આવો વરસાદ રોજ આવે તો… – નિર્મળા મેકવાન

(‘તથાગત’ સામયિકમાંથી સાભાર)

“અનવર, ઈકબાલ, ઈસ્કૂલ જાના, ખેલા મત કરનાં, મૈં દુપેરકો ખાના લેકર આઉંગી, મૈં જાતી હૂં.” કહી તે ઘર, ઘર તો શાનું, ઝૂંપડાંમાથી બહાર કામે જવા નીકળી, ત્યાં નાના ઈકબાલે, “માં વો કેડબરી સિલ્ક, જો ટી.વી. મેં દિખાતે હૈ વો લેતે આના.”

“અરે કિતની મહેંગી આતી હૈ, ઈસમેં તો એક દિનકા આટા આ જાવે, ટી.વી. કે નખરે હમારે બસ કી બાત નહીં.” કહી તે ચાલી, તેણે ઝડપથી પગ ઉપાડ્યા તેટલી જ ગતિથી વિચારો પણ દોડ્યા, “આજ તો મૈં કામ પર ચલી, તબ તક હમીદ આયા નહીં, પતા નહીં કહાં પી કે પડા હોગા, એક રૂપિયા ભી કમાતા નહીં, ઔર મેરી કમાઈ સે લે જાતા હૈ, યે તો દો ઘર કે કામ ઔર છુટક કુછ મિલ જાતા હૈ, તો દો વક્ત કી રોટી મિલતી હૈ, વરના ક્યા ?”

વિચારતી મેમુદાને સામેથી આવતી મોટર-બાઈકના હોર્ને જગાડી, તે ગભરાઈને ફૂટપાથ પર ચડી ગઈ. બાઈકવાળો તો ગયો. પણ દુકાનવાળાએ ચેતવી. “દેખ કે ચલાકર, એક્સિડન્ટ હો જાતા તો ?” “હાં હાં” કરતી તે ચાલી. “એકસિડન્ટ” તે બોલતી રહી, “દો મહિને પહેલે હમીદ એક્સિડન્ટ મેં સર ફુડવાકર આયા થા, તબ પચાસ રૂપિયે દવા મેં લગ ગયે થે, ઔર દો દિન તો કેલે ઔર પકોડે ખાકર ચલાના પડા થા.” તે દિવસોમાંથી પસાર થતાં તે સૈયદવાડાના નાકે આવી ઊભી.

સમયસર હોવા છતાંય આજે તેને મોડી પડી હોય તેવું લાગતું હતું. ભૂતકાળને દૂર હડસેલીને ઉતાવળે કામ કરવા લાગી. માત્ર ચા પીને આવેલી તેને ઘરમાં થતી રસોઈની સુગંધથી જઠરાગ્નિ ઉત્તેજાયો, પણ છોકરાં યાદ આવતાં બબડી, “બેચારે બચ્ચોં કા ભી ક્યા કસૂર ? વો ભી ભૂખે હૈં, ઐસે પઢે ભી કૈસે ? ચા કે સાથ કુછ નહી દે સકતી. આજ તો બિસ્કુટ લે જાઉંગી.”

વિચારોની ભરતીમાં ઊછળતી, તે કામ કરતી રહી. ત્યાંથી સઈદાબાનુને ત્યાં ગઈ, યંત્રવત કામ કરતી રહી. સઈદાબાનુની બેટી નજરાની બહેનપણી ભારતી આવી હતી. તેણે અગિયારસ હોવાથી નાસ્તાની ના પાડી.
“તો શું ખાઈશ ?”

