- ReadGujarati.com - http://www.readgujarati.com -

સ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪ – સંપાદક

સ્વ. મૃગેશભાઈ દ્વારા વર્ષ ૨૦૦૭થી આ ઉપક્રમ શરૂ કરાયો હતો, દર વર્ષે મે મહીનામાં યોજાતી આ વાર્તા સ્પર્ધા અને એ દ્વારા ઉગતા વાર્તાકારોને મંચ આપવાનો આ પ્રયત્ન તેમના દુઃખદ અવસાનને લીધે આ વર્ષે થોડો મોડો આયોજીત થઈ રહ્યો છે. પરંતુ દર વર્ષની જેમ જ વાર્તાસ્પર્ધા આ વર્ષે પણ એ જ માળખા અને નિયમો સાથે યોજાઈ રહી છે. વાર્તા-સ્પર્ધાના નિયમો તથા અન્ય તમામ વિગતો માટે આ લેખના અંતે લીન્ક આપવામાં આવી છે. સ્પર્ધાનું સ્વરૂપ હંમેશની જેમ યથાવત રાખવામાં આવ્યું છે. વાર્તાઓ મોકલવા માટેની અંતિમ તારીખ ૧૦ ઓક્ટોબર ૨૦૧૪ છે. પરંતુ સૌ સ્પર્ધકોને વિનંતી કે તેઓ છેલ્લા દિવસ સુધી રાહ ન જોતાં પોતાની કૃતિ શક્ય ઝડપે મોકલે. પરદેશથી ભાગ લેનાર સ્પર્ધકોને આ માટે ખાસ વિનંતી.

રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધા ૨૦૧૪ ના આયોજન કરવાનો વિચાર સાથે જ તેનું નામ બદલીને મૃગેશભાઈના કાર્યોના સ્મરણમાં “સ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪” રાખવાનો વિચાર આવ્યો. સ્વ. મૃગેશભાઈ દ્વારા શરૂ કરાયેલ અને ખૂબ સુંદર રીતે આગળ વધારવામાં આવેલી આ પ્રોત્સાહક વાર્તા સ્પર્ધા રીડગુજરાતીની એક આગવી વિશેષતા છે, તેને જાળવી રાખવાના યત્નરૂપ મેં આ સ્પર્ધાનું આયોજન કરવાનો વિચાર કર્યો, અક્ષરનાદ પરની માઈક્રોફિક્શન સ્પર્ધાની સાથે સાથે આ આયોજન કર્યું હોવાને લીધે સમયની ખેંચતાણ તો રહે છે, પણ સાથે સાથે એક સારા કાર્યને આગળ વધાર્યાનો સંતોષ પણ ખરો! સરળતા ખાતર વાર્તાનું સ્વરૂપ બરાબર જળવાય એ માટે ગતવર્ષે મૃગેશભાઈએ આપેલ કેટલાક સૂચનોની અહીં ફરી પુનરુક્તિ કરું છું :

[૧] નવોદિત તરીકે આપણે ભલે ટૂંકી વાર્તાના સ્વરૂપ કે તેની ગૂંથણીને ગહનતાથી ન જાણતા હોઈએ પરંતુ વાર્તાના વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને તેના આદિ-મધ્ય-અંત વચ્ચે લય હોવો જરૂરી છે. વાર્તા અને પાત્રોને ગોઠવતા ક્યાંક વિષયાંતર ન થઈ જાય તે બાબતે ખાસ કાળજી રાખવી. વાર્તાની શરૂઆત એકદમ રસપ્રદ હોવી જોઈએ.

[૨] વાર્તામાં બધી જ બાબતો એકદમ ખુલ્લી રીતે કે સ્પષ્ટ રીતે દર્શાવવાની નથી હોતી. પાત્રોના વ્યવહાર, હાવભાવ અને વાર્તાનો મૂળ વિષય તેના સંવાદો સાથે એ રીતે વણાયેલો હોવો જોઈએ કે વાચક થોડામાં ઘણું બધું સમજી શકે.

