મધર-ઈન-લો – અલ્પેશ પી. પાઠક

(‘અખંડઆનંદ’ સામયિકમાંથી સાભાર)

હું કુંજન… નજર ઢાળી બેઠી હતી. ડાબી બાજુ બાજઠ ઉપર નવીનનો હસતો ફોટો હતો. તેની ઉપર હાર ચડાવેલો હતો અને બાજુમાં અર્ધી ખલાસ થઈ ગયેલી અગરબત્તી સળગતી હતી. આજ નવીનનું ઉઠમણું હતું.

એક પછી એક સ્ત્રીઓ ઊભી થઈ, મારી સામે હાથ જોડતી… અમુક સ્ત્રીઓ દિલસોજીના બે શબ્દો બોલતી પણ મને કશું સંભળાતું નહોતું. મારું ધ્યાન કશામાં નહોતું… હું તો બસ આ રિવાજોનું નાટક ક્યારે પૂરું થાય એની રાહ જોતી હતી.. મારે રૂમમાં દરવાજો બંધ કરી, અંદરથી સ્ટોપર મારી ખૂબ રડવું હતું… બધું મનમાંથી કાઢી નાખવું હતું… બધાં દુઃખ… બધા અભાવો… બધા રંજોગમ વહાવી દેવા હતા આંસુ સાથે… મારે હળવું થવું હતું… હું હવે આઝાદ હતી.

લાખ રોકવા છતાં એક ડૂસકું છૂટી ગયું… નજીકમાં જ બેઠેલી સપના તરત ઊભી થઈ.

‘પાણી આપું, મમ્મી…’

‘હા બેટા, લાવ અર્ધો ગ્લાસ…’ મેં સાસુ તરીકે અધિકાર જમાવ્યો.

ધીરે ધીરે બધાં વિખેરાયાં. સામે સીમાબહેન હજી બેઠાં હતાં. ધીરે રહીને નજીક આવ્યાં.

‘ભાભી… હું જાઉં છું. આવતી રહીશ. બે ત્રણ દિવસે…’

તે ઊભાં થયાં.સુધાકર સામે ખુરશી પર બેઠો હતો.

‘સુધાકર… દીકરા, ફઈબાને મૂકી આવ ને…’

સુધાકર તરત ઊભો થયો. એક આજ્ઞાંકિત પુત્રની જેમ… બંને ગયાં. સપના ઊભી થઈ.

‘મમ્મી… શું જમવાનું બનાવું ?’

‘અં… હં… ના… ના…’

મને ઊભા થવામાં ખાસ્સી તકલીફ થઈ. સતત ચાર કલાકથી બેઠાં બેઠાં પગ જકડાઈ ગયા હતા… હું હવે અડતાલીસની થઈ હતી.

‘મારે જમવું નથી… તું અને સુધાકર માટે ભાવે તે બનાવી લો.’

અચાનક હું ‘તમે’માંથી ‘તું’ પર આવી ગઈ. સપનાને ઝટકો લાગ્યો હશે… તેના ચહેરા પરથી દેખાતું હતું પણ કશું બોલી નહીં. હું સાસુ હતી તેની… અને મેં બેડરૂમ બંધ કરતાં પહેલાં ઉમેર્યું-

‘અને સપના… આજથી મને શું જમવાનું બનાવું એવું પૂછવું જ…. આ કાયદો રદ થાય છે.’

હું ખુશ થઈ, સપનાને તું કહેવાઈ ગયું. મારે તેને ક્યારેય તમે કહેવું જ નહોતું… મારે તેની મા થવું હતું.

મને સુધાકર-સપનાનાં લગ્નનો બીજો દિવસ યાદ આવી ગયો. સપના સવારમાં ઊઠીને તેને પગે લાગી… મેં કહ્યું-

‘ના, સપના… હવે તારે ક્યારેય મને પગે નથી લાગવાનું.’

