મંદિર દર્શનનું કેન્દ્ર હોય, પ્રદર્શનનું કેન્દ્ર ન હોય – મોરારિબાપુ

(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર)

મંદિર વિશેના મારા પોતાના અંગત વિચારો જણાવું છું. એ મારા અંગત વિચારો છે. એ વિચારોની સાથે કોઈએ સંમત થવાની જરૂર નથી, પણ મને મારા ગુરુની કૃપાથી જે સમજાયું છે, મંદિર વિશેના જે વિચારો છે એ કંઈક આવા છે. એ બધા વ્યક્તિગત વિચારો છે, હોઈ શકે. વિચારોમાં ભેદ હોય.

रूचीनां वैचित्र्याद्रुजुकुटिलनानापथजुषां
नृणामेको गम्यस्त्वमसि पयसामणर्व इव ॥

રુચિભેદ, વિચારભેદ એ બધા આપણે સ્વીકારવા રહ્યા. પરંતુ ચિત્ત દ્વેષમુક્ત હોવું જોઈએ. એવી રીતે મને ઘણી વખત એવું લાગે કે આપણે એકઠાં થઈએ છીએ, પણ એક નથી થતાં ! આ સમાજમાં એકઠાં થવું સહેલું છે, એક થવું કપરું છે. આપણે એકઠાં થઈએ છીએ, પણ આપણી પરંપરામાં એકઠાં તો લોકો અનેક રીતે થતાં હોય છે. પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં આવો જ એક શબ્દ વપરાયો કે, બધાં એકઠાં થયાં. પૂછે છે ધૃતરાષ્ટ્ર કે, આ કુરુક્ષેત્રના મેદાનમાં મારા પાંડુના બધાં જે એકઠાં થયા છે પણ એનું કારણ કેવું વિચિત્ર છે ! એ યુદ્ધ માટે એકઠાં થયાં છે. યુદ્ધની ઈચ્છાથી એકઠાં થયા છે !

ખેર ! પચ્ચીસો વર્ષ પહેલાં એક એવો વિચાર પ્રવાહિત થયો કે જેમાં એકઠા થયાં લોકો ભગવાં વસ્ત્રની નીચે ને એ તથાગત ભગવાન બુદ્ધ, એક બહુ જ મોટું અભિમાન ચાલ્યું. આ ઈતિહાસોને, આ બનેલી નગદ ઘટનાઓને આપણે ભૂલવી ન જોઈએ. એક એવું મોટું મહાભિનિષ્ક્રમણ થયું, એમાં જે બધાં એકઠાં થયાં એ બુદ્ધત્વને પામવા માટે એકઠાં થયા. પામ્યાં કેટલાં, ન પામ્યાં, એ સંશોધનનો વિષય છે. બારસો-તેરસો વર્ષ પહેલાં શંકરનો સાક્ષાત્ અવતાર –

शंकरं शंकराचार्य केशवं बादरायणं,
सूत्र भाष्य कृतै वन्दे भगवन्तौ पुनः पुनः ॥

ભગવાન આદિ શંકરાચાર્ય અને એની પાછળ ચાલનારા, પોતાના શુદ્ધબુદ્ધ આત્માને, હું શિવની સાથે એક છું, એ અદ્વૈતની સ્થાપના કરવા માટે એકઠાં થયાં અને એક બનવાની કોશિશ કરી. બાપ, સમાજ એકઠો થાય એ બહુ સારું જ છે, થવો જોઈએઃ પણ સાથેસાથે એની ફલશ્રુતિ, એ એક બને. આવાં કાર્યોનાં આયોજનો મારી દ્રષ્ટિએ આપણને એક કરવા માટે પ્રેરે તો એ કોને ન ગમે?

અમારે મનુભાઈ પંચોળી ‘દર્શક’ દાદા, લોકભારતી – સાણસોરા, એ બહુ જ મોટા સંસ્કારપુરુષ, વિદ્યાપુરુષ, એમણે અમે વખત અમે બેઠા હતા ત્યારે મંદિરની એક સરસ વ્યાખ્યા આપી કે, મંદિર એટલે આપણા મનને સામેથી દોરે એનું નામ મંદિર. આપણું મન ખેંચાય. મંદિરની ધજા આપણને દૂરથી સ્પર્શે, એવી એમણે મંદિરની સુંદર વ્યાખ્યા પ્રસ્તુત કરેલી. આપણે દ્વેષમુક્ત ચિત્તથી એક રહીએ એ જરૂરી છે.

