ઝાકળભીનાં પારિજાત – ગુણવંત શાહ

(શ્રી ગુણવંતભાઈ શાહના પુસ્તક ‘ઝાકળભીનાં પારિજાત’ માંથી સાભાર.)

Zakalbhina Parijat(૧) તલવારની ધારદાર નિખાલસતા

કહેવાતો નગ્ન માણસ પણ ખરેખર અવકાશ ઓઢીને ઊભો હોય છે. વસ્ત્ર ન પહેર્યું હોય એવા માણસને નગ્ન ગણવામાં કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે. હવાનું, સૂર્યકિરણોનું, અંધકારનું કે પછી અવકાશનું આવરણ હોય તોય કોઈ માણસ નગ્ન શી રીતે ગણાય ? કોઈ નગ્ન થઈ શકે તે માટે આસપાસ બીજી કોઈ વ્યક્તિ હોવી જરૂરી છે. નગ્નતા, જોનાર વગર ટકી નથી શકતી. ફૅશન અને નગ્નતા બન્ને સમાજ માટે જરૂરી છે. રોબિન્સન ક્રુઝો નિર્જન ટાપુ પર માત્ર દિશા ઓઢીને ફરે તોય નગ્ન ન ગણાય. જ્યાં જોવાવાળું કોઈ હાજર નથી પછી પ્રશ્ન જ રહેતો નથી.

કોઈ પેલા આંબાને નાગો નથી કહેતું. આંબો બસ આંબો હોય છે. રાતરાણી નગ્ન જ હોય છે. ગાય, ભેંસ, બકરી અને બીજાં સૌ પ્રાણીઓ, પક્ષીઓ અને જંતુઓ નગ્ન છે. માત્ર માણસ ઢાંકેલો છે. કપડાં માણસનું સૌન્દર્ય વધારે છે ? કે પછી એની કુરૂપતા ઢાંકવાનું કામ કરે છે ? નગ્નાવસ્થામાં પણ સુંદર લાગે એવી વ્યક્તિઓ ઓછી હોય છે. માણસ આમ તો સ્વભાવે આવરણપ્રેમી રહ્યો છે.

પગને એ પગરખાં પહેરાવે છે. આંખને એ ચશ્માં પહેરાવે છે. રસ્તા પર એ ડામર પાથરે છે અને અસત્ય પર દંભ પાથરે છે. દુર્ગુણને એ ઢોંગથી ઢાંકી દે છે, મડદાને એ કફનથી ઢાંકી દે છે અને ચોપડીને પૂંઠાથી ઢાંકે છે. ઈશોપનિષદમાં કહ્યું છે કે સત્યનું મુખ સુવર્ણપાત્રથી ઢંકાયેલું છે. આમ હજારો વર્ષ જૂની આ ઢાંકણવિદ્યામાંથી જ વસ્ત્રનો જન્મ થયો જણાય છે.

આમેય નગ્ન સત્ય જીરવવું થોડું મુશ્કેલ છે. અનાવૃત સત્યને નગ્ન સત્ય કહે છે. ગંદા ગોદડાંને તેથી માણસ ચાદરથી ઢાંકી દે છે. જૂના જોડા પર પૉલિશ કરવામાં આવે છે. ઘડપણ ઢાંકવા લોકો હેર-ડાઈ વાપરે છે અને મોંમાં દાંતનું ચોકઠું ચઢાવે છે. આવા આપકમાઈના દાંત પોતાને વારસામાં મળેલાં દાંત કરતાં ખૂબ જ ઊજળા અને દાડમની કળી જેવા હોય છે. તલવારને એ મ્યાન પહેરાવીને રાખી મૂકે છે. એની ધારદાર નિખાલસતા એ જીરવી નથી શકતો. માથાના દુઃખાવાને એ માત્ર એક ગોળીથી ઢાંકી દેવા મથે છે. કોઈ ગોળી માથાનું દુઃખ મટાડતી નથી એ તો એ દુઃખને થોડાક સમય માટે માત્ર ઢાંકી રાખે છે. આ જ રીતે પોતાની ઈજ્જતને ઢાંકવા માણસ દેવું કરે છે અને દેવાને ઢાંકવા ખોટો ઠઠારો કરે છે. મોટરને ગૅરેજ અને લાકડાને સનમાયકા ઓઢાડવામાં આવે છે. ખેતરો પર સિમેન્ટ કૉક્રિટ પાથરીને ઍરપોર્ટ બનાવવામાં આવે છે. માંડવો બાંધીને એ આકાશને ઢાંકવાની ચેષ્ટા કરે છે. માણસનો ‘તરણા ઓથે ડુંગર’વાળો શોખ બહુ જૂનો છે.

