દોહ્યલું એટલે જ દુલારું દામ્પત્ય – મણિલાલ હ. પટેલ

(‘દુલારું દામ્પત્ય’ પુસ્તકમાંથી સાભાર)

[શ્રીમતી ગોપીબહેન અને ડૉ. મણિલાલ હ. પટેલ નિવૃત્તિના હીંચકે ‘સહજ બંગ્લોઝ’માં હીંચકતું આ દંપતી. ગોપીબહેને તો પહેલેથી ગૃહમોરચો જ સંભાળ્યો છે. ડૉ. મણિલાલ ભરપૂર જીવ્યા છે. ગહન અધ્યયન, ગુજરાતી સાહિત્યમાં અનેક સ્વરૂપોમાં નક્કર પ્રદાન કર્યું છે ડૉ. મણિલાલ હ. પટેલે. સદીએ પહોંચ્યો છે તેમનાં પુસ્તકોનો આંકડો. ભાવુક માનવી અને સંવેદનનું ઋજુ વ્યક્તિત્વ છે. હ્રદયને સ્પર્શે તેવા વક્તા અને મનને વિચારતા કરે તેવા લેખક પ્રકૃતિના પ્રેમી છે.]

અમારું દામ્પત્યજીવન દિવસ-રાત અને ઋતુઓની જેમ ચાલ્યું છે ને આજેય એમ જ ચાલે છે. એની જ તો મજા આવે છે. દામ્પત્યજીવનમાં સવાર-બપોર-સાંજ આવે છે. અમે તો લાંબી કાળી એકલવાયી રાત્રિઓ જોઈ છે ને પરોઢ આવતાં ઘણી વાર મોડું થઈ ગયાની લાગણી વચ્ચે દિવસ પણ પાનખર જેવો લાગ્યો હતો… પણ દિવસ-રાતની બધી વેળાઓનો આનંદ લેવામાં અમે પાછાં નથી પડ્યાં. બળતી બપોર વીતતાં વાર લાગી છે છતાં ઘણી વાર સખી-સંગાથી રાયણ-પીપળના છાંયડાની જેમ, માથે ને સાથે રહ્યાં છે. દામ્પત્યમાં પાનખર વર્ષમાં ક્યારેક તો ત્રણ-ચાર વખત આવે, પડાવ નાખે, પાંદડાં ફૂટાડતાં નેળનાં પાણી મોભે ચઢ્યાં છે… પણ ત્યારેય સુંવાળા દિવસો અને હૂંફાળા સહવાસની વેળાઓની યાદો આધાર બનીને સંકોરતી રહી છે… ‘જીવ ! આ દિવસોય વીતી જશે !’ છતાં કહેવું જોઈએ કે દામ્પત્યજીવન દોહ્યલું છે – કદીક તો ખાંડાની ધાર પર ચલાવે ને કદીક ‘અસિધારા વ્રત’ જેવું પાળવું પડે છે – પત્ની માટે આવું વ્રત કસોટી કરે ને છેવટે આનંદ ન આપે તોય સમજણ આપીને બધું સહય બનાવે છે.