મંદિર બહારથી સ્વચ્છ હોવું જોઈએ અને અંદરથી પવિત્ર હોવું જોઈએ. આ પહેલી વસ્તુ મારા મનમાં આવે છે. કોઈ પણ શાખાનાં મંદિરો, સનાતન ધર્મના મંદિરો તો યુગોથી ચાલે છે. ઘણી વખત આપણે જોઈએ તો, એમાં બહાર સ્વચ્છતા હોય છે, પણા અંદર પવિત્રતા નથી હોતી. અંદરની પવિત્રતા એટલે મારા અને તમારા અંદરના હેતુઓ પવિત્ર હોય. આપણા હેતુઓ ઘણી વખત મલિન હોય છે. બહાર તો સુંદર વ્યવસ્થા હોય છે. સુંદર સ્વચ્છતા હોય છે, પણ અંદરના હેતુઓમાં પવિત્રતા નથી હોતી! દેવમાં તો પવિત્રતા છે જ, એટલે તો આપણે એને બિરાજમાન કરીએ છીએ. એ પથ્થરની મૂર્તિમાં પછી આપણે પ્રાણ જોઈએ છીએ.

મૂર્તિમાં આ બ્રાહ્મણ દેવતાઓ મંત્રોચ્ચાર કરે, અને એવી મૂર્તિઓ મંદિરમાં બિરાજે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠિત થશે, પણ અધૂરું સાહેબ. મૂર્તિમાં પ્રાણની પ્રતિષ્ઠા થશે. પણ પછીથી આપણા પ્રાણમાં એ મૂર્તિની પ્રતિષ્ઠા થવી જોઈએ. અરધું થાય છે, અરધું બાકી છે. જે દિ’ પ્રાણમાં મૂર્તિની પ્રતિષ્ઠા થશે આ હનુમાનમજીથી લઈને ગણેશ સુધી, જે-જે સ્વરૂપો આપણે પધરાવીએ, જે આપણા ઇષ્ટ હોય, જ્યાં આપણી નિષ્ઠા હોય. આમ તો, વેદની શ્રુતિથી લઈને બધા એમ જ કહે છે, ‘एकम् सद् विप्रा बहुधा वदन्ति । સત્ય એક જ છે ઘણા એંગલોથી, જુદી જુદી વિદ્યાઓથી ઋષિ-મુનિઓએ એનુમ અવલોકન કર્યું છે. તો આપણા પ્રાણમાં મૂર્તિની પ્રતિષ્ઠા થાય, કારણ કે હવે એ મૂર્તિ નથી, હવે એમાં પ્રાણ પ્રતિષ્ઠિત થઈ ગયો છે. એટલે એક તો, મને ગુરુકૃપાથી સૂઝે છે કે, મંદિર બહારથી સ્વચ્છ હોવું જોઈએ. પણ અંદરથી પવિત્ર હોવું જોઈએ. પવિત્ર એટલે આપણા હેતુઓ પવિત્ર હોવા જોઈએ, આપણા હેતુઓ મલિન ન હોવા જોઈએ. કોઈ પણ ધર્મસ્થાનમાં આ બહુ જરૂરી છે.

બીજું, આપણાં મંદિરો, કોઈ પણ મંદિર, જે-જે શાખાઓ, જે-જે પંથનાં મંદિરો અથવા તો સનાતન ધર્મનાં મંદિરો, જ્યાં જ્યાં હોય ત્યાં, આજે આપણે જોઈએ છીએ કે મંદિર આવકનું સાધન બનતાં જાય છે. મંદિરમાં લોકો ન્યોછાવરી કરે, અને એ તો કરવું જ જોઈએ, આ આટલા બધા માંડવા કાંઈ એમનેમ ન થાય. હમણાં અમે સેંજળમાં પણ એક ઍવોર્ડ આપ્યો, અમારા આદિપુરુષની સમાધિમાં, ત્યાં મેં કહ્યું કે, હું તો કોઈની પાસે માગું નહીં, આખી દુનિયામાં એમનમ પોથી લઈને ફરતો રહું. આ મારું વ્રત છે. અકિંચન છું. પણ, આવા ઉત્સવો કરવા હોય તો કાંઈ પૈસા વગર થોડા થાય? આ સમાધિમાં ત્રણ દિવસના ઉપવાસ કરીને બેસું તો એ સમાધિમાંથી કાંઈ નોટો ન નીકળે, બંડલ ન નીકળે! એ તો સમાધિપુરુષ કોઈને પ્રેરિત કરે અને કોઈ નિમિત્ત બને, તો જ થઈ શકે ને? પણ આપણો હેતુ આવકનો ન હોવો જોઈએ. મંદિરનો હેતુ જાવકનો હોવો જોઈએ. જાવક મિન્સ અહીંયાં આવે એ સાધના લઈને જાય, અહીંયાં આવે એ શાંતિ લઈને જાય, અહીંયાં આવે એ જગતના વિકાસથી કંટાળેલો સાધક વિશ્રામ લઈને જાય. મંદિર જાવકનું સાધન બને, આવકનું સાધન ન બને.

