- ReadGujarati.com - http://www.readgujarati.com -

શક્યતાની ક્ષિતિજ – હરેશ ધોળકિયા

(‘શક્યતાની ક્ષિતિજ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.)

‘આપણ સંતો-મહંતો-કથાકારો બધા સદ્દગુણોનો વિચાર કરવાનું જ શા માટે કહે છે ? વિચાર એ વિચાર છે. તે વળી સારા કે ખરાબ એવો ભેદ શા માટે કરવો ? આ રૂઢિચુસ્તતા નથી ? આધુનિક વિજ્ઞાન યુગમાં આવી ચોખલીયાવૃત્તિ શા માટે ? વિચાર કરો. ભૂલી જાવ, બસ ! તેમાં વળી ઉપદેશ શા માટે ? વિચાર તો સીતા કે રામનો આવે અને હેમામાલિની કે અનિલ કપૂરનો પણ આવે. તેમાં શું વાંધો ?’ કોઈ કથાકારને સાંભળી આવેલા એક મિત્ર ઉકળાટ કાઢતા હતા.

લોકશાહીની મજા એ છે કે તેમાં વિચાર તથા અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે. વ્યક્તિમાત્ર ગમે તે વિચારી શકે છે એટલું જ નહીં, પણ એ ખાનગીમાં (સરમુખત્યારશાહી દેશોમાં પણ વિચારતાં કોણ અટકાવી શકે ?) તેને અભિવ્યક્ત પણ કરી શકે છે. અભિવ્યક્તિ અગત્યની બાબત છે. તે લોકશાહીનું સારતત્ત્વ છે. આ બન્ને સ્વાંતત્ર્યનો લાભ આ મિત્ર લેતા હતા.

પણ લોકશાહીની આ સ્વાંતત્ર્યની મર્યાદા પણ એ જ છે. છૂટ મળવાથી, વ્યક્તિ પછી ‘ગમે તે’ વિચારવા લાગે છે. પોતાના વિચાર કે અભિપ્રાયને મહાન માની લે છે. તેને પાકો થયા પહેલાં જ તેની અભિવ્યક્તિ પણ કરી નાખે છે. અભિવ્યક્તિ અયોગ્ય નથી, પણ વિચારશીલતા વિનાની અભિવ્યક્તિ મુશ્કેલી ઊભી કરે છે. એમાં અધકચરા, ડહાપણા વિનાના અભિપ્રાયો જાહેર થાય છે જે વાતાવરણને ડહોળી નાખે છે. વ્યક્તિ પોતે, સ્વાતંત્ર્યના તોરમાં , ગૂંચવાઈ જાય છે. આ મિત્રની સ્થિતિ આવી જ કંઈક હતી.

પણ તેમનો પ્રશ્ન વિચારવા જેવો ખરો. માત્ર સારા, સદ્દગુણોના જ, વિચારો શા માટે કરવા જોઈએ ? આવો આગ્રહ શા માટે ? તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે ખરું ?

અહીં એક આડપ્રશ્ન ઊભો થાય છે. ‘વિચારનો પ્રભાવ ખરો ?’

સામાન્ય સંજોગોમાં કશો લાગતો નથી. પ્રતિદિન હોય છે તે જ રીતે ગબડ્યો જતો હોય છે. હજારો લોકો જન્મે છે, જીવે છે, મરે છે, યુદ્ધો થાય છે, હુલ્લડો થાય છે, બળાત્કારો થાય છે, ઝઘડા થાય છે… દુનિયા ફર્યા કરે છે. હજારો વર્ષોથી ! વિચારોનો શો પ્રભાવ દેખાય છે તમને ?

પરંતુ થોડા ધ્યાનથી તપાસતાં દેખાશે કે વિચારનો પ્રભાવ ઘણો જ છે. વિચાર બૉમ્બ જેવો છે. બૉમ્બ જ્યાં પડે ત્યાં આસપાસના વિસ્તારમાં તોડફોડ કરીને વિનાશ સર્જે છે. મનુષ્યજીવન, વનસ્પતિજીવન આ બધા પર તે અસર જન્માવી જાય છે. સમાજજીવનને વેરવિખેર કરી નાખે છે. બધું જ નવેસરથી કરવું પડે છે.

બૉમ્બ તો માત્ર વિનાશક અસર જ કરે છે જ્યારે વિચાર તો વિનાશક અને રચનાત્મક બન્ને અસરો કરે છે. બૉમ્બ તાત્કાલિક અસર કરે છે, ત્યારે વિચાર તાત્કાલિક અને દૂરગામી-લાંબા ગાળાની અસરો પણ કરે છે.

વિચારની અસર આપણે અનુભવીએ છીએ, છતાં તેના પર ઊંડો વિચાર કરતા નથી. માટે તેનો પ્રભાવ જોઈ શકતા નથી. તલવાર કરતાં કલમ બળવન છે તે આ સંદર્ભમાં સાચું છે. તલવાર તો તત્કાલીન ડોકું કાપી નાખે છે, પણ કલમ તો ડોકું બદલાવી, તેમાં નવા વિચારો નાખી, લાંબા ગાળાની અસરો જન્માવે છે. તેને સમજીએ.