સૌ. ગોપીએ હંમેશાં ભરપૂર પ્રેમની અપેક્ષા રાખી છે – ને મેં પણ ! જોકે મને હંમેશાં સમજણ સાથેના પ્રેમની ઝંખના રહી છે. પરિણામો સ્પષ્ટ હતાં – હઠાગ્રહ, રિસામણાં, જિદ, કઠોરતા, ગેરસમજણ ! દામ્પત્યજીવનમાં અમે આ બધાંનો મુકાબલો કરીને હાર્યાં-થાક્યા છીએ, પરંતુ સહજીવનને સુકાવા નથી દીધું ! કઠોર આચરણોએ સમજણ આણી છે ને સમજણો દામ્પત્યને રસિકતા આપી છે. જીવનનો રહેંટ ભરાતો-ઠલવાતો રહ્યો છે. ગોપીની તીવ્ર ને તારસ્વરે થતી ફરિયાદ તે પ્રેમની અભિવ્યક્તિની ! ‘પ્રેમ હોય એટલું પૂરતું નથી, એ વાણી-વર્તનમાં બીજાંનેય રત… એટલે દાખડો-દંભ ગમે નહીં ! પ્રેમ જેને માટે હોય એને તો આપણી આંખોમાં ને અવાજમાં એ વર્તાવો જ જોઈએ… બસ ! સામું માણસ પારખી ન શકે તો દુઃખ થાય – મને તો ! ગોપીની અપેક્ષા ભંગ પછીની કઠોરતા અને જિદોને લીધે હું વારંવાર ઉઝરડાતો રહ્યો છું છતાં મેં-મારી સમજણથી – એને પત્ની તરીકે ‘તરસ્યા મલકની નદી’ તરીકે અનુભવી છે. જળવિહીન સુક્કી વેળાઓમાં મેં એના ભીતરમાં વહેતાં વારિ સાંભળ્યાં છે. છતે પાણીએ તરસ્યો રાખ્યો હોય ને પછી એ, તરસથી તરસી તિરાડોવાળી ભૂમિ પર, વાદળીની જેમ વરસી હોય – થોડી વીજળીઓના કડાકાભડાકા અને ગર્જના પછી ઝરમર ફૂહારો ચાલતી હોય ! આવા દિવસો ઓછા ખરા, પણ યાદગાર તો એ જ- ખરા થાંભલા જેવા એ દિવસોને સહારે દામ્પત્યનું છાપરું ટકેલું છે – હજી એમાં ચૂવા પણ ઓછા જ પડેલા છે ! આ છાપરું કાચું હોય એટલું વધારે વરસે છે ! !

હું અને ગોપી પહેલી વાર મળ્યા ત્યારે અમારી સગાઈ તો થયેલી જ હતી, પરંતુ પરસ્પર નહીં ! એની સગાઈ અમુક ગામે તમુક જોડે ને મારી સગાઈ ફલાણે ગામે ઢીંકણી જોડે થયેલી હતી. એ મારા કાકાના દીકરાનાં વહુ-મારાં ભાભી (નામે કાળીબહેન પણ અત્યંત ગોરાં ને રૂપાળાં હતાં એ)ની બહેન (મોટાભાઈની સાળી) તરીકે અમારે ત્યાં મહેમાન હતી. અમે ‘સગાં’ તરીકે મળેલાં પણ ‘વ્હાલાં’ થવાની વાત તો હવામાંય નહોતી ! મારી બે બહેનો તથા ત્રણ ભત્રીજાનાં લગ્ન હતાં. બંને ઘરોની પડસાળો ખુલ્લી અને વિશાળ આંગણે પાંચ-પાંચ માંડવાની હાર પડી હતી જેને મેં સાડીઓ તથા પાઘડીઓથી શણગારી હતી. વર-કન્યા-પાંચેય યુગલો વિદાય થયાં ને પડસાળો સૂની પડી હતી… ને મેં મંડપની સાડીઓ – છોડીને સંકેલવા માંડી ત્યારે મદદમાં જોડાઈ ગયેલી. રાત પડતાંમાં અમે ઠીક-ઠીક સંકેલી લીધેલું… એ બીજે દિવસે ક્યારે ચાલી ગયેલી એની મને ખબર નહોતી – ખબર રાખવાનો ભાવ પણ જાગ્યો નહોતો. થોડાં વર્ષો પછી, વખતે અમને એક માંડવા નીચે, લગ્ન માટે મેળાવ્યાં… બસ, ત્યારથી અમે બંને લગ્નના મંડપોના શણગારો સંકેલીએ છીએ… ઓરડે બધું ઉકેલીએ છીએ ને હીંચકે બેસીને પાછલાં વર્ષોને સંકેલવા મથીએ છીએ ! લગ્નમંડપોનાં એ ઢોલ-વાજાં ને ગાણાં સૂનકાર ને સન્નાટા આડે ભૂલાઈ ગયાં છે… નથી ભૂલાતાં એ ડૂસકાં ને ડૂમા… એ તો સાથે ને સાથે રહ્યા છે… દામ્પત્યજીવનની મોસમો મંડપની સાડીઓની જેમ છોડીને સંકેલી શકાતી નથી… અમે બંને બહુ મથ્યાં છીએ પણ જે સંકેલીએ છીએ એ વળતી વેળો આખું ઉકલીને સામે આવે છે… ‘તેરી આંખ કે આંસુ પી જાઉં…’ – કહેવાની વેળાઓ આવી હતી… એ સ્વાદ હજી જીવરાવે છે… ને એ જ સ્વાદ આજે તરસી વેળાઓમાં તરસાવે છે. દામ્પત્યની મજા આવી તરસની તરસમાં છે – એને હવે સંકેલવા નથી !