‘… વહુ, બહુ વેવલી થાવ મા…’ નર્મદાબા… નવીનનાં પૂજ્ય માતુશ્રી… મારાં સાસુ સામે જ બેઠાં હતાં… તેમની જીભ ઝેરથી પણ વધુ કડવી હતી.

‘એ તમને નહીં, તમારા સાસુ તરીકેના પદને પગે લાગે છે. આશીર્વાદ અપો છાનાંમાનાં…’ નર્મદાબાએ આંખો કાઢી.

‘પણ બા… હું એને વહુ ગણતી જ નથી… એ મારી દીકરી છે.’

હું જાણતી હતી મારી દલીલ ઊડી જવાની છે. તોય કરી એ મારો વાંક…

‘બહુ આવ્યાં મોટાં દીકરાવાળાં… વહુને વહુની જેમ જ રાખવાની હોય. જો તમને પણ મેં દીકરી ગણીને માથે ચડાવ્યાં હોત તો તમારો સંસાર આજે એવો સુખરૂપ ન હોત…’

નર્મદાબાએ નવી વહુની સામે મને કોડીની કરી નાખી. હું તો’ય હસતી રહી… મને પચીસ વર્ષની ટેવ હતી. આમ દુઃખમાં પણ હસવાની…

અને તું… તું… શેના કરો છો… એ તમારી વહુ છે. એને તમે કહેવાનું હોય… સંસ્કાર નથી શીખ્યાં…?’

મને પસ્તાવો થયો કે કેમ દલીલ કરી. જો નવીનને ખબર પડશે તો પાછો તમાચો ખાવો પડશે… અને એ પણ નવી વહુની સામે… હું તમાચાથી નહોતી ડરતી. હું ડરતી હતી કંકાસથી… કંકાસ થતો પછી નવીન બે કે ત્રણ દિવસ સુધી મારી સાથે બોલતા નહીં, ઈમોશનલ બ્લૅકમેલના માસ્ટર હતા એ.

હું સપનાની સામે ફિક્કું હસી. તે પણ હસી. તેના હસવામાં સહાનુભૂતિ હતી મારા પ્રત્યે…

આજની ઘડી ને કાલનો દી’… ત્યાર પછી હું કે સપના નર્મદાબાને બોલવાનો કે ફરિયાદનો મોકો આપતાં નહીં… હું જાણતી હતી કે કશું બદલાવાનું નથી… પણ મને થયું કે મારા સાસુ થઈ જવાથી બદલાઈ ગયું. હું મૂર્ખ હતી.

હું આ ઘરમાં આવી તેના ત્રીજા જ દિવસે મેં નવીનના હાથના બે તમાચા ખાધા હતા.

લગ્નના ત્રીજા દિવસે હું તૈયાર થઈ. મારો ફેવરીટ બોટલ ગ્રીન કલરનો પંજાબી ડ્રેસ પહેરી બેડરૂમની બહાર આવી. નવીન હજી ઑફિસથી આવ્યા નહોતા. નર્મદાબાએ મોઢું બગાડ્યું-

‘વહુ… આ શું પહેર્યું છે ?…’

‘ડ્રેસ છે બા… નથી સરસ ?’ મેં સાવ સહજ સવાલ કર્યો.

‘સરસ તો છે… પણ લગ્ન પછી તમને આ બહુ નથી શોભતું. જાવ સાડી પહેરો.’

‘બા, આજે તો ડ્રેસ સાવ સહજ વસ્તુ ગણાય છે. જમાનો કેટલો આગળ વધી ગયો છે. આપણે જમાના સાથે ચાલવું જોઈએ ને ?’

મેં એક નિર્દોષ વાત કરી ને બા ગરમ થઈ ગયાં-

‘આપણે શું કરવું જોઈએ તે તમે મને ન સમજાવશો… તે હું આ પચાની થઈ એ પાણીમાં જ ને ?’ ત્યાં નવીન આવ્યા.

‘શું થયું બા… ? કેમ ગુસ્સે થાવ છો… ?’

