ક્રૅડિટ કાર્ડ – રતિલાલ બોરીસાગર

(‘ભજ આનન્દમ્’ પુસ્તકમાંથી સાભાર)

એક દિવસ ડૉરબેલ વાગી. મેં મંગલ મંદિર ખોલ્યું ને જોયું તો ‘દ્વાર ઊભો શિશુ ભોળો’. જોકે શિશુ તો ન કહેવાય, અઢાર-વીસ વરસનો યુવાન હતો, પણ એનો ચહેરો શિશુ જેવો માસૂમ હતો. મેં એને આવકાર્યો, બેસાડ્યો, પાણી આપ્યું અને પછી આવવાનું પ્રયોજન પૂછ્યું. યુવાને એક રાષ્ટ્રીયકૃત બૅન્કનું નામ આપી પૂછ્યું, ‘અંકલ ! આ બૅન્કમાં તમારો પી.પી.એફ એકાઉન્ટ છે ?’
‘હા’ મેં કહ્યું.

‘એમાં લાખ રૂપિયાનું બૅલેન્સ છે ?’

‘હા’ મેં કહ્યું. મેં ‘હા’ કહી – એમાં સત્ય જરૂર હતું, પણ હરિશ્ચંદ્રનું સત્ય નહોતું, યુધિષ્ઠિરનું સત્ય હતું. ઈન્કમટૅક્સમાં રાહત મળે એ હેતુથી એક મિત્ર પાસેથી દર વર્ષે પંદર-વીસ હજાર રૂપિયા લઈ, પી.પી.એફ.ના મારા નામના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. મુદત પુરી થયે આ પૂરેપૂરી રકમ મિત્રને આપી દેવાની હતી – વ્યાજ સહિત. મેં તો કેવળ સાક્ષીભાવે રકમ જમા કરાવી હતી ને મુદ્ત પૂરી થયે સાક્ષીભાવે પૈસા લેવાના હતા. ‘બેફામ’ના, મરણ વિશેના, પેલા શેર ‘અવસર મારો હતો ને મારી હાજરી નહોતી’ – ની જેમ પૈસા મારે નામે હતા, પણ મારી માલિકીના નહોતા.

‘બૅન્ક તરફથી તમને ક્રૅડિટ કાર્ડ મળી શકે તેમ છે ?’ યુવાને કહ્યું/

‘ક્રૅડિટ કાર્ડની ફી કેટલી છે ?’

‘મફત, તદ્દન મફત ! એક વરસ સુધી.’

‘વરસ પછી ?’

‘વરસ પછી તમારી ઈચ્છા હોય તો નક્કી કરેલી ફી ભરી, કાર્ડ ચાલુ રાખી શકો છે. ઈચ્છા ન હોય તો બંધ કરી શકો છો, પણ વરસ સુધી તો કશી ફી નહિ. સાવ ફ્રી.’

‘તમારી અને તમારી બૅન્કની ભલી લાગણી માટે આભારી છું, પણ મારે ક્રૅડિટ કાર્ડની જરૂર નથી.’

‘પણ અંકલ કાર્ડ મફત મળે છે. કાર્ડ પર તાત્કાલિક ત્રીસ હજારની લોન મળી શકશે. એ.ટી.એમ.ની પણ સગવડ છે.’ આ એ.ટી.એમ. એટલે શું એ હું સમજી શક્યો નહિ, પણ આપણા જ્ઞાનનું પ્રદર્શન કરવાનો આપણામાં જેટલો ને જેવો ઉત્સાહ હોય છે, તેટલો ને તેવો અજ્ઞાનનો એકરાર કરવાનો નથી હોતો, એટલે એ.ટી.એમ. – એ ત્રણ અક્ષર દ્વારા શું સૂચવાય છે એ મેં પૂછ્યું નહિ.

‘તમારી વાત બરાબર છે.’ મેં કહ્યું, ‘ક્રૅડિટ કાર્ડના ઘણા લાભ હશે, પણ હવે મારે એનો ખપ નથી. નોકરીમાંથી નિવૃત થયો એની સાથે લોન લેવામાંથી પણ હું નિવૃત્ત થઈ ગયો છું.’

‘બટ અંકલ, યુ નો, આમાં કાર્ડની સાથે આઠ લાખ રૂપિયાનો વીમો પણ બૅન્ક ઉતરાવશે અને એનું પ્રીમિયમ પણ બૅન્ક ભરશે. ધારો કે કાલે તમને કંઈ થઈ જાય તો – જોકે કાલે કંઈ થઈ જાય તો કશું ન મળે, પણ ક્રૅડિટ કાર્ડ મળ્યા પછી, ધારો કે અંકલ, તમે સડનલી ઑફ થઈ જાવ તો આઠ લાખ રૂપિયા મળે.’

‘સ્વર્ગમાં ?’

