અંજળપાણી – યોગેશ પંડ્યા

(‘નવચેતન’ સામયિકમાંથી સાભાર)

ધોળા રેલવે સ્ટેશનમાં અમદાવાદ તરફથી આવતી અને ભાવનગર તરફ જતી સાબરમતી ટ્રેન બરાબર ત્રણ-સવા ત્રણે ઊભી રહી. ઉપહાર સ્ટૉલની બાજુના બાંકડા પર બેઠેલો દેવો ઊભો થઈને, પ્લૅટફૉર્મ પર થોભી ગયેલી ટ્રેન તરફ ચાલ્યો પણ ત્યાં જ, એની નજર સામે જ ખુલ્લી બારીમાંથી અંદર દ્રષ્ટિ કરતાં જ ચમકી ગયો. ડબામાં બેઠેલ એ અજાણી લાગતી સ્ત્રીને જોતાં જ અંતર કેરા કમાડના આગળિયા ફટાફટ ખૂલી ગયા અને એની આડશે રહેલા ભુલાયેલી પ્રીતનાં આભલાં જાણે ચોખ્ખાચણાક થઈ એની ભીતર જ હસી પડ્યા. એ હાસ્ય, સ્મિત બનીને દેવાની મો-કળા અને હોઠ ઉપર પણ રેલાઈ ગયું. ડબામાં બેઠેલ સ્ત્રી હવે અજાણી ન રહી. એની ઓળખાણ તો જાણે ભવભવની હતી. બારી ઢૂકડા પહોંચતાં જ તેના હોઠ ઉપરથી શબ્દોય ફૂટી ગયાઃ ‘એ લીલા…’

અંદર બેઠેલ સ્ત્રી ચમકી, કોઈનો સાદ તેને બોલાવતો હતો, સાદ અજાણ્યો લાગ્યો પણ ક્યાંક અગાઉ સાંભળ્યો હતો. એણે આમતેમ જોયું તો ડબાનું પગથિયું ચડીને નજર સામે જ આવીને ઊભા રહી ગયેલ એક અજાણ આદમીને જોઈને એ સંકોચાઈ ગઈ, પડખે બેઠેલ એક ત્રણચાર વરસની દીકરી અને સાતઆઠ વરસના દીકરા તરફ નજર વાળી લીધી.

પણ ત્યાં જ દેવો એની સામેની ખાલી સીટ ઉપર બેસી જતાં બોલ્યોઃ ‘કાં લીલા ? ઓળખાણ પડે છે ?’ હવે સાદ પરખાઈ જતાં વાર ન લાગી એટલે લીલાએ ઝબ્બ કરતાંકને સાડલાનો છેડો માથે નાખી દીધો ને બોલી ઊઠીઃ ‘લે તમે ?’

‘ઓળખ્યો એમ ને ?’

‘ઓળખાણ તો પડે જ ને ? તમેય ખરા છો…’

‘હું કે તું ? પહેલાં ઈ બોલ…’

લીલા કાંઈ બોલી નહીં. દેવો તેની સામું જોઈ રહ્યો ને પછી બોલ્યોઃ ‘આ છોકરા ?’

‘મારાં છે. એક દીકરો અને એક દીકરી ભગવાને આપ્યાં છે.’ દેવાએ છોકરાવ તરફ નજર કરી. તે પછી બોલ્યોઃ

‘ક્યાં ગઈ હતી ?’

‘પિયરમાં.’

‘ઘણા દિવસે મળી, લીલી…’

‘હા… ઘરમાં મોટી છું. બે વાડીપડા છે. ચાર બળદની ખેતી છે. કામ બહુ રહે છે. દોમદોમ સાયબી એમ જ કહો ને…’

લીલી કંઈ બોલી નહીં, કે દેવો બોલી ઊઠ્યોઃ ‘તું તો લગન કરીને ગઈ ઈ ગઈ. પછી સમ ખાવા પૂરતુંય વખત પર સામું જોયું નય. સાસરિયામાં બહુ ડૂબી ગઈ…’

‘અસ્તરીનો અવતાર એટલે સમજી લો કે ઝાડવાનો અવતાર. નવા સગપણ એટલે નવાં પાંદડાં, જૂના સંબંધ અને સગપણ તો સુક્કાં પાંદડાં બનીને ખરી જાય. લગન આ કેડે તો પિયરિયું પારકું બની જાય ને, પારકા હોય એને અંગના કરવા પડે…’

‘પણ હું ક્યાં પારકો હતો લીલી. આપણી તો ભવભવની પ્રીત હતી…’

‘એ પ્રીત હતી ત્યારે હતી. હવે તો એ લેણદેણ પૂરી થઈ ગઈ… દેવા…’

‘તું મને આમ ભૂલી જાશ એવો વશવા નહોતો.’

‘પણ તે જ એ વશવાને તોડ્યો પછી મારો શું વાક?’

‘તે ચાર મહિનાય મારી વાટ્ય નો જોઈ ?’

‘હું આદમી માણહ નહોતી દેવા, તારી વાટ્યમાં પ્રીતના રંગ ઝાંખા તો થઈ ગયા’તા, દાડે દાડે એ ભૂંસાઈ પણ જતા’તા. મેં તારી ખૂબ રાહ જોઈ પણ તું પરદેશમાં રળવા ગયો હતો ત્યાંથી તું ન આવ્યો ને તે ન જ આવ્યો. મારે એક અબળા થઈને મરદજાતના ઓઝલની ચાર ભીંત વચ્ચે રહેવાનું હતું. તું આવી ગયો હોત તો એ વંડીને ઠેકીનેય અડધી રાતે તારી હાર્યે હાલી નીકળત.’

