સાસુ ‘રિચાર્જ’ થાય છે – અરુણા જાડેજા

(‘સંસારીનું સુખ સાચું…’ પુસ્તકમાંથી સાભાર)

આ વખતે તો અંજુબહેન વિદેશથી ખાસ્સા લાંબા ગાળે પાછા ફર્યાં હતાં. તેમના માનમાં ચોથા બંગલાવાળાં માલાબહેને સોસાયટીની બહેનોને ચાપાણી માટે તેડાવી હતી. નાનામોટાં, સાસુ-વહુ સહુ હતાં. બધાં સરખેસરખા પોતપોતાનું ટોળું જમાવીને બેસી ગયાં હતાં. ગુજરાતી પૂરેપૂરું બોલતા આવડતું હોવા છતાં સાસુઓને પછાત બતાવવા કે પોતાનો રુઆબ છાંટવા બેચાર વહુઓ સાચુખોટું અંગ્રેજી ફાડ ફાડ કરી રહી હતી. ફૅશનની ફિસિયારી મારી રહી હતી. આ બધાંમાં સહુથી મોટાં હતાં કાંતાબહેન. સાઠની નજીક પહોંચેલાં. સાવ સીધા સાદા. ચંબુડી જેવડી વાળની અંબોડી. ખાસ બોલે ચાલે નહીં. મોં પર નિશ્ચલ શાંતિ. કાન પર આવતી જતી વાતો સાંભળીને ક્યારેક ક્યારેક હોઠને ખૂણેથી મલકી લે એટલું જ. ખાલી ચણાની જેમ ઊછળી-ગાજીને કાંતાબહેનની મોટી વહુ મોના પોલો ઢોલ વગાડી રહી હતી. સ્વિમિંગ અને ડ્રાઈવિંગની વાતો હાંકી રહી હતી. બેઠાં બેઠાં બધો તાલ જોઈ રહેલા અંજુબહેને લાગ જોઈને વજનદાર અવાજે મણનો મમરો બધાંની સામે મૂક્યોઃ

‘તમને બધાંને ખબર છે ? આપણી સોસાયટીમાં સૌથી પહેલું મોટર ‘ડ્રાઈવિંગ’ કોણ શીખ્યું હતું ?’

‘કોણ ?’ બધાંની આંખમાં કુતૂહલ હતું.

‘આ, આપણાં કાંતાબહેન ‘ધ ગ્રેટ !’’

‘હેં !’ ફટાકડી વહુઓની હવા ફસ્સ દેતીક નીકળી રહી. ‘હોય નહીં.’ એવી કાળી શાહી કાંતાબહેનની નાની વહુ બીનાના મુખ પર ઢોળાઈ ગઈ. જાણે સાસુને પૂછતી હોય, ‘હેં મમ્મીજી ?’ કરતાંક બીનાએ પોતાનું મોં કાંતાબહેન તરફ ફેરવ્યું. ખચકાતાં ખચકાતાં કાંતાબહેને હકારમાં ડોકી હલાવી અને એક જોરદાર ઝાટકો વાગવાથી બીનાનું મોઢું એવું તો મરડાયું કે…

ચકોર અંજુબહેન હવે વીફર્યાઃ ‘શું કાંતાબહેન તમેય ? આજ સુધી તમારી વહુઓને તમારા વિશે કાંઈ જ ખબર નથી ?’

‘મોટી મોના તો બધું જાણે છે.’ સહેજ ગભરાતાં ગભરાતાં કાંતાબહેને ખુલાસો કર્યો.

‘તો મોનાએ બીનાને કશું કહ્યું નહીં હોય તમારા માટે ?’ કોકે ટાપશી પૂરતાં પૂછ્યું.

અંજુબહેન વિચારે ચઢ્યા કે વહુઓ તો વહુઓ પણ બેમાંથી એકેય દીકરાએ પોતાની પત્નીને મમ્મીની ઓળખાણ કરાવી નહીં હોય ? અને એથી વધીને જોઈએ તો દીકરાઓના પપ્પાને કાંતાબહેનની કતૃત્વશક્તિનો પરિચાય નવી આવનાર વહુઓને કરાવવો જરૂરી સમજાયું નહીં હોય ? કે પછી ઠીક છે, મારા ભાઈ, ગૃહિણીને એટલું તે શું મહત્ત્વ આપવું, એ સનાતન ભાવના રહી હશે ? પરિણામે કાંતાબહેન એક બાજુએ ધકેલાઈ રહ્યાં હતાં.