બારણું વાસી દઈને, બારી પર પડદો પાડીને સૂર્યને અને મંદિરો બાંધી દઈને ભગવાનને ઢાંકી દેવામાં આવે છે. ધનને તિજોરીમાં અને વાસીપણાને રેફ્રિજરેટરમાં ઢાંકી દેવામાં આવે છે. તપેલીને માણસ અંદરથી કલાઈ કરે છે અને બહારથી કંટેવાળો કરે છે. દીવાલોને રંગવામાં આવે છે અને ફર્નિચરને પૉલિશ કરવામાં આવે છે. ગુનાને ક્યારેક એકાંત પહેરાવી દેવામાં આવે છે. ચેતનાને જડતા વડે અને જડતાને ગતિ વડે ઢાંકી રાખવામાં આવે છે. અંદરની અપર્યાપ્તતા (inadequacy)ને ખોટી બડાશ દ્વારા અને લઘુતાને ઠઠારા દ્વારા સંતાડી રાખવી પડે છે.

ઊંઘને શમણાં દ્વારા અને જાગૃતિને આસક્તિ દ્વારા ઢાંકેલી રાખવામાં આવે છે. હોઠોને લિપસ્ટિક અને ફિક્કા ગાલોને પાઉડર પહેરાવવામાં આવે છે. તડકાને ગૉગલ્સ દ્વારા, શાંતિને લાઉડસ્પીકર દ્વારા, લગ્નના ઉત્સાહને ખોટા ખર્ચા દ્વારા અને હૂંફાળા માનવ સંબંધોને ઔપચારિકતા દ્વારા ઢાંકી રાખવામાં આવે છે. અંગ્રેજીમાં to wear a smile (સ્મિત પહેરવું) એમ કહે છે. ઘણા લોકો સ્મિતનો મેઈક-અપ કરે છે.

આટલી સીધીસાદી વાત ન સમજનાર સૉક્રેટીસને ઝેરનો પ્યાલો પીવો પડ્યો, ઈસુને વધસ્તંભે ચઢવું પડ્યું અને ગાંધીએ બંદૂકના બંધનને ફગાવીને નાસી છૂટેલી ગોળીનો ભોગ બનવું પડ્યું. જ્યાં વાણી, વર્તન, પાણી, જમીન અને સઘળો વ્યવહાર પ્રદૂષિત હોય ત્યાં ભેળસેળ વગરનું સત્ય એટલું તો એકલું પડી જાય છે કે ટકી રહેવા માટે પણ એણ ભોંય ભેગા થવું પડે છે.

આવું ભોંયભેગું થયેલું સત્ય પણ યુગેયુગે ફરીથી પૃથ્વી પર ઊગતું રહે છે. ‘સત્યમેવ જયતે’ સૂત્ર આ અર્થમાં આશ્વાસક છે. લાંબી ધીરજ માગી લે છે કારણ કે સત્ય ચાલુ ખાતામાં નહિ, પરંતુ ફિકસ્ડ ડિપૉઝિટ ખાતે જમા થતું રહે છે.

(૨) મોસમ છલકે

ચોમાસામાં કાદવિયા રસ્તા ગરોળીના પેટ જેવા સુંવાળા બની જાય છે. સુંવાળપ આમે ભારે લપસણી હોય છે. વિજ્ઞાનમાં ઘર્ષણના નિયમો શોધાયા તેમાં લપસણા કાદવનો ફાળો રહેલો છે. આપણા રાજકારણીઓ ઘર્ષણમાં માને છે, પરંતુ તેઓ ઘર્ષણના નિયમો ભાગ્યે જ પાળે છે. એ લોકો વારંવાર લપસી પડે છે તેનું આ જ રહસ્ય છે. લપસી પડ્યા પછી લોકો તરત ઊભા થઈને ચાલવા માંડે છે, જાણે કશું બન્યું જ નથી. ક્યારેક એમનાં વસ્ત્રોને વળગેલા કાદવ અંગે કમિશનો નિમાય છે. કમિશનો એક જ કામ કરે છે, વસ્ત્રોને જે કાદવ વળગ્યો છે તે કેટલો સાચકલો (genuinc) છે તેની ચકાસણી કર્યા પછી એક રિપોર્ટ રજૂ થાય છે. સુકાઈ ગયેલો કાદવ વસ્ત્રો પરથી કાળક્રમે ખરી પડે છે અને રીઢો રાજકારણી ફરીથી કાદવ ખૂંદવા માંડે છે. પછી તો એ કમિશનની પકડમાં ન અવાય એ રીતે લપસતાં શીખી જાય છે.

