- ReadGujarati.com - http://www.readgujarati.com -

સુખ વિશેનું સાદું સત્ય – કાલિન્દી પરીખ

(‘કબીરની વસંત’ પુસ્તકમાંથી સાભાર)

સુખ તો પતંગિયા જેવું છે. જો તમે પાછળ પડશો તો એ ઊડી જશે પણ તમે તેને ભૂલી જશો તો હળવેથી તમારા ખભા પર બેસી જશે.

જો તમે રાહ જોશો તો તમે સુખ ગુમાવશો. ડેનિસ પ્રેગરના સુખ વિશેના પ્રવચનને સાંભળ્યા બાદ એક મહિલા ઊભી થઈ અને તેણે કહ્યુઃ “મારા પતિ પણ આવ્યા હોત તો કેટલું સારું થાત.”

તે મહિલા તેના પતિને ખૂબ ચાહતી હતી. થોડી જ ક્ષણોમાં તેના ચિત્તમાં અચાનક જ પ્રકાશ થયો કે પતિ દુઃખી અને ઉદાસ રહેતો હોય ત્યારે તેની સાથેના લગ્નજીવનને ટકાવવા માટેનું કાર્ય કેટલું કઠિન છે ! તેને સુખી કરવામાં જ પોતાનું અને લગ્નજીવનનું પણ સુખ રહેલું છે. આમ સુખ પામવાનો સીધો માર્ગ તો એ જ છે કે આપણા પોતાના હોય તેને સુખી કરવા અને વ્યાપક અર્થમાં કોઈપણ અન્યના દુઃખ દૂર કરવામાં આપણા પોતાના સુખની પણ ચાવી રહેલી છે. ડેનિસે તેને સમજાવ્યું કે આપણામાંની પ્રત્યેક વ્યક્તિનું સુખ તેના જીવનસાથી, બાળકો કે પરિવારના સુખ પર નિર્ભર હોય છે. આ વાત ગળે ઊતરે તો જેનાં માતા-પિતા એકબીજાને દુઃખી કરતાં હોય, તેનાં સંતાનોને પૂછો કે આવાં મા-બાપ સાથે રહીને મોટા થવાનું તેને ગમે છે ખરું ? અથવા જેમના સંતાન પોતાના વર્તનથી મા-બાપને પીડા જ આપતા હોય તેવા માતા-પિતાને પૂછો કે તેમની વ્યથા કેટલી ઊંડી છે !

બધા કિશોરોની માફક ડેનિસ પણ મોજમજામાં અને મસ્તીમાં રચ્યોપચ્યો રહેતો હતો, છતાં તે સંપૂર્ણ સુખી ન હતો. એક દિવસ તેને ખ્યાલ આવ્યો કે કશા પ્રયત્ન વગર આળસુની માફક બેઠા રહેવાથી, નાહિંમત અને કાયર બનીને જીવવાથી તો દુઃખ જ પ્રાપ્ત થાય છે. આપણે એમ માનતા હોઈએ છીએ કે જીવનમાં જે કંઈ ઘટનાઓ બને છે, તે આપણા હાથમાં નથી હોતી. એમ સુખ પણ આપણા હાથમાં નથી હોતું, પરંતુ સાચી વાત આટલી ઊલટી જ છે. સુખ આપણા જ હાથમાં છે. તે એક એવું યુદ્ધ છે જે લડી લેવાનું હોય છે અને તેમાં રાહ જોઈને બેસી રહેવાનું હોતું નથી.

સુખી જીવન પ્રાપ્ત કરવા, જે કાંઈ મુશ્કેલીઓ કે મુસીબતો આવે તેને પાર કરી જ જવી જોઈએ. જેમાંની ત્રણ ડેનિસના મત મુજબ આ પ્રમાણે છેઃ

(૧) અન્ય સાથેની સરખામણીઃ આપણને આપણાંથી વધારે સુખી લાગતી હોય તેવી વ્યક્તિઓ સાથે આપણી સરખામણી કરવાની આદત હોય છે. એક વખત હું એવા એક યુવાનને મળ્યો, જેની સફળતા અને સુખ જોઈને હું તેનાથી પ્રભાવિત થઈ ગયેલો. તેણે તેની સુંદર પત્ની અને પુત્રીઓ વિશે વાતો કરી. તેઓ તેને કેટલું બધું ચાહે છે. એટલું જ નહીં તેના પોતાના જ શહેરમાં રેડિયો પર એક કાર્યક્રમ રજૂ કરવાનો પણ તેને મોકો મળ્યો હતો. મને તો ત્યારે એમ જ થયેલું કે તે એક ખરેખર સુખી માણસ છે. આવું નસીબ તો બહુ ઓછા લોકોને મળે છે. એને તો અનાયાસે બધું જ મળી ગયું છે.

