જીવવું – માત્ર પેટ ભરવા માટે નહિ – મોહમ્મદ માંકડ

(‘ઈ.સ. 1985ના વર્ષ દરમિયાન ‘સંદેશ’ અખબારના ‘કેલીડોસ્કોપ’ વિભાગમાં પ્રગટ થયેલા લેખોના સંયુક્ત સંગ્રહ (ભાગ-૧ અને ભાગ-૨) ‘આપણે માણસ’ નામના પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. )

Man Shall not live by bread alone. – New Testament

માણસ ખાય છે, પીએ છે, પૈસા કમાય છે, ધંધારોજગાર માટે દોડાદોડી કરે છે, આનંદ કરે છે અને દુઃખ પણ પામે છે. આ બધા વચ્ચે, ક્યારેક, કોઈક પળે એને અચાનક એમ થઈ આવે છે કે, આ બધું શા માટે ? આ દોડાદોડી અને સંગ્રહ, સંચય કોના માટે ?

આવા વિચારો કાંઈ બુદ્ધ કે મહાવીરને જ આવે એવું નથી. કોઈ સંત કે ત્યાગીને જ આવા વિચારો આવે એવું નથી. દરેક માણસને જિંદગીની કોઈ તીક્ષ્ણ પળે આવા વિચારો આવી જાય છે. જોકે, દરેકને એ પ્રશ્નોનો ઉકેલ જડતો નથી, અને બુદ્ધ જેમ ઘર છોડીને પોતાને સતાવતા પ્રશ્નોનો ઉકેલ શોધવા જવાની હિંમત પણ દરેકમાં હોતી નથી. પરંતુ કોઈ પણ વ્યક્તિને પોતે જે કાંઈ કરે છે એ શા માટે, કોના માટે કરે છે એનો ખટકો તો કેટલીય વાર લાગતો હોય છે.

અને કેટલીક વાર, એના અંતરમાંથી, વાલ્મીકિને મળ્યો હતો એવો ઠપકો પણ એને મળે છે, ભલા માણાસ, આ બધું તું જેમના માટે કરે છે એ તારા બધાં સાહસોમાં ભાગીદાર થવા તૈયાર છે ખરા ? અથવા તો, આટલું બધું તું બીજા માટે કરે છે પણ તારા પોતાના માટે શું કરે છે ?

એટલા જ માટે આલ્બર્ટ શવાઈટ્ઝર કહેતા કે, દરેક માણસે પોતાના કમાવાના વ્યવસાય ઉપરાંત એક બીજો વ્યવસાય પણ કરવો જોઈએ.

આ ‘બીજો વ્યવસાય’ એટલે શું ? માણસ પોતાના જીવનનિર્વાહ માટે એક વ્યવસાય તો કરતો જ હોય છે. એ વ્યવસાય દ્વારા એ પૈસા કમાય છે, કીર્તિ મેળવે છે, સત્તા અને સમૃદ્ધિ મેળવે છે, બધું બરાબર છે, પરંતુ એ વ્યવસાય ઉપરાંત એણે બીજો એવો વ્યવસાય પણ કરવો જોઈએ જે માત્ર એના પોતાના માટે હોય.

જે લોકો એવો બીજો વ્યવસાય કરતા નથી અથવા તો એવો બીજો વ્યવસાય પ્રાપ્ત થતો નથી એમના જીવનમાં એની જગ્યાએ પ્રતિદિન એક અવકાશ પેદા થતો જાય છે અને જીવનના કોઈ તબક્કે એમને એ અવકાશનો ડર લાગવા માંડે છે.
ગુજરાતના એક સારા કવિએ એમના એક મિત્રની વાત આ રીતે કહી હતી.

એમના એક લાખોપતિ મિત્ર હતા. લાખોપતિ એટલે સાચા અર્થમાં લાખોપતિ. જિંદગીભર પૈસા કમાયા હતા અને મબલક કમાયા હતા. ક્યારેક અચાનક રાતે મોડેથી એ કવિને ફોન કરે, ‘કેમ છો ?’

