ભાવિ જીવન – જે. કૃષ્ણમૂર્તિ, અનુ. ગિજુભાઈ દવે

(‘વિચારવલોણું’ સામયિકમાંથી સાભાર)

તમે કદી વિચાર કર્યો છે કે તમને શા માટે ભણાવવામાં આવે છે? તમે ઈતિહાસ શા માટે ભણો છો? ગણિત, ભૂગોળ કે બીજું કંઈ શા માટે ભણો છો? તમે કદીયે વિચાર કર્યો છે કે તમે શાળાએ અને કોલેજે શા માટે જાઓ છો? શું આ શોધવું જરૂરી નથી કે તમે માહિતી અને જ્ઞાનથી લથબથ શાને થાઓ છે? આ કહેવાતું ‘શિક્ષણ’ એ શું છે? તમારાં માતાપિતા તમને અહીં મોકલે છે, કેમ કે કદાચ તેમણે પોતે જ કોઈક પરીક્ષાઓ પસાર કરી છે એને ગમે તે ડિગ્રીઓ મેળવી છે. તમે પોતે તમને પોતાને કદી પ્રશ્ન કર્યો છે ખરો કે તમે પોતે અહીં કેમ છો? અરે, શું શિક્ષકો પોતે જાણે છે ખરા કે ‘તેઓ પોતે’ અહીં કેમ છે? તમારે એ શોધવા પ્રયત્ન ન કરવો જોઈએ કે આ બધી માથાકૂટ શી છે – આ અભ્યાસની ભાંજગડ, પરીક્ષાઓ પાસ કરવાની ભાંજગડ, ઘરથી દૂર ખાસ પ્રકારના સ્થળે રહેવું અને વળી ડરવું નહિ ને વળી સારી રીતે રમવું એવું બધું શું છે? તમારા શિક્ષકોએ આ બધું શોધવામાં તમને મદદ ન કરવી જોઈએ? પરીક્ષાઓ પસાર કરવા કેવીક તૈયારી કરવી એની જ શું માત્ર મદદ કરવી જોઈએ?

છોકરાઓ પરીક્ષાઓ પસાર કરે છે કેમ કે તેઓ જાણે છે કે તેમણે તો કોઈ નોકરી મેળવવાની છે. જીવવા માટે કમાવવાનું છે. તો છોકરીઓ શા માટે પરીક્ષાઓ પસાર કરે છે? એટલા માટે શિક્ષિત બને છે શું સારા પતિ મળે? હસો નહિ, આ વિષે માત્ર વિચારો. શું તમારાં માતાપિતાએ તમને એટલા માટે દૂર સ્કૂલે મોક્લ્યાં કે ઘેર તમે એક બલા છો? શું પરીક્ષાઓ પસાર કરવાથી તમે સમગ્ર જીવનનો અર્થ સમજી જવાનાં કે? ઘણા લોકો પરીક્ષા પાસ કરવામાં ઘણા નિષ્ણાત હોય છે પણ એનો અર્થ એવો તો લવલેશ નથી થતો કે તેઓ બુદ્ધિમાન છે. જેઓ પરીક્ષાઓ કેમ પાસ કરવી તે જાણતા ન હોય તે કદાચ ઘણા વધારે બુદ્ધિમાન હોય, કદાચ તેઓ હાથકારીગરીમાં વધારે આગળ પડતા હોય અને માત્ર ગોખણપટ્ટી કરી પરીક્ષાઓ પાસ કરનારા કરતાં તેઓ વસ્તુઓ વિષે વધારે ઊંડું વિચારી શકતા હોય.

ઘણા છોકરાઓ એટલા માટે ભણે છે કે નોકરી મળે – આ જ એમના સમગ્ર જીવનનું ધ્યેય હોય છે. પણ નોકરી મળ્યા પછી શું થાય છે? તેઓ પરણે છે, બાળકો થાય છે અને પછી તો બાકીના જીવન દરમિયાન તેઓ યાંત્રિકતામાં સપડાય છે. નથી સપડાતા શું? તેઓ કાં તો કારકુન કે વકીલ કે પોલીસ બને છે, આખી જિંદગી સુધી પોતાની પત્ની સાથે ઝઘડે છે, એ ઝઘડા તેઓ મરે ત્યાં સુધી ચાલ્યા જ કરે છે.

