બાળકોના હસ્તે રંગાયા કૃષ્ણજીવનના રંગો – કૌશિક પટેલ ‘માલવણિયા’

(‘બાળલીલા-કૃષ્ણલીલા’ પુસ્તકમાંથી સાભાર. અહીં ૯મા બાળચિત્ર પ્રદર્શનની એક ઝલક આપવામાં આવી છે. પુસ્તકની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

કવિવર અને ચિત્રકાર રવિન્દ્રનાથ ટાગોરે એક વખત કહ્યું હતું કે, ‘ઈશ્વર હજી પણ આ પૃથ્વી પર બાળકો મોકલે છે એ બાબત જણાવે છે કે ઈશ્વરે હજી મનુષ્ય જાતિમાંથી શ્રધ્ધા ગુમાવી નથી.’ બાળકો આ પૃથ્વીનો સૌથી મોટો શણગાર છે. બાળકોને કોઈ પ્રભુના પયગંબર કહે છે તો કોઈ તેને પતંગિયા તરીકે ઓળખે છે. બાળકો પોતે જ ઈશ્વરની એક ઉત્તમ કલાકૃતિ હોય ત્યારે તેમની પાસે કલાસાધના કરાવાય ત્યારે કેટલા સુંદર પરિણામો આવે ? કલા પોતે જ કલાની સાધના કરે ત્યારે સુંદર પરિણામ જ આવે.

ઘણાં વર્ષોથી અમદાવાદના ચિત્રકાર અને ચિત્રશિક્ષક શ્રી કૌશિક પટેલ “માલવણિયા” ઈશ્વરની કૃતિ પાસે કલાસાધના કરાવવાનું ઉત્તમ કામ કરી રહ્યા છે. કામ કરવું અને જુદી અને શ્રેષ્ઠ રીતે કરવું તે તેમની સંસ્થા “ક્રિષ્ના કલા કલમ” નું લક્ષ્ય છે. બાળકો પાસે વિવિધ વિષયો પર સુંદર અને મનોહર ચિત્રોનું સર્જન કરાવી તે ચિત્રોના પ્રદર્શનો યોજે છે. લગભગ ૧૯૯૩ થી એટલે કે લગભગ ૨૧ વર્ષથી આ પ્રવૃત્તિ કરાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આઠેક બાળચિત્ર પ્રદર્શનોના આયોજનો સંસ્થાના નામ નીચે કરી ચૂક્યા છે. જેવા કે, ‘સંસ્કૃતિના અણમોલ રત્નો-૨૦૦૨’, ‘મેઘધનુષની રંગછટા-૨૦૦૩’, ‘કન્યા કલાવૈભવ-૨૦૦૭’, ‘સર્જન શોધ્યા બાલહસ્તેઃ રામાયણ-૨૦૦૯’, ‘ઉત્સવપ્રિય ગુજરાત’ અને ‘બાળ સર્જકોનું મનોરાજ્યઃ મહાભારત-૨૦૧૨’. બાળકો પાસે સુંદર વિષયો પર સુંદર કામ કરવાની અને સમાજ સમક્ષ આ કામને રજૂ કરવાની ટેવ જ પડી ગઈ છે. એ ટેવ આજે તો પરંપરા બની ગઈ છે. તમામ પ્રદર્શનની એક પ્રદર્શન-સ્મરણિકાનું પ્રકાશન તો ખરું જ.

શ્રાવણ મહિનો એટલે શિવ કૃષ્ણને ભજવાનો મહિનો. શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરીને અને શિવના નામનો નામોત્સવનું ગુણગાન ગાઈને આનંદ લૂંટવામાં આવે છે. શ્રાવણ માસમાં કલાકારના શ્રીકૃષ્ણના ચિત્રોની કલાકારીને માણીએ.