‘પણ મેં સમાચાર તો મોકલાવેલા, લીલી…’

‘વળતા સમાચાર તો મેં પણ મોકલાવેલા, પણ એ સમાચારનો વળતો પડઘો તેં પાડ્યો જ નહીં. અંતે પછી મારાં મા-બાપ આગળ મારે ઝૂકી જવું પડ્યું.’

‘મને એનો વાંધો નહોતો, પણ પરણ્યાનું આણું વાળવા તું આવી ત્યારે હું તને મળવા આવેલો. તારી વાડીએ જતાં, તારી સામો મળ્યો. મેં તને બોલાવી પણ તું તો જાણે હું કાંઈ અજાણ્યો આદમી હોઉં એમ બોલ્યા વગર જ હાલતી થઈ ગઈ…’

‘તેં મને અધવચ્ચે રખડાવી એની રીંહ હતી…’

‘એ રીંહ હવે તો નથી ને…’

‘એ રીંહ તો નથી, હવે એનો ધોખોય નથી. જે થવાનું હતું એ થઈ ગયું. જે દિ’ ગયા એ થોડા પાછા વળવાના હતા ?’

‘પણ આપણાં હૈયા તો એકબીજા તરફ વળેલાં છે ને લીલી…’

‘હૈયાની વાત તો જે દિ’ મેં માયરામાં બેસીને જેસીંગનો હથેવાળો કર્યો તે દિ’ જ ભીતરમાં ભંડારીને એકકોર મેલી દીધી છે. દેવા… હવે હું કોઈકની થઈ ગઈ છું. અને મેં કોઈકનું નામનું પાનેતર ઓઢી લીધું છે…’

‘આ કોણ લીલી બોલે છે ?’

‘ના દેવા, આ જેસીંગની ધણિયાણી બોલે છે.’

‘તો મારી લીલી ?’

‘એ તો ઊડતા જોબન હાર્યોહાર્ય જ ઊડીને રાખ થઈ ગઈ. હવે તો આપણો સંબંધ એક ભાઈ-બહેનનો…’

‘લીલી…’ દેવો ચીસ પાડી ઊઠ્યોઃ ‘લીલી, હું તને હજી યાદ કરું છું. હજી હું તને હૈયાથી વેગળી કરી શકતો નથી. કારણ કે એક દિ’ આપણી વચાળે પ્રેમ હતો.’

‘એ પ્રેમને ભૂલી જજે. હવે આપણી વચ્ચે કોઈ સંબંધ નથી. કોઈ સારું માણહ ગોતીને પરણી જાજે…’

‘એક વાર પરણ્યો, પણ ફાવ્યું નહીં. છૂટી કરી દીધી.’

‘કારણ ?’

‘હું એનામાં તને ગોતતો હતો. પણ તું એમાં ક્યાંય ન મળી. અને પછી હાર્યોહાર્ય જીવતા ફાવ્યું નહીં…’

‘ક્યારેક પરાણે ફવરાવી લેવું પડે છે દેવા…’

‘તારે તો મારી જેવું નથી થ્યું ને ?’

‘ના દેવા ના, મને જેસીંગ હથેળીમાં ફૂલ જેમ રાખીને સાચવે છે. ભગવાને બધું જ આપ્યું છે; હવે કાંઈ અબળખા નથી.’

‘ક્યારેય હું યાદ નથી આવતો ?’

‘ના… જેસીંગના સહવાસમાં મને જેસીંગ અને મારાં આ બે છોકરાં સિવાય કશું યાદ નથી આવતું…’

‘તો મેં તને યાદ રાખી તેનું શું ?’

‘એ તારો ભ્રમ હતો…’ કહી તે ઊભી થઈ ગઈ. શિહોર આવી ગયું હતું… દેવો ઊભો થઈ જતાં બોલ્યોઃ ‘લીલી…’

‘રહેવા દે દેવા. આ ગાડીના ટેશન જેવું આપણું જીવતર પણ એક ટેશન છે. તારામાં જો મને પામવાની જરાક જેટલીય ઉતાવળ હોત તો તું મારી જિંદગીમાં એક ટેશન બનીને ઊભો રહ્યો હોત. પણ તું જરાય ઉતાવળ ન કરી શક્યો. ને હું આગલા ટેશને ઊતરી ગઈ.’

‘આ તો બધી અંજળની વાત છે…’

‘હા લીલી… જ્યાંથી તારે ચડવાનું છે ત્યાં જ તો મારે ઊતરવાનું થયું. બસ, હવે તો… કહેતાં એણે લીલીના હાથને હાથમાં લેતાં કહ્યુઃ ‘એક વાર તો મારા માથે હાથ ફેરવ જેથી હું એના સંગાથે…’

લીલીએ તેના ભૂખરા ઝુલ્ફામાં હાથ ફેરવ્યો અને પછી આંખમાં ભીનાશ લઈને બન્ને છોકરાને કાખમાં તેડીને ઊતરી ગઈ ત્યારે બંધ પોપચે બહાર સુધી રેલાઈ ગયેલાં આંસુના રેલાને દેવો લૂછતો હતો.

ટ્રેન શિહોર સ્ટેશન છોડતી હતી…

– યોગેશ પંડ્યા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “અંજળપાણી – યોગેશ પંડ્યા”

Copy Protected by Chetan's WP-Copyprotect.