અવગણનાનો પાયો ! – હરેશ ધોળકિયા

(‘નવચેતન’ સામયિકમાંથી સાભાર)

એક જૂની વિદ્યાર્થીનીના ઘેર બેઠાં છીએ. બહાર અભ્યાસ કરે છે. રજાઓમાં આવી છે. તેનાં માતા-પિતા પણ સાથે જ બેઠાંછે. વાતો ચાલે છે. માતા દીકરીની ફરિયાદ કરે છે કે – “જુઓને, આ છોકરી આવતી જ નથી. જ્યારે પણ રજાઓ આવે છે, ત્યારે અમે તેને સતત ફોન કરીએ છીએ કે બેટા, આવી જા. બે ચાર દિવસ રહી જા. મજા આવશે. પણ તે માનતી જ નથી. કહે છે કે અહીં બહુ કામ છે. અમે કહીએ છીએ કે રજામાં શું કામ હોય ? સંસ્થા પણ બંધ હોય. પણ નથી માનતી અને રજાઓમાં પણ ત્યાં એકલી રહે છે, પણ અહીં નથી આવતી. સમજણ નથી પડતી કે શું કરવું !”

વિદ્યાર્થિની સામે જોતાં તે કહે છે, “પણ અહીં આવીને શું કરવું ? અહીં આવું તો વાંચી નથી શકાતું. અને અમારાથી એક મિનિટ પણ બગાડાય તેમ નથી. ત્યાં લાઈબ્રેરીમાં બેસી વાંચી શકાય છે. અને અહીં આવું તો આ મમ્મી સતત કહ્યા કરે કે આવી છે તો કાકાને મળી આવ કે મામાને મળી આવ કે ફલાણું કામ કરી આવ. એક પળ નવરી બેસવા નથી દેતી કે વાંચી શકું. અને બીજી વાત. કદાચ નવરી બેઠી હોઉં તો બસ, કહ્યા કરે કે હવે કેટલું ભણીશ ? હવે તારે સગાઈ કરી લેવી જોઈએ. અને પછી નવા નવા છોકરાઓ બતાવ્યા કરે. અને કેવા છોકરાઓ ? જે કાં તો ભણ્યા જ નથી કે તદ્દન ઓછું ભણ્યા છે. હું તો બહુ મોટી પરીક્ષાઓની તૈયારી કરું છું અને લગભગ અભણ છોકરાને પરણું ? અને સાચી વાત તો એ છે કે લગ્ન વગેરેનો વિચાર કરવાની મારી પાસે ફુરસદ જ નથી. ના પાડું, તો મમ્મી-પપ્પા ગુસ્સે થાય છે અને આખો દિવસ સંભળાવ્યા કરે છે, ટોક્યા કરે છે. એટલે અહીં આવું તો મારો બધો જ સમય કાં તો સગાંઓને મળવામાં જાય અથવા તો મમ્મીની ટીકાઓ અને ફરિયાદો સાંભળવામાં ચાલ્યો જાય. માટે હું નથી આવતી.”

દ્રશ્ય બીજું. એક મિત્રની પુત્રીના સાસરે બેઠાં છીએ. આમ તો તે છોકરી અને તેનો પતિ જ રહે છે. ક્યારેક છોકરાનાં માતા-પિતા આવે છે. અત્યારે માતા-પિતા એટલે કે છોકરીનાં સાસુસસરા આવેલ છે. તે પણ સાથે બેઠાં છે. સાસુ અમને સંબોધીને બોલે છે, “ભાઈ, આ વહુને સમજાવો. તેને અમે આવીએ તે નથી ગમતું. અમારી સાથે નથી ફાવતું. તે અમારા સાથે સારું વર્તન નથી કરતી. નથી બજાર ચાલતી. નથી અમારા પૌત્રને રમાડવા દેતી. પરિણામે અમને પણ આવવું નથી ગમતું. ક્યારેક જ આવીએ છીએ. અમારો દીકરો પણ તેને વશ થઈ ગયો છે. શું કરવું અમારે ?”