વિચાર મનમાં ઊભો થતો એક તરંગ છે. રેડિયો મોજાં જેવો ! તે શરીરમાંથી બહાર નીકળી વાતાવરણમાં ફેંકાય છે અને સમગ્ર વિશ્વમાં પ્રસરી જાય છે. તે આકર્ષણના નિયમના આધારે કામ કરે છે. આકર્ષણનો એક નિયમ એ છે કે ‘સમાન સમાનને આકર્ષે.’ આ નિયમના આધારે વિચારની બેવડી અસર થાય છે.

માની લો કે એક વ્યક્તિના મનમાં નબળો કે દુષ્ટ વિચાર તરંગસ્વરૂપે બહર ફેલાયો. તો તેની બે અસર થશેઃ (૧) દુનિયામાં જ્યાં જ્યાં કોઈ પણ વ્યક્તિ તેવો જ નબળો કે દુષ્ટ વિચાર કરતી હશે, તેના તરફ આ નબળો કે દુષ્ટ વિચાર આકર્ષાશે અને મનમાં પ્રવેશશે. પરિણામે તે વ્યક્તિના ‘આવા’ વિચારો વધશે. દ્રઢ થશે. (૨) વિશ્વમાં જ્યાં જ્યાં જે વ્યક્તિઓ નબળા કે દુષ્ટ વિચારો કરતી હશે, તે બધાના વિચારો પણ આ વ્યક્તિ પ્રત્યે આકર્ષાશે અને તેના મનમાં પ્રવેશશે. પરિણામે તેના પણ આવા વિચારો વધશે. તેથી આ વ્યક્તિ વધુ ને વધુ નબળા વિચારો કરવા લાગશે. તે, નહીં ઈચ્છે તોપણ, દુષ્ટ વિચારો-પરિણામે કાર્યો-કરવા લાગશે.

આ જ નિયમ શુભ વિચારોને પણ લાગુ પડે છે. તેની પણ બેવડી-વ્યક્તિ પર અને તેવા વિચારો કરતી અન્ય વ્યક્તિઓ પર-અસર થવાની.

અને એ ખ્યાલમાં રાખવાનું છે કે વ્યક્તિ જેવા વિચારો કરશે, તેવું જ આચરણ કરશે. આચરણએ વિચારોનું પ્રગટીકરણ છે. કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારોથી અલગ આચરણ નથી કરી શકતી. વિચારો વારંવાર કરવાથી મન દ્રઢ થાય છે. પરિણામે માનવ તેના ધક્કાથી મશીન જેમ વર્તે છે.

હવે ‘શુભ વિચારો શા માટે’ તે સમજાશે.

જો વ્યક્તિ શુભ વિચારો કરશે, વાગોળશે, તો તેનું આચરણ તેવું જ શુભ થશે. તે હંમેશ શુભ જ વર્તશે.

‘તેમાં ફાયદો શો ?’

ઘણો જ. શુભ વિચાર તથા આચરણથી માનસિક સ્વસ્થતા આવશે. માનસિક તાણ ઘટશે. મન શાંત રહેશે. તેનું આચરણ સ્વવિરોધી નહીં હોય. બધી તાણ સ્વાર્થમાંથી જન્મે છે. શુભ વિચાર સ્વાર્થી હોઈ ન શકે. જો વ્યક્તિ શુભ વિચારે છે તો પછી સ્વાર્થ કેમ આવી શકે ? તેનાથી બીજાને પણ-એમ બેવડો લાભ થશે. બીજા લોકો પણ આના કારણે આનંદમાં રહેશે… જો અશુભ વિચાર કરે, તો તેવા જ ગેરલાભ થાય. નિયમ એ જ ! માત્ર ઊલટો કરી નાખવો. તો અશાંતિ, અસ્વસ્થતા, તાણ આવશે… શું કરવું તે વ્યક્તિના હાથમાં છે.

‘ચાલો સ્વીકાર્યું. પણ અશુભ વિચારો કરવની “ટેવ” પડી ગઈ હોય તો શું કરવું ?’

ઘણો મોટો અને વાસ્તવિક પ્રશ્ન છે આ. મોટા ભાગની વ્યક્તિઓને, માનસિક તાલીમના અભાવે, આ ટેવ હેરાન કરે છે… તો ?

તેનો જવાબ આપણા મહાન ઋષિ, ‘યોગસૂત્રો’ના કર્તા મહર્ષિ પતંજલિ આપે છે. ‘કઈ રીતે’ તેનો જવાબ આપે છે કે ‘વિતર્કબોધને પ્રતિપક્ષભાવનમ્’ – પ્રતિબંધક રીતે (અહીં અશુભ) વિચારોને અટકાવતા તેના વિરોધી વિચારો કરવા.’

એટલે કે નવી ટેવ પાડવી. નવો અભ્યાસ કરવો.

