આનંદની પહેચાન – સ્વામી બ્રહ્મવેદાંતજી

(‘સ્વનિરીક્ષણ’ પુસ્તકમાંથી સાભાર)

આપણે જ્યારે ભીતરમાં જોઈએ છીએ ત્યારે અંદર ક્રોધ દેખાય છે. ઈર્ષા દેખાય છે, ચિંતા દેખાય છે, વિચારોની ધમાલ દેખાય છે. અંદર ઊતરવા જઈ છીએ તો આ બધાથી ગભરાઈને બહાર આવી જઈએ છીએ. ધરતીના પેટાળમાં પાણીના ઝરા છે. પણ ખેડૂત કૂવો ગાળવા જાય ત્યારે પહેલાં માટી અને પથરા નીકળે છે. ક્યારેક પોચી માટી નીકળે અને ક્યારેક કાળમીંઢ પથરા નીકળે જેને ટોટાથી ફોડવા પડે. આમાં નવો નવો અજાણ્યો ખેડૂત મૂંઝાઈ જાય. શરૂમાં આઠ-દસ ફૂટ પોચી માટી આવતી હોય ત્યાં સુધી મહેનત કરવની મજા આવે, પછી જ્યારે કઠણ જમીન આવે ત્યારે અઘરું પડે. પાણીનું શાસ્ત્ર એમ કહે છે કે કઠણ જમીન આવે તો પાણી આવે તો પાણી ઉપર હોય. દરેક ભૂમિનાં તળ અલગ અલગ હોય છે.

આપણી અંદર પણ આવું ઘણું બધું છે. નાનીમોટી ગાંઠો પડેલી છે. અપમાન અને મહેણાં-ટોણાંની ગાંઠો પડેલી છે. અધૂરી વાસનાઓની ગાંઠો પડેલી છે. આવું તો ઘણું બધું છે, અને નથી તો અંદર ઊતરાતું કે નથી ઊંડું ખોદાતું. આત્માની ખોજમાં નીકળીએ અને ગાંઠ આવી જાય છે. આપણે એમાં ને એમાં ગૂંગળાયા કરીએ છીએ. આ ગાંઠોને ધીરે ધીરે ઓગાળવી પડે. આ ગાંઠોને કેમ ઓગળવી ? આ માટે યોગ્ય પ્રયત્ન જોઈએ. જો યોગ્ય ગુરુ હોય તો ટોટો મૂકી, ધડાકો કરીને ગાંઠ ઓગાળી નાખે. આ બધું કામ જાણકારોનું છે.

આપણી સૌથી મોટી ગાંઠ હતી કે ભગવાં કેમ પહેરાય ? રોજ બની- ઠનીને ગામમાં નીકળતા હોઈએ. આબરૂ મોટી હોય. વળી ભણેલા-ગણેલા વધારે હોઈએ તો બાટલીમાં પંખી વધારે મોટું થઈ ગયું હોય ! અને આખરે મોટી આબરૂ છે શું ? આ આબરૂ કેવી કે ભગવાં પહેરવાથી નીકળી જાય ? કોઈના ઘરમાં ચોરી કરી હોય, ક્યાંક બળાત્કાર કર્યો હોય, કોઈ ખૂન-ખરાબા કર્યા હોય અને આબરૂ નીકળી જાય તો હજુએ સમજાય, ભગવાં પહેરવાથી નીકળી જાય એ આબરૂ કેવી ? આ ગાંઠ કાઢવી કેવી રેતે ? જેણે સંન્યાસ લીધો છે એને વાંધો નથી, પણા બીજા માટે કોઈકે ટોટો ફોડવો પડે.

પણ અંદરનો પ્રપંચ અટપટો છે. એક ગાંઠ નીકળી જાય અને જીવમાં બીજી ગાંઠ પડી જાય. અને આનાથી તો સંસાર ચાલે છે. જીવને ગાંઠ વાળવાની ટેવ પડેલી છે. આપણે ત્યાં લગ્નના સંસ્કારમાં ગાંઠ પાડવામાં આવે છે. અને આપણી અંદર એક પણ સંબંધ એવો છે જ્યાં ગાંઠ ન હોય ? જ્યારે ભીતરમાં આત્માની ખોજમાં નીકળીએ ત્યારે આ બધી ગાંઠો આડી આવે છે. વહેવારના સંબંધોની કેટલીક ગાંઠો સહેલાઈથી છૂટી જાય છે, પણ કેટલીક ગાંઠો ટોટો ફોડવાથી જ છૂટે છે. ગાંઠ તૂટે ત્યારે ઘણી પીડા થાય છે. ગુરુ હાજર હોય તો નાનીમોટી ગાંઠ કાઢી નાખે છે અને ગુરુ હાજર ન હોય તો એ કામ કુદરત કરે છે.

