અસ્તિત્વનો અર્થ… – જયવતી કાજી

(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર)

એકાંત સ્થળે આવેલાં એકએક ઉદ્યાનમાં નાનકડું સુંદર વાયોલેટનું પુષ્પ અન્ય પુષ્પમિત્રો સાથે આનંદથી રહેતું હતું. એક સવારે એણે જોયું તો એના મસ્તક પર ઝાકળનું બિંદુ ચમકી રહ્યું હતું ! એ તો રાજીરાજી થઈ ગયું અને ઉત્સાહમાં આવી જઈ એણે માથું ઊંચું કર્યું અને આજુબાજુ જોવા માંડ્યું. ત્યાં એની નજર એક સરસ ગુલાબ પર પડી. ગુલાબ ગર્વથી ઊંચે શિરે આકાશ તરફ જોઈ રહ્યું હતું. નીલમના દીપ પર ટૉર્ચ જલાવી હોય એવું ગુલાબ શોભી રહ્યું હતું.

એને જોઈ વાયોલેટ પુષ્પે પોતાના ભૂરા હોઠ ખોલ્યા અને બોલ્યું, ‘આ બધાં ફૂલો કેટલાં નસીબદાર છે ! હું જ કમનસીબ છું ! આ બધાં ફૂલોમાં મારું સ્થાન કેટલું દીન અને નીચું છે ! કુદરત પણ કેવી છે ! એણે મને નાનકડું અને ગરીબડું રાખ્યું છે. મારે તો ધરતીની ખૂબ જ નજીક રહેવાનું ! ઊંચું માથું કરી હું આકાશ તરફ પણ જોઈ શકતું નથી. ખરેખર ! ગુલાબ કેટલું ભાગ્યશાળી છે !’

એની નજીક ખીલેલા ગુલાબે વાયોલેટ પુષ્પના શબ્દો સાંભળ્યા. એણે હસતાં હસતાં વાયોલેટ પુષ્પને કહ્યું, ‘તું કેવી નવાઈ જેવી વાત કરે છે ! તું તો ખરેખર સદ્દભાગી જ છે. કુદરતે તને સુગંધ અને સૌંદર્ય બંને આપ્યાં છે, જ્યારે ઘણાંય ફૂલો એવાં છે કે જેમની પાસે આ નથી. માટે તું તારા મગજમાંથી આ વાત કાઢી નાખ અને સંતોષથી જીવ. વાયોલેટ તું યાદ રાખજે કે નમ્ર છે તે ઉચ્ચ છે. જે પોતાને મોટા અને ઊંચા માને છે તે આખરે કચડાઈ જવાનાં.’

‘ગુલાબ ! મને સાંત્વન આપવા માટે જ તું આમ કહે છે. મને જેવી ઝંખના છે તે બધું તારી પાસે છે. તું બહુ મહાન છે એ બતાવવા માટે જ તું મને આમ કહે છે. જ્યારે નસીબદાર અને સુખી, દુઃખી અને વ્યથિતને સલાહ આપે છે ત્યારે એમનાં દુઃખમાં જ તેઓ વધારો કરતા હોય છે. નિર્બળને સલાહ આપતી વખતે તેઓ કેટલાં કઠોર બની જતાં હોય છે !’

એવું બન્યું કે વાયોલેટ પુષ્પ અને ગુલાબ વચ્ચેનો આ સંવાદ પ્રકૃતિદેવીએ સાંભળ્યો. એ વાયોલેટ પાસે ગયાં અને એને સમજાવતાં કહ્યું, ‘વાયોલેટ ! તને શું થયું છે ? તું તો તારા કાર્યમાં નમ્ર અને મધુર છે જ, તો પછી તને અચાનક આ શું થઈ ગયું ? તારા ચિત્તમાં લોભ વ્યાપી ગયો છે, એટલે જ તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે.’

‘મા ! તમે તો ખૂબ જ પ્રેમાળ અને દયાળુ છો, એ હું જાણું છું. એટલે જ તમને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું. મા ! તમે મારી આટલી વિનંતી સ્વીકારી મને ફક્ત એક દિવસ માટે પણ ગુલાબ બનાવી દો.’

‘તું શું ઈચ્છી રહ્યું છે તેનું તને ભાન નથી. તારી આ અંધ મહત્વકાંક્ષા પાછળ કેટલી મોટી તારાજી છુપાયેલી છે, તેનો ખ્યાલ નથી. તું જો ગુલાબ હોત તો પણ તું દુઃખી જ થાત !’ પ્રકૃતિદેવીએ એને ઘણું સમજાવ્યું, પણ વાયોલેટ માન્યું જ નહિ. એ તો જીદ પકડીને જ બેઠું, ‘તમે મને ગુલાબનો ઊંચો છોડ બનાવી દો કે જેથી હું અભિમાનથી ઊંચે જોઈ શકું, પછી ભલેને મારું જે થવાનું હોય તે થાય, એ મારી જ જવાબદારી રહેશે.’

