફથી
વગાડવાની કેવી મજા, જોને કેવી મજા.

– જયવતી કાજી


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વિલાતાં જીવન ! – હરિશ્ચંદ્ર
નેનો યુગનો ચમત્કાર, ગ્રેફીન…! – હર્ષદ દવે Next »   

8 પ્રતિભાવો : દાંપત્યજીવનનો ઉત્તરાર્ધ – જયવતી કાજી

 1. rajendra shah says:

  સરસ રજુઆત….. અભિનન્દન્

 2. pjpandya says:

  સ્વમરનોના શન્ખને ફુકવાનિ મઝા આવિ

 3. sandip says:

  આભાર્….

 4. janki patel says:

  મને ૫ સ ખુબ ગમ્યા

 5. Kaumudi says:

  બહુ જ સરસ લેખ – પાનખરમા પ્રીત જાળવવી!

 6. sonal says:

  આતિ સુદર જિવન જિવવા નેી ચાવેી

 7. jayshree says:

  5 સ સરસ નિસરણી જીવન ને મધુરું બનાવવા માટે.

 8. Arvind Patel says:

  ખુબ સારો લેખ છે. પ્રેમ ની પરિપક્વતા કૈક મેળવવા કરતા કૈક ગુમાવવા માં છે. સમર્પણ ની ભાવના હોય ત્યાં ફરિયાદ ને સ્થાન જ નથી. પ્રેમ કરી ને આનંદ માં રહેવું સામે અપેક્ષા રાખવી નહિ. આમ થવા થી જીવનમાં ઘર્ષણ રહેશે જ નહિ. જીવન માં મીઠાશ જ મીઠાશ રહેશે. આનું નામ પ્રેમ. અન્યો અન્યને સમજવું, સન્માન આપવું. વગેરે. વગેરે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.