ગોપીને લગ્નપ્રસંગે પણ કંઈ આપી શકાયું નહોતું. અમારા લુણાવાડિયા લેઉઆ પટેલોમાં ‘કંકુ સાટે કન્યા’- નો રિવાજ. એક રૂપિયો ચાંલ્લો ને કંકાવટી ભરીને કંકુ. બસ, પણ છત પ્રમાણે દરદાગીના અપાય ખરા. અમે તો બેનના થોડા દાગીના ઉછીના (સાત દિવસ માટે) લઈને, જોડાં કપડાં સાથે છાબડીમાં મૂકીને સારું દેખાડેલું. આણે આવીને ગોપીએ દાગીના પરત કરેલા એના બાપુજીએ જરૂરી બધા દાગીના કરાવીને એને આપેલા. એ એટલામાં રાજી હતી. એણે એ પછી પણ – આજ દિન સુધી – કદી સોનાનો મોહ વ્યક્ત કર્યો નથી. સીમંત વેળાએ મેં એને ઘરેણું નહીં, પણ (૯= રૂપિયા ફક્ત) ઘડિયાળ આપેલી. ત્યારે ગામડાંની ગોરીઓમાં ઘડિયાળની ફૅશન દાખલ થયેલી. આજે ગોપી કહે છે કે મેં તો તમારી પાસે કશુંય માગ્યું નથી ને હું કહું કે આપવા જેવું જેટલું મેં ચૂપચાપ આપ્યું છે – એમાં એકલતા હશે, ઉપેક્ષા પણ હશે – પણ વિશેષતઃ તો મેં કાળજી-લાગણી અને સમજણ આપ્યા છે. સમજાય એને માટે આ મોટી મૂડી છે. એક સમયે એ મારી પસંદગીનાં ને મે વ્હોરેલા કપડાં પહેરતી હતી. પછી અણગમો થયો ને દીકરીની પસંદ માફક આવી એટલે હું મુક્ત થયો – મનમાં દુઃખ તો હજીય થાય છે. હું તો પ્રવાસી જીવ છું – પણ એણે કદી મારી બૅગ તૈયાર કરી આપી નથી. હા, અમારા સહપ્રવાસમાં હું એની બૅગની કાળજી લઉં – બધી રીતે કાળજી લેવાનો આનંદ હોય છે. એ પતિદેવોને ઝટ નથી સમજાતું ! ગોપીની અપેક્ષાઓ આજેય ઠીક-ઠીક છે – સાથે જ રહેવાના દિવસો – સંતાનો બહાર હોવાથી – પુનઃ આવ્યા છે. હું સમજું છું કે જો પરસ્પર સ્નેહ-કાળજી નહીં લઈએ તો ‘એકલતા’ પીડશે… તો વળી આ અપેક્ષાઓ પણ ઓછી પીડા નથી આપતી. સરવાળે સમજાયું છે કે માણસ ‘એકલો’ જ છે – નિર્ભાંન્તિની હવે નવાઈ નથી, પણ ‘વેઠવું અને શાણા બનવું’ એ જ આપણું કર્તવ્ય હોય છે !