“આજે તો સાબુદાણાની ખીચડી, રાજગરાનો શીરો એવું બધું ખાવાનું.” પોતું કરતી મેમુદા આ સાંભળતી રહી. તેની પડોશમાં રહેતું કુંભાર-દંપતી ગૌરી-ચમન તેને સાંભર્યાં. તેઓ અગિયારસ કરતાં ત્યારે સાવ સસ્તાં કેળાં અને નાનાં-નાનાં શક્કરિયાં લાવીને ખાતાં. તેમનાં નસીબમાં સાબુદાણાની ખીચડી ને એવું બધું ક્યાંથી ? “મૂઆ નસીબ હી બૂરા લેકે પૈદા હુએ હૈં તો અલ્લાતાલા ભી ક્યા કરે ?” બબડતી, વિચારોને ખંખેરતી કામ પૂરું કરીને ત્યાંથી મળેલું થોડું ખાવાનું લઈ તે ઘર તરફ વળી, જતાં ‘એક દો છૂટક કામ મિલ જાયે તો ઈસમેં બચ્ચોં કે લિયે કુછ લે જાઉં’ એવું વિચારતી હતી ત્યાં ફાતમાબીબીએ બૂમ પાડી, “યે મેમુદા” અવાજની દિશામાં તે વળી અને ત્યાંનું કામ કરવા લાગી. તે ઘેર અશફાકમિયાંનો જન્મદિવસ હોવાથી કામ ઘણું હતું, જતાં જતાં તેને પુલાવ અને છોકરાં માટે ચોકલેટ આપી. આટલું બધું જોઈ તે રાજીનાં રેડ, ઘેર જવા તલપાપડ થઈ રહી. ભૂખી હોવા છતાં પવનવેગે તે ઘર તરફ ચાલી.

ઘેર આવી, પણ હમીદનો પત્તો નહોતો. સૌ કામે ગયા હોવાથી ઝૂંપડપટ્ટી સાવ ખાલી હતી. થોડાં છોકરાં રમતાં હતાં. એક બે સ્ત્રીઓ તેની જેમ કામ પતાવીને આવી હતી. તેની પાસેના ભોજનની સુગંધથી પાસે આવતાં કૂતરાંને હડ્ હડ્ કરી ભગાડ્યાં. થોડે આગળના ઘરનાં કમલમૌસી ફૂલ વેચીને આવ્યાં હતાં, તેમને હમીદ વિશે પૂછ્યું, પણ જવાબ નકારમાં મળ્યો. તે ક્યારેય હમીદને શોધવા ગઈ નહોતી. એટલામાં “અમ્મા, અમ્મા આ ગઈ” કહેતાં છોકરાં આવ્યાં. “અબ્બા અબ તક નહીં આયે ?” નાના ઈકબાલે પૂછ્યું, “આયેગા જબ જી ચાહેગા તબ, ચલો પહેલે ખા લો.” કોણ જાણે આજે તેના મોંમાં કોળિયો જતો નહોતો. “કહાં હોગા મૂઆ, જીતા ભી નહીં, જીને દેતા ભી નહીં” બબડી થોડું ખાધું. “યહાં હી ખેલના, કમલામૌસી જરા દેખના.” કહી આજે તે હમીદને શોધવા નીકળી. ઝૂંપડપટ્ટી વટાવી તે રસ્તા પર આવી, ત્યાં સામે રસૂલચાચા મળ્યા. તેમને પૂછતાં જણાવ્યું, “હમીદ કો મૈંને બમ્બઈ જાનેવાલી ટ્રેન મેં દેખા.” (તેઓ સ્ટેશન પર હમાલી કરે છે.)

“હેં એ એ… બમ્બઈ ગયા, યા અલ્લાહ” કરતી તે અમીનાબાનુને ઓટલે બેસી પડી. બે-ત્રણ સ્ત્રીઓ તેની પાસે આવી, બોલી, “અરે જાને દે, ક્યા કામ કા ઐસા મરદ, બચ્ચેં દિયે બસ ખતમ, અબ બચ્ચે બડે કર, વો આયે ન આયે, હમ સબ હૈ ના યહાં પર.” આંસુ લૂછતી તે ઘેર આવી. છોકરાં ડઘાઈ ગયાં હતાં. “અમ્મી અબ્બા નહીં આયેગેં ?” ના સવાલે તેનાથી ધ્રુસકું નખાઈ ગયું. બંને છોકરાં તેને વળગી પડ્યાં.