છોકરી સામે જોતાં તે બોલી, “મારાં સાસુ કહે છે તેમાં અતિશયોક્તિ છે. એવું નથી કે તે આવે તે અમને નથી ગમતું. અમને પણ અહીં રહે તે ગમે છે. પણ એ આવીને શાંતિથી નથી રહેતાં. તે મારા પર સત્તા જમાવવા માગે છે. દીકરા પર તો તેમનો કાબૂ છે જ, સાથે મારા પર કાબૂ જમાવવા માગે છે. હું તે શાંતિથી રહે તો વાંધો ન લઉં, પણ આવીને સત્તા જમાવે અને સતત ટીકા-ટિપ્પણ કર્યા કરે એ જરા પણ પસંદ ન કરું. સવારથી દરેક બાબતમાં પોતે કહે તેવું જ થાય એમ ઈચ્છતાં હોય છે તે. તેમને હું જબરી દાદાગીરી કરતી – લાગું છું, કારણ કે હું તેમને સ્પષ્ટ કહું છું કે શાંતિથી ગમે તેટલું રહો, પણ અમારી જિંદગીમાં ડખલ ન કરો. હવે અમે સ્વતંત્ર છીએ. અમારાં સંતાનને એવી રીતે ઉછેરવાનો પ્રયત્ન કરે છે કે તે બગડી જાય. વધારે પડતાં લાડ કરે છે. બિનજરૂરી ખવડાવ્યા કરે છે. હું તે ન ચલાવું. અમારે તેને અત્યારથી તાલીમ આપી તૈયાર કરવાનો છે અને સ્વાવલંબી બનાવવો છે. પણ સાસુજી તો તેને બધું જ કામ કરી આપી પરતંત્ર બનાવે છે. એ તો કેમ ચાલે ! મારા પતિને પણ જન્મથી તેમણે પરતંત્ર બનાવ્યા છે. પોતાના કાબૂમાં રાખ્યા છે. હવે પહેલી વાર તે સ્વતંત્ર થયા છે અને રિલેક્સ થયા છે. તે તેમને નથી ગમતું. અહીં આવીને પણ તે તેને કાબૂમાં રાખવા માગે છે. હું તેમ કરવા તેમને ના પાડું છું અને હવે તો પતિ પણ સમજે છે અને વિરોધ કરે છે. તો સાસુને લાગે છે કે પતિને મેં બગાડ્યા છે. મને જ તે સતત દોષ આપે છે. પોતાને કાબૂમાં રાખવા પતિ પાસેથી પૈસા માગે છે અને સતત બિનજરૂરી ખરીદી કર્યા કરે છે. થોડો વખત મેં ચલાવ્યું, પણ અમારા પાસે કંઈ પૈસા વધારાના નથી. અમે કરકસરથી રહીએ છીએ. ત્યારે આ વ્યર્થ ખરીદી અમારા બજેટમાં ગાબડું પાડે છે. માટે તેમને ના પાડું છું અને પતિ પણ ના પાડે છે. સવારથી સતત બોલબોલ કર્યા કરે છે. પડોશમાં પણ જઈ મારા વિરુદ્ધ બોલ્યા કરે છે. અમારી દરેક બાબતમાં માથું માર્યા કરે છે. માટે હું સ્પષ્ટ કહીં દઉં છું.”

“પણ મારા દીકરાને હું કહી ન શકું ?” સાસુ ગર્જ્યાં.

“તમારો દીકરો કશું ખોટું કરતો હોય તો ચોક્કસ કહો. પણ તે તો વ્યવસ્થિત છે. વિકાસ કરવાનો પ્રયાસ કરે છે. પહેલી વાર સ્વાવલંબી બનવાનો પ્રયાસ કરે છે. પોતાની રીતે જીવવાનો પ્રયાસ કરે છે. તેને શું સ્વતંત્ર રહેવાનો હક નથી ? હવે તે મોટો થઈ ગયો છે તે કેમ નથી સમજતાં ? તેની ચિંતા કરનાર હું છું. તમે જ મને તે માટે લઈ આવ્યાં છો. તો શા માટે ડખલ કરો છો ?” છોકરીએ જવાબ આપ્યો.

પણ સાસુ ન જ મન્યાં અને છોકરીની સતત ટીકા અને નિંદા કરતાં જ રહ્યાં.

આજે નવી પેઢી પર આક્ષેપ કરાય છે કે તેઓ વડીલોની મર્યાદા નથી રાખતાં. તેમને અવગણે છે.

આ આક્ષેપ સાચો છે ?