આપણે ગાંઠને ભક્તિ માનીએ છીએ. આસક્તિને ભક્તિ સમજીએ છીએ. ગાંઠ પડે છે ત્યારે ખોજની બહારની તરફ જાય છે. આપણે ભીતરમાં સદ્દગુરુને ઓળખી લઈએ. તત્ત્વ તો ત્યાં જ છે. આ છે યોગ્ય પ્રયત્ન. અને પછી વાત છે યોગ્ય પહેચાનની. જેમ જેમ સતત ઊંડા ઊતરતા જઈએ તેમ તેમ હર ક્ષણે અસલી-નકલી સામે આવે છે. એક બાજુ આસક્તિ હોય અને બીજી બાજુ ભક્તિ હોય. બહાર વહેવારના જગતમાં સોનું છે અને પિત્તળ પણ છે. આપણને લાગે છે કે પીળું એટલું સોનું. કસી જોઈએ ત્યારે ખબર પડે કે સોનામાં અને પિત્તળમાં શું ભેદ છે.

આપણે કીર્તન કરી, ધ્યાનની વિધિઓ કરીએ અને એવું લાગે કે મોજ-મજા-આનંદ આવી ગયો ! એ આનંદ છે કે સુખ છે તે નક્કી કેમ કરવું ? આ સોના અને પિત્તળ જેવી વાત છે. એક સુખ વાસ્તવિક હોય છે અને એક સુખ તે દુઃખના અભાવનું સુખ હોય છે. આનંદ શું છે ? સાધક ક્યારેક દુઃખ યા તનાવના અભાવને આનંદ માની લે છે. અતિશય મહેનત પછીની નિરાંત યા સક્રિય ધ્યાન કે કીર્તન-નાચથી થાક્યા પછીની સ્થિતિને આનંદ માની લે છે. શરીર અને મનને એ સ્થિતિ ગમે છે; પણ એ આનંદ નથી. આનંદ તો સહજ અવસ્થામાંથી પ્રગટે છે.

પહેલાં તો આ સહજ અવસ્થાને ઓળખવી જોઈએ. ઘણા સાધકોને સવારે સક્રિય ધ્યાન ન કરે તો ગમતું નથી. કોઈને સેવાપૂજા વિના, તો ઘણાને ઓશોની ટેપ સાંભળ્યા વિના ચેન પડતું નથી. એક ટેવ પડી ગઈ હોય છે. અલબત્ત ટેવ ખોટી છે એમ નથી, પણ ટેવ એ ટેવ છે. જીવ જુદી જુદી રીતે ફસાતો જાય છે. એને આનંદની ખોજ કરવી છે પણ એની પહેચાન નથી. અસલી કે નકલી આનંદની પહેચાન નથી. આનંદની પહેચાન એ છે કે જે વધતો જાય અને તેમાં વિકાર ન આવે. સાધક ધ્યાન કરે છે ત્યારે શરૂમાં મજા આવે છે. મજા આવે એટલે ઓર વધારે ધ્યાન કરે. આ મજા છે તે આનંદ નથી. વધારે ને વધારે ધ્યાન કરે એટલે પછી એની મજા ઊડવા માંડે. પછી કોઈ ધરાર ધ્યાન કરાવે, ગુરુ યા બીજા કહે એટલે કરે ખરો પણ પછી મજા ન આવે. ધીરે ધીરે સ્થિતિ એવી આવે કે પછી ધ્યાનનું નામ ન લે. અને ત્યારે ખ્યાલ આવે કે જાણે-અજાણે પોતાની જાત ઉપર અત્યાચાર કર્યો છે, અને નકલી માર્ગ પર ફસાઈ ગયો છે. ઘડીકના સુખને આનંદ માની બેઠો છે.

તો આનંદની પહેચાન એ છે કે એ હંમેશાં વધતો જાય. તેની વિરુદ્ધની સ્થિતિ નથી. કુદરતના નિયમો અટપટા છે. રાત્રે નીંદરમાં આનંદની અનુભૂતિ થાય છે. ખરેખર ઊંઘ આવતી હોય તો ખાવાનું, પીવાનું બધું છોડી દઈએ છીએ. નીંદરથી કંટાળીશું નહીં. ગમતું જાય એ આનંદની સ્થિતિનો કુદરતનો પ્રપંચ છે. નીંદર એની મેળે આવે છે, તે લાવી શકાતી નથી. જો લાવી શકાય તો તેને સમાધિ કહે. નીંદર લાવવી એ સમાધિ અવસ્થાનો સભાન પ્રયત્ન છે. સમાધિ અવસ્થામાં આનંદ છે. ધ્યાનની અવસ્થામાં આનંદ છે. ધ્યાનની વિધિથી ધ્યાનાવસ્થા આવવી હોય તો આવે, નહીં તો તેનાથી સુખના રસ્તે સરકી જવાય અને ગોટાળો થઈ જાય. એની યોગ્ય પહેચાન માટે અનુભવ ઈશારો જોઈએ કે આ સુખની સ્થિતિ છે.