પતિ-પત્નીની વચ્ચે સ્નેહસૌંદર્ય ટકાવી રાખનારાં સ્મરણો/યાદો તથા સરસ પ્રસંગોની સ્મૃતિઓ હોય છે – અમારી પણ આ જ મૂડી છે. ગોપીની રાહ જોયાનું એક સ્મરણ છે, પહેલું આણું કરવા મારા વડીલો ગયા હતા. હું M.A. પાસ થવામાં હતો ને કવિતા લખતો હતો. એ રંગીન દિવસો હતા. મેં બપોરથી પડસાળે, ફળિયે, પાદરે જઈ-જઈને રાહ જોવા માંડેલી. એટલી તીવ્રતા કે નકરી અધીરતાથી મેં આ પછી કદી કોઈની રાહ જોઈ નથી. એના આગમનથી ઘર મહેકી ઊઠેલું – કવિતામાં બને છે તેમ – હું ઉંબરનો પથ્થર મટીને ટોડલાનો મોર બની ગયો હતો. પિંક કલરની અને કેરી-ભરતની સાડીમાં એનો રતુંબડો ચહેરો દીવા શો ઝળહળતો લાગેલો. એ સાંજે સૂરજનાં આથમતાં રતુંબડાં કિરણો પણ ઘરમાં ફરી વળેલાં… ત્યારે પ્રેમનું અજવાળું અનુભવેલું એવું કદી ફરી મળ્યું જ નથી ! ગોપીનો પણ રાહ જોયાનો એક અનુભવ છે.

૧૯૯૨માં હું યુ.કે. ગયેલો. બે માસ પૂરા થવામાં હતા. ત્યારે તો આટલા ને આવા ફોન નહીં. અઠવાડિયે મિત્રો વાત કરાવે. મેં થોડા પત્રો લખેલા. હજી કશાક સચવાયેલા છે. પાછા ફરવાના છેલ્લા અઠવાડિયે મેં એને પૂછેલું કે, ‘ગોપી, તારે માટે શું લાવું ? બોલ…’ ત્યારે એણે પળનોય વિલંબ કર્યા વિના કહેલું – ‘મને કશું જોઈતું નથી. મને તું જોઈએ છે – તું જલદી-જલદી આવી જા…’ ને હું ઘરે આવ્યો ત્યારે એ – મોટા થવા માંડેલાં સંતાનોની પરવા કર્યા વિના – ફૂલોનો હાર લઈને દોડતી આવી, મને હાર પહેરાવીને વળગી પડી, આંસુ સાથે એણે મારા ચહેરાને સંપૂટમાં લઈ વારેવારે ચૂમી લીધો હતો. આવા નિતાંત પ્રેમ આગળ, એની બધી શંકા-કુશંકાઓ કશી વિસાતમાં નથી. એ દિવસે હું જે પામ્યો હતો એવો દામ્પત્યપ્રેમ પછી ભાગ્યે જ પામ્યો છું. પતંગિયું થઈને ઊડાઊડ કરવા માગતા મનને મારે વારવું પડેલું.