આ બે પ્રસંગો તેના જવાબ છે. જૂની પેઢી નવી પેઢી પાર પોતાનો કાબૂ – વડીલવાદ – છોડવા તૈયાર નથી. તેને સ્વતંત્ર થવા દેવા નથી માંગતી. આવનાર છોકરી કે છોકરા પર પણ કાબૂ રાખવા માગે છે. તેઓ ઈચ્છે તેમ જ રહેવાનો આગ્રહ રાખે છે. તેમને જરા પણ સ્વતંત્ર થવા દેવા નથી માંગતાં. અરે, પછીની પેઢી – પૌત્ર કે દોહિત્ર – પર પણ સત્તા રાખવા માગે છે. તે જોતાં નથી કે નવી પેઢીને સ્વતંત્રતા પસંદ છે. તેઓ વડીલોનું માન રાખવા જરૂર ઈચ્છે છે. તેમને જરા પણ અવગણવાની તેમની ઈચ્છા નથી. પણ સ્વતંત્રતાના ભોગે નહીં. વડીલોની સલાહ પણ તેઓ ઈચ્છે છે. માર્ગદર્શન પણ ઈચ્છે છે. સાથે રાખવા પણ ઈચ્છે છે. એક શરત સાથે કે સલાહ આપી, માર્ગદર્શન આપી પછી તે અપનાવવાનો આગ્રહ ના રાખે. તે બાબતે સ્વતંત્રતા આપે. ભૂલ થાય તો જરૂર કહે, પણ તે સલાહ હોય, આજ્ઞા ન હોય. કદાચ ન માને તો ચૂપ રહે. તેને ભૂલ કરવાની સ્વતંત્રતા આપે. સતત ન ટોકે, ન ટીકા કરે. તેમેનો જમાનો જ ઉત્તમ હતો તેવું ન કહ્યા કરે. અત્યારે પણ ઉત્તમ જ છે. અથવા જેવું છે તેવું જીવવાની સ્વતંત્રતા આપે. જ્ઞાતિ, રિવાજો, પરંપરાઓ વગેરે ફરજિયાત પાળવાનો દુરાગ્રહ ન રાખે. તટસ્થતાથી સંતાનો સાથે રહે, તો સંતાનોને જરા પણ વાંધો નથી. સંતાનોને પ્રેમ પસંદ છે, દાદાગીરી પસંદ નથી. આ દાદાગીરી જ વડીલોને હેરાન કરે છે અને સંતાનોનો પ્રેમ પામવામાં નડતરરૂપ થાય છે. વડીલો પોતાની મર્યાદાઓ નથી જોતા કે સમજતા અને માત્ર નવી પેઢીને જ દોષ આપે છે.

નવી પેઢી પણ આખરે તો ભારતીય સંસ્કારોવાળી જ છે. તેમને પણ વડીલો ગમે છે. તેમનો પ્રેમ-વ્હાલ જોઈએ છીએ. માર્ગદર્શન જોઈએ છીએ. તેમના સાથે પણ રહેવું છે. પણ “હવે” તેમની દાદાગીરી જરા પણ પસંદ નથી. સ્વસ્થ અને તટસ્થા રહે તેટલું માગે છે. અને જો વડીલો એમ ન વર્તે, તો સંતાનો સાથે રહેવા તૈયાર નથી. તેઓ હવે, જૂની પેઢી જેમ, પરતંત્ર નથી. સરસ કમાય છે. સ્વતંત્રતાથી રહી શકે છે. એટલે જો વડીલો ડખો કર્યા કરે તો શાંતિથી તેમને દૂર કરી દે છે. છતાં તેઓ, મોટા ભાગે, સંબંધ તો ચાલુ જ રાખે છે. મળે છે. ધ્યાન રાખે છે. છાપામાં આવતા અવગણનાના બનાવો અપવાદરૂપ છે. મોટા ભાગનાં સંતાનો બરાબર ખ્યાલ રાખે છે. હેરાન થઈને પણ. સવાલ વડીલોનાં વર્તન અને વલણનો છે. તેમને વાનપ્રસ્થમાં અને સંન્યાસ આશ્રમમાં રહેવાનું છે. શાંતિથી રહેવાનું છે. નવી પેઢીને કોઈ જ બાબતમાં દખલ કરવાની નથી. સલાહ માગે તો તટસ્થતાથી આપી છૂટી જવાનું છે. ન માગે તો જેમ રહે તે જોયા કરવાનું છે. જો તેઓ સ્વસ્થતાથી અને તટસ્થતાથી રહેશે, તો નવી પેઢી તેમને માન તો આપશે જ, સાથે ખૂબ સરસ રીતે રાખશે.

નવી પેઢી જ્યાં ખોટું કરતી હોય ત્યાં ચોક્કસ સૂચવવાનું છે, પણ જો તેઓ સ્વતંત્રતાથી રહેવા માંગતી હોય, તો તેમાં આડું નથી આવવાનું. નવી પેઢી જો તેમનાથી ભાગતી હોય તો તેની ટીકા કરવાને બદલે પોતાની કોઈ મર્યાદા નથી તે તપાસવાનું છે. અને જ્યારે દીકરી ભાગે, જે તો આત્યંતિક પ્રેમાળ હોય છે, ત્યારે તો ખાસ આત્મસંશોધન કરવાનું છે.

એકવીસમી સદીમાં સ્વતંત્રતા અને સ્વમાન મહત્ત્વની બાબતો છે. તે જો જાળવવામાં આવશે તો કોઈ જ અપમાન કે અવગણના નહીં કરે.

– હરેશ ધોળકિયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “અવગણનાનો પાયો ! – હરેશ ધોળકિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.