ચોમાસામાં વરસાદ પડે છે પણ એની છટા (સ્ટાઈલ) બદલાતી રહે છે. આ છટાઓ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. મોસમનો પ્રથમ વરસાદ ભારે ધુમધડાકા સાથે અને ગાજવીજના ચમકારા સાથે તૂટી પડે છે. એની છટા શિવના તાંડવનૃત્ય જેવી હોય છે. એનો આશય પોતાના પ્રભાવથી પૃથ્વીને અભિભૂત કરી દેવાનો હોય છે. એની અદા પ્રેક્ષકોને આંજી દેવા માટે જોરજોરથી બોલતા દેશી નાટક સમાજના સંવાદો જેવી જણાય છે. પ્રિયતમા પર છાપ પાડવા માટે પૌરુષનું પ્રદર્શન કરતા હિંદી ચલચિત્રોના નાયકની માફક એ આવે વખતે થોડી ઓવર ઍક્ટિંગ પણ કરી લે છે. આમ કરવાથી એનો હેતુ પાર પડે છે એય ખરું. ધરતીનું હ્રદય પોચું પડી જાય છે અને ઝાઝા વિલંબ વગર એ વરસાદના બાહુપાશમાં જકડાઈ જાય છે.

બહુ નાચ્યા પછી એ થોડો થાકે છે અને ઉધમાત શમી જાય છે. એકધારો બેઠો વરસે એને લોકો ‘હેલી’ કહે છે. પોતાની એકધારી રવાલ ચાલ વડે ઘુઘરમાળ ખખડાવતા બળદોની છટાનાં દર્શન અહીં થાય છે. નવવિવાહિત યુગલ થોડા સમય પછી આકર્ષણ અકંબધ હોવા છતાંય એક પ્રકારની સ્વસ્થતા પ્રાપ્ત કરે એમ ઠરેલપણે એ વરસતો રહે છે. આ ઠરેલપણાને કારણે લાંબી દોડના હરીફની માફક એ જલદી થાકતો નથી અને દિવસો સુધી વરસ્યા કરે છે. બિચારો ખેડૂત આથી ખાસ્સો અકળાય છે. એ વરસાદ અટકે અને વરાપ થાય તો વાવણી કરી શકાય એવી ચિંતામાં પલળતો રહે છે.

શ્રાવણનાં સરવરિયાં વળી જુદી જ છટા લઈને ચાલ્યાં આવે છે. ઉધમાત શમી ગયો હોય છે તે તો ઠીક પરંતુ પેલી સ્વસ્થતાય હવે પૌઢી પ્રાપ્ત કરે છે. કથકનો નૃત્યકાર પોતાની જગ્યા પર ઊભો રહીને પગની ઘૂઘરી ખખડાવ્યા કરે એ રીતે ઝરમરતો રહે છે. પ્રસન્ન દાંપત્ય માણતા યુગલ વચ્ચે સ્મિતના માધ્યમ દ્વારા પ્રેમની અવરજવર થતી રહે, એ રીતે એ ધરતીને ભીંજવતો રહે છે.

મોસમ છલકે ત્યારે હૈયું મલકે નહીં એ કેમ બને ? લોકો પલળ્યા વગર વરસાદને માણવા માટે ટેવાઈ ગયા છે. પલળ્યા વગર પ્રેમ કરવાનું અને પ્રેમ પામવાનું શક્ય નથી જણાતું. સ્નાન કરીને ઘરના ચોકમાં ઊભેલી નવયૌવના જેવું સ્વચ્છતા અને સ્ફૂર્તિની વ્યાખ્યા સમું વૃક્ષ મારા આંગણામાં ઊભું છે. વર્ષોથી એને જોતો રહ્યો છું છતાં આજે એ જુદું જુદું લાગે છે પરંતુ બે પળ માટે મારામાં જ કોઈ પરિવર્તન આવી ગયું જણાય છે.

વરસાદ પડતો હોય ત્યારે જેવા હોઈએ તેવા ને તેવા જ રહેવાનું જરા મુશ્કેલ છે. એ માટે તો રીઢા રાજકારણી બનવું પડે. વરસાદ વૃક્ષને ભીંજવી શકે અને માણસને ન ભીંજવી શકે એવું બને શી રીતે ? ભીંજાવાનું સૌના નસીબમાં નથી હોતું.

– ગુણવંત શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ઝાકળભીનાં પારિજાત – ગુણવંત શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.