‘આ તારી વહુ… લગ્નને ત્રીજે દિવસે મારે કેમ રહેવું એ શીખવે છે મને…’

‘બા સાચું કહે છે, કુંજન ?’ નવીન પણ જરા તપી ગયા.

‘ના… પણ હું તો એટલું કહેતી કે આજકાલ તો સારા ઘરની છોકરીઓ પણ ડ્રેસ પહેરે છે.. બાએ મને પહેરવા દેવો જોઈએ..’

સટાક.. સટાક..

ગાલ પર પડેલા બે તમાચાએ લગ્નના ત્રીજે જ દિવસે આ ઘરમાં મારું સ્થાન સમજાવી દીધું હતું. પછી તો હું પણ ટેવાઈ ગઈ હતી. તમાચાથી.. કંકાસથી.. દાળશાકમાં મીઠું વધારે પડે તો.. ઓછું પડે તો.. કપડામાં જરા ડાધ રહી ગયો તો.. હું કંઈ બોલું તો.. અરે, ચૂપ રહું તો પણ તમાચા ખાધા છે મેં… છુટાછેડા લેવાની હિંમત નહોતી.. મા-બાપના ઘરની પરિસ્થિતિ પણ એની પરવાનગી નહોતી આપતી.

… પછી તો હું પ્રેગનેન્ટ થઈ.. ત્યારેય મને તો બીક એ જ કે દીકરી આવશે તો બા મને કેટલું સંભળાવશે. મારે તો દીકરી જ જોઈતી હતી. પણ.. મારી ઈચ્છાનું ક્યાં કશું સ્થાન હતું આ ઘરમાં.. સુધાકર આવ્યો પછી મનમાં ઊંડે ઊંડે આશા હતી કે કંઈક બદલાશે.. તેનાં લગ્ન થયા પછી પણ આશા હતી.. અરે સુધાકરના લગ્ન પછીના છ મહિના બાદ નર્મદાબા ગયાં ત્યારે પણ આશા હતી… પણ નવીન આખરે તો નર્મદાબાનું જ લોહી હતા ને…?

પણ આજે લગ્નના સત્યાવીશ વર્ષ પછી હું આઝાદ હતી… સત્તાવીશ વર્ષ સુધી એક પણ અપવાદ વગર.. સવારે પાંચ વાગે ઊઠી છું.. આજે આઠ વાગે ઊઠી…

નાહીને સૌથી પહેલું કામ કરવું હતું પેલો પચીસ-સત્યાવીસ વર્ષ જૂનો બોટલ ગ્રીન કલરનો ડ્રેસ શોધવાનું.. પણ કબાટમાં કપડાંની નીચે રાખેલો ગલ્લો હાથમાં આવી ગયો.. છેલ્લાં સત્તાવીશ વર્ષથી તેમાં પાંચની અને દસની નોટ સરકાવવાની ટેવ હતી. ક્યારેક પિયર ગઈ હોઉં અને ભાઈએ પચાસ કે સોની નોટ આપી હોય તો પણ ગલ્લામાં જતી.. મોટો ડબ્બો હતો.. તોડ્યો રૂપિયા ગણ્યા. તેંતાલીસ હજાર સાતસો ચાલીસ.. થેન્ક ગોડ કે આ ગલ્લો નવીનની નજરથી બચી ગયો હતો. હું ખુશ થઈ.. હું જાણતી હતી કે આ રૂપિયાનું મારે શું કરવાનું છે.

સુધાકર ઑફિસે જવાની તૈયારી કરતો હતો મને કહે –
‘ગુડ મોર્નિંગ મા….. પપ્પાના વીમાના ત્રણેક લાખ એક બે મહિનામાં આવશે… શું કરીશું…?’

હું મારા ભોળા દીકરા સામે જોઈ રહી.

‘તારે કશી જરૂરિયાત છે…?’

‘ના. ખાસ તો કંઈ નહીં.. ભગવાનની દયાથી બિઝનેસ સારો છે.. તારે જોઈએ છે..?’