‘મજામાં છું.’

‘અહીં આવી શકશો ?’

‘અત્યારે ?’

‘હા.’

‘કાંઈ ખાસ કામ છે ?’

‘આવો તો ખરા.’

કવિ જઈને જુએ તો એમના મિત્ર ખુલ્લામાં આંટા મારતા હોય.

‘શું કામ હતું ?’

‘ખાસ કાંઈ નહિ. થયું કે, થોડી વાર આવો તો વાતો કરીએ.’ અને પછી ઊંડા અફસોસથી કહે, ‘આજે બધું ખાલી ખાલી લાગે છે.’

આવું ખાલી ખાલી એમને અનેકવાર લાગતું હતું. બધી રીતે હોશિયાર, બુદ્ધિશાળી અને જિંદગીની ટોચ ઉપર પહોંચનાર વ્યક્તિને ઘણી વાર પોતાની આસપાસ અવકાશનો અનુભવ થતો હતો. જે લોકો જિંદગીમાં માત્ર એક જ વ્યવસાય કરે છે, એક જ વ્યવસાય પાછળ દોડે છે એમને ઘણી વાર એવો અનુભવ થતો હોય છે. એટલે જ આલ્બર્ટ શવાઈટ્ઝર બીજા વ્યવસાયને વિકસાવવાની વાત કરે છે.

એ બીજો વ્યવસાય એટલે પોતાનો વિકાસ થાય એવી પ્રવૃત્તિ. માણસ જ્યારે વ્યવસાય કે ધંધો કરે છે ત્યારે એ વ્યવસાયનો વિકાસ થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી એનો પોતાનો વિકાસ થાય.
એના માટે જ ખલિલ જિબ્રાને કહ્યું છે કે, તમે તમારા સંગ્રહમાંથી આપો છો ત્યારે બહુ ઓછું આપો છો, પરંતુ જ્યારે તમારા જીવનમાંથી તમે આપો છો ત્યારે જ ખરા અર્થમાં કાંઈક આપો છો.

દરેક વ્યક્તિની એની જાણમાં એવું તો કોઈક હોય જ છે જેને જરૂર હોય છે. અને કેટલીયે વાર એ મદદ બહુ જ નાનકડી હોય છે. શવાઈટ્ઝરે લખ્યું છે, એક વાર એ મુસાફરી કરતા હતા ત્યારે એમની પાસે એક યુવાન બેઠો હતો. અને સામે એક વૃદ્ધ માણસ ભારે મૂંઝવણમાં હોય એમ લાગતું હતું.

યુવાને એને પૂછ્યું, ‘દાદા, શાના વિચારો કરો છો ?’

‘ભાઈ, મારો દીકરો હૉસ્પિટલમાં છે. એને મળવા હું જાઉં છું, પણ શહેર મારા માટે તદ્દન અજાણ્યું છે. અને આ ગાડી ત્યાં પહોંચશે ત્યારે રાત પડી જશે. હું હૉસ્પિટલ કઈ રીતે પહોંચી શકીશ તે સમજાતું નથી.’

‘તમે જરાય મૂંઝાશો નહિ દાદા. આ શહેર મારું જાણીતું છે. હું તમારી સાથે જ ઊતરી જઈશ. તમને હૉસ્પિટલમાં મૂકીને પછી, હું બીજી ગાડીમાં આગળ જઈશ. તમે જરાય મૂંઝાશો નહિ.’

આ જ બીજો વ્યવસાય છે. અને જે માણસ એ વ્યવસાયનો વિકાસ કરે એ પોતાનો વિકાસ કરે છે.