આ તીવ્ર સંવેદનાએ મને વિચારતો કરી દીધેલો. ૧૯૯૩ના ફેબ્રુઆરીમાં, સાહિત્ય અકાદમી દિલ્હીની ટ્રાવેલ ગ્રાન્ટથી હું ઓરિસ્સાના બંગાળના પ્રવાસે ગયો હતો. ગોપીને મેં રોજના એક-એક લેખે ૨૨ પત્રો લખેલા – એય સચવાયા છે. એ પછીનાં વર્ષોમાં કદી પત્રાચાર નથી થયો. પછી તો શંકાઓના એક કરતાં વધુ કીડાઓ ઘરના વચલા મોભને જ અંદરથી પોલો-ખોખલો કરતા રહ્યા છે. અંતર વધ્યું અને ઘરમાં ઓરડા અળગા થયા… અબોલાં વર્ષો વીત્યાં હોય – એવુંય બન્યું છે…. ફરજ-જવાબદારી-સમજણ દાખવીને મેં ચહેરો હસતો રાખ્યો છે… પણ લાગણી કે કાળજી લેવામાં ચૂક્યો નથી. પાછલા સંસ્મરણોએ પજવવા સાથે આશ્વાસનો આપ્યાં છે, વેઠી-વેઠીને વલખતો રહ્યો છું – પ્રકૃતિનો પતિયાર લેતો રહ્યો છું. અમે દેશમાં તથા અમેરિકામાં થોડા પ્રવાસો સાથે કર્યા છે. નજીક રહેવાની એ વેળાઓનો આનંદ ઘરે પહોંચ્યા પછી કેમ ટક્યો નહીં ? આજે પણ આ પ્રશ્નનો ઉત્તર હું અહીં ઉતારી શકવા સમર્થ નથી. પણ જીવવાનું માંડી વાળ્યું નથી… પરિસ્થિતિઓ ડૂમો ને ડૂસકો બની ગઈ ત્યારેય અંદરથી કશોક સધિયારો મળતો રહ્યો છે. એ સધિયારો તે વ્યતીતના સંસ્મરણો-પ્રેમવર્ષાના દિવસો ! !

દામ્પત્યનો મુગ્ધ દસકો બરાબર યાદ છે ત્યારે તો વહેમ-શંકાનાં કારણો ને પ્રમાણોય હતાં… પણ પહાડથી ઊતરતાં ઝરણાં રોક્યાં રોકાતાં નથી. ઈડર મલકમાં એવા પ્રવેગથી જીવ્યાં હતાં.

ગોપીના પિતાજી ઘણાં વર્ષો સરપંચ રહેલા. એટલે એ ઘરમાં મહેમાનો સાચવવાનો પ્રબળ સંસ્કાર હતો. ગોપીએ, અમારે ત્યાં પણ જે હતો, એ સંસ્કારને દ્રઢાવ્યો-બઢાવ્યો. આ બાબતે ઊજળાપણાનો યશ ગોપીને ફાળે જાય છે. મારાં બાળકોનું પ્રાથમિક શિક્ષણ તથા એમનાં ઘડતર-ઉછેરની જવાબદારી ગોપીએ નિભાવી… મારાં એ વાચન-લેખન-સર્જનનાં વર્ષોમાં મને તથા મારા મિત્રોને સમય આપીને-જમાડીને-સાચવી લેવાનું ગોપીકાર્ય નોંધવું જ પડે એવું મોટું હતું. પાછલાં વર્ષોની એમની મારા તરફની કઠોરતાને સહાય બનાવવામાં પૂર્વાશ્રમનાં એ પરમ વર્ષોને હું આજેય સંભારું છું ને સાંત્વના પામું છું.

ગોપીએ એના પિતાજીને ત્યાં ઘરકામ કરેલું, પણ ખેતર કે ખેતીનું કાર્ય તો એણે મારે ત્યાં આવીને – દસેક વર્ષ કરવું પડેલું. પહેલી વાર જેઠના તાપમાં એણે ખેતરે જવાનું થયું ત્યારે મને અંદરથી અચરાટ થયેલો. નવી સાડી પહેરીને, તડકામાં વધારે રતુંબડી લાગતી, એ નવવધૂને ખેતરથી છોડાવવા મેં કશોક કીમિયો કરેલો ને પછી અમે બંને છાનાંમાનાં લુણાવાડા સિનેમા જોવા નીકળી ગયેલાં. અમે સાથે જોયેલી એ પ્રથમ ફિલ્મનું નામ તમને નથી કહેવાનું ! છેલ્લાં વીસેક વર્ષોથી અમે થિયેટરમાં સાથે જઈને (કે એકલા જઈને પણ) ભાગ્યે જ ફિલ્મો જોઈ છે. ત્યારે એક વાર ઈડરથી અમદાવાદ ફિલ્મ જોવા ખાસ ગયેલાં ‘એક દૂઝે કે લિયે !’નાં એક રંગદર્શી વર્ષો યાદ છે ખરાં, પરંતુ હવે ઘી ઠર્યાં છે ને જળ ઊંડાં ને ગંભીર બન્યાં છે. જોકે વમળો તો હજીય ઊઠે છે ને જળમાં તરંગો જામે છે. ક્યારેક આડાઈ-અકોણાઈ રસ્તા રોકે છે. તો કદીક, કારણ વગર થયેલી શિક્ષાઓ, મનને મજબૂર કરે છે.