અને છોકરીઓ, તમારું શું થાય છે? તમેય પરણો છો – એ જ તો તમારું ધ્યેય હોય છે – તમારાં માતાપિતાની પણ એ જ ચિંતા હોય છે કે તમને પરણાવી – અને પછી તો તમને બાળકો થાય છે. જો તમારી પાસે થોડાએક પૈસા હોય તો તમારો રસ સાડીઓ ખરીદવામાં હોય છે અને એમાં રસ હોય છે કે તમો પોતે કેવાં દેખાઓ છે, તમારા પતિ સાથે થતા ઝઘડાની અને ‘લોકો શું કહેશે’ એની તમને ચિંતા હોય છે.

આ બધું તમને સમજાય છે? તમારા કુટુંબમાં, તમારા પડોશમાં આ બધું તમને દેખાતું નથી? સતત આવું જ ચાલ્યા કરે છે એમ તમને નથી દેખાતું? તમે શા માતે શિક્ષિત થવા માગો છો, શા માટે તમારાં માતાપિતા ઈચ્છે કે તમે શિક્ષિત બનો, આ જગતમાં ‘શિક્ષણ’ નો અર્થ શો છે? તમે કદાચ બર્નાર્ડ શૉનાં નાટકો વાંચી શકો, તમે કદાચ શેક્સપીયર, વોલ્તેર કે કોઈ નવા ફિલસૂફનાં અવતરણો આપી શકો, પણ જો તમે પોતે સાચા અર્થમાં બુદ્ધિમાન નહિ હો, જો તમે સર્જક નહી હો, તો આ શિક્ષણનો શો અર્થ રહી જાય છે?

તો માત્ર શિક્ષકોએ જ નહિ, વિદ્યાર્થીઓએ પણ જાણવું જોઈએ કે બુદ્ધિમાન કેમ બનવું? માત્ર વાચનની કે પરીક્ષાઓ પાસ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવામાં જ શિક્ષણ સમાપ્ત થઈ જતું નથી. કોઈ પણ હોશિયાર વ્યક્તિ તે કરી શકે છે. શું તમને નથી લાગતું કે શિક્ષણ આપવું એટલે બુદ્ધિનું સર્જન કરવું? “બુદ્ધિ” નો અર્થ હું લુચ્ચાઈ કરતો નથી કે અન્યને પાછળ પાડી દેવા જેટલા હોશિયાર થવું એમ પણ કરતો નથી. હકીકતમાં બુદ્ધિ કોઈ જુદી જ ચીજ છે. તમે ડરો નહિ તે બુદ્ધિ છે. તમે ક્યારે ડરો છો ભલા? તમારા વિશે લોકો શું કહેશે એનો જ્યારે તમે વિચાર કરો છો ત્યારે ડર પર્દાપણ કરે છે. તમારાં માતાપિતા શું કહેશે એનો વિચાર કરો છો ત્યારે ડર પ્રવેશ કરે છે. તમારી ટીકાથી તમે ડરો છો, સજાથી તમે ડરો છે કે પરીક્ષામાં નિષ્ફળતાથી તમે ડરો છો. તમારા શિક્ષક જ્યારે તમને ઠપકો આપે, તમારા વર્ગમાં તમે જાણીતા ન હો, સ્કૂલમાં કે આજુબાજુના વિસ્તારમાં તમે ખ્યાત ન હો ત્યારે ધીરે ધીરે ડર પ્રવેશ કરે છે.

દેખીતી રીતે જ બીક એ બુદ્ધિની આડેની ઘણી અડચણોમાંની એક અડચણ છે. કેમ, ખરું ને? અને તમને અને મને એટલે કે વિદ્યાર્થીને બીક વિષે જાગૃત કરવા, બીકની સમજણ આપવી એ ખરેખર એક સાચા શિક્ષણનું પાયાનું તત્ત્વ છે, કે જેથી કરીને તે બાળપણથી જ ભયમુક્ત રહે.

પણ તમે બીકણ છો એ તમે જાણો છો? તમારામાં બીક છે જ, નથી શું? હું તમે બીકથી મુક્ત છો? શું તમે તમારાં માતાપિતા, તમારા શિક્ષકો કે લોકો તમારા વિષે શું વિચારશે એ વિષે ડરતા નથી? ધારો કે તમો એવું કાંઈ કરો કે જેનાથી તમારાં માતાપિતા કે સમાજ નારાજ થાય તો શું ડરો નહિ? ધારો કે તમારી જ્ઞાતિ કે વર્ગની ન હોય એવી વ્યક્તિ સાથે તમે લગ્ન કરવા માગો છો તો તમારા વિષે લોકો શું કહેશે એ વિષે તમે ડરતાં નથી? ધારો કે તમારો ભાવિ પતિ સારી પેઠે કમાયો નથી, તેનું સમાજમાં સ્થાન નથી, પ્રતિષ્ઠા નથી તો તમને શરમ નહિ લાગે શું? તમારા મિત્રો તમારે વિશે સાચું નથી વિચારતા એ જાણીને તમે ડરતા નથી? શું તમે રોગ કે મૃત્યુથી ડરતા નથી?