બીજાને મદદરૂપ થવા માટે બહુ મોટી મિલકતની કે ઝાઝા સમયની જરૂર પડતી નથી. માત્ર તત્પરતાની જરૂર પડે છે. આ જગતમાં એવાં કેટલાંય કામ છે જે સંસ્થાઓને કે સરકારને સોંપી શકાતાં નથી. એમાંથી પોતાને યોગ્ય હોય એ દરેક વ્યક્તિએ સ્વીકારી લેવું જોઈએ. રસ્તાઓ વાળવાનું કે સાફ કરવાનું તમે સુધરાઈને સોંપી શકો, પણ ઘરના ઓરડા સાફસૂફ કરવાનું સુધરાઈને ન સોંપી શકો. સારામાં સારી સંસ્થાઓ કે ઉત્તમમાં ઉત્તમ રાજ્યપદ્ધતિ પણ કેટલાંક કામો કરી શકતી નથી. એવાં કામો વ્યક્તિને ફાળે જ રહે છે, અને કોઈ પણ દેશ કે સમાજની વ્યક્તિઓ એવાં નાનાં કામોને કઈ રીતે અંજામ આપે છે એના ઉપરથી જ પ્રજા તરીકેની એની પ્રતિભાનો ખ્યાલ ઊભો થાય છે.

એક નાનકડી વાતનો વિચાર કરીએ. ઝડપથી પલટાતા જતા આ સમયમાં, આપણા વ્યવસાયી જીવનમાં ભારરૂપ એવાં ઘરડાંઓ માટે આપણે વૃદ્ધાશ્રમો તૈયાર કરી છીએ. એ જ રીતે કામકાજમાં અગવડરૂપ બાળકો માટે ‘ઘોડિયાઘર’ની વ્યવસ્થા કરી છીએ. આમાં કશું ખોટું નથી. અને આજે નહિ તો કાલે એ બનવાનું જ છે. સમયના પ્રવાહને આપણે ઊલટો ફેરવી શકતા નથી, છતાં કોઈક અનુકૂળ સ્થળે એની આડે પાળ જરૂર બાંધી શકીએ છીએ. વૃદ્ધાશ્રમો ઘરડાંઓને આશ્રય જરૂર આપી શકે છે. ઘોડિયાઘરો બાળકોને એમની જરૂરિયાતો વધુ સારી રીતે આપી શકે છે, છતાં એમને જે પ્રેમની જરૂર હોય છે એ કદાચ એમને મળી શકતો નથી.

જો તમે એમને પ્રેમ આપી શકો તો ઘણું પામી શકો. એવા કોઈ વૃદ્ધ સાથે કે બાળક સાથે તમારે કોઈ સીધો સંબંધ ન હોય એવું પણ બને, છતાં એમને ધકેલી દેવાના બદલે એમને હૂંફ આપવાનું પસંદ કરો તો એ દ્વારા તમે પોતે પણ ઘણું મેળવી શકો, આ તો માત્ર એક દાખલો છે. જિંદગીની રફતાર અત્યારે એટલી તેજ છે કે આવી ઘણી નાનકડી ચીજો રસ્તામાં પડી જવાની શક્યતા છે. તમે એને એકઠી કરી શકો. અને જે અઘરું છે, મુશ્કેલ છે, અગવડભર્યું છે, એ કરવાની જવાબદારી આપણે સ્વીકારવી જોઈએ. કારણ કે સાહસ અને મુશ્કેલીઓ વિના કોઈ પણ વ્યવસાયનો વિકાસ થતો નથી.

થોરો કહે છે કે, હું પૈસાની બાબતમાં નહિ, પણ ‘સમય’ની બાબતમાં હંમેશાં ધનવાન રહ્યો છે. થોરોની જેમ જ દરેક વ્યક્તિ સમયની બાબતમાં પૂરતા પ્રમાણમાં ધનવાન હોય છે. અને એ સમય ક્યાં રોકે છે એના ઉપર એના પોતાના વિકાસનો આધાર હોય જ છે. ઘણા માણસો એકાદ મોટા ‘રોકાણ’ માટે સદાય રાહ જોતા રહે છે. અને ક્યારેક તો જિંદગીભર એમને એવા મોટા ‘રોકાણ’ની તક મળતી નથી. એમને ખબર નથી હોતી કે, નાની બાબતોમાં રોકેલા સમયનું ‘વળતર’ બહુ મોટું હોય છે.