‘મારે નથી જોઈતા..’ હું સહેજ ખચકાઈ- એક સૂચન કરું સુધાકર…? ‘આપણે એ તારી સીમા ફઈને આપી દઈએ તો… તેનો દીકરો નાનો એવો બિઝનેસ કરી સેટલ થઈ જાય ને.. જો કે આ તો માત્ર સૂચન છે. તારા પર બંધન નથી..’ હું સહેજ હસી. મને એ વાત યાદ આવી ગઈ કે જ્યારે સીમાબહેન આંખમાં આંસુ સાથે નવીન પાસે હાથ ફેલાવ્યો હતો.. નવીન પાસે ઘરમાં બે લાખ જેવી કેશ હોવા છતાં પૉઇન્ટ બ્લેન્ક જુઠ્ઠું બોલ્યા હતા… મારે એ પાપનું પ્રાયશ્વિત્ત કરવું હતું.

‘હા.. મા.. એમ જ કરીશું…’ તે મને ભેટી પડ્યો… ‘યુ આર ગ્રેટ મા…’

‘અને સાંભળ.. સાંજે મારે અને સપનાએ બહાર જવું છે. સપના માટે સ્કૂટી ખરીદવા..’ સપના આશ્ચર્યથી મારી સામે જોઈ રહી.

‘તમને કેમ ખબર પડી મા… કે મને સ્કૂટી ચલાવવાની ઈચ્છા છે..’

‘કેમ ?’ મેં તેના ગાલ પર ટપલી મારી…. ‘તારાં લગ્ન થયાં પછી એક વાર નહોતી બોલી…?’

‘પણ..’ એની આંખ ભીની થઈ.. એ તો હું પણ ભૂલી ગઈ હતી..’

‘પણ હું ક્યારેય નહોતી ભૂલી.. મારી દીકરી…’

સપના પણ મને ભેટી પડી.. મેં એને રડવા દીધી..

‘અને સુધાકર.. એક રિકવેસ્ટ છે તને….’ એના જવાબની રાહ જોયા વિના મેં કહ્યું- ‘તારા પપ્પા જે રીતે બિઝનેસ કરતા એ રીતે બિઝનેસ ન કરતો દીકરા.. ઘરમાં થોડા ઓછા રૂપિયા આવે તે ચાલશે પણ એમાં કોઈનાં આંસુનો ડાઘ હશે કે અનીતિની છાપ હશે તે નહીં ચાલે…’

અમે ત્રણે એકબીજાને ભેટીને ખૂબ રોયાં.. મને લાગ્યું કે મારું મિશન ડેમેજ કન્ટ્રોલ સફળ થયું.

થોડા દિવસ પછીની વાત છે, હું રૂમમાં ‘સરસ્વતીચંદ્ર’ વાંચતી હતી.. ફોનની ઘંટડી વાગી.. હું બહાર આવી. ત્યાં તો સપનાએ ફોન ઉઠાવી લીધો હતો.

‘હલ્લો મામા.. કેમ છો ? અરે, હું તો મજામાં જ હોઉં ને ? આપણે ક્યાં કંઈ પ્રોબ્લેમ છે.’ હું સાંભળતી હતી- ‘બધાં મજામાં સુધાકર ઑફિસ ગયા છે. શું કહ્યું મધર ઈન લૉ..? ના મામા.. તમે ખોટો શબ્દપ્રયોગ કર્યો છે – એ મધર-ઇન-લૉ નથી. મારી મધર છે. ઓ.કે. ? શી ઈઝ માય મોમ…’

હું બધું સાંભળતી હતી. બધા અભાવો, બધા કંકાસો.. બધા તમાચાઓ ભુલાઈ રહ્યા હતા.. મને મારી જિંદગી આજે સફળ લાગતી હતી. હું મારી વહુની મધર ઈન લૉ નહીં પણ મધર હતી.

– અલ્પેશ પી. પાઠક

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

29 thoughts on “મધર-ઈન-લો – અલ્પેશ પી. પાઠક”

Copy Protected by Chetan's WP-Copyprotect.