આપણામાંના મોટા ભાગના લોકો બીકણ છે. ‘હું ડરતો નથી’ એમ જલદી કહી ન દો. આપણે કદાચ આ વિષે વિચાર્યું જ ન હોય. પણ જો આપણે એના વિષે વિચારીએ તો આપણને ખ્યાલ આવશે કે બાળકથી માંડીને ઉંમરલાયક સુધીના વિશ્વના લગભગ દરેકના હ્રદયમાં બીક, કોઈ ને કોઈ પ્રકારની બીક દાંત કચકચાવતી બેઠી હોય છે. તો શું શિક્ષણનું એ કામ નથી કે દરેક વ્યક્તિને તેની બીકમાંથી છોડાવે કે જેથી તે બુદ્ધિમાન બને? આ જ વાતનું ધ્યાન આપણે આપણી શાળામાં રાખીએ છીએ – એટલે કે શિક્ષકોએ પોતે તો બીકમાંથી મુક્ત થવું જ જોઈએ. પોતાની પત્નીઓ કે પતિઓથી ડરનાર શિક્ષક-શિક્ષિકાઓ કે જેમના વિષે તેમના પાડોશીઓ વાત કરતા હોય તેઓ ભયમુક્તિની વાતો કરે એનો શો અર્થ છે ભલા?

જો કોઈ ડરતો હોય તો તેને શબ્દના સાચા અર્થમાં સર્જકતાની પહેલ કરવાનો હક્ક નથી. અહીં પહેલનો અર્થ કંઈક મૌલિક કરવું એ છે – એવું કે જે કંઈક નિત્યનવીન, સ્વાભાવિક, તાજું, કોઈના માર્ગદર્શન વિનાનું, દબાણ કે આગ્રહ વિનાનું હોય. તમે જે ‘ચાહો’ તે કરવું. તમે કોઈ ને કોઈ વાર એકાદ પથ્થર રસ્તાની વચ્ચે પડેલો જોયો હશે અને જોયું હશે કે કોઈ એક મોટર તેના ઉપર થઈ આંચકા સાથે પસાર થઈ. તમે પોતે તેવો કોઈ પથ્થર ખસેડ્યો છે ખરો? તમે પોતે ફરવા નીકળ્યા હો ને કદી કોઈ દરિદ્રનારાયણને, કોઈ ખેડૂતને કે કોઈ ગામડિયાને જોયો હોય ને જેવો જોયો કે તરત જ કોઈ પ્રેમાળ વર્તન કે જે સ્વંયસ્ફુરિત હોય, સ્વાભાવિક હોય, સીધું તમારા હ્રદયમાંથી ઉદ્દભવ્યું હોય, કોઈના કહેવાની રાહ જોઈને કરેલું ન હોય તેવું વર્તન કર્યું છે ખરું?

તમે જોશો કે તમારામાં બીક હશે તો આ બધું તમારા ધ્યાન બહાર રહેશે – તમે લાગણીહીન છો અને તમારી આસપાસ શું ચાલી રહ્યું છે તે તમે જોઈ શકતા નથી. જો તમારામાં બીક હોય તો તમે રૂઢિના દાસ હશો, તમે કોઈ નેતા કે ગુરુને અનુસરશો. જ્યારે તમે રૂઢિથી બંધાયેલા હશો, જ્યારે તમે તમારા પતિ કે પત્નીથી ડરતા હશો ત્યારે તમે એક વ્યક્તિગત,માનવ અભિવ્યક્તિ તરીકેનું ગૌરવ રાખી શકતા નથી.