[૩] વાર્તાનું કામ ઉપદેશ આપવાનું નથી. તેથી તેમાં ઉપદેશાત્મક સંવાદો કે આદેશો ન હોવા જોઈએ. જો કોઈ વિશેષ બાબત વાર્તાના માધ્યમથી સમાજને અને દુનિયાને કહેવાની આવશ્યકતા જણાતી હોય તો તે બાબતને પાત્રોના આચરણ કે ઘટનાઓના સંદર્ભે વધારે સારી રીતે વર્ણવી શકાય.

[૪] વાર્તા એ અહેવાલ પણ નથી. એક પછી એક પ્રસંગોનું વર્ણન માત્ર કરવાથી વાર્તા નથી બનતી. એ તો એક ‘રીપોર્ટ’ બની જાય છે. પાત્રની મનોદશા, તેની આંતર-બાહ્ય સ્થિતિ, આસપાસનું વાતાવરણ, આર્થિક-સામાજિક સંદર્ભ – એ તમામ બાબતો એક સુંદર વાર્તાના નિર્માણની પાયાની આવશ્યકતા છે.

[૫] વાર્તામાં ઘટનાને તાદશ બનાવવા માટે તેની આસપાસની વિગતો વર્ણવવી જરૂરી હોય છે. જેમ કે એક બૅન્ક ઑફિસર વિશેની વાર્તા હોય તો બૅંકનું, તેના કાર્યનું, આસપાસના માહોલનું વર્ણન સમગ્ર દ્રશ્યને વાચકોના ચિત્તમાં જીવંત બનાવે છે.

[૬] કોઈક નજરે ચઢેલી ઘટનાઓ કે પ્રસંગોને વાર્તાસ્વરૂપમાં ઢાળીને મંગલાચરણ કરી શકાય છે. આપણા ઉત્તમ વાર્તાકારોની શૈલીનો ઝીણવટપૂર્વકનો અભ્યાસપણ આમાં મદદરૂપ થઈ શકે છે, વિદેશમાં વસતા વાચકો પણ પોતાના અનુભવોને આધારે આ સ્પર્ધામાં ભાગ લેશે તો ગુજરાતી સાહિત્યને ખૂબ જ નવા વિષયો પ્રાપ્ત થશે.

વિશેષમાં, આ વર્ષે વાર્તાસ્પર્ધાના પુરસ્કાર મૂલ્ય અને સંખ્યામાં ફેરફાર કર્યો છે, જે અંતર્ગત વાર્તા-સ્પર્ધામાં રૂ. ૨૦૦૧, રૂ. ૧૫૦૧ અને રૂ. ૧૦૦૧ એમ પુરસ્કાર વિજેતાઓને આપવામાં આવે છે, ઉપરાંત પ્રોત્સાહન પુરસ્કાર સ્વરૂપે ત્રણ પુરસ્કાર રૂ. ૨૫૧ આપવામાં આવશે. પુરસ્કારની રકમ ઉપરાંત તમામ નિર્ણાયકોને વાર્તાઓની કોપી વગેરે મોકલવાનો ઈતર વ્યવસ્થાપન ખર્ચ – એમ કુલ મળીને રૂ. ૮૦૦૦ જેટલો ખર્ચ અંદાજ છે. જે દાતાઓ આ સ્પર્ધા માટે અથવા રીડગુજરાતી વ્યવસ્થાપન અને નિભાવખર્ચ માટે યોગદાન કરવા ઈચ્છતા હોય તેઓ પોતાની યથાશક્તિ પત્ર-પુષ્પરૂપે પોતાનું યોગદાન મારો shah_mrugesh@yahoo.com પર સંપર્ક કરીને પહોંચાડી શકે છે. સ્પર્ધામાં ઇનામ કે ભેટ સ્વરૂપે વિજેતાઓને પ્રોત્સાહન આપવા ઇચ્છતા મિત્રો પણ એ જ સરનામે સંપર્ક કરી શકે છે.

સ્પર્ધાની તમામ વિગતો આપ અહીં ક્લિક કરીને જોઈ શકો છો [1], ધ્યાનમાં રાખશો કે આ કડી પર મૂકેલા પાને વિગતો ઉમેરાતી રહેશે અને આ પાનું સ્પર્ધા વિશેની માહિતી સાથે અપડેટ થતું રહેશે.

આજથી શરૂ થતી આ સ્પર્ધામાં સૌ વાચકમિત્રોનું સ્વાગત છે. સૌ સર્જકોને શુભેચ્છાઓ..

જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક