ઘડપણમાં સુખી કેવી રીતે થવાય ? – દિનેશ પંચાલ

(રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી દિનેશ પંચાલનો ખૂબ ખૂબ આભાર)

રહી રહીને એક વાત સમજાય છે. સુખી થવા માટે ફક્ત ઈશ્વરની કૃપા પૂરતી નથી. સુખી થવાની આવડત પણ હોવી જોઈએ. ધનદોલત પૂરતાં હોય પણ તેમાંથી આનંદ પ્રાપ્ત કરતાં આવડવું જોઈએ. આનંદ એટલે સુખની શેરડીમાંથી બનતો ગોળ ! ઘડપણ જિંદગીનો ડેન્જર ઝોન ગણાય. ૮૮ વર્ષના કોઈ વૃદ્ધનું શરીર ચોરસફૂટના હિસાબે રોગોએ વહેંચી લીધું હોય ત્યારે તેની દશા, જેના પર ત્રણ વાઘ ત્રાટક્યા હોય એવા હરણ જેવી થઈ જાય છે. અનુભવીઓ એથી જ કહે છે કે ઘડપણમાં ગીતા વાંચવા કરતાં અખબારોની આરોગ્યપૂર્તિ વાંચવાથી વધુ ફાયદો થાય છે. સુખી થવા માટે ઘડપણમાં વૃદ્ધો શું કરી શકે અથવા તેમણે શું કરવું જોઈએ તે પર નજર કરીએ.

(૧) વૃદ્ધોએ સમાજ માટે કાંઈ કરવું હોય તો સૌપ્રથમ તેમણે પોતાની જાત સારી રાખવી જોઈએ. કેટલાંક વૃદ્ધોને ખાવા પીવાની કે વ્યસનોની બૂરી લત હોય છે. દીકરાઓ તેમને સમજાવે તોયે તેઓ છોડતાં નથી. નશાની હાલતમાં ક્યાંક પડયા તો કમરના મણકા ભાંગી જાય છે. અને ભાંગેલા મણકા માત્ર વૃદ્ધની જ નહીં દીકરાઓની પણ કમર ભાંગી નાખે છે. (યુવાન સંતાનોએ પણ વિચારવું જોઈએ કે તેઓ માંદા પડશે અને વેળાસર દવા નહીં કરાવશે તો તેમાં એટલું નુકસાન નહીં થાય પણ વૃદ્ધોની સારવારમાં ઢીલ કરશો અને તેઓ ખાટલો પકડી લેશે તો આખા ઘરની પથારી ફરી જશે. એથી વૃદ્ધોની સારવારને અગ્રીમતા આપવી જોઈએ.)

(૨) વૃદ્ધોએ તેમની પાસે જે કંઈ મૂડી હોય તેને ઘડપણના સુરક્ષાકવચ તરીકે સાચવી રાખવી જોઈએ. ઘણાં વૃદ્ધો રિટાયર્ડ થયા પછી પી.એફ.ગ્રેજ્યુટી વગેરેના પૈસા સંતાનોને વહેંચી આપે છે. ઘડપણની આ ગંભીર ભૂલ ગણાય. યાદ રહે, તમારા મૃત્યુ પછી એ પૈસા તેમને જ મળવાના છે. પણ કસમયે બધું ખેરાત કરી દેવાની ભૂલ કરવી જોઈએ નહીં.

(૩) ઘડપણમાં દેવદર્શન, ભક્તિ, પૂજાપાઠ વગેરે કરવાથી શાંતિ મળતી હોય તો ભલે તેમ કરો પણ શ્રદ્ધાના અતિરેકમાં અંધશ્રદ્ધાળુ બનવું જોઈએ નહીં. ઘડપણમાં દેવ કરતાં દેહ તરફ વધુ ધ્યાન આપવું જરૂરી છે. વર્ષમાં એક સત્યનારાયણની કથા નહીં કરાવો તો ચાલશે, પણ એકવાર બોડી ચૅકપ અવશ્ય કરાવવો જોઈએ.

(૪) સુગર, પ્રેસર, વા વગેરે હોય તો તે માટે નિયમિત ચૅકપ તથા જરૂરી દવા કરવામાં લાપરવાહી કરવી જોઈએ નહીં. દેહના કોઈ પણ રોગને ઘડપણમાં નજરઅંદાજ કરશો તો તે રોગ આખા કુટુંબને બાનમાં લેશે. યાદ રહે, ઘરમાં ટીવી અને બીબી ન હોય તો ચાલે પણ દેહમાં ટીબી કે બીપી ન હોવાં જોઈએ !

(૫) તમારા ઘરેણાં તથા મિલકતના મહત્ત્વના દસ્તાવેજો બને તો બેંકના લોકરમાં રાખો. પણ એટલું યાદ રાખવું કે બેંકમાં લોકર હોવા કરતાં ઘરમાં વૉકર હોવું વધુ જરૂરી છે. ઘડપણમાં રોજ ચાલવું જરૂરી છે. યાદ રહે, સોના-ચાંદી, ઘરબાર, જમીન-જાયદાદ એ ભૌત્તિક સંપતિ છે. જીવનમાં એ પણ ઉપયોગી છે પરંતુ હિમોગ્લોબિન, રક્તકણ, શ્વેતકણ, કેલ્શિયમ વગેરે દેહની ભીતરી મિલકત ગણાય. એ મિલકત વિના બાહ્ય મિલકતનો આનંદ મળી શકતો નથી. મોટી માંદગી આવી પડે ત્યારે કંગન, નેક્લેસ કે બંગડીઓના બિલ કરતાં કોર્ડિયોગ્રામ, એન્ડોસ્કોપી કે બાયપ્સીનું બિલ વધારે આવે છે. પૈસા ના હોય તો બંગડી વેચીને બાયપ્સી કરાવવી પડે એવા સંજોગોમાં પણ આવે છે. એથી ઘડપણમાં માત્ર બાહ્ય મિલકતની જ નહીં, આંતરિક મિલકતની પણ કાળજી લેવી જોઈએ.

(૬) ઘડપણમાં એક બીજું શાણપણ પણ દાખવવું જરૂરી છે. નોકરી ધંધાની વિકટ જવાબદારીમાં તણાવયુક્ત જીવન જીવી રહેલા દીકરાઓ પર બને ત્યાં સુધી તમારી કોઈ જવાબદારી ન લાદો. બલકે પરોક્ષ રીતે તેમને અનુકૂળ બની રહેવાય એવી રીતે જીવો. કુટુંબમાં કોઈ જોડે લડો નહીં. સૌ જોડે આનંદથી હળોમળો. ઘરના કોઈ પણ નાના મોટા કામમાં શક્ય એટલા સહાયરૂપ થાઓ. દીકરા વહુઓની દિનચર્યામાં માથું મારવાનું ટાળો. તમને કાંઈ પૂછવામાં ન આવે ત્યાં સુધી ઘરમાં કોઈને સલાહ ના આપો. કોઈ બાબતે મમતે ના ચઢો. વડીલપણાના કેફમાં તમારો જ કક્કો ખરો ના કરાવો. તમારે કારણે ઘરના સભ્યોને માથે કોઈ વધારાની જવાબદારી આવી પડે એવું કાંઈ ન કરો. જેમકે તમારી સાથે સવારે મોર્નીંગવૉક પર આવતા દશ પંદર મિત્રોને ભોજન માટે કદી ઘરે આમંત્રણ આપો નહીં. (ઈચ્છા થાય તો તેમને બાગમાં નાસ્તો કરવી શકો.) દીકરા વહુ મહિને કેટલી ફિલ્મ જુએ છે તથા કેટલીવાર બહાર જમે છે તેનો હિસાબ રાખવાને બદલે બે દિવસથી તમને ઝાડો ખુલાસીને થતો નથી, જો હરડે લેવાનું ચૂકી જવાશે તો ગંભીર ગેસટ્રબલ થઈ જશે એ વાત પર ધ્યાન આપો. યાદ રહે, જો તમે દીકરાઓને ચાહતા હો તો તેમને કેવળ મિલકત આપીને જ સુખી કરી શકાતાં નથી. ઘડપણમાં તમારા તરફથી તેમને ઓછામાં ઓછી તકલીફ પડે એ રીતે જીવો તો દીકરાઓ માટે તે અદ્રશ્ય આશીર્વાદ બની રહેશે.

(૭) તમારા રોગ પ્રમાણે પરેજી કરવાનું કદી ચૂકવું નહીં. દાદાને ઉગ્ર એસિડિટી હોય છતાં રોજ ભજિયાનો નાસ્તો જોઈતો હોય અથવા ચારસો જેટલું સુગર રહેતું હોય તોય દાદા ઘીમાં લચપચતો શીરો ખાવાની ફરમાઈશ કરતા હોય તો તેવી વૃદ્ધહઠ વહેલી તકે છોડી દેવી જોઈએ.

(૮)કોઈ પણ રોગ થયો હોય તો તે માટે ડૉક્ટર પાસે જવાને બદલે ભગત ભૂવાનું મંત્રેલું પાણી પીવું, તાંત્રિકોના માદળિયા બાંધવા કે બાધા આખડીમાં પડવું એ નરી અંધશ્રદ્ધા ગણાય, જે પાછળથી બહુ મોંઘી પડી શકે છે.