સમય વીતતો ચાલ્યો. કામ કરી તે છોકરાને ખવડાવતી રહી. સૈયદવાડીની રહીશ બાનુઓએ પણ તેને આશ્વાસન આપી, હિંમત બંધાવી. “ઐસા મરદ હો તો ભી ઔર ન હો તો ભી ક્યા ?” વાક્ય મનમાં વાગતું રહ્યું. હમીદની યાદે એક ટીસ ઊઠતી દિલમાં. જોકે આ ઘાને ક્યારેય રૂઝ આવવાની નહોતી. તેની ખુશી, હાસ્ય, આનંદ તો હમીદ લઈ ચાલ્યો ગયો હતો. છોકરાં ક્યારેક હમીદને યાદ કરતા, “અમ્મી, અબ્બા બમ્બઈ સે બહોત સારે પૈસે કમાકર આયેંગે તબ હમ અચ્છા અચ્છા ખાયેંગે, નયે નયે કપડે સિલાયેંગે ઔર…” હાથ લાંબો કરીને, “બસ ચૂપ હો જાઓ, આયે તબ બાત.” કહી ચૂપ કરી દેતી. હમીદ ક્યારેય નહીં આવે, એવું દિલ કહેતું હતું. છાતીમાં ડૂમો ભરાતો, છાનાંમાનાં આંસુ સારી લેતી.

સમય સાથે મોંઘવારી વધતી ચાલી. મેમુદા ત્રણ પેટ ભરવા હવાતિયાં મારતી રહી. ચોમાસું આવ્યું, વર્ષાએ તેને પ્રેમથી ભીંજવી. લોકોને ગરમીથી રાહત મળી, પણ ઝૂંપડપટ્ટી ગંદકીની ખીણ બની. છોકરાં તો મન મૂકીને નહાતાં, પણ ઝૂંપડીમાં તલભારેય કોરી જગ્યા ન રહી.” યે બારિશ અબ રાત કો ભી સોને નહીં દેગી. તેણે બાજુવાળી ગૌરીને કહ્યું.

થોદા દિવસ પછી તો એક રાતે ધીરે ધીરે પડતા વરસાદે પરોઢના ચાર વાગ્યા પછી તો રૌદ્ર સ્વરૂપે પૃથ્વીને ધમરોળવા માંડી. ડરામણી મેઘગર્જના અને વીજળીના તેજ કડાકાએ પથારીમાંથી બેઠાં કરી દીધાં. મેમુદા છોકરાંઓને સોડમાં લઈ બેઠી. ધીરે ધીરે ઝૂંપડીમાં પાણીનું પ્રમાણ વધવા લાગ્યું. સૌ બહાર નીકળી સલામત જગ્યાએ જવા લાગ્યા. મેમુદાય સૌના ભેગી ચાલી. રસ્તા પર ઘૂંટણસમાં પાણી, ચારેકોર જળબંબાકાર. જવું તોય ક્યાં જવું ? સૈયદવાદામાં સૌ ચાલ્યાં, તે ઊંચાઈ પર હોવાથી પાણી ઓછું ભરાયું હતું. એક શેડ નીચે લેતાં સૌ ઊભાં અને બારીમાંથી સૌ વરસાદ જોતાં હતાં. ત્યાંની દૂધની દુકાનવાળાએ બધાંને ચા આપી. સૌ પોતપોતાના ઘરમાંથી બ્રેડ, બિસ્કિટ, પરોઠાં આપી ગયાં બપોરના બધાંએ ભેગાં મળી આ સૌને બટાકાનું શાક, પૂરી અને મસાલેદાર ખીચડી આપી. પ્લાસ્ટિક પાથરીને સૌ બેઠાં. ભોજન પીરસાયું. ગરમાગરમ ભોજનની સુગંધે સૌ ખાવા તલપાપડ બન્યાં. પ્લેટમાં પૂરી, લાલ ઘૂમરિયું શાક અને મસાલેદાર ખીચડી લેતાં અનવર બોલ્યો, “અમ્મા દૂસરા ખાના લેના, શામ કો મિલે ના મિલે.” ત્યાં નાનો ઈકબાલ ખુશ થતાં બોલ્યો, “હેં અમ્મા, એસી બારિશ રોજ રોજ આયે તો…”

– નિર્મળા મેકવાન

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “આવો વરસાદ રોજ આવે તો… – નિર્મળા મેકવાન”

Copy Protected by Chetan's WP-Copyprotect.