कुर्यात् सदा मंगलम् – અવંતિકા ગુણવંત

(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર)

‘વંદિતા, તું જો તો ખરી પૂનમનો ચાંદો કેવો ખીલ્યો છે ! તું ઝટ બહાર આવ; મન ખુશ થઈ જાય એવી ચાંદની ચોતરફ પથરાઈ ગઈ છે.’ રાજીવ પ્રેમથી વંદિતાને બહાર બોલાવતો હતો.

વંદિતા જોઈ જ રહી. કેટલો સરળ અને પ્રેમાળ પતિ મને મળ્યો છે ! તેથી તો પૌઢાવસ્થામાંય જીવન રસભર્યું અને આનંદ ઉમંગથી છલકાતું રહ્યું છે, નહીં તો અમારું જીવન તો મુસીબતોની પરંપરા છે. અમારું લગ્નજીવન ચાળીસ વરસનું છે ! પણ કેટલા બધા વરસો સંઘર્ષમાં જ વીત્યાં.

લગ્નજીવનના આરંભે આદર્શો અને ભાવનાથી રસાયેલાં અમારાં મન હતાં. અમારો મક્કમ નિર્ણય હતો કે અમારું જીવન અમે અમારી તાકાત પર રચીશું. એટલે તો પિતાજીની મિલકતમાંથી અમે એક પણ પૈસોય લીધો ન હતો. ધંધો કરવા બેંકમાંથી લોન લીધી, બીજેથી પૈસા લીધા પણ ધાર્યા પ્રમાણે ધંધો વિકસ્યો નહીં, નફા કરતાં ખર્ચા વધારે હતા તેથી ધંધો સમેટી લેવો પડ્યો.

ત્યારે તો બેઉ દીકરાઓ નાના હતા. ઘરના રોજિંદા ખર્ચા, દીકરાઓની કેળવણીનો ખર્ચો, ઉપરાંત કૌટુંબિક વ્યવહારો સાચવવાનાં, સામાજિક ખર્ચાઓ પણ અવારનવાર આવતા, ગમે તેટલી કરકસર કરું તોય ત્રણ સાંધો અને તેર તૂટે જેવી પરિસ્થિતિ સર્જાતી.

હું મારી આર્થિક સ્થિતિ વિશે બધુંય સમજતી પણ મારી સહનશક્તિ ખૂટી જતી અને હું રાજીવ પર ગુસ્સે થઈ જતી. અમારી બધી મુશ્કેલીઓ માટે રાજીવને જવાબદાર ઠેરવીને કેટલીય વાર ગુસ્સાથી બોલતી, ‘કુનેહ ન હતી તો લાખો રૂપિયાનું આંધણ શું કરવા કર્યું ? પહોંચ ના હોયને ધંધો કરવા બેઠા, તમે તો ઠીક પણ હું ને મારાં છોકરાઓ હેરાન થઈ ગયાં. ચિંતા, ચિંતા અને ચિંતા, આ તો કંઈ જીવન છે ?’

ક્યાંય કોઈ સગાને ઘેર જવાનુંય મન ના થાય. સૌ પૈસાને માન આપે. પૈસે ખાલી હોઈએ તો જાણે આપણને માન-સ્વમાન પણ ના હોય એમ સગાં ભાઈ-બહેન પણ ભાવથી બોલાવે નહીં, એમના ઘેર જઈએ તો ભાવથી આવોય ના કહે, નહીં આવકાર નહીં, સત્કાર. પહેલાં તો તેઓ આપણા ઘેર આવતાં ત્યારે જમીને જતાં ને એમને ગમતી ચીજવસ્તુ હું ભેટ આપતી એ ખુશી ખુશી લઈ જતાં, ત્યારે તો આપણાં વખાણ કરતાં થાકતાં નહીં અને હવે ? હવે તો આપણી કોઈ સગાઈ નથી, આપણી સાથે કોઈ સંબંધ નથી. આવાં આવાં કેટલાય મહેણાં હું રાજીવને મારતી. એકવાર બોલવા માંડું પછી તો થઈ રહ્યું… મારી જીભ કાતરની જેમ ચાલતી પણ રાજીવ કદી મારી સામે પ્રતિવાદ ન કરતો. મને બોલતી અટકાવતો નહીં. કદાચ અટકાવે તોય હું ક્યાં અટકું એવી હતી ? વેળા કવેળાએ જ્યારે અકળામણ થાય ત્યારે હું બોલવા જ માંડતી. મહેણાંટોણાં અને આક્ષેપો. એકની એક વાત પચીસ વાર બોલીને ચાબખા મારતી. રાજીવની ભૂલને ઘૂંટી ઘૂંટીને ઝેર બનાવી દેતી.

