- ReadGujarati.com - http://www.readgujarati.com -

આ તારી માણકી મને આંબી જાય ? – મનહર રવૈયા

(‘માટીની મહેક’ પુસ્તકમાંથી સાભાર, પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

‘હેં ભાઈ… ! હવે ક્યારે તારે કંઠી બંધાવવી છે… ? આમ ક્યાં સુધી નુગરા ફરવું છે ?’

ભાવનગર તાબાના કાળેલાના પાતાભાઈએ એના જીવથી વહાલા મિત્ર હરિરામને પૂછ્યું. થોરાળા ગામના હરિરામ અને પાતાભાઈને અતૂટ મિત્રતા હતી. આમ તો બેયનાં ખોળિયાં જ નોખાં હતાં, પણ જીવ એક અને બેય જ્યારે મળતા ત્યારે આ જ વાત પાતાભાઈના હોઠે આવીને ઊભી રહેતી.

‘અરે તું ભલા એકલા ગુરુનો ચેલો થયો છે એટલું બસ છે. હવે બીજાને ચેલા મૂંડીને જતિ કરવાનું મેલી દે તો સારું.’ હરિરામ હસતા હસતા બોલ્યા તો એનાથી પાતાભાઈની બંને ઘરવાળીઓ હસી રહી.

‘અલ્યા ભલા આદમી તારે એક જ ઘરવાળી છે અને મારે તો જોને આ જોટો છે. તોય મેં ગુરુ કર્યા છે અને તેની સેવા કરું છું.’

‘તે એની ક્યાં ના છે, તારે બે બાઈડીઓ છે એમ ગુરુય બે તું તારે ઠઠાડને… ! ઘણાંય લંગોટા રખડતા હોય છે. કહે તો પકડતો આવું.’

‘તું તારે જેમ બોલવું હોય એમ બોલ, પણ તને નુગરો તો નહીં રહેવા દઉં…’

‘આ બંદા પર તો મારી ઘરવાળીનો હક છે. હા…ઈ કે તો ચેલો તો શું બાવો ફકીર પણ થઈને હાલી નીકળું.’

હરિરામ એમનાં પત્નીના જબરા આશક હતા, એની હારે આમ જીભાજોડી કરી અંતે પાતાભાઈ થાકી જતાં કહેતા. ‘ભલે, વખત આવ્યે વાત…’

આમ વાત કરી બેય મિત્રો જુદા પડ્યા અને એમાં એક દીની વાત છે. પાતાભાઈને આંગણે ગુરુ હરિગરજીની પધરામણી થઈ. રૂડાં આસન અપાયાં. ધૂણો ચેતવવામાં આવ્યો. સવારનાં સ્નાન વિધિ કર્મ પતાવી હરિગરજી ધૂણા પાસે આવીને બેઠા. એમાંથી ઠરેલ રાખ લઈ એમણે આખા દેહ પર મર્દન કર્યું. લાંબી જટામાંય રાખ લગાવી. જટાનો અંબોડો લેતા હરિગરજી બોલ્યા, ‘ભાઈ પાતા… ! આ રાખ છે ને ઈ જ માણસનું આખરી સ્વરૂપ છે. એને ભૂલે છે ઈ સંસારની મોહમાયામાંથી છૂટતો નથી.’

‘પણ બાપુ… ! મારા મિત્ર ઓલ્યા થોરાળાવાળા હરિરામની આંખ્યું આડેથી સંસારી માયાનાં પડળ ઉતારી, આપ એને કંઠી બાંધો… એવી મારી અરજ છે.’ ગુરુશિષ્ય વચાળે આમ વાત ચાલી રહી હતી ત્યાં જ ડેલીનું બારણું ખૂલ્યું અને હસતા હસતા હરિરામ અંદર આવ્યા.

‘લ્યો સંભારતાં જ આ આવ્યો !’ પાતાભાઈ બોલ્યા.

અને જેવા હરિરામ બે-ત્રણ ડગલાં ફળિયામાં આગળ વધ્યા તેવો જ હરિગરજી બાપુએ બાજુમાં પડેલ પાણીનો લોટો હરિરામના માથે ઝીંક્યો.

‘એ આ કંઠી.’