(૯) તમારું શરીર રજા આપતું હોય તો સામાજિક પ્રવૃત્તિઓમાં યોગદાન આપવું જોઈએ. સિનિયર સિટીઝન ક્લબ અથવા એ પ્રકારની બીજી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાઈને માનદ સેવા આપવી જોઈએ. સારા પુસ્તકો અને સારા મિત્રો એ જીવનની શ્રેષ્ઠ મિલકત ગણાય. એથી હંમેશા ઉત્તમ પુસ્તકો અને સારા મિત્રોની સોબત કેળવો. સારુ વિચારી શકવાની ક્ષમતા હોય તો મિત્રો સાથે તમારા વિચારો શૅર કરો. લખી શકતા હો તો અખબારોમાં મંતવ્ય લખો. જાહેર વ્યવસ્થા કે રાજકીય અરાજક્તાઓ અંગેના પ્રશ્નો વિશે અખબારોમાં ચર્ચા કરો. પ્રવચનો ગોઠવો. તમે વૃદ્ધ થઈ ગયા છો એવી લાચારીનો ભાવ પરાણે મન પર લાદીને જીવશો નહીં. ઘડપણ ભલે દેહમાં પડ્યું રહેતું… એને મન પર હાવી થવા દેશો નહીં.

(૧૦) રક્તદાન, દેહદાન, ચક્ષુદાન તથા હૉસ્પિટલોમાં માનદસેવા જેવી પ્રવૃત્તિ દ્વારા તમારા નિવૃત્તિકાળનો સુંદર વિનિયોગ કરો. તમારી જાતને હંમેશાં સમાજસેવામાં જોતરેલી રાખશો તો તમારા પોતાના દુઃખો ભૂલી જશો. ઘરનાઓ સહિત આખો સમાજ તમને માનથી જોશે અને તમને અનોખો સંતોષ મળશે.

(૧૧) સિનિયર સિટીઝન ક્લબમાં સૌ ભેગા મળી અનેક પ્રકારના રચનાત્મક કામો અંગે ચર્ચાવિચારણા કે પ્રવૃત્તિઓ કરી શકાય. પ્રવાસો ગોઠવી શકાય. ડોક્ટરો, કલાકારો, વકીલો કે મેડિક્લેમના નિષ્ણાંતના પ્રવચનો ગોઠવી તેમના જ્ઞાનનો લાભ મેળવી શકાય. માનવતાને વરેલા મંદિરો, ઘરડાઘરો, અનાથાશ્રમો કે લોકક્લ્યાણના ટ્રસ્ટો સાથે મળી સમાજ ઉપયોગી કામો કરવા એ ભગવાનની ભક્તિ કરતાં ય વધુ ઉપયોગી પ્રવૃત્તિ છે.

(૧૨) લગ્ન, સિમંત, મોસાળુ, પહેરામણી કે જનોઈ જેવાં સામાજિક ખર્ચાળ રિવાજોમાં આંધળો ખર્ચ કરી ઘડપણની બચતને ફૂંકી મારવા જેવી ભૂલ કદી કરશો નહીં. લગ્ન હંમેશાં સાદાઈથી કરવા. જીવનમાં માંદગી ટાણે પૈસાની સાચી જરૂરિયાત ઊભી થાય છે ત્યારે ત્યાં કસર થઈ શકતી નથી. યાદ રહે, લગ્ન સાદાઈથી થઈ શકે પણ ઓપરેશન સાદાઈથી કરી શકાતું નથી. ભલે તમે જૂની પેઢીના માણસ હો પણ સમયના પરિવર્તનો સ્વીકારીને તે પ્રમાણે તમારા વિચારોને ‘અપડેટ’ કરવા તૈયાર રહો. જુનવાણી કે જર્જરિત વિચારોને તિલાંજલી આપી વિવેકબુદ્ધિ પ્રમાણે જીવનને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ઢાળો. વહેમ, અંધશ્રદ્ધા, શુભ-અશુભ ચોઘડિયા, જન્મારો, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર કે બાધા-આખડી વગેરેને તિલાંજલી આપી જીવનને આધુનિક પરિવેશમાં ઢાળો.