રાજીવને એના ભાગીદારે દગો કર્યો હતો એ યાદ કરીને હું કઠોરતાથી બોલતી કે ભાગીદાર પસંદ કરતા ન આવડ્યો ને બધો ભરોસો એની પર મૂકી દીધો. અને ભાગીદારે બરાબર નવડાવી નાખ્યા. અને અમારે મુફલિસ જેવી જિંદગી જીવવાની આવી. ભૂલ તારી અને ભોગવવાનું અમારે… હું બોલતાં થાકતી નહીં પણ રાજીવ કદી સામે પૂછતા નહીં કે તુંય પૈસાની જ સગી છે ને ! મેં પૈસા ગુમાવ્યા એટલે વાતે વાતે મને ધુત્કારવાનો ? ડગલે ને પગલે મને અપમાનિત કરવાનો ? ક્ષણે ક્ષણે મને હડધૂત જ કરવાનો ? કદી મને બે મીઠા આશ્વાસનભર્યા શબ્દો નહીં કહેવાના ? મારા કમનસીબ સમયે તુંય મને ચાબખા જ મારીશ ? પત્ની થઈને તુંય…? તો હું ક્યાં જાઉં ? કોણ મને સાંત્વન આપશે !

અત્યારે હું વિચારું છું કે પૈસાની તંગીમાં રાજીવ કેવી રીતે બધી વ્યવસ્થા કરતો હશે ! ઘરના ખર્ચાની જોગવાઈ કરતો હશે ? લેણદારોને જવાબ આપતો હશે, બધાનો ઉશ્કેરાટ સહન કરવા છતાં મનને નોર્મલ રાખતો હશે ! કદી કડવો શબ્દ ઉચ્ચાર્યો ન હતો.’

વંદિતા સ્વભાવે ખૂબ બીકણ અને ચિંતાવાળી હતી, ભય એના સમગ્ર અસ્તિત્વમાં ભળેલો હતો. તેથી એ નાની વાતમાંય ગભરાઈ જતી ને બુદ્ધિથી વિચારીને ઉપાય શોધવાના બદલે રાજીવને ગુનેગાર ઠરાવીને બોલવા જ માંડતી. બેફામ બોલતી પણ રાજીવ વંદિતાની નબળાઈ સમજતો.

એ જાણતો હતો કે વંદિતા હ્રદયની ખૂબ ખૂબ સારી છે. તેથી એ કદી વંદિતા પર ગુસ્સે ન થતો. પરંતુ સમભાવથી વર્તતો. વંદિતાના હાથેય ભૂલો થતી, વંદિતાની ભૂલોની કદી ચર્ચા ન કરતો કે એનો દોષ ના જોતો, એને મહેણું ના મારતો.

વંદિતાની સગી બહેન પૈસાદાર હતી. એના ઘેર લગ્નપ્રસંગ હોય ત્યારે વંદિતા રાજીવને પૂછતીય નહીં ને મોટી બહેનના વૈભવની શેહમાં તણાઈને વધારે પડતો વ્યવહાર કરતી, મોંઘી મોંઘી ભેટો આપતી. મોટી બહેનનો દીકરો પરણ્યો ત્યારે વંદિતાએ સોનાની ચેઈન આપી હતી, જડતરના ચકતાવાળી ચેઈન આપી હતી. પરંતુ વંદિતાનો દીકરો પરણ્યો ત્યારે મોટી બહેને કશું આપ્યું ન હતું તોય મોટી બહેનની દીકરી પરણી ત્યારે વંદિતાએ સોનાની બુટ્ટીઓ આપી હતી.

મૂળે વંદિતા પૈસાદાર બાપની દીકરી હતી. એ વ્યવહાર કરવા બેસે ત્યારે પહોળી પહોળી થઈ જતી. જરાય ઓછું એને નજરમાં ના આવતું. આવા વખતે રાજીવ એના ઉત્સાહને સ્નેહથી જોઈ રહેતો, પત્નીના ઉત્સાહનો ભંગ કદી ન કરતો. કદી ટોકતો નહીં કે તારી મોટી બહેન શ્રીમંત છે તોય વ્યવહાર સાચવતી નથીને તું શું કામ આટલી હરખપદુડી થાય છે ? આપણી આટઆટલી તકલીફો જોતી નથી ને ત્યાં વરસી પડે છે ? શું કામ વંદિતા તું લાગણીમાં તણાય છે ? એ લોકો પાસે અઢળક સંપત્તિ છે પણ વ્યવહારમાં એમના હાથ કેવા ટૂંકા છે?