મારો ત્રીજો વિચાર, મંદિરનું દર્શનનું કેન્દ્ર હોય, પ્રદર્શનનું કેન્દ્ર ન હોય, મંદિર દર્શનીય છે. એટલા માટે આપને ત્યાં મંદિરો આવ્યાં. આપણે ત્યાં દેવસ્થાનો આવ્યાં. આ મંદિર જે છે એમાં સ્તંભ તો હશે જ, પણ એ સ્તંભ તો શિલ્પના ટેકાઓ છે, પરંતુ ચરિત્રના ટેકાઓ તો એ છે કે જ્યારે દર્શન કરનારો પ્રદર્શનમાં નથી આવ્યો, દર્શનમાં આવ્યો છે એવું લાગે, અને પોતે પાંચ મિનિટ – દસ મિનિટ થાંભલો થઈ જાય, સ્તંભિત થઈ જાય ! આહા, આવું સુંદર! પોતે થાંભલો થઈ જાય. એ પોતે બેસી ન શકે. ઊભો રહે.

મંદિર સાધનાનું કેન્દ્ર બને, સાધનનું કેન્દ્ર ન બને. આ જીવ, જગત ચારેબાજુ ત્રસ્ત છીએ આપણે બધા. આપણે તો બધા વ્યસ્ત માણસો છીએ, જેમાંથી મુક્ત થવા એવું કોઈ ધર્મસ્થાન આપણને પ્રાપ્ત થાય. મંદિરની પાછળનું મારું કંઈક દર્શન આવું છે. હું છપૈયા ગયો’તો. હા, વર્ષો પહેલાં અયોધ્યા ગયો અને એમ થયું કે –

उपमहिं अनत अनत छबि लहहीं ।

‘રામાયણ’ની એક ચોપાઈ છે. મહાપુરુષ પ્રગટે ક્યાંક અને એની છબી ક્યાંક બીજે! છપૈયામાં ભગવાન પધાર્યા અને પછી એમનો જે વિસ્તાર થયો અને ગુજરાતને તો સ્વાભાવિક એમનું કેન્દ્ર બનાવ્યું, એટલે, હું ત્યાં ગયો છું. અને બાપજી, મને આનંદ એ થયો કે હું ગયો તો ત્યાં સાધુઓ રામકથાની કૅસેટ વગાડતા’તા! એટલે મને થયું કે હું અહીંયાં ક્યાંથી આવી ગયો! પછી મેં સ્વામીજીને પ્રણામ કર્યાં. મને એમણે કહ્યું, ‘બાપુ, કથા અમે આવી રીતે સાંભળીએ, પહોંચી ન શકીએ.’ આ સમન્વય છે. આ ‘समवेता युयुत्सवः’ નહીં. યુદ્ધ માટે ભેગા નહીં થવાનું, સ્પર્ધા માટે ભેગા નહીં થવાનું, પણા શુદ્ધતા માટે ભેગા થવાનું. એ મેં તે દિવસે જોયું.

મને એમણે કહ્યું કે, સહજાનંદ ભગવાન અહીંથી અયોધ્યા જાય એ પહેલાં હનુમાનમંદિર કે રામજીમંદિરમાં પધારે. બરાબર, બાપુ? આવો ઈતિહાસ એમણે મને કહ્યો. ત્યાં પધારે, ત્યાં રોકાય, કારણ ને એમને મૂળની ખબર છે કે રામતત્વ આદિ-અનાદિ છે. એમણે મને એમ પણ કહ્યું, સંતો સ્વીકારશે. હું ખોટો હોઉં તો મને અટકાવે, પણ જ્યારે ગુજરાત પધાર્યા, ગઢડામાં પધાર્યા, ત્યારે પહેલાં રામજીમંદિરમાં ઊતર્યા’તા. બાપજી, આ સત્ય છે? પોતે ત્યાં પધાર્યા, રામજી મંદિરમાં. મેં ગઢડામાં કથા કરી ત્યારે પણ મને ઈતિહાસ કહેલો. જેમણે જેમણે આ ઈતિહાસો કહ્યા છે. આ બધાંનું આવું કહેવું છે, એટલે રામજીમંદિરમાં ભગવાન પધાર્યા અને પછી તો ગઢડાધામ બન્યું. સવાલ જ નથી! અને આખી દુનિયામાં બાપાની પ્રેરણાથી મંદિરો નિર્મિત થયાં. પણ મૂળમાં રામજીમંદિર રહ્યું. અને ભગવાનશ્રીએ એક કહ્યું કે આપણા ઈષ્ટદેવ રાધા-કૃષ્ણ. રાધા-કૃષ્ણ ભગવાનને ઈષ્ટ માનવા એમ કહ્યું, એટલે મને એમ લાગે. ગોમુખ રામજી અને ગંગાસાગર રાધા-કૃષ્ણ. આરંભ રામ અને અંત રાધા-કૃષ્ણ, એની વચ્ચે વહેતો આ એક પ્રવાહ આજે આખા વિશ્વમાં ફરી રહ્યો છે. એનો આપણને આનંદ થાય.