આનંદની સ્થિતિ છે એ અલગ છે. ધ્યાન અવસ્થા છે એ સ્થિતિ અલગ છે. કારણ એ છે કે આત્મા આનંદ સ્વરૂપ છે. ચિત્ત છે ત્યાં સુખ અને દુઃખ છે. જેમ કે શરીર છે અને શરીરનો પડછાયો છે. એ બંને અલગ છે. પડછાયો લાંબો કે ટૂંકો થાય, પણ શરીર એવું જ રહે છે. એ જ રીતે ચૈતન્ય પણ એવું ને એવું રહે છે. ચિત્તમાં વધઘટ થાય, ચૈતન્યમાં કોઈ ફેર પડે નહીં. ભીતરમાં વધઘટ થયા કરે તો સમજવું કે ચિત્તનો પ્રદેશ છે. જાગરણ માટે હજી વધારે ઊંડા ઊતરવું પડશે.

અસલી અને નકલીની પહેચાન માટે જે જરૂરી છે એને વિવેક કહ્યો છે. બુદ્ધિ છે, પણ એ વિવેક નથી, પરખશક્તિ નથી. બુદ્ધિ નિર્ણય કરે, પણ પરખ વિનાની નિર્ણયશક્તિ આંધળી છે. પરખશક્તિ આવે તો વહેવારમાં રહી શકાય. જેમ કે એક પ્રેમ ઊર્ધ્વમુખી, અંતર્મુખી છે, પણ તે જાણવા માટે પરખશક્તિ જોઈએ.

એટલે જ્યાં સુધી જાગૃતિ નથી આવતી ત્યાં સુધી પહેચાન નથી થતી અને પૂરી પહેચાન થઈ જાય પછી યોગ્ય દિશામાં યોગ્ય પ્રયત્ન થાય. આખરી પહેચાન થોડી અટપટી છે. ચિત્તની વૃત્તિ સરોવર જેવી છે. સરોવર શાંત અને તરંગો વિહીન હોય છે ત્યારે આકાશમાં ચંદ્ર જેવો હોય તેવો જ તેમાં દેખાય છે. આ પ્રતિબિંબિત ચંદ્ર અસલી છે કે નકલી તે પરખાતું નથી. આવે વખતે ગુરુ કસોટી કરે. સરોવરમાં કાંકરી નાખે એટલે તરંગ ઊઠે અને અંદર દેખાતો ચંદ્ર નકલી છે તે પરખાઈ જાય. આવું જ આત્માની અનુભૂતિ છે. જો કોઈ તરંગ ન ઊઠે તો સમજવું કે તે અસલી છે.

ગુર્જીએફનો એક મહામંત્ર છેઃ Identification is the original sin. આઈડેન્ટિફિકેશન એટલે તાદાત્મ્ય. આ મૂળ અતિશય ઊંડા છે. સૌથી ગહેરું તાદાત્મ્ય છે. અહમ્ સાથેનું. તે જોડાય છે ચિત્તની વૃત્તિ સાથે. પછી તે આગળ વધે છે. આપણા ભાવ સાથે, આપણા સંસ્કારો અને વિચારો સાથે, આપણી વાસનાઓ સાથે. આ તાદાત્મ્યના ત્રણ ભાગ પાડીએઃ

૧. શરીર સાથેનું તાદાત્મ્ય.
૨. મન સાથેનું – સાઈકોલૉજિકલ તાદાત્મ્ય.
૩. સ્પિરિચ્યુઅલ તાદાત્મ્ય… આ જરા ગહેરું છે.

શરીર સાથેનું – બાયોલૉજિકલ તાદાત્મ્ય કુદરતી છે. સાઈકોલૉજિકલ તાદાત્મ્ય તે સામાજિક છે, નકલી છે. ફોઈબાએ એક નામ આપ્યું. આપણે આ નામ સાથે ચોંટી જઈએ છીએ. આ નામ સાથે કોઈ છેડછાડ કરે તો આપણને પીડા થાય છે. ગાલે તમાચો પડે અને પીડા થાય તો એ કુદરતી છે, પણ કોઈ ખોટું નામ લે અને પીડા થાય એ અકુદરતી છે. આપણને આપણી વાતની માન્યતા સાથે પણા તાદાત્મ્ય હોય છે. એને માટે આપણે મતાગ્રહ કરીએ છીએ. સંપ્રદાયના ઝઘડા, પતિ-પત્ની વચ્ચેના મતાંતર, સાસુ-વહુના ઝઘડા – એ બધા પોતાની વાતો અને માન્યતાઓ સાથેના તાદાત્મ્યનું પરિણામ છે. વ્યવહારના જગતમાં જેને જાગવું છે તેણે વાતો અને પોતાની માન્યતાઓ પ્રત્યે સાવધાન થઈ જવું જોઈએ.

– સ્વામી બ્રહ્મવેદાંતજી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “આનંદની પહેચાન – સ્વામી બ્રહ્મવેદાંતજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.