પિયરનું કે સાસરીનું કોઈપણ સગું આવે ત્યારે વંદિતા ખવડાવવા-પિવડાવવા પાછું વાળીને જોતી નહીં અને પછી આટલો બધો ખર્ચો થઈ ગયો એમ ગણતરી કરીને જીવ બાળતી ત્યારે રાજીવ કહેતો, ‘કોઈની આગતાસ્વાગતા કરવામાં તને આનંદ આવે છે ને ! બસ, એ આનંદના મૂડમાં રહે ને ખુશ થા. જે ખર્ચો કર્યો એ ભૂલી ખર્ચની ચિંતા ન કરતી.’

વંદિતા જીવ બાળતી કે પોતે આટઆટલું ઘસાય છે તોય સગાંઓને કદર નથી. લોકો કેમ આવા નગુણા હશે ? મારી લાગણીનો ગેરફાયદો ઉઠાવે છે. એમને સ્વમાન નથી ? ત્યારે એક ફિલોસોફરની જેમ રાજીવ કહેતો, ‘લોકો આવા જ હોય છે તને ખબર તો છે કે રામાયણ-મહાભારત કાળથી લોકોને આવા અનુભવો થયા છે તો આપણે બાકાત કેમ રહીએ ? આપણે આ દુનિયાના જ વાસી છીએ.’

વંદિતા ક્યારેક વલોપાત કરતી, ‘મારાં ભાઈ-બહેનો અને તમારા ભાઈ-બહેનો બધાંય સ્વાર્થી નીકળ્યાં. અત્યારે આપણી સ્થિતિ ઠીક નથી તો કોઈ સંબંધ નથી રાખતું.’ ત્યારે રાજીવ હસીને કહેતો, ‘ઝાડ પરથી પીળાં થયેલાં પાંદડાં ખરી પડે એમ સંબંધો નિઃસત્વ થઈને આપોઆપ તૂટી ગયા. એનો રંજ શું ? પણ વંદિતા આપણે બેઉ તો અન્યોન્યનાં છીએ ને ! આનાથી વધારે આપણે બીજું શું જોઈએ ?’ આવું સાંભળીને વંદિતા હળવી બનતી. પતિનો હકારાત્મક અભિગમ એને સ્પર્શતો. ઉદાસીનતા ગાયબ થઈ જતી.

રાજીવ વંદિતાને કહેતો, ‘વંદિતા બહારની દુનિયા અને એના માણસો અને એમના વ્યવહારોને બહુ યાદ નહીં રાખવાનાં. આપણને દુઃખી કરતી વાતોની ઉપેક્ષા કરવાની, ભૂલી જવાની.’

વંદિતા કહેતી, ‘તમારી વાત સાચી છે પણ આપણે બધાની એમ બાદબાકી કરી નાખીએ તો કેવી રીતે જીવાય ? આપણે એકલાં ના પડી જઈએ ?’

રાજીવ કહેતો, ‘જો આપણું જીવન એ આપણું એક રાજ્ય છે, આપને ભલે ક્યાંક ગણતરીમાં ખોટા પડીએ, કોઈ માણસને સમજવામાં ભૂલ કરીએ પણ તેથી શું ? આપણે જીવ નહીં બાળવાનો. આપણે કોઈનું બગાડ્યું નથી. આપણે ખુમારીથી જીવવાનું.’

વંદિતાને થતું, કેટકેટલા કડવા અનુભવો થાય છે, નજીકના સ્વજનો જ જાણીને નિષ્ઠુરતાથી દગો કરે છે પણ રાજીવમાં એવી પ્રબળ સદ્દભાવના છે કે એ જરાય ડગતા નથી. રાજીવ સામાન્ય માણસ કરતાં ઘણાં ઊંચા છે. ક્ષુદ્રતા, તુચ્છતાથી પોતાની જાતને અળગી રાખી શકે છે. એ પોતે છળકપટનો ભોગ બને છે પણ પોતે કોઈની સાથે છળકપટ નથી કરી શકતા. જૂઠાણું નથી આચરી શકતા. કેટલીક વાર તો એ છેતરાય છે, તકલીફોમાં મૂકાય છે ત્યારે હું પણ એમની તરફ સમભાવ બતાવવાના બદલે ચિડાઈને ઊતારી પાડું છું. એમને મૂરખ કહું છું પણ ખરેખર એ મૂરખ છે ? ના એ મૂરખ નથી પણ નખશિખ સજ્જન છે. એ બીજા એવા હલકા નથી થઈ શકતા. એ તો પોતાની અલગારી રીતે જીવે છે. પૈસા ગુમાવે છે પણ જીવ નથી બાળતા. દગો કરનારનું બૂરું નથી વાંછતાં. ભૌતિક ચીજવસ્તુઓનો એમને જાણે મોહ જ નથી. એ તો એમની મસ્તીમાં જ જીવે છે.’ રુંવે રુંવે એ સજ્જન છે.