ઘણી વાર સમજાય છે કે લગ્નજીવનથી જ આપણને માણસો-સંબંધો-માનવનિયતિ-સુખદુઃખ-હોવાપણાની પીડાઓ-આનંદ-ઉત્સવો-એકાકીપણું- બધાનું મૂલ્ય સમજાય છે. તો ક્યારેક મન પોકારી ઊઠે છે કે – લગ્નજીવન એટલે આપણે નહીં કરેલા ગુનાની સજા ભોગવવાની પાડવામાં આવેલી ફરજ !! કહેવાય છે કે જો દુનિયામાં સ્ત્રીઓને પતિની સાચી પસંદગી આવડતી હોત તો દુનિયાના બધા પુરુષો કુંવારા જ હોત ! ખેર, છતાં સ્ત્રી-પુરુષો પોતપોતાની પસંદગીના દાવાઓ તો કરતાં જ રહે છે. અમે તો પસંદગીથી નહીં, મા-બાપની પસંદગીથી પરણ્યાં હતા… છતાં ઘણેઅંશે સારું ચાલ્યું – જીવન !!

ગોપીનું મૂળ નામ તો છે ગંગા. ઉમાશંકર જોશી એને, આવે ત્યારે ગંગાગૌરી નામે બોલાવતા. એ પરણીને આવી ત્યારે મારું નામ – સંબોધન એને ‘મોહન’ રાખેલું એ મને મોહન કહીને બોલાવતી. ત્યારે મારે ઘરે ખેતીકામ કરનારો નોકર હતો એનું નામ પણ મોહન હતું… એ સુયોગ (?) ના સંકેતો ઘણી વાર સમજાતા રહ્યા છે. મેં એને ગોપી કહેવાનું રાખેલું. હાસ્તો, મોહન હોય એટલે ગોપી હોય. જોકે મેં ઝાઝાં વર્ષ ગોપીવલ્લભયાનું માણ્યું નથી. ગંગાનદી નામધારી આ નદી પત્નીએ મને ઠીકઠીક ‘નવડાવ્યો’ છે !

યુવાન મિત્રોને કહેવાનું કેઃ-
* મુગ્ધ મને પરણવું ને પછી ‘દગ્ધ’ થવાનું તો આપોઆપ થશે.
* લગ્નની સફળતા માટે દુનિયાભરનાં દ્રષ્ટાંતો નકામાં નીવડે છે.
* લગ્નજીવનની તમારી સફળતા પ્રેમ-વેઠવાની તૈયારી – ધીરજ ધરવાની શક્તિ તથા ફરજભાન પર નિર્ભર હોય છે.
* ચાહો, જતું કરો, સમજો, ભૂલી જાવ – ને મૌજ કરો.
* અપાય તેટલું આપો. વળતું લેવામાં હિસાબ ના માંડશો.
* સમર્પણને સમજો, થાય તો કરો. અપેક્ષા ન રાખો.
* પતિ હોય, પત્ની હોયઃ એથી જીવન ગતિશીલ લાગે છે ને કશેક પહોંચવાનું મન થાય છે. અનુભવી થવાય છે.
* જુદાં હોઈને પણ પરસ્પર જીવવાનાં નિમિત્તો મળે છે.

– મણિલાલ હ. પટેલ

[પુસ્તકનું નામઃ દુલારું દામ્પત્ય, સંપાદકઃ ભદ્રાયુ વચ્છરાજાની, કિંમત રૂ. ૩૦૦/-, પ્રકાશકઃ મીડીયા પબ્લિકેશન]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “દોહ્યલું એટલે જ દુલારું દામ્પત્ય – મણિલાલ હ. પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.