તો શું શિક્ષણનું આ કામ નથી કે તમને એ બીકમાંથી છોડાવવા અને માત્ર કશીક પરીક્ષાઓ પાસ કરવા જ માત્ર તૈયાર ન કરવા – પછી ભલે ગમે તેટલી જરૂરી ન લાગતી હોય! તાત્ત્વિક રીતે, ઊંડાણથી તે જ શિક્ષણનું સર્વોપરી ધ્યેય હોવું જોઈએ. શિક્ષકનું પણ તે જ ધ્યેય હોવું જોઈએ – કે બાળપણથી જ સંપૂર્ણતઃ તમને બીકમાંથી મુક્ત કરવા કે જેથી જ્યારે તમે દુનિયામાં ઝંપલાવો ત્યારે તમે એક બુદ્ધિમાન માનવ અભિવ્યક્તિ તરીકે જીવો કે જે સ્વંયસ્ફુર્તિમાન અને સાચી પહેલ કરનાર હોય. જ્યારે તમો અનુસરણ કરો છો ત્યારે પહેલનો કોઈ અર્થ રહેતો નથી. જ્યારે તમે રૂઢિના દાસ હો કે રાજકીય નેતાને કે ધાર્મિક “સ્વામી” ને અનુસરતા હો ત્યારે ય પહેલનો કોઈ અર્થ રહેતો નથી. કોઈનું અનુસરણ કરવું એટલે બુદ્ધિને નુકસાન પહોંચાડવું. અનુકરણની પ્રક્રિયા જ બીકની લાગણી જન્માવે છે. જીવન, પોતાની અસાધારણ સંકુલતાઓથી ભરપૂર જીવન, તેના સંઘર્ષો, તેના અવસાદ, તેની ગરીબાઈ, તેની સમૃદ્ધિ અને સૌંદર્યથી ભરપૂર જીવનને સમજવાના દ્વારને બીક ભીડી દે છે. જીવનનું સૌંદર્ય, એટલે? પક્ષીઓનું સૌંદર્ય, પાણી પર ફેલાતા સૂર્યાસ્તનું સૌંદર્ય. જ્યારે તમે ડરો છો ત્યારે તમો આ બધાં પ્રત્યે જડ હો છો.

હું તમને સૂચવી શકું ખરો કે તમો તમારા શિક્ષકને પૂછો કે આપણે અત્યારે શી વાત કરી રહ્યા છીએ? તમે પૂછશો કે? તમારી જાતે જવાબ મેળવો કે તમારા શિક્ષકો આ બધું સમજ્યા છે કે નહિ. આ વાત તમને મદદ કરશે ને તેઓ તમોને વધુ બુદ્ધિમાન બનવામાં મદદરૂપ થશે, નહિ કે તમે ડરો. આવી બાબતમાં તો આવા શિક્ષકો જોઈએ કે જેઓ ખૂબ જ બુદ્ધિમાન હોય. સાચા અર્થમાં બુદ્ધિમાન, નહિ કે એમ.એ., બી.એ.ની પરીક્ષાઓ પાસ કર્યાના અર્થમાં બુદ્ધિમાન. જો તમોને આમાં રસ હોય તો દિવસ દરમિયાન એકાદ તાસ એવો ગોઠવાય કે જેમાં તમે આ બધું તમારા શિક્ષકો સાથે ચર્ચી શકો, વાત કરી શકો. તમે તો હવે મોટા થવાના. તમારે તો પતિઓ કે પત્નીઓ હોવાનાં, બાળકો હોવાનાં ને તમારે જાણવું પડવાનું કે આ બધું જીવન એ શું છે? જીવન – એના આજીવિકા માટેના સંઘર્ષ સાથેનું જીવન, તેનાં દુઃખો સાથેનું જીવન ને તેના અસાધારણ સૌંદર્ય સાથેનું જીવન. આ બધું તમારે જાણવું-સમજવું પડશે, અને શાળા જ આ બધું શીખવા માટેનું સ્થળ છે. જો શિક્ષકો માત્ર તમને ગણિત, ભૂગોળ, ઈતિહાસ કે વિજ્ઞાન જ શીખવે તો તે દેખીતી રીતે પૂરતું નથી. તમારા માટે મહત્વની ચીજ છે જાગૃતિ. પ્રશ્ન કરવો, શોધવું કે જેથી તમારી સ્વયં પહેલવૃત્તિ જાગે.

(જે. કૃષ્ણમૂર્તિ કૃત ‘ભાવિ જીવન’, અનુ. ગિજુભાઈ દવે – પુસ્તમાંથી સંકલિત)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ભાવિ જીવન – જે. કૃષ્ણમૂર્તિ, અનુ. ગિજુભાઈ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.