ગિરનારી પરંપરાના પ્રાણવાન ગાયકઃ પ્રાણલાલ વ્યાસ – ડૉ. બળવંત જાની

(‘લોકગુર્જરી’ સળંગ અંક ૨૭, આવૃત્તિ ૨૦૧૩ માંથી સાભાર)

કેન્યા-નૈવાશામાં શ્રદ્ધેય મોરારિબાપુની રામકથા શ્રવણપાન માટે આયોજકના નિમંત્રણથી કેટલાક સાહિત્યકારો અને લોકકલાકારો પણ જોડાયેલા. એ સમયગાળા દરમ્યાન સાહિત્યનો વ્યાપક સંદર્ભ લોક, સંત, ચારણી-સાહિત્યના પ્રસ્તુત-કર્તાઓને કારણે સહજ સ્વરૂપે ખૂલેલો. સાંજના સમયે નૂકુરુ-લેઈકની લગોલગ છવાયેલી લીલોતરીમાં અનૌપચારિક રીતની સાહિત્યિક ગોષ્ઠિઓ, વાર્તાલાપ કે ગાન સ્વરૂપે યોજાતી. ઈ.સ. ૨૦૦૪ની ૯-૯-૨૦૦૪ની મારી વારિસમાં મેં નોંધ્યું છે, ‘મોટા ગજાના ભજનિક પ્રાણલાલ વ્યાસ સાથે બપોર પછીના રોંઢા ટાણે નિરાંતે વાતુ થઈ. તેમને ‘સંતસાહિત્યઃ તત્ત્વ અને તંત્ર’ પુસ્તક ભેટસ્વરૂપે આપ્યું.’ વાસરિમાં તો થોડા મુદ્દા જ ટાંક્યા છે, પણ તેમણે એ સમયે વર્ણવેલ ચમત્કાર જેવા પ્રસંગને મારી સાક્ષીરૂપની સામેલગિરિ તરીકે મેં સ્વીકારેલ છે. તેમણે મને કહેલુઃ

‘બળુભાઈ ! બાપુ સાથે ઠેઠ અહીં સુધી આવ્યો, પણ કાંઈ ગવાતુ નો’તું, ગળુ ખુલતું ન હતું, એનો અપાર વસવસો મનોમન અનુભવીને અંદરથી ખૂબ-ખૂબ સોરાતો. હૈયુ વલોવાતુ. અંતર વલોપાત કરતું. કોઈને કહી ન શકાય એવી પીડા. કર્મને-ભાગ્યને જ ભાંડીને સમસમીને બેસી રહેતો, ને બધુ સાંભળ્યા કરતો. સુનમુન બેઠો બેઠો બધુ અવલોક્યા કરતો. બાપુ પણ આ બધું અવલોકતા હશે, ગઈ રાત્રે સંતવાણી રજૂ થતી. નિરંજન પંડ્યા દાસ સવાની ભજનવાણી રજૂ કરતાં ને મારી આંખમાંથી શ્રાવણ-ભાદરવો જાણે વરસતા. બાપુની સામે જોયું. બાપુની નજર પણ મારી સામે જ મંડાયેલી હતી. ભજનની ચોરસ પુરી થઈ. બાપુએ મને આંખથી આજ્ઞા કરી. અને હાથથી સ્ટેજ ચીંધ્યું. કંઈ કેટલાય વરસથી જાહેરમાં નહીં ગાયેલું પણ કોણ જાણે ક્યાંથી હરમત ચઢી આવી, કે સ્ટેજ પર સ્થાન લઈને હારમોનિયમ લીધું. સૂર મેળવવા લાગ્યો અને શ્રોતાવૃંદનો તાળીઓનો ગડગડાટ. તમારા બધાયના હોંકારા-પડકારા ને બાપુની અપલક નયને કૃપાદ્રષ્ટિ. પહેલીવાર આરાધ ઉપાડ્યો. મૂળની જ હલક-ઢંગ અને ઢાળ. મારા જીવનમાં સંતોની અપાર સ્નેહની હેલી મારા ઉપર વરસી છે. પરદેશની ધરતીનો આ અનુભવ. હવે થાય છે કે મારી યાત્રા પુરી થશે. મને હવે જરાય ખાલીપો-ઓછપ નથી લાગતી.’

આટલું બોલતા-બોલતા તો હાંફી ગયેલા. એમની સંતૃપ્તિની ક્ષણોનો હું સાક્ષી હતો એનો આનંદ છે. ત્યાં એકાદ અઠવાડિયું ઘણાં સાથે મોકળે મને વગતાળિયું વાતડિયું કરવાનું થયેલું. દરબારશ્રી પૂંજા વાળા, અરવિંભાઈ-ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, શાહબુદ્દીનભાઈ અને બીજા સાહિત્યિક મિત્રો સાથેનો સત્સંગ પણ સ્મરણમાં રહેશે.

