- ReadGujarati.com - http://www.readgujarati.com -

નવી હવાની લહેરખી ! – હરિશ્ચંદ્ર

(‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર)

તેણે ફોન ઉપાડ્યો, તો સામેથી ‘મોટી બહેન !…..’ અને પછી ડૂસકાં જ. તેના માટે આ નવું નહોતું. હાલતાં ને ચાલતાં સીમાને એની વહુ સાથે કાંઈક થયું હોય અને ફોન ઉપર રડતાં-રડતાં જ મોટી બહેન પાસે એ પોતાનું દુઃખ ઠાલવે. મોટી બહેન એને સમજાવે, આશ્વાસન આપે. આજે કાંઈક વધારે થયું લાગે છે. આગળ એટલું જ કહી શકી – ‘થોડી વાર મારી પાસે નહીં આવી જા ?’ અને પછી ધ્રૂસકે-ધ્રૂસકે રડી જ પડી.

તે તુરત તૈયાર થઈને જવા નીકળી. રસ્તામાં સીમાના જ વિચાર આવ્યા કર્યા. એની વહુ તો જાણે એવી છે જ. પણ સીમાયે પોતાનો સ્વભાવ સુધારી શકતી નથી, તેથી નાહક દુઃખી થાય છે. સીમાને કેટલું સમજાવું છું ! પણ એ એનું વલણ બદલી શકતી નથી.

તે પહોંચી ત્યારે સીમા ફરી તેને વળગીને રડવા લાગી. તે એના વાંસે હાથ ફેરવતી રહી. ‘સીમા ! જો, શાંત થઈ જા ! વહુ નથી ?’

‘એનો પગ જ ઘરમાં ક્યાં ટકે છે ? તેમાંય સુરેશ બહારગામ હોય, ત્યારે તો આ આખોય દિવસ બહારની બહાર. આજે મેં જરીક કહ્યું તો મારું મોઢું જ તોડી લીધું ! એટલું બોલી છે, એટલું બોલી છે !’ – અને સીમા ફરી રડવા લાગી.

‘પણ તું એની વાતમાં માથું શું કામ મારે છે ? એને જવું હોય ત્યાં જાય.’

‘કેમ, વળી ? ઘરના માણસને ખબર ન હોવી જોઈ ? ક્યાં જાય છે, ક્યારે આવશે, તે મને કહીને ન જવું જોઈએ ?’

‘આપણો એવો સંબંધ બંધાયો હોય અને કહીને જાય તો સારું છે. બાકી, આપણે એવી અપેક્ષા ન રાખવી.’

‘કેમ ન રાખવી ? હું તો પરણીને આવી, ત્યારે મારાં સાસુને પૂછ્યા વિના ઘરની બહાર પગ નહોતી મૂકી શકતી. સાસુ ના કહે તો ન જવાય.’

‘એ જમાનો ગયો હવે. વહુ શું, હવે તો દીકરી પાસેથીયે એવી અપેક્ષા ન રખાય. અને આવી નાની બાબતમાં ઝઘડો શું કામ ઊભો કરવો ?’

‘અરે, ઝઘડો હું ઊભો કરું છું ? હું તો ગમ ખાઈ જાઉં છું ! કાલે મુન્નાને પાસે બેસાડી હું શ્લોક શીખવતી હતી, તો એને ધમકાવીને બોલાવી લીધો – ચાલ, લેસન કરવા બેસ !’

‘તે તું શ્લોક શીખવે તે એને નહીં ગમતું હોય. એને ઈંગ્લીશ કવિતા કડકડાટ મોઢે કરાવવી હોય, અને તું એને શ્લોક ગોખાવે !’

‘તે હું એમાં ખોટું શું કરું છું ? મારા પોતરાને આપણી સંસ્કૃતિનું આટલું જ્ઞાન હું ન આપી શકું ?’

‘તારો પોતરો ખરો, પણ એનો દીકરોયે ખરો ને ! એ એને ગમે એવા સંસ્કાર આપે.’

‘શું ધૂળ સંસ્કાર આપવાની ! મહિનામાં બે વાર પાર્લરમાં જાય. હવે તો ક્યારેક બહાર જાય છે, ત્યારે કપાળે ચાંદલોય નથી કરતી અને હાથે બંગડીયે નથી પહેરતી. અરે, મંગળસૂત્ર પણ ઉતારીને જાય. એ વળી દીકરાને શું સંસ્કાર આપવાની !’