આ વર્ષે થોડા મહિના પહેલા અમદાવાદની કનોરિયા ગેલેરી ફોર આર્ટમાં શ્રીકૃષ્ણના જીવન આધારિત “ક્રિષ્ણા કલમ સંસ્થા”એ ‘બાળલીલા-કૃષ્ણલીલા’ નામનું એક નવમું બાળચિત્ર પ્રદર્શનનું આયોજન કરેલું. નવામાં નવું કરવાની ટેવવાળા આયોજક શ્રી કૌશિક પટેલ ‘માલવણિયા’ આ પ્રદર્શનને એક નવી રીતે રજુ કરેલું. ૭થી૧૭ વર્ષની ઉંમરના ૨૩ બાળ કલાકારો પાસે ૪૬ જેટલા ચિત્રો કરાવેલાં. બિહાર રાજયના મિથિલા પ્રદેશની મધુબની ચિત્રશૈલીમાં તૈયાર કરેલ ચિત્રો મનોહર લાગતા હતા. આ એક ઉત્તમ અને ઉમદા પ્રયાસથી ગુજરાતમાં રહેતા બાળકોને બીજા પ્રદેશની ચિત્રશૈલીનો અનુભવ મળેલો. પ્લાસ્ટીક ક્રેયોન, પેન્સિલ કલર અને ઈંક પેનના માધ્યમ વડે તૈયાર પામેલી ચિત્રકૃતિઓ નિહાળવી એ ઉત્તમ લ્હાવો હતો.

કૃષ્ણ જન્મ, પુતનાવધ, માખણચોર કાનુડો, રાધા કૃષ્ણની પ્રેમલીલા, ચીરહરણ, ગોવર્ધન લીલા, નાગદમન, કંસવધ અને કૃષ્ણ સુદામાની મૈત્રી જેવા વિષયોને આવરી લેવામાં આવેલા.

આ પ્રદર્શન જરાક જુદી રીતે અને શ્રેષ્ઠ રીતે રજુ કરવામાં આવેલું. શ્રી કૌશિક પટેલ ‘માલવણિયા’ એ બાળકો પાસેથી મધુબની ચિત્રશૈલીમાં સર્જન કરાવી, ગુજરાતના નામી-અનામી કવિઓ પાસે ચિત્ર નીચે બે કાવ્ય પંક્તિઓ લખાવેલી. હર્ષ બ્રહ્મભટ્ટ, અંકિત ત્રિવેદી, યશવંત મહેતા, ડૉ. હર્ષદેવ માધવ, નટવર પટેલ, લતા હિરાણી, પાર્થિવી-અધ્યારૂ શાહ, અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ અને ઋષિરાજ જાની એ બાળ કલાકારોને પ્રોત્સાહિત કરવા પોતાની કલમનો લાભ આપેલો. આમ, બાળકોના ચિત્ર સર્જનમાં ઉમેરાયું કાવ્ય સર્જન. આ રીતે બે કલાઓનું મિલન કરાવવાનો પ્રયાસ ઉત્તમ અને પ્રેરક પુરવાર બનેલો. આ જ ચિત્રો-કાવ્યોના સંગ્રહને એક સુંદર પુસ્તકમાં કંડારવામાં આવેલું. કોઈપણ આંતરરાષ્ટ્રીય પ્રકાશનની પંગતમાં માનભેર બેસી શકે તેવી તેની ગુણવત્તા હતી. કલાત્મક અને આકર્ષક પુસ્તક બાળકો માટે એક સોનેરી સંભારણું બની જશે.

બાળ સર્જકોના આ નવીન અને નોખા પ્રદર્શનના ઉદ્દઘાટન પ્રસંગે શ્રી પ્રદ્યુમન વ્યાસ (ડીરેક્ટર, એન.આઈ. અમદાવાદ), શ્રી રતિલાલ કાંસોદરિયા (ખ્યાતનામ શિલ્પકાર), શ્રી સૌમિલ મુન્શી (પ્રખ્યાત સંગીતકાર, ગાયક), શ્રી દિનેશ ગુપ્તા (અગ્રગણ્ય સમાજસેવક) અને જાણીતા ચિત્રકાર જય પંચોલી આવી પહોંચેલા. જેમની હાજરીથી બાળ કલાકારોના મુખ મલકી ઉઠેલા. ઉત્સાહમાં અનેરો વધારો દેખાતો હતો.