આવી તો અનેક બાબતો ઘડપણમાં સુખથી કેમ જીવવું તે અંગે દિશાસૂચન કરે છે. જિંદગીની જાત્રા પ્રસૂતિગૃહથી સ્મશાનગૃહ સુધી અને ઘોડિયાઘરથી ઘરડાઘર સુધી વિસ્તરે છે. જીવન અને મૃત્યુ એક સિક્કાની બે બાજુ છે. જ્યોર્જ સાંતયાનાએ કહ્યું છેઃ ‘જિંદગી અને મોતનો કોઈ ઉપાય નથી. ઉત્તમ તો એ જ કે એ બે વચ્ચેના સમયગાળાને પૂરેપૂરો માણી લેવો !’ બંધુ ત્રિપુટીની કેટલીક પંક્તિ પણ એ જ સૂચવે છેઃ

જીવન બીજું કાંઈ નહીં, બાવન પત્તાની વાત છે;
એક્કો, દૂરી, ગુલામ, બાદશાહ ભાગ્યતણી સોગાત છે.
કળા શીખી લો રમવાની તો જીત તમારી સાથ છે;
સારું નરસું …મારું તારું… મનના સૌ ઉધમાત છે.
રાખ થાય છે સૌની સરખી, વ્યર્થ બધી પંચાત છે !
– મુનિ ચંદ્રજી વિજયજી ‘આનંદ’ (બંધુ ત્રિપુટી)

– દિનેશ પંચાલ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સાસુ ‘રિચાર્જ’ થાય છે – અરુણા જાડેજા
દોહ્યલું એટલે જ દુલારું દામ્પત્ય – મણિલાલ હ. પટેલ Next »   

13 પ્રતિભાવો : ઘડપણમાં સુખી કેવી રીતે થવાય ? – દિનેશ પંચાલ

 1. sandip says:

  ખુબ સરસ્……
  આભાર્…………..

 2. p j paandya says:

  વયસકો માતે બહુ પ્રેરનાદાયિ લેખ

 3. Jayshree says:

  આરોગ્ય સાચી સંપત્તિ છે

 4. ખુબ જ સરસ લેખ!! ઘડપણમા જીદ્દદી કે હઠાગ્રહી સ્વભાવ ત્યજવાનુ પણ એટલુ જ ફાયદામા છે.

 5. Kanaiyalal A Patel ( CA ) USA says:

  Thank You ,

  Really Nice Lesson ,

 6. gita kansara says:

  સરસ લેખ્.વ્રુદ્ધત્વને પ્રેરના શિખ આપતો સમજ્વા જેવો ને જિવનમા તેના આદર્શ રુપેી જેીવવુ જરુરેી ચ્હે.આભાર દિનેશ્ભાઈ.

 7. Hemant says:

  પ્રદેશમા રહેતા ને માતે વધારે લગુ પદે, જ્યા સગા-સમ્બન્ધિ ના હોય મદદ માતે.
  હેમન્ત્

 8. Shantilal Joshi says:

  ખરેખર પ્રેરણા દાયક લેખ. અભિનન્દન્.

 9. અલકેશ મોદી says:

  જીવન બીજું કાંઈ નહીં, બાવન પત્તાની વાત છે – ખરેખર સાચી વાત છે.

 10. રાજેશ ચૌધરી, ઇડર says:

  દિનેશ્ભાઈ ખુબ જ સુન્દર લેખ આભાર
  આપનિ રજુઆત ખુબજ સરસ

 11. vinod says:

  very good

 12. મનોજ હિંગુ says:

  ઉમરા તો ડુંગરા થયા , પાદર થયા પરદેશ, ગોળી ગંગામાઈ બની
  માથે આવ્યા છે ધોળા કેશ , ગઢપણ કોણે મોકલ્યું ?

  નરસિંહ મેહતા

 13. Arvind Patel says:

  એવું કહેવાય છે કે જેને સારી રીતે જીવતા આવડે તેને સારું મરતાં પણ આવડે. વૃદ્ધા અવસ્થા દરેક ના જીવનનો એક ભાગ છે. જો તમે આગળ ના ૫૦ કે ૬૦ વર્ષ સમજદારી થી વિતાવ્યા હશે તો પાછળના સમયમાં કોઈ મુઝવણ થશે નહિ. આર્થિક વ્યવસ્થા, માનસિક સમજણ, કુટુંબ ની પ્રેમ પૂર્વકની જાળવણી, દરેક પેઢી સાથે ભળી જવાની તૈયારી, દીકરો કે દીકરી કે પૌત્ર કે પુત્રી સાથે સરતાથી જીવવાની, પોતાના સ્વાસ્થની જરૂરી કાળજી, આવા બધા પાસાઓ ની જો કાળજી લીધી હશે તો ઘડપણ દુખ દાયક નહિ લાગે. શરીર થી વૃદ્ધ થવું એ તો સ્વાભાવિક છે, પરંતુ મનથી કદીયે વૃદ્ધ થવું નહિ. મન હમ્નેશા તારો તાજા રાખવું. કહેછે ને કે જેનું મન ઓપન હોઈ તે કોઈ પણ પરિસ્થિતિ સામે આરામ થી જીવી શકે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.