‘સંસ્કારના આપણા અમુક ખ્યાલો હોય, નવી પેઢીના તેનાથી જુદાયે હોય. આપણા ખ્યાલો બીજાઓ ઉપર શું કામ લાદવા ? ચાંદલો, બંગડી ને મંગળસૂત્ર વિના બધું રસાતાળ થઈ જશે એમ ન માનવું.’

‘મારું તો આ બધું જોઈને લોહી ઊકળી જાય છે ! હું મુન્નાને સમજાવું કે દીકરા, ટેબલ પર બેસીને સરખું ખાઈ લઈએ, આમ થાળી લઈને ટીવી સામે બેસીને ન ખવાય. પણ વહુબાને આટલું હું કહું તોય ન ગમે. એનું મોઢું ચઢી જાય ! બોલ, આમાં હું શું ખોટું કહું છું ?’

‘તું કાંઈ ખોટું કહેતી નથી, પરંતુ આ ખોટું-સાચું આપણા મત પ્રમાણે. તે બીજાને ન રુચતું હોય, તો આપણે ન કહેવું. બીજાનું આપણને ન ગમતું હોય તોય ગમાડી લેવું, તો જ ઘરમાં સાથે રહેવાય.’

‘પરણીને આવી ત્યારની આ જ તો સાંભળતી આવી છું. માએ કહેલું, મોઢું મચકોડયા વિના સાસરે એડજસ્ટ થઈ જવાનું, ન ગમતું હોય તેય ગમાડી લેવાનું. વહુ બનીને આ બધું સહન કર્યું, હવે સાસુ બનીનેય આ જ સહન કરવાનું ?’

‘હા, ત્યારે લાચારીથી આ કર્યું, હવે સમજદારી અને મોટપ દાખવીને કર. તેનાથી તું ગુમાવીશ નહીં, મેળવીશ જ. એમ વિચાર કે હવે આ ઉંમરે આવી નાની-નાની કટકટ શું કામ જોઈએ ? આપણા પોતાના મનની શાંતિ માટે આમ કરવાનું. ઘરમાં બધાં આપણી મરજી પ્રમાણે જીવે, એવી ઈચ્છા જ શું કામ રાખીએ ? હવે બધાં મોટાં થયાં. એમને એમેની મરજી મુજબ જીવવા દે, તું તારી મરજી મુજબ જીવ.’

‘પણ ઘરમાં સાથે જીવતાં હોઈએ અને મૂંગે મોંએ આ બધું જોયે રાખવાનું ?’

‘ઘરમાં આટલો બધો જીવ ખુંપાડીને શું કામ જીવે છે ? એ લોકો ઈચ્છે, તેના કરતાં વધારે રસ તું હવે ઘરમાં શું કામ લે છે ? તેને બદલે હવે મુક્ત થઈ છો તો તારો જીવ કૉળે એવાં કામોમાં તારી જાતને પરોવ ને ! જો, મારી સાથે મારા મંડળમાં આવ. અમે મોટી ઉંમરનાં જ ભેળાં મળીએ છીએ. હમણાં હું પેન્ટિંગ કરું છું. કૉલેજકાળ પછી પીંછી હાથમાંથી જ છૂટી ગયેલી. ફરી રંગો સાથે રમવાની મજા આવે છે. સાથે જ સિરેમિક પણ શીખી રહી છું. નાનપણમાં માટી સાથે રમતાં, માટીનાં ઘર બનાવતાં. કેટલો આનંદ આવતો હતો ! એવો જ આનંદ ફરી અનુભવાય છે.’

‘પણ આ ઉંમરે હવે આ બધું કેમ ફાવે ?’

‘કેમ ન ફાવે ? હું તારા કરતાં ચાર વરસ મોટી છું, છતાં મને ફાવે છે તો તને શું કામ ન ફાવે ? માત્ર મનનું વલણ બદલવાનો જ સવાલ છે.’

સીમા મોટી બહેનને જોતી રહી. એનું મન નવી હવાની લહેરખી અનુભવવા લાગ્યું.

(શ્રી નલિની ભોસેકરની મરાઠી વાર્તાને આધારે)

– હરિશ્ચંદ્ર