જે વિચારોમાં મૂળ ભુલાઈ જાય, એને પછી નવાં ફૂલ ન ઊગે. ફૂલ ઊગે તો ઉપરથી દેખાવ હોય. પણ એમાં મહેક ન હોય. એમાં પફર્યુમ છાંટવું પડે. એમાં કાંઈક બીજું તત્વ ઉપરથી નાખવું પડે અને એ લાંબો સમય ટકે નહીં સાહેબ! એટલે મને બહુ ગમે કે સહજાનંદબાપા ભગવાન, રામજીમંદિરમાં ગયા અને એમણે ‘શિક્ષાપત્રી’માં રાધા-કૃષ્ણનું લખ્યું. જૂનાગઢમાં એક મંદિર શિવજીનું પેલું કર્યું. પંચદેવ માટેનો એમનો આગ્રહ થયો, અને પંચદેવનો આ મહિમા આદિ શાંકરી પરંપરામાં આવ્યો છે. સૂર્યને પૂજો, ગણેશને પૂજો, હનુમાનજીને પૂજો, વિષ્ણુને પૂજો, શક્તિને પણ, દુર્ગાને પણ એમાં સ્થાન આપ્યું છે. આ બધા દેવોની વંદના કરવાનું આખી શાંકરી પરંપરામાં છે અને ભગવાનશ્રીએ પણ આવું કહ્યું.

મંદિર વિશેના મારા આવા થોડા ખ્યાલો રહ્યા. સુંદર નવનિર્મિત મંદિર નાનકડા એવા મહુવા ગામમાં થયું. આ સંપ્રદાયનું એક સુંદર ધર્મસ્થાન નિર્મિત થયું. લોકોને બહુ જ પ્રેરણા મળશે. બાપાની જે પ્રેરણા છે, બાપાની જે દીર્ધદ્રષ્ટિ છે. આખું જીવન એમણે આવા સત્કર્મમાં વ્યતીત કર્યું છે, અને વિદેશમાં એ છે સાહેબ, કોઈ ઈતિહાસને વીસ વર્ષ આપે છે, તો એનાં નામ બધાં રેકર્ડમાં થવા માંડે કે આખી જિંદગી ઈતિહાસને આપી, કોઈ સાહિત્યને પચીસ વર્ષ આપે તો એનાં નામ મોટા મોટા રેકર્ડમાં જાય કે આટલાં વર્ષ એમણે સાહિત્યને આપ્યાં, કોઈ વળી સંગીતને આપે તો કહે, અગિયાર વર્ષ એમને સંગીતને આપ્યાં. અરે, જેમણે આખાં ને આખાં જીવન સત્કર્મને આપ્યાં હોય એની નોંધ બીજા રેકર્ડમાં કરાવવાની જરૂર નથી, એની નોંધ અસ્તિત્વ લેતું હોય છે. અસ્તિત્વમાં આ બધી વસ્તુ રેકર્ડ થતી હોય છે.

હું મારો રાજીપો વ્યક્ત કરવા આવ્યો છું. આવી શક્યો એનો મને આનંદ પણ છે. આટલા સંતોનાં દર્શન થયાં એનો મને આ બધાં ભાવિકોનાં દર્શન થયાં એનો પણ આનંદ છે. અને મને સાહેબ, સ્વામિનારાયણ મંદિરનો પ્રસાદ બહુ ગમે! ખબર નહીં એમાં આ લોકો શું નાખે છે, મારો નાથ જાણે! તો, બાપાનો બહુ જ સ્નેહાદર છે. આટલી સરળ વ્યક્તિ અને આટલાં મોટા સત્કર્મ કર્યાં, આખું જીવન એમાં સમર્પિત કર્યું. મહુવાને એમણે આવા સુંદર ધર્મસ્થાનનો લાભ આપ્યો, એનો ખૂબ ખૂબ આનંદ છે.

