(શ્રી રાકેશ હાંસલીયા, શ્રી દિનેશ કાનાણી તથા શ્રી લક્ષ્મી ડોબરિયાના સંયુક્ત ગઝલસંગ્રહ ‘તત્વ – ૧૧૧ ગઝલ’માંથી સાભાર)
૧.
શું મહેકે છે બધે લોબાન જેવું?
ઊર્મિઓનું થાતું હો સન્માન જેવું.
સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા,
ભીતરે નક્કી હશે તોફાન જેવું.
..ને પ્રપંચોની પછી શરૂઆત થાશે,
બાળકોમાં જ્યારે આવે ભાન જેવું.
જાત આખી ઓગળી રહી છે કશામાં,
આ હ્રદયનું હો કશે સંધાન જેવું.
કૈંક પાથરણાં મળ્યા રેશમ સરીખા,
ક્યાં કદી ચાહ્યું હતું કંતાન જેવું.
એક પ્રાચીન વૃક્ષનું ઊભું છે ઠૂંઠું,
કેટલીયે મોસમોના બયાન જેવું.
કેમ બારીને કરું હું બંધ ‘રાકેશ’,
આ હવાનું થાય ના અપમાન જેવું.
૨.
આખરે એની કૃપા તો થાય છે,
આપણાંથી રાહ ક્યાં જોવાય છે?
એ પધારે; દ્વાર પણ હરખાય છે,
ખુદ ઉઘડવાને અધીરા થાય છે.
કોણ બનવાકાળને ટાળી શકે?
તે છતાં ક્યાં સહેજ સ્વીકારાય છે?
લ્હેરખી નાની ને નાજુક હો ભલે,
કૈંક શ્વાસો એનાથી સર્જાય છે!
કેટલો કટ્ટર કહેવો ગ્રીષ્મને?
લ્હેરખી વટલાયને લૂ થાય છે!
માત્ર કંકર ફેંકવાના ખ્યાલથી,
જળમાં વમળો અણદીઠાં સર્જાય છે!
‘સર્વનું કલ્યાણ કરજો હે! પ્રભુ,’
વેણ એવા એમ ક્યાં બોલાય છે!
૩.
સોંપી દે ઈશ્વરને સઘળા ભાર મનવા,
હર પળે ના વ્યર્થ વલખાં માર મનવા.
સૌ સૂતાં છે ઓઢીને અંધાર મનવા,
કોણ સૂણે સૂર્યનો પોકાર મનવા.
હોય છે સંકેત એમાં ગેબનો પણ,
આપણાં ક્યાં હોય છે નિર્ધાર મનવા.
રાઈના દાણાં નહીં, વાવ્યા છે શબ્દો,
લાગશે એને તો ફળતા વાર મનવા.
બાંધજે ના ધારણા કોઈ અમંગલ,
આખરે એ થાય છે સાકાર મનવા.
બસ ચરણને મૂકી દે પદ્માસને તું,
પામવો છે દૂરનો અણસાર મનવા.
– રાકેશ હાંસલિયા
4 thoughts on “ત્રણ અદ્રુત ગઝલો – રાકેશ હાંસલિયા”
સામાન્ય રીતે મને ગઝલોનું બહુ આકર્ષણ નહિં પણ આ “ત્રણ અદ્રુત ગઝલો” એ આખી વાંચી જવાની ઉત્કંઠા જગાડી.
બ્રહ્મજ્ઞાન અને તેનું માર્ગદર્શન સરસ રીતે લખ્યું છે.
‘સર્વનું કલ્યાણ કરજો હે! પ્રભુ,’ એ સારી પ્રાર્થના છે હવે પ્રભુ માને ત્યારે ખરું.
ખુબ સરસ
શ્રાવનમાસમા ત્રિદલ સરસ આપ્યા
તમારું પગલું અસામાન્ય છે નવ યુવાન
લેખક માટે નવી દિશા ખોલે છે