વાયોલેટની આજીજીથી પ્રકૃતિદેવીને દયા આવી. એમણે વાયોલેટને કહ્યું, ‘હે અજ્ઞાન અને મૂરખ વાયોલેટ ! હું તારી વિનંતી સ્વીકારીશ, પણ એનાથી તારા પર જો કોઈ આફત આવી પડે તો એને માટે તું જ દોષિત હશે.’

પ્રકૃતિદેવીએ પોતાની જાદુભરી રહસ્યમય અંગુલિથી વાયોલેટના મૂળને સ્પર્શ કર્યો અને તરત જ વાયોલેટના સ્થાને આજુબાજુનાં ફૂલેને ઢાંકી દેતો ઊંચો ગુલાબનો છોડ થઈ ગયો.

સાંજ પડી અને જોતજોતામાં કાળાં ડિબાંગ વાદળાંથી આકાશ છવાઈ ગયું. વીજળી ચમકવા માંડી અને મેઘગર્જના થવા લાગી. ધોધમાર વરસાદ તૂટી પડ્યો. પવન જોરથી ફૂંકાવા લાગ્યો અને પછી તો વાવાઝોડાએ કેર મચાવી મૂક્યો. વૃક્ષોની ડાળીઓ તૂટી પડી અને છોડવાં તો મૂળમાંથી ઊખડી ધરાશાયી થઈ ગયાં. માત્ર ધરતીની લગોલગ જે નાનકડાં ફૂલો ઊગ્યાં હતાં તે જ વાવાઝોડામાં ઊગરી ગયાં. નાનકડાં વાયોલેટનાં ફૂલો જે એ ઉદ્યાનની દીવાલમાં સંતાઈને લગોલગ વસતાં હતાં તે આફતમાંથી બચી ગયાં !

એ ઉદ્યાનને ઘણું જ નુકસાન થયું હતું. ધીમે ધીમે તોફાન શમ્યું એટલે વાયોલેટે પોતાનું મસ્તક ઊંચું કરી આજુબાજુનાં વૃક્ષો અને ફૂલો પર નજર કરી. આ બધું જોઈ એણે એના મિત્રોને બોલાવીને કહ્યું, ‘જુઓ, આ બધાં ફૂલોની, છોડની તોફાને શી હાલત કરી છે !’
આ સાંભળી બીજું વાયોલેટે બોલી ઊઠ્યું, ‘આપણે નાનાં છીએ, ધરતીની નજીક જીવીએ છીએ એટલે આકાશના આ કોપમાંથી બચી ગયાં.’

એ ઘડીએ વાયોલેટની રાણીએ પેલા બંડખોર વાયોલેટને જોયું, તો તોફાનમાં એ સાવ તૂટી પડ્યું હતું. એ ભીનાં ઘાસ પર ઘવાયેલા સૈનિકની માફક ઢળી પડ્યું હતું. વાયોલેટની રાણીએ એનું માથું ઊંચું કર્યું અને એના કુટુંબીજનોને બોલાવ્યાં.
‘જુઓ, આ અસંતુષ્ટ અને લોભી વાયોલેટના શા હાલ થયા છે તે જુઓ ! એ તો એક કલાક માટે ગુલાબ બન્યું હતું ને ! આજનું આ દ્રશ્ય તમે સ્મરણમાં રાખજો અને તમારા સદ્દભાગ્યનો વિચાર કરજો.’

મૃતઃપ્રાય થઈ ગયેલા ગુલાબને ધીમે ધીમે કળ વળવા લાગી. એણે પોતાની રહીસહી તાકાત એકઠી કરી અને ધીમેથી બોલવા માંડ્યું, ‘હા, તમે બધાં સંતુષ્ટ છે, પણ સાથે ડરપોક અને મૂરખા પણ છો. હું કંઈ તોફાનથી ડર્યું નથી. હું પણ મારા જીવનથી સંતુષ્ટ હતું, પરંતુ એ જ સંતોષ મારા જીવનના લક્ષમાં અવરોધ બની રહ્યો હતો ! હા, એ ખરું તે કાળે એ તો નિષ્ક્રિયતા અને પ્રમાદ હતાં ! હું પણ તમારી માફક, તમે જે રીતે જીવો છો તે રીતે જમીનને વળગીને જીવી શક્યું હોત. હું પણ શિયાળાની રાહ જોતું, બરફ મત્તે ઢાંકી દઈ મોતના મુખમાં હડસેલી દે એની પ્રતીક્ષા કરતું જીવી રહ્યું હોત, પરંતુ અત્યારે આ હાલતમાં પણ સુખી છું, કારણકે હું મારી નાનકડી દુનિયામાંથી બહાર નીકળી બાહય જગત અને તેની રહસ્યમતાનો વિચાર કરી શક્યું, જે તમે નથી કર્યો.’