વાતવાતમાં અમે ઈન્ટરનેટ વિશે ચર્ચા કરવા લાગ્યા. તેણે કહ્યું, “અરે ઈન્ટરનેટ તો મારા માટે ખરેખર આશીર્વાદરૂપ છે. તેના પર મને એક અતિ પીડાદાયક અને જીવલેણ બીમારી વિશે વૈજ્ઞાનિક માહિતી મળે છે અને મારી પત્ની તેની બીમારીનો ભોગ બની છે !”

ઓહ ! મારી નજરે જે સર્વશ્રેષ્ઠ સુખી હતો તે વાસ્તવમાં કેટલો દુઃખી હતો !

(૨) આદર્શ સુખી જીવન વિશેની કલ્પનાઓઃ આપણામાંના મોટાભાગનાને જિંદગી વિશેની અમુક કલ્પનાઓ અને આદર્શો હોય છે. જ્યારે કે તેમનામાંથી કોઈકને જ જીવનસાથી, બાળકો અને નોકરી – એ આદર્શ સુધી પહોંચવા અનુકૂળતા હોય છે. મારું પોતાનું ઉદાહરણ આપું તો મારા કુટુંબમાં ક્યારેય કોઈના લગ્નવિચ્છેદ થયા નહોતા. હું માનતો હતો કે લગ્ન જીવનભર હોય છે. આથી જ્યારે લગ્નના પાંચ વર્ષ પછી અને ત્રણ વર્ષના એક સંતાન પછી મેં જ્યારે લગ્નવિચ્છેદ કર્યા ત્યારે હું અપરાધબોધથી ભાંગી જ પડ્યો હતો.

થોડા સમય પછી મેં ફરી લગ્ન કર્યાં. મારે કબૂલ કરવું પડ્યું કે મારા પુત્રની સાથે મારે અડધા દિવસો જ રહી શકાય તેમ હતું. (કારણ કે મારી ભૂતપૂર્વ પત્ની અને મારી વચ્ચે અમારા એ પુત્રનો સમય વહેંચી લેવામાં આવ્યો હતો.) તે એક બાબત સિવાય મારું હાલનું કૌટુંબિક જીવન આનંદથી ભરપૂર જ હતું.

“તો પછી એને જ માણો ને !” મારી પત્નીએ કહ્યું અને તેમ જ કર્યું અને ધીરે-ધીરે મારી અપરાધબોધની કાલ્પનિક પીડાઓથી હું મુક્ત થઈ ગયો.

(૩) ખૂટતું નળિયું – સુખને પાછું ઠેલવાની એક રીત એ છે કે જે નથી એમાં જ સતત રત રહી દુઃખી થયાં કરવું. આ તો એના જેવું છે કે છત પરનું એક નળિયું ખસી ગયું હોય તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરી કકળાટ કર્યા કરવો.

એક વખત તમે જ્યારે તમારા ગુમાવેલાં નળિયાં વિશે જ વિચારીને દુઃખી થતા હો ત્યારે તમારી જાતને સચ્ચાઈપૂર્વક પૂછો, “શું આ નળિયું મળી જાય તો હું સાચે જ સુખી થઈશ ?” ત્યાર પછી નીચેની ત્રણમાંથી ગમે તે એક બાબત ધ્યાનમાં લો. (૧) બીજું નળિયું ફરી લઈ આવો. (૨) અથવા તેને ભૂલી જાવ. (૩) હજુ જે નળિયાંઓ છે તેના તરફ ધ્યાન આપી આનંદ પામો.

સુખ વિશેના ઘણા વર્ષોના અભ્યાસ પછી ડેનિસે અગત્યનું તારણ કાઢ્યું – જે સરખામણી કર્યા વિના ગમે તેવી મુસીબતોમાં પણ વિધેયાત્મક વલણ અપનાવે છે તે જ સુખી છે. માટે સુખનું સાચું રહસ્ય અને ફિલૉસૉફી આભારી બનવામાં છે. જ્યારે ફરિયાદો કરવાથી ગમે તેવા સુખને પણ દુઃખમાં પલટાઈ જતાં વાર નથી લાગતી. આમ, જિંદગીને વરદાન કે શાપરૂપ બનાવવી તેનો નિર્ણય આપણા હાથમાં જ છે.

અંતતઃ શાશ્વત સત્ય એ છે કે, ‘આપણું અસ્તિત્વ જ કેટલું મહત્ત્વપૂર્ણ છે’ આ વિચાર જ આપણને સુખની પરમ અનુભૂતિ કરાવે છે.

– કાલિન્દી પરીખ