તારીખ ૧ મે ૨૦૧૪ થી ૪ મે ૨૦૧૪ સુધી કનોરિયા ગેલેરી ફોર આર્ટમાં ચાલેલા આ બાળચિત્ર પ્રદર્શનને નિહાળવા અમદાવાદના સેંકડો કલારસિકો ઉમટી પડેલા. જાણીતા કવિઓ, સાહિત્યકારોમાં હર્ષ બ્રહ્મભટ્ટ, અંકિત ત્રિવેદી, યશવંત મહેતા, ડૉ. હર્ષદેવ માધવ, નટવર પટેલ, લતા હિરાણી, પાર્થિવી-અધ્યારૂ શાહ, અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, બાબુભાઈ સોલંકી, રાવજીભાઈ પટેલ, પરમાનંદ ગાંધી, રમેશ તન્નાએ પણ પ્રદર્શનની મુલાકાત લીધેલી. મનહર કાપડીયા, દેવાંગ વ્યાસ, પ્રશાંત પટેલ, સુરેન્દ્ર પટેલ, દિનુ પટેલ જેવા ચિત્રકારોએ ઉપસ્થિત રહીને બાળ કલાકારોન્વ પ્રોત્સાહિત કર્યાં હતા. સ્વામિની સુલભાનંદ સરસ્વતી, ચિરાગ ત્રિપાઠી, જાગૃત પટેલ-રૂબિ જાગૃત, ભાવેશ શુક્લ, ગાયત્રી ત્રિવેદી, નૈષદ પુરાણી, કમલેશ નાણાવટી જેવા મહાનુભવોની હાજરી પણ બાળકોનો ઉત્સાહ વધારતી દેખાતી હતી.

આજના વેગીલા પ્રવાહમાં વહી જતા આપણા બાળકોને આપણી સંસ્કૃતિના અણમોલ ખજાનાથી વાકેફ કરવાનો આ ઉત્તમ પ્રયાસ હતો. જે બાળકોએ આ પ્રદર્શનમાં ભાગ નથી લેતાં – ચિત્રકારો નથી એમને માટે પ્રદર્શન જોવાની પણ અદ્દભુત તક હતી. વાલીઓ માટે પણ ઉત્તમ સમય હતો.

આ નવમાં બાળચિત્ર પ્રદર્શનનો ખરો યશ તો ચિત્રના સર્જકને ફાળે જ જાય છે. કવિતા લખી આપનાર કવિ અને આયોજકને પણ બિરદાવવા જ રહ્યા. રનેન પટેલ, શ્રીયા પટેલ, દૈવિક પટેલ, મિલી પટેલ, આસ્થા પટેલ, ક્રિયાંશી પટેલ, જૈવલ શાહ, સાહિર શાહ, શિમોની શાહ, ભાવિશા ગાંધી, આકાંક્ષા ગાંધી, દ્વિજા કક્કડ, જય મૂર્તિ, વરુણ શુક્લા, વંશિકા પરીખ, પ્રથમ પંચાલ, વિધિ શાહ, કાવ્યા ઝવેરી, એશના ખાંડવાલા, આસ્થા ચાંદીવાલા, આશની ઠાકોર, નિલિકા ભગત અને સોનાલી સુરતી. આ પ્રદર્શનના ભાગીદાર ચિત્રકારોની કીર્તિ વિશ્વસ્તરે ખીલે એવી શુભકામનાઓ.

[પુસ્તકનું નામઃ ‘બાળલીલા-કૃષ્ણલીલા’, પ્રકાશક-સંપાદકઃ કૌશિક પટેલ “માલવણિયા’, અમદાવાદ, કિંમત રૂ. ૨૫૦/- ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “બાળકોના હસ્તે રંગાયા કૃષ્ણજીવનના રંગો – કૌશિક પટેલ ‘માલવણિયા’”

Copy Protected by Chetan's WP-Copyprotect.