અબ્રાહમ લિંકન વિષે એક પ્રખ્યાત વાત છે. એક વાર એ સેનેટમાં હાજરી આપવા જતા હતા. રસ્તામાં એમણે એક ભૂંડના બચ્ચાનો કાદવમાં ખૂંપી ગયેલું જોયું. લિંકને ગાડી ઊભી રખાવી અને ભૂંડના બચ્ચાને કાદવમાંથી બહાર કાઢ્યું. એમનાં કપડાં કાદવથી ખરડાઈ ગયાં. સેનેટરોને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે ઘણાએ લિંકનની જીવદાયાનાં વખાણ કર્યાં. એ વખતે લિંકને કહ્યું કે કાદવમાંથી એ બચ્ચાને મેં બહાર કાઢ્યું એમાં એના કરતાં ય મને વધારે લાભ થયો છે. કાદવમાં એ રીતે એને તરફડતું હું જોઈ શકતો નહોતો, એટલે એને બહાર કાઢ્યું ત્યારે જ મારા જીવને નિરાંત થઈ.

આ નાની વાત લિંકનના ચારિત્ર્યને બરાબર પ્રગટ કરે છે. હબસીઓને જ્યારે એણે ખાડામાં તરફડતા જોયા ત્યારે પોતે ખરડાઈ જશે એની પરવા કર્યા વિના એણે એમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. ગુલામોને આપેલી આઝાદી એ લિંકનના જીવનનો કદાચ સૌથી મોટો બનાવ છે. પણ એનો પાયો એના સ્વભાવની એક બહુ જ નાજુક અને નાનકડી બાબત ઉપર રહેલો છે. કામ નાનું હોય કે મોટું, પોતાના મનની શાંતિ માટે, પોતાના વિકાસ માટે, પોતાની નિરાંત માટે માણસે નિરંતર કશુંક કરવું જોઈશે.

જિંદગીના આ મુશાયરામાં બીજા લોકોને પસંદ પડે, બીજા લોકો વાહ વાહ કરે, દુબારા કહે અને પ્રશંસા કરે, એટલા માટે આપણે ઘણું કરીએ છીએ, પણ પોતાને ગમે એવું પણ કાંઈક કરતા રહેવું જોઈએ, જેથી પોતાનું પોતાપણું તરોતાઝા રહી શકે. એટલે જ ‘મોમીન’ કહે છેઃ

‘અપને અંદાઝ કી ભી એક ગઝલ પઢ ‘મોમીન.’

– મોહમ્મદ માંકડ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પાટીદારોનો ઉદભવ અને વિકાસ – ડૉ. વિશ્વનાથ પટેલ
સાસુ ‘રિચાર્જ’ થાય છે – અરુણા જાડેજા Next »   

6 પ્રતિભાવો : જીવવું – માત્ર પેટ ભરવા માટે નહિ – મોહમ્મદ માંકડ

 1. sandip says:

  ખુબ સરસ્………
  આભાર્………………

 2. pjpandya says:

  આપને આનન્દમા રહેવા માતે બિજાને પન આનન્દ આપવો જોઇએ

 3. janki patel says:

  ખૂબ સરસ .

  બીજાના ચહેરા પર ખુશીઓ લાવવા વ્યસ્ત રહો.

 4. virendra says:

  Wa was khub j Sara’s lekh che..

 5. Arvind Patel says:

  માણસાઈ ખુબ મોટી વાત છે. ભગવાન ને પગે નહિ લાગો તો ચાલશે પણ માણસાઈ ની અવગણના કરશો નહિ

 6. Mustafa Jariwala says:

  ખુબ સરસ અને પ્રેરના સભર લેખ્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.