હું આમ, વૈષ્ણવસભામાં જાઉંને તો પુષ્ટિમાર્ગીઓને પૂછી લઉં કે ભાઈ, આમાં ક્યા શબ્દો વપરાય? એમાં સાધુ જાય ત્યારે કહે કે, વિજય કરે છે. હું એક વખત ગયો તો કહે કે, બાપુ વિજય કરે છે. મેં તો કહ્યું, બાપુને શેનો વિજય? મારે તો ‘હારે કો હરિનામ’. પરાજયને પોંખે એનું નામ સાધુ છે. વિજય શેનો? પણ, એમાં આવા શબ્દો હોય, એટલે હું પૂછી લઉં.

એક શે’ર કહીને મારી વાત પૂરી કરું. ઉર્દૂનો શે’ર છે, નગરમાં જેટલાં શરાબખાનાં હોય એને આ દુનિયા લાખ બંધ કરાવી દે, સારું, વ્યસાન ન હોવાં જોઈએ. આ સ્વામીનારાયણબાપાએ શું કામ કર્યું? લોકને વ્યસનમુકત કર્યાં, નાનામાં નાના માણસનો સ્વીકાર કરી એને નહાતાં-ધોતાં કર્યાં તિલક કરતાં કર્યાં, ‘શિક્ષાપત્રી’ અથવા તો ‘વચનામૃત’નો પાઠ કરતાં કર્યાં. અને એમણે આ બધાંને અપનાવ્યા. આ બહુ મોટું કામ છે. એટલે શરાબનું સેવન થાય જ નહીં. વ્યસનોથી મુક્ત થવું જ જોઈએ. પણ શાયર એવું કહે છે કે –

मयखाने लाख बंद कर दे जमानेंवाले,
नगर में ओर भी है कुछ नजरों से पिलानेवाले ।

શરાબખાનાં બંધ થઈ જાય, ચિંતા નહીં, હજી આપણા સમાજમાં દ્રષ્ટિથી, કૃપાદ્રષ્ટિથી, પ્રેરણાદ્રષ્ટિથી પાવન આંતરિક પવિત્રતા દ્વારા હજી પણ લોકોને પ્રેમ, જ્ઞાન, સાધનાની મસ્તી આપનારા જ્યાં સુધી મહાપુરુષો આપણી પાસે હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, એને દ્વેષમુક્ત ચિત્તથી આપણે સ્વીકારીએ. જે દિવસે દ્વેષ આવ્યો તે દિવસે કોઈ પણ ઊંચાં પદ હશે એ બધાં નીચાં જશે!

‘ભગવદ્દગીતા’માં તો સંન્યાસની વ્યાખ્યા જ આ કરી. ભગવાન કૃષ્ણની સંન્યાસની આ વ્યાખ્યા અદ્દભુત છે. પાંચ હજાર વર્ષ પહેલાં અને આપણા સંપ્રદાયના તો મૂળ ઇષ્ટદેવ, રાધા-કૃષ્ણ ભગવાન એનાં મૂળ, એનો ગંગાસાગર, એ કૃષ્ણ એવું બોલે છે કે –

ज्ञेयः स नित्यसंन्यासी यो न द्धेष्टि न कांक्षति ।

અર્જુન, જેને તું રોજ, નિરંતર ચોવીસ કલાક, કોઈ પણ કપડામાં હોય, સંન્યાસી માન. જેને કોઈની પાસેથી કાંઈ પણ જોઈતું નથી અને જેના ચિત્તમાં કોઈના પ્રત્યે દ્વેષ નથી, એને તું કાયમ સંન્યાસી માનજે. દ્વેષમુક્ત ચિત્તથી આપણે એકઠાં પણ થઈએ અને એક પણ થઈએ. પુનઃ એક વાર મારી પ્રસન્નતા વ્યકત કરીને આપ સૌને મારાં પ્રણામ. જય સ્વામીનારાયણ.

(મહુવામાં બી.એ.પી.એસ. ના સ્વામીનારાયણ મંદિરના ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન તા. ૧૬-૦૨-૨૦૧૪ના રોજ અપાયેલું વક્તવ્ય. સંકલનઃ નીતિન વડગામા)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “મંદિર દર્શનનું કેન્દ્ર હોય, પ્રદર્શનનું કેન્દ્ર ન હોય – મોરારિબાપુ”

Copy Protected by Chetan's WP-Copyprotect.