એમ તો અહીં પણ ગર્ભશ્રીમંતાઈ હતી. પણ મોટી મોનાને એના પિયરનું કાંઈ વધારે પડતું ગુમાન હતું. એવી તો રોફીલી નીકળી કે આવતાની વારમાં જ લખશેરીની જેમ બધાં પર છવાઈ ગઈ. નાની બીના ખાસ ભણેલી નહીં પણ ભણેશરીનો વહેમ રાખી જેઠાણીના પગલે પગલાં માંડવા લાગી. શાણા કાંતાબહેને સમજી વિચારીને પોતાની પદવીઓ ભેગું પોતાના શાણપણનું પોટલું વાળીને અભરાઈએ ચઢાવી દીધું. માંડેલો સંસાર વીંખાઈ ના જાય તે માટે ચૂપચાપ તમાશો જોયા કરતાં અને આ બંને માતાજીઓથી બને તેટલું દૂર રહેતાં. બાકી એમના હાથ અને હલક તો એવા મીઠાં કે એમનાં ભોજન અને ભજન બંને રસનીતરતા રહેતાં. પણ સાસુને કોઈ વાતે વિસાતમાં ન ગણતી અને તુચ્છતાથી જોતી આ બંને વહુઓના દોઢડહાપણ સામે કોઠાડાહ્યા કાંતાબહેને જાણે પોતાની જાત જ સંકેલી લીધી. આ વહુઓને એમના પિયરથી આવેલી કોઈ પણ વસ્તુ જાણે મોંઘામસ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી આવેલી કોઈ લાગતી અને કેટકેટલી હોંશે કરેલી કાંતાબહેનની ખરીદી ગુજરીમાંથી આવી હોય તેમ હડસેલી કાઢતી. એમ તો પાછા કાંતાબહેને બનાવેલ મેવામીઠાઈ-ફરસાણા પાછલે બારણે ચુપચાપ મોંમાં દબાવતાં તો જાય પણ પલ્લું તો પિયરનું ઊંચું રાખતા ફરે. વેઠવૈતરાં કર્યે જતાં કાંતાબહેને પોતાની જાત અને પોતાની વાત બધું જ એક કોરે મૂકી દીધું. જાણ્યેઅજાણ્યે એક અણઘડ સ્ત્રીની મૂર્તિ કાંતાબહેન પોતે જ ઉપસાવતાં રહ્યાં.

અંજુબહેનની વાત તો આ બેઉ વહુઓને વીંધી રહી… ‘હા, હોં. લક્કડિયા ગાંઠિયા અને ચણાની દાળ તો કેવા ફરસાં…’ ‘પુડિંગકેક તો કાંતાબહેનના જ…’ ‘હું તો સ્વેટર બનાવતા એમની પાસે જ શીખી.’ ‘…ગળું તો કેવું મીઠું !’ … સાસુના એક પછી એક પાસાં જેમ જેમ ઉઘડતાં ગયાં તેમ તેમ વહુઓ પોતે માંડેલી બાજીમાં એક પછી એક દાવ જાણે હારતી ગઈ. બેઉનાં મોંઢાં ઝંખવાણાં પડી ગયાં. પણ એ જોઈને કાંતાબહેન ફફડી ઊઠ્યા કેઃ ‘હવે આ હાર્યા ખેલાડીઓ ઘેર જઈને બમણું રમવાના.’ અને થયું પણ એવું જ. બંને જણાં પોતપોતાના પિયરની સરસાઈ બતાવીને યેને કેન પ્રકરેણ કાંતાબહેનને નીચા પાડવા મચી પડ્યાં. કાંતાબહેનનો કોઠો માત્ર ઠંડો.

અંજુબહેન હવે કાંતાબહેનને રોજ બપોરે ભજનમંડળમાં લઈ જતાં. ‘ગયે વખતે હું લાવી હતી એ ગૉગલ્સ ક્યાં ગયાં ? કેટલો તડકો છે ?’