લોટો હરિરામને માથામાં વાગ્યો અને લોટાનું પાણી તેના દેહને ભીંજવી ગયું. સમર્થ સંત હરિગરજીએ આ રીતે શક્તિપાત કર્યો. હરિગરજીના આવા અભિષેકથી હરિરામનો સંસારી મોહનો રંગ પંડ્ય માથેથી ધોવાઈ ગયો. આંખ્યું આડેથી જગતનાં નશ્વર સુખનાં પડળ ઊતરી રહ્યાં અને નિર્મોહી નિર્મળ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ રહી. હરિરામના હૈયામાં એક વીજળીક ચમકારો થયો. એમને અગમનિગમનો ભેદ પરખાઈ ગયો. પાતાભાઈ લાગ વર્તી તરત જ હડી કાઢીને ગુરુજીની બાજુમાં પડેલી ગોદડી લઈને હરિરામને ઓઢાડતા બોલ્યા, ‘લે ભેરુ, આ ગુરુઆદેશ આને જતનથી જાળવજે, ને તનમનથી સંભાળજે.’

ગુરુજીનો લોટો વાગ્યો અને હરિરામનો માહ્યલો જાગી ઊઠ્યો સાપ કાંચળી ઉતારે એમ હરિરામના મનમાંથી સ્વાર્થી સંસારનાં બંધન ઊતરી રહ્યાં. પછી તો ઘેર આવીને પણ એ સાવ સૂનમુન થઈને બેસી ગયા. જાણે સમાધિ લાગી.
એક દીએ હરિરામનાં પત્નીએ પૂછ્યું, ‘અરે, આ તમને થયું છે શું… ? ક્યાંક કૂંડાળામાં પગ તો નથી પડ્યો ને… ? આમ સાવ ચિત્તભ્રમ થઈ ગયું છે તે.’

‘કોનું, મારું ?’ જાણે હરિરામ સમાધિમાંથી જાગ્યા હોય તેમ ગેબી અવાજે બોલ્યા. ‘મારું તો ચિત્તભ્રમ થયેલું જ હતું, પણ હવે ગુરુએ ઠેકાણે આણ્યું.’

‘એ તો ઠીક, પણ આ કાળે ઉનાળે ગોદડી ઓઢી રાખી છે તે લાજતા નથી ? ગામ આખું તમારી વાત કરે છે.’ ‘આ ગોદડી… ?’ ગોદડીને હૈયાસરસી ચાંપીને હરિરામે આગળ કહ્યું.

‘આ તો મારા ગુરુજીની પ્રસાદી છે. એક કૃપા કંઠી છે. અરે મારા તો ખોળિયાનો પ્રાણ છે ગોદડી.’

‘પણ અમે તમારાં કાંઈ ખરાં કે નહીં… ?’ હરિરામનાં પત્નીએ ગળગળા સાદે પૂછ્યું.

‘તમે… ? અરે તમે અને અમે ગઈકાલ સુધી એકબીજાના મોહવશ બંધનમાં જોડાયેલ હતાં, પણ એ ઋણાનુબંધ હવે છૂટી ગયા… તમે તો સ્ત્રી શક્તિ છો. જગતની જનેતા અને એ જનેતાના ખોળામાં તો પ્રભુ રામ અને કૃષ્ણને આળોટવાનું મન થાય… એટલે તમે મારાં…’ અને આવા વર્તનથી હરિરામનાં પત્નીએ કલ્પાંત કરતાં કહ્યું.

‘હાય હાય ! હે ભગવાન, મારી બાયું આમનું તો ચસકી ગયું.’ ત્યારે સજળ આંખે રડતી પત્ની અને ભર્યુંભાદર્યું ઘર એક જ ઝાટકે ત્યાગીને હરિરામ અલખની આરાધના કાજે ચાલી નીકળ્યા, જે સૌરાષ્ટ્રના સાવરકુંડલા પંથકમાં સમર્થ સંત હરિરામદાસ દોગડિયા કહેવાયા.

‘સદ્દગુરુ જેને સાચા રે તે તો સૌને સરખા ગણે.
સાચી એની વાચા રે મુખથી કદી જુઠ્ઠું ન ભણે.’

વાણીના આરાધક ઓલિયા સતારશાહ બાપુની ઉપરોક્ત વાણીને સાર્થક કરતું એમનું જીવન હતું. હરિરામ બાપુને મન નાત-જાતનો કોઈ ભેદભાવ હતો નહીં. બાકી ઘટોઘટમાં ધબકતો આત્મારામ એક જ છે. નાતજાતના વાડા તો માનવીના મનથી પડે છે. સૌ માનવ એક પ્રભુનું જ સર્જન છે. આવી ભાવના વ્યક્ત કરતો એક એમના જીવનનો પ્રસંગ છે.