માની લો કે ક્રોધ આવ્યો. ક્રોધ આપણો જિગરજાન દોસ્ત છે ! તેના આપણે જબરા ગુલામ છીએ. જ્યારે ક્રોધ આવે છે ત્યારે સમગ્ર શરીર-મન પર ફરી વળે છે અને આપણને અસ્વસ્થ કરીને ક્યારે ચાલ્યો જાય છે તેની આપણને ખબર પણ પડતી નથી- તેવું તેનું તાદાત્મ્ય છે.

હવે આ ક્રોધને છોદવો છે. અહીં આ સૂત્રનો અમલ કરવાનો છે. પતિ, પત્ની, મિત્ર, બાળકો, સાહેબ – કોઈ પર પણ ક્રોધ ચડ્યો છે. આવેશ પથરાય છે. તો તેને કઈ રીતે રોકવો ?

‘પ્રતિ પક્ષભાવનમ્’ – તેનાથી વિરોધી ભાવ લાવીને.

આવા સમયે કોઈ બાળક આવે તો તેને તેડી વહાલ કરવું. તો ક્રોધ શમી જશે. પ્રેમનું મોજું ઊઠશે. મિત્ર-પતિ-પત્નીના સદ્દગુણો યાદ કરવા. ક્રોધ તરત શમી જશે.

ચોરીનો વિચાર આવ્યો તો તરત ‘અસ્તેય’નો વિચાર કરવો.

કામનો વિચાર આવ્યો. વ્યક્તિ પ્રૌઢ હોય અને ફિલ્મ જોઈ માધુરી કે સલમાન પ્રત્યે આકર્ષણ થયું તો તરત તેને પુત્ર કે પુત્રી તરીકે કલ્પવાં. કામની જગ્યાએ વાત્સલ્યભાવ થશે. પ્રતિપક્ષભાવ થશે. અહીં ‘શમી જશે’ નો અર્થ નાબૂદ થઈ જશે તેવો નથી, પણ તેમાં ગતિ, પ્રબળતા, નહીં રહે. તે ગૌણ બની જશે. અને યુવાન હોય તો ભાઈ-બહેન કે મિત્ર તરીકે કલ્પવાં. તોપણ આવું થશે. આનો અભ્યાસ વારંવાર થશે પછી ધીમે ધીમે તેવી ‘ટેવ’ પડશે. નવી ટેવ ક્રમે ક્રમે વધશે. દુષ્ટતા વગેરે જશે. સ્વસ્થતા આવતી જશે. ઓછાથી ચલાવતાં શીખાશે. જાતે નાણાં ઊભા કરતાં શીખવશે.

આ છે પ્રતિપક્ષભાવનમ્ – સામા વિચારો કરવા.

‘શા માટે આવા વિચારો કરવા ?’

ફરી વિચારવાની શક્તિને યાદ કરવી. તેની અસર એટલી પ્રબળ છે કે આપણા વ્યક્તિત્વને ધરમૂળથી અસર કરે છે. દુષ્ટ વિચાર માત્ર આચરવાથી જ ગેરફાયદો થાય છે તેવું નથી. પોતે ન આચરવાથી તોપણ માત્ર વિચાર જ કરે, યા બીજાને કરવા પ્રેરે, કે બીજો કોઈ કરતો હોય તેમાં ભલે મૂક પણ સંમતિ આપે, તોપણ તેની અસરો ભોગવવી પડે છે.

પતંજલિ કહે છે, ‘તે અનંત દુઃખ અને અનંત અજ્ઞાન લાવે છે.’

વિવેકાનંદ તેની સમજ આપતાં કહે છે, ‘એક એક દુષ્ટ વિચાર આધાત ખાઈને પાછો આવવાનો જ. ધિક્કારનો દરેક દરેક વિચાર પછી ભલેને ગુફામાં બેસીને કર્યો હોય, પણ તે સંધરાઈને રહે છે. અને આ જિંદગીમાં પ્રચંડ શક્તિ સહિત એક દિવસે કોઈક દુઃખરૂપે તમારી પાસે પાછો આવશે. જો તમે ઈર્ષ્યા તથા અધિકારની ભાવના સેવશો, તો એ તમારા પર ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આવી પડશે. કોઈ પણ શક્તિ તેને રોકી શકતી નથી. એક વાર તમે તેને વહેતી કરી, એટલે પછી તમારે તેનાં ફળ ભોગવ્યા વિના છૂટકો જ નથી… આ યાદ રાખશો તો દુષ્ટ કર્મ કરતાં અટકશો.’

આ છે કર્મનો નિયમ.

આ છે ‘સદ્દગુણોનું ચિંતન શા માટે’ – નું રહસ્ય. આના આધારે સંતોની મહત્તા, યુદ્ધોનું કારણ, ભૂખ, ગરીબી, દુઃખનું રહસ્ય સમજાશે.

હવે ‘ગમે તે’ વિચારવાની છૂટ છે !

– હરેશ ધોળકિયા

[કુલ પાન. કિંમત રૂ. ૧૦૦/- પ્રાપ્તિસ્થાનઃ અરુણોદય પ્રકાશન]