‘અરે રહેવા દો અંજુબહેન ! ગૉગલ્સ ચઢાવીને મારે વહુઓ સામે રણમેદાને નથી ઊતરવું અને આમેય મોનાને બહુ ગમતા હતા તે એને આપી દીધા.’ કાંતાબહેને અંજુબહેનને જવાબ આપ્યો.

પહેલાં તો કાંતાબહેન કેવા સુંદર લાગતા ! લાંબો ચોટલો ! આગવી ઢબે પહેરેલી, હલકી કાંજી કરેલી ગુજરાતી સાડી અને એવી જ આગવી છટાથી ગાડી ચલાવતાં. અને હવે તો કાંતાની કાંતિ જ જાણે બદલાઈ ગઈ. લાંબા વાળ ઘસાઈને કંતાઈ ગયા હતા ; સાડલા પણ સાધ્વી જેવા પહેર્યે રાખે. એક દિવસ અંજુબહેન પરાણે પકડીને કાંતાબહેનને ‘બ્યુટીપાર્લર’માં લઈ ગયા. એવા કોઈ રંગરોગાન કે લેપલપેડા નહોતા કરાવ્યા. ઝાંખાપાંખા થઈ ગયેલા કાંતાબહેનના સુંવાળા વાળને સરખા કરાવડાવી ગુચ્છેદાર પોનીટેઈલનું સ્વરૂપ આપ્યું. કાંતાબહેનના પ્રૌઢત્વને વધુ ગરવો બનાવે તેવો આછો શૃંગાર. કાંતાબહેનનું રૂપ જ જાણે બદલાઈ ગયું. હળવો મસાજ પણ કરાવડાવ્યો. નિષ્પ્રાણ કાંતાબહેનની લસલસતી કાંતિ જાણે પાછી ફરી.

ચાલો, ત્યાં સુધી તો આ ઠીક રહ્યું પણ ઘરનો ઝાંપો ખોલતાં જ પેલો જૂનો જાણીતો ફફડાટ કાંતાબહેનમાં પેઠો હતો. ઘરે આવીને જોયું તો ગામમાં જ જુદી રહેતી બીના આવી હતી. મોના પણ તેના રૂમમાંથી નીચે આવી. ત્રણે જણ ચા પીવા બેઠાં. કાંતાબહેનની બદલાયેલી ચાલ તો બેઉ જણાને અકળાવી રહી. ચૂપચાપ ચા પીવાઈ. વારુ. પણ જેવા કાંતાબહેન ચાનો કપ મૂકવા ઊંધા ફર્યાં અને કાંતાબહેનની ‘પોનીટેઈલ’ જોઈને મોનાની કમાન છટકી અને તે પગ પર પગ પછાડતી ઉપર તેના રૂમમાં જતી રહી. બીના પણ પર્સ લટકાવતી, ધૂંધવાતી બહાર નીકળી ગઈ. સાસુના નવા રૂપથી અંજાઈને દાઝી ઊઠેલી વહુઓ પોતપોતાના વર પાસે બળાપો કરતી રહી. કાંતાબહેન એ ધુમાડો જોતાં રહ્યાં પણ અરિસામાં એક નવી કાંતાને જોઈને ફરી એક વાર મલકાઈ રહ્યાં એટલી વાત ચોક્કસ.

પછી તો કબાટમાં લપાયેલી સુંદર સુતરાઉ સાડીઓ બહાર નીકળી પડી. હસતાં કાંતાબહેનને જોઈને વહુઓની આંબોઈ ખસી જતી. કાંતાબહેન હવે ખાસ ગણાકારતા નહીં. વહુઓને નહીં ગમે એ બીકે કેટલીયે મનગમતી વાત એમણે આજ સુધી કરી નહોતી. હવે એ લોકોને ચઢિયાતુંપણું આવતાંજતાં કઢ્યા કરતું. સાસુ ચઢિયાતી તો નહીં પણ બરાબરીની પણ હોવી ના જોઈએ. સાસુ તો ધરમધ્યાન, દેવમંદિરમાં જ શોભે. સાસુને વળી ખાવાના શા ચટકા ને સજવાના શા લટકા ? જેમ વહુઓ માટે સાસુઓના વણલખ્યા નિયમ હોય છે તેમ સાસુઓ માટે વહુઓના અણદેખ્યા નિયમો જોવા મળે છે.