બાઢડા ગામને પાદર પાણી શેરડેના અવાડે એક વૃદ્ધ એની ઘોડીને પાણી પાઈ રહ્યો હતો. ત્યાં જ એક અન્ય અસવારે આવી હાકલો કર્યો, ‘અલ્યા એ ભાઈ તારી ટાઇડીને હવે હાંક, આ ભાળતો નથી, મારે માણકીને પાણી પાઈને ધમારવી છે.’

‘ભલે બાપલા… ! લ્યો પાઈ લો.’ કહીને અડધી તરસી રહેલી પોતાની ઘોડીને વૃદ્ધે પરાણે અવેડેથી અળગી કરી. જેમ અર્ધું જ ધાવેલા બાળકને એના માના થાનેલેથી વછોડી લેવામાં આવે એમ… ! અને એ વૃદ્ધ નિરાશ વદને એક કોર ઊભો રહ્યો. ત્યાં જ અવેડા નજીક સીતારામ નામનો સ્વર ઊઠ્યો. પેલો માણકીનો અસવાર હરિરામ બાપુને ઓળખી ગયો.

‘બાપુ… ! જય સીતારામ.’

‘અલ્યા હરસુર, આવી ટાઇડી ક્યાંથી ઉપાડી આવ્યો… ?’ હરિરામબાપુએ માણકી ઘોડી પર મીટ માંડતાં કહ્યું. ‘બાપુ, તમે આને ટાઇડી કહો છો ? આખા કુંડલા પંથકમાં કોઈની ઘોડી આની તોલે બરોબરીમાં નથી આવતી. આ તો મારી રેવાલ માણકી છે. બાપલા, ડચકારો કરતાં તો એને પાંખું ફૂટે છે.’

હરસુર પાણી પીતી ઘોડીની કેશવાળીમાં હાથ ફેરવતાં બોલ્યો. ‘એ તો બધું ફાવ્યું વખણાય, પણ તારી ટાઇડી મને આંબી જાય… ?’

‘હાલ્ય મારી હારે ભેડવ્ય ને આગળ થઈ જા તો ભાઈડો કહું અને તારી માણકી’યે સાચી.’

‘અરે રહેવા દો બાપુ, નકામા ભરાઈ મરશો, આ તો જાતવાન ઘોડી છે. આનો ચાળો ન હોય, માટે આવી હોડ કરવા કરતાં હરિનું નામ લ્યો…’

‘હું ભરાઈ મરું ને તો તું કાઢવા ન આવતો, પણ મારે તારી માણકીની રેવાલ દોડ જોવી છે. આપને આઘે નહીં, ખાલી રામગઢ લગી હાલ.’ હરિરામ બાપુની હઠ સામે હરસુરને નમતું આપવું પડ્યું, ‘ભલે બાપુ ત્યારે થાવ સાબદા.’

ઘોડીએ રાંગ વાળી હરસુરે એડી મારીને ઘોડી પાટીએ પડી. જાણે બંદૂકની ગોળી છૂટી ! બાપુએ પણ હડી કાઢી અને ધૂળની ડમરી ચડાવતા ઘોડીના ડાબલા સાથે હરસુરને સીતારામ સીતારામના નામના જાપ આગળ ને આગળ સંભળાતા રહ્યા, આથી એ સંભળાતા બાપુના બોલને પાછળ રાખી દેવા, હરસુરે માણકીને હાકલો કરી પવનવેગી દોડાવીને બાધડૂક કરી અને બાગદડા બાગદડા ઘોડી આગળ નીકળી રહી. હરસુરે કાન માંડ્યા તો સીતારામના બોલ પાછળ રહી ગયા.

ત્યારે હરખભેર હરસુરે રામગઢના પાદરે પહોંચી. હજી તો નિરાંતનો શ્વાસ લીધો. ત્યાં જ એનીય પહેલાં જઈને બેઠેલા હરિરામબાપુ બોલ્યા.

‘કાં ભાઈ, ઓલ્યા ગરીબ જણની ઘોડી ટાઇડી કે તારી ?’

બાપુના શબ્દોનો મર્મ સમજતાં હરસુરને વાર ન લાગી. એ કશું જ બોલ્યા વગર બાઢડાને મારગે વળી નીકળ્યો.

– મનહર રવૈયા

(પ્રેરક પ્રસંગો પ્રસ્તુત કરતું પુસ્તક ‘માટીની મહેક’, વિતરક – ગુર્જર સાહિત્ય ભવન, કુલ પૃષ્ઠ ૨૨૪, મૂલ્ય રૂ. ૧૨૫/-)