વંદિતાના સગા મોટા બનેવી વંદિતાના નામની ખોટી સહી કરીને એના બાપુજી તરફથી મળેલી જમીન વેચી કાઢી અને બધા પૈસા ચાઉં કરી ગયા, ત્યારે વંદિતાએ રાજીવને કહ્યું, ‘કેસ કરીએ’ ત્યારે રાજીવે કહ્યું, ‘મને કોર્ટ પસંદ નથી. ભલે ને એ પૈસા હડપ કરી ગયા, એને ભોગવવાદે.’

વંદિતા કહેતી, ‘એ શું ભોગવશે ? સુખ કે દુઃખ ? વંદિતા વિચારતી, ‘મેં કોઈ મોટું યુદ્ધ નથી જોયું પણ મારા જીવનમાં હથિયાર વગરની ઘણી લડાઈઓ મેં જોઈ છે ને એના કારમા પરિણામો ભોગવ્યાં છે; લોહી નથી વહ્યું પણ અનેકવાર હું ઘવાઈ છું. બહારથી મને ભલે મોટા મોટા આઘાત મળ્યા છે પણ રાજીવના પ્રેમે મને અક્ષુણ્ણ રાખી છે. માનસિક તણાવ અને ખેંચથી થતાં કોઈ રોગનો હું ભોગ બની નથી. હું નિરોગી રહી શકી છું. જિંદગીમાં હું માત્ર પ્રેમ અને ભાવનાથી જીવી, પણ રાજીવ સિવાય કોઈ મને પૂરેપૂરી સમજી ના શક્યું. માણસનું મન, એની લાગણીઓ, એના ભાવ સમજવાની રાજીવમાં અદ્દભુત શક્તિ છે. મારા મનને એમણે જેટલું ઓળખ્યું છે એટલું મેંય નથી ઓળખ્યું, હું ઉદાસ છું એ ઉદાસીને મારા વગર કહે રાજીવ સમજી જાય છે ને મને આનંદમાં લાવવા પ્રયત્ન કરે છે. મારી કાળજી લેતાં એ કદી થાક્યા નથી એ સંપૂર્ણપણે મારામય છે. એટલે જ એમના સંગે હું જીવનની બધી હાડમારીઓ ભૂલી જાઉં છું. અને નોર્મલ રહી શકી છું. જીવનની નાની નાની વાતો, નાના આનંદને એ કેવી મસ્તીથી માણે છે. ખરેખર હું નસીબદાર છું કે આવા સમજદાર જીવનસાથી મળ્યા છે.’ રાજીવ કહે છે મને તારા જેવી પ્રેમાળ, સરળ જીવનસાથી મળી એ મારું સદ્દભાગ્ય છે.

– અવંતિકા ગુણવંત


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અસ્તિત્વનો અર્થ… – જયવતી કાજી
ઝાકળભીનાં પારિજાત – ગુણવંત શાહ Next »   

11 પ્રતિભાવો : कुर्यात् सदा मंगलम् – અવંતિકા ગુણવંત

 1. Jayshree says:

  My life relate this story, Good writing.

 2. pjpandya says:

  જિવનમા વિવાદ કરતા સવાન્દ અગત્ય્નો ભાગ ભજવે ચ્હે

 3. sandip says:

  અદભુત્…..
  ખુબ સરસ……………

 4. gita kansara says:

  “જિવનનેી ઘતમાલ એવેી સુખ એવેી દુખ અલ્પ થકેી ભરેલેી.’
  લગ્નજિવન એક સિક્કાનેી બે બાજુ સમાન ચ્હે જે આ લેખ દ્વારા પ્રસ્તુત તાદ્રશ્ય દર્શન્
  કરાવ્યુ.અભિનન્દન્.

 5. visha says:

  સુન્દર વાર્તા…

 6. Hitesh Bhinarwala says:

  Very good disent story
  Dil ko chhune wali story

 7. falguni says:

  ખુબ સરસ વારતા, ઘનિ મહિલાઆઓનિ જિવનમા બનતિ વાત્.

 8. jignisha patel says:

  આજે આ વાર્તા વાંચીને કાંઇક નવુ શિખવા મળ્યુ છે. જીવનની ની ગમે તેટલી વિકટ પરિસ્થિતિ ને પોતાના મન પર હાવિ નહી થવા દેવાની.

 9. Avani says:

  Very nice story….

 10. SHARAD says:

  dampatya prem nirupati sundar varta

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.