“રાતના અંધકારમાં મારા કાનમાં શબ્દો ગૂંજી રહ્યા હતા. ‘એમ્બિશન બિયોન્ડ એક્ઝિસ્ટન્સ ઈઝ ધ એસેન્શ્યલ પરપઝ ઑફ અવર બિઈંગ્ઝ’ અને આપના અસ્તિત્વથી ઉપરવટની, વિશિષ્ટ અને અધિક એવી કોઈ મહત્ત્વકાંક્ષા હોય એ આપણા જીવનનું પ્રયોજન છે. મારા સીમિત અસ્તિત્વથી વધુ ઉન્નત, ઉર્ધ્વગામી સ્થાનની મેં ઝંખના કરી, કારણ કે નક્ષત્રોનું સંગીત ખીણમાં સંભળાતું નથી અને પછી મેં મારી લઘુતા અને પામરતા સાથે લડવા માંડ્યું. મારો આ વિદ્રોહ જ મારી તાકાત, મારી શક્તિ અને બળ બની ગયાં ! પ્રકૃતિદેવીએ મારી અરજ માન્ય કરી અને જાદુઈ આંગળીથી ગુલાબ બનાવી દીધું…’

ગુલાબ પળભર શાંત થઈ ગયું. પોતાની સિદ્ધિનું ગૌરવ અનુભવતા મંદ સ્વરે એણે કહ્યું, ‘હું તો ગૌરવશાળી ગુલાબ તરીકે માત્ર એક કલાક જીવ્યું છું, પરંતુ એટલો સમય ભલે અલ્પ હતો છતાં એક સમ્રાટની અદાથી જીવ્યું છું. બ્રહ્માંડને હું ગુલાબની નજરે જોતું રહ્યું ! મેં બ્રહ્માંડનું સંગીત સાંભળ્યું અને ગુલાબની પાંખડીઓ વડે પ્રકાશના એક પછી એક સ્તરનો સ્પર્શ કર્યો ! કોઈને આવું સદ્દભાગ્ય અને સન્માન પ્રાપ્ત થયાં છે ?’

આટલું બોલી ગુલાબે પોતાનું મસ્તક ઢાળી દીધું. એનો કંઠ રૂંધાઈ ગયો હતો. શ્વાસ મંદ પડી ગયો હતો. ‘હવે હું શાંતિથી મરીશ, કારણ કે મારા આત્માને એનું લક્ષ, એનો ઉદ્દેશ સાંપડ્યો છે. મેં મારું આ જ્ઞાન, મારો અનુભવ દુનિયા સુધી પહોંચાડ્યો છે. અસ્તિત્વનો આ જ મર્મ છે. ‘ધિસ ઈઝ એ ડિઝાઈન ઑફ લાઈફ. ધિસ ઈઝ ધ સિક્રેટ ઑફ એક્સિઝસ્ટન્સ.’

માનવસ્વભાવનું અને માનવજીવનના ઉદ્દેશ નિરૂપણ કરતો ‘વાયોલેટ અને ગુલાબ’ વચ્ચેનો આ સંવાદ અત્યંત મનનીય અને પ્રેરક છે માટે અહીં રજૂ કર્યો છે. ‘ધ ટ્રેઝર રાઈટિંગ્ઝ ઑફ ખલિલ જિબ્રાન’માં મારા વાંચવામાં આવ્યો.

જીવનનો ઉદ્દેશ શો ? અસ્તિત્વનો અર્થ શો ? ખલિલ જિબ્રાન કહે છે, ‘જીવનમાં કોઈ ઉમદા, ઉચ્ચ પ્રયોજન હોવું જોઈએ. ઊંચું લક્ષ્ય હોવું જોઈએ. એને સિદ્ધ કરવા ભલેને ગમે તેટલાં કષ્ટ ખમવાં પડે, ઝંઝાવાતોનો સામનો કરવો પડે ! મૃત્યુને ભેટવું પડે તો પણ શું ? લાંબી દીનહીન, પામર જીવનમાં ભલેને શાંતિ અને સલામતી હોય, પણ એ શા કામનું ?’

જીવનનું માપ એની લંબાઈ પરથી નથી નીકળતું, એની ગહરાઈ પરથી નીકળે છે ! જીવન ભલેને અલ્પ હોય, પણ એ દરમિયાન શું સિદ્ધ કર્યું એ જ મહત્વનું છે. એમાં જીવનનો મહિમા અને મ્રુત્યુનાં ગૌરવ રહ્યાં છે. એમાં જીવનની સફળતા-સાર્થકતા રહ્યાં છે.

– જયવતી કાજી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “અસ્તિત્વનો અર્થ… – જયવતી કાજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.