‘ના, અહીં જ. તમારા ઘરના સભ્યોને આઠ લાખ રૂપિયા મળે.’ કોઈ સંત-મહાત્માની જેમ આ યુવાન મને જીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આપી રહ્યો હતો અને આ ક્ષણભંગુરતાનો પૉઝિટિવ ઉપયોગ કરવા સમજાવી રહ્યો હતો. આમ છતાં, કાર્ડ લેવાનો મારો ઉત્સાહ વધ્યો નહિ, પરંતુ અત્યાર સુધી યુવાન સાથેનો મારો સંવાદ તટસ્થપણે સાંભળી રહેલા મારા ઘરના સભ્યો આઠ લાખ રૂપિયાના વીમાની વાત સાંભળી એકદમ ઉત્સાહમાં આવી ગયા. ‘કાર્ડ મફત મળે છે તો લઈ લો ને !’ એવો અભિપ્રાય સર્વાનુમતે વ્યક્ત થયો. ‘જીવતાં તો આ લોકોને કશા કામમાં ન આવ્યો, પણ મરીને કામમાં આવી શકાતું હોય તોપણ કશું ખોટું નહિ.’ એમ વિચારી મેં કાર્ડ માટે સંમતિ આપી. ‘થેંક્યુ, અંકલ ! આવતી કાલે અમારા એક સાહેબ આવશે અને ફૉર્મ ભરાવી જશે.’ કહી યુવાન વિદાય થયો.
*
આમ જુઓ તો મારું આજ સુધીનું જીવન ક્રૅડિટ પર લેવામાં વીત્યું છે. જ્યાં-જ્યાં નોકરી કરી છે, ત્યાં-ત્યાં જે-જે લોનો ઉપલબ્ધ હતી, તે-તે લોનો મેં હંમેશાં લીધી છે. એક લોન ભરવા બીજી લોન અને બીજી લોન ભરવા ત્રીજી લોન – એમ લોનની શ્રૃંખલા મારા જીવનમાં રચાતી રહી છે. મારા પગારપત્રકમાં લોન અંગેનાં જેટલાં ખાનાં હોય તે સઘળાં હંમેશાં ભરાયેલાં જ રહેતાં. નિવૃત્ત થયો ત્યારે મારા છેલ્લા પગારમાંથી ઑફિસમાંથી લીધેલી મકાનની લોનની રકમ એડ્જેસ્ટ કરવામાં આવી હતી. પગારની રકમ ઉપરાંત થોડી રકમ ગાંઠની (અલબત્ત, ક્રૅડિટ પર લઈને) ઉમેરીને મેં ઑફિસના મકાનની લોન સરભર કરાવી હતી. ઓફિસની ક્રૅડિટ કો-ઑપરેટિવ સોસાયટીમાંથી વધુમાં વધુ લોન લેવાનો રેકર્ડ મારે નામે નોંધાયો છે. આ રેકર્ડ, મારી નિવૃત્તિ પછી પણ, હજુ અકબંધ છે. જીવન-જરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓ મેં આજીવન ઉધારે લીધી છે. સ્કૂટર, રેડિયો, ટેલિવિઝન, ફર્નિચર, પુસ્તકો રાખવા માટેનાં કબાટનું લાકડું, પેન્ટ-શર્ટ માટેનું મોંઘું કાપડ – બધું જ ક્રૅડિટ ઉપર. જીવનની સૌથી મહત્વની બે બાબતો પણ ક્રૅડિટ પર લીધેલા પૈસાથી જ સિદ્ધ કરી હતીઃ ઘર બંધાયું (લગ્નના અર્થમાં) તે પણ ક્રૅડિટ પર લીધેલા પૈસામાંથી અને ઘર (મકાન) બંધાવ્યું તે પણ મિત્રોના પૈસામાંથી ને પછી ઑફિસની લોનમાંથી. મિત્રોની અને ઑફિસની લોનમાંથી બનેલો મારો ફ્લૅટ જ સોસાયટીમાં આવેલો છે એ ૯૬ ફ્લૅટની આખી સોસાયટી મારા નામની છે – ‘રતિલાલ પાર્ક !’ ‘ચમત્કારો આજેય બને છે !’

ઉપરની યાદી હજુ લંબાવી શકાય તેમ છે, પણ સેમ્પલ માટે આટલું પર્યાપ્ત છે. આ બધું જ ક્રૅડિટ પર મેળવવા મારે બૅન્કના કાર્ડની ક્યારેય જરૂર પડી નહોતી. અલબત્ત, એ વખતે જો બૅન્કનું ક્રેડિટ કાર્ડ મને મળ્યું હોત તો મારી પાસે કદાચ ફ્લૅટને બદલે આજે બંગલો હોત અને સ્કૂટરને બદલે ગાડી હોત ! જોકે, મને આવું કાર્ડ આપનાર બૅન્ક, આ જ કારણે કદાચ આજે ન પણ હોત ! હવે જ્યારે નાણાકીય વ્યવહારોમાંથી તદ્દન નિવૃત્ત થઈ ગયો છું ત્યારે બૅન્ક મને ક્રેડિટ કાર્ડ આપી રહી છે એને તે પણ મફત ! કવિએ નસીબ માટે કહ્યું છે ને – ‘ન માગે દોડતું આવે, રહે એ દૂર માગે તો !’ – એ કેટલું સાચું છે !
*
બીજે દિવસે બૅન્કના ઑફિસર આવ્યા. કાર્ડ માટે મેં સંમતિ આપી એ બદલ એમણે મારો આભાર માન્યો. પછી મારા વિશેની વિગતો ફૉર્મમાં લખવા મને પ્રશ્નો પૂછ્યા, મેં ઉત્તરો આપ્યા. થોડાં ઉદાહરણોઃ

‘અત્યારે તમારી આવક કેટલી ?’