અમેરિકા જતાં જતાં અંજુબહેને પોતાના ઘરે બહેનોનો ખાસ મેળાવડો રાખ્યો હતો. બધાં પાછાં એક વાર ભેગાં થયાં હતાં. સહુ કાંતાબહેન સામે પ્રેમાદારથી નિહાળી રહ્યાં હતાં. કોઈએ પ્રેમભાવે તો કોઈએ અહોભાવે કાંતાબહેનના નવા નિખારના વખાણા કર્યાં. પણ એમની વહુઓના મોં પાર ઈર્ષાભાવ સળવળી ઊઠ્યો, જે કાંતાબહેન ચોખ્ખું જોઈ શકતાં હતાં. કાંતાબહેને ટેપરેકોર્ડર પર વાગતાં ભજન તરફ બધાંના કાન દોર્યા. સંપૂર્ણ શ્રદ્ધાથી મગ્ન થઈને ગવાતું એ ભજન બધાં મુગ્ધપણે સાંભળી રહ્યાં. ભજન પૂરું થયું એટલે બધાં અંજુબહેનને પૂછવા લાગ્યાં, ‘કોણ આ ?’ … ‘આટલો મીઠો અવાજ કોનો ?’ અંજુબહેનના ગાલના ખાડા વધુ ઊંડા થયા અને કાંતાબહેન તરફ એમણે આંગળી ચીંધી. ‘હેં !’ નવી પેઢીનાં બધાં તો અચરજમાં ગરકાવ થઈ ગયાં. પણ વહુઓનો બેડો ગરક થઈ ગયો તેનું શું ? બધાં ટોળે વળીને કાંતાબહેનને ખુલ્લા દિલે અભિનંદન આપ્યાં. તાળીઓનો ગડાગડાટ થઈ રહ્યો. બીના અને મોનાએ હજાર કપડાં પહેર્યા હોવા છતાં એમના મોં પરનું નૂર અચાનક ઊડી ગયું. એમને તો અકલ્પ્ય ધક્કો વાગ્યો હતોઃ ‘આ બે બદામની અમારી સાસુમાં આવું કૌવત !’… ‘યે મુંહ ઓર મસૂરકી દાલ !’ એવા તેવા રંગો તેમના મુખમંડલ પર આવતા રહ્યા.

ઘરે પહોંચતાં તો કાંતાબહેનના પતિએ પણ એવા જ આનંદાશ્ચર્ય વ્યક્ત કર્યાં. ‘હેં ? ક્યારે ? આ બધું ?’ … ‘કેમ, રોજ બપોરે હું અંજુબેન સાથે સત્સંગમાં નહોતી જતી ? … આ બધું તો અંજુબેનના જ પ્રતાપે હોં કે ?’… ‘હા… હા સરસ. ભલે ભલે.’ કહેતા પતિદેવે પાછું એમના કામમાં માથું ખોસી દીધું. એમ તો દીકરાઓને પણા હરખ થયો હતો. પણ ઘરવાળીઓની નારાજીના બીકે એ ખુલ્લમખુલ્લા હરખ બતાવી શકતા નહોતા. વીફરેલી પુત્રવધુઓના ધૂંઆપૂંઆ ચહેરા જોઈ સુજાણ કાંતાબહેને વિચાર્યું કે હવે આ બધાંનો શોક શો કરવો ? હવે તો ખરખરો ફોક કરવો. આપણે તો મોટપ અને નમ્રતા એમને એમ જ રાખવાં.

અને વર્ષો પછી ફરી એક દિવસ કાંતાબહેને પૂરા આત્મવિશ્વાસથી ગાડીનું ગવંડર હાથમાં લીધું.

– અરુણા જાડેજા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “સાસુ ‘રિચાર્જ’ થાય છે – અરુણા જાડેજા”

Copy Protected by Chetan's WP-Copyprotect.