‘નિશ્ચિત કહી શકાય એવી કશી આવક નથી. વ્યાજની થોડી આવક છે, પણ સરકાર વ્યાજ ઘટાડી-ઘટાડીને એને વધુ થોડી બનાવી રહી છે. લેખક છું. લેખકોને ખૂબ પુરસ્કાર મળવો જોઈએ એમ હું માનું છું, પણ મળવો જોઈએ એટલો પુરસ્કાર મળતો નથી.’

‘પેન્શન ?’

‘હું જે નોકરી કરતો હતો, એમાં કામનું ટેન્શન ઘણું હતું, પણ એ નોકરી પેન્શનવાળી નહોતી.’

‘ફોર વ્હીલર છે ?’

‘ના. કારની લોન મળતી હતી, પણા પેટ્રોલ રોકડેથી લેવું પડે તેમ હતું, એટલે કાર લેવાનો વિચાર માંડી વાળેલો.’

‘ટુ વ્હીલર છે ?’

‘ઑફિસની લોન પર સ્કૂટર લીધેલું. ઘણાં વરસ વાપર્યું, પણ જૂનું થઈ ગયું એટલે કાઢી નાખ્યું. અત્યારે કાઈટેનિક ફેરવું છું – પણ એ પુત્રવધૂની માલિકીનું છે. એની મંજૂરી મળે ત્યારે ફેરવું છે.’

આ માણસ લોન લેશે અથવા ક્રેડિટ કાર્ડ પર કોઈ ફાઈવસ્ટાર હૉટેલમાં નિવાસ કરશે તો બૅન્કનું શું થશે એવી ચિંતા બૅન્કના અધિકારીને થઈ હોય એવું મારા જવાબો પછી વીલા પડી ગયેલા એમના ચહેરા પરથી લાગ્યું. આમ છતાં, કાર્ડ માટે હું પાત્ર હતો (ભલે કુપાત્ર ન હોઉં) એટલે એ કશું બોલ્યા નહિ. મારા વિશેની વિગતોવાળા ફોર્મમાં મારી સહી કરાવી અને પછી ‘થેંક યુ’ કહી વિદાય થયા.
*
બૅન્કનું ક્રેડિટ કાર્ડ મળ્યા પછી મેં છાપામાં વાંચ્યું કે ક્રેડિટ કાર્ડનો નંબર કોઈ જાણી જાય તો એનો દુરુપયોગ થવા સંભવ છે. આ વાંચી હું ગભરાયો. આમ તો કાર્ડનો ઉપયોગ હું કરવાનો જ નહોતો, છતાં કાર્ડ ક્યાંક આડું-અવળું મુકાય જાય, ભૂલથી પસ્તીમાં જતું રહે, આવી આવી શક્યતાઓના વિચારો આવવા માંડ્યા. ચિંતાએ ધીમે-ધીમે ઘેરું સ્વરૂપ પકડ્યું. એવા વિચારો પણ આવવા માંડ્યા કે ચિંતાને કારણે બ્લડપ્રેશર વધશે, બ્લડપ્રેશર વધશે તો કાં તો હાર્ટએટૅક આવશે ને કાં તો પૅરાલિસિસ થઈ જશે… આવા વિચારો પછી મને લાગ્યું કે આવા વિચારો જોર પકડશે તો હાર્ટએટૅક કે પૅરાલિસિસ નહિ થાય તો ગાંડો તો જરૂર થઈ જઈશ. એના કરતાં કાર્ડ બિલકુલ સલામત રહે એવો ઉપાય શોધવામાં ડહાપણ છે, એમ મને લાગ્યું. મેં બૅન્કના મૅનેજર (કાર્ડની બૅન્ક સિવાયની બૅન્કના) એવા મારા એક મિત્રને એમની બૅન્કમાં વરસ માટે લૉકર ભાડે આપવા વિનંતી કરી. મૅનેજર મિત્રને ઘણી નવાઈ લાગી. લૉકરમાં મૂકવા માટે મારી પાસે એવું કશું છે નહિ એ મિત્ર જાણતા હતા, પણ મૅનેજર તરીકે ક્લાયન્ટને લૉકરમાં શું મૂકવું છે એમ પૂછાય નહિ, એટલે એમણે કશું પૂછ્યું નહિ અને મને લૉકરની સુવિધા કરી આપી.

મારું ક્રેડિટ કાર્ડ હવે લૉકરમાં સલામત છે. ક્રેડિટ કાર્ડ મફતમાં મળ્યું છે, પણ એને સલામત રાખવા માટે લૉકરનું ભાડું ભરી રહ્યો છું.

– રતિલાલ બોરીસાગર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “ક્રૅડિટ કાર્ડ – રતિલાલ બોરીસાગર”

Copy Protected by Chetan's WP-Copyprotect.