ગિરનારી લોકસંતો અને ભજનવાણી વિશે હમણાં ક્રિયાશીલ છું. ઘણી બધી કેસેટ્સ મેળવી છે. વધુ રચનાઓ તો નિરંજન રાજ્યગુરુની આનંદ આશ્રમની વેબસાઈટમાંથી મેળવી છે. પ્રાણલાલ વ્યાસે ગિરનારને આજીવન ગળે વળગાડીને રાખેલો જણાય છે. ગિરનારી ભજનવાણીને એમણે કંઠ દ્વારા ભરપુર વહાવી. એમની સાથેનો પંદર-વીશ વરસનો સંબંધ અને સંપર્ક. કંઈ કેટલીય વખત એમને ખૂબ-ખૂબ સાંભળ્યા છે. પ્રાણલાલ વિશેના મારા સંસ્મરણો આલેખવા બેઠો છું ને મને સૌ પ્રથમ નૈવાશાની આ ઘટના સ્મરણે ચઢી. કવિ કાગ ઍવોર્ડની ચયનસમિતિમાં સંયોજક હોવાને કારણે ઈ.સ. ૨૦૦૭નો કવિ કાગ ઍવોર્ડ એમને અર્પણ કરવાના સમયે એમના વિગતે કહેવાનું થયેલું. જૂનાગઢ ભવનાથ તળેટીમાં ૨૦૦૬માં ત્યાંના સમાજસેવી અને કલાપ્રેમી નારસિંહભાઈ પઢિયારે જૂનાગઢના કલેક્ટરશ્રીની સહભાગિતામાં શ્રદ્ધેય મોરારિબાપુની અધ્યક્ષતામાં પ્રાણલાલ વ્યાસને સન્માનવાનું સુંદર ટાણું રચેલું. ત્યારે પણ થોડું જાહેરમાં ‘પ્રાણલાલ વ્યાસની પ્રાણવાન ગાયકી’ એમ મથાળું બાંધીને પૂજ્ય બાપુના શબદધનને સહારે કહેવાનો પ્રસંગ પ્રાપ્ત થયેલો. યથાવકાશે થયેલો સ્વાધ્યાય એમના શબદ-ધનની રિદ્ધિ અને સંપ્રાપ્ત સિદ્ધિ સ્વરૂપે લખવા ઉદ્યુક્ત થયો છું ત્યારે એ બધું વંટોળના વાયરા રૂપે મનને ઘેરી વળે છે. આવા કલાને, શુદ્ધ-પરિશુદ્ધ સ્વરૂપે પ્રસ્તુત કરનારા સંતવાણી અને લોકવાણીના કલાધર પ્રાણલાલ વ્યાસ ગુજરાતી લોકવાંગ્મયનું બહુ મૂલ્યવાન આભરણ છે.

સદાય શુદ્ધ સોનાના, સોળવલ્લા સોનાના આભૂષણ ધારણ કરનાર પ્રાણલાલ વ્યાસના ગળેથી સોનાની શુદ્ધિ જેવો સોળવલ્લો અવાજ સદાય વહ્યો. એની સરવાણી આજેય ગુંજે છે લોકહ્રદયમાં. એમના માન-સન્માન ખૂબ થયા છે. લોક સમુદાયે-સમાજે એમને આજ સુધી વિસાર્યા નથી. એમની કેસેટ્સ, એમની લોકઢાળ પ્રસ્તુતિ, એમના પ્રચલિત થયેલા ઢાળ અનુગામી કલાધરોએ જાળવ્યા છે એમના ગળામાં. એ રીતે એમના પ્રસ્તુતિકરણને કાળનો કાટ ચઢ્યો નથી.

* * *

૧૯-૫-૧૯૪૧ના દિવસે એમનો જન્મ. પિતાનું નામ પ્રેમશંકર વ્યાસ. માંગરોળ-વડાળ અને પછી જૂનાગઢનો નિવાસ. પંદરેક વર્ષની વયથી તબલાવાદન આરંભેલું. પછી રામસાગરના રણકારે ભજનગાન અને લોકગીતોનું ગાન આરંભેલું. ‘શેઠ સગાળશા’ ફિલ્મમાં ગાયેલ ‘ભાગુ તો મારી ભોમકા લાજે’ ગીત ત્યારે ખૂબ જ લોકપ્રિય થયેલું. ફિલ્મક્ષેત્રે. લોકસંગીતક્ષેત્રે અને કવ્વાલીક્ષેત્રે ત્યારે ભારે મોટી નામના મેળવી. પણ પ્રાણલાલભાઈનો ભીતરનો રંગ ભગવો. મૂળ ભાવજગતનો આવાસ-નિવાસ ભવનાથ-જૂનાગઢ-સંત અને સંતસ્થાનમાં. એમના આયખામાં નાદુરસ્ત તબિયત વચ્ચે પણ શિવરાત્રીનો મેળો ક્યારેય ચૂક્યા નથી. ૬૬ વર્ષના આયુષ્યમાં એમને શિવરાત્રીના એકાવન જેટલા મેળામાં સહભાગી થવાનું સદ્દભાગ્ય સાંપડેલું.

દેશમાં ખૂણે-ખૂણેથી એમને નિમંત્રણો મળે. વિદેશમાં પણ એમની વાણીની મોહિની વિદેશ નિવાસી ગુજરાતીઓને એવી લાગેલી કે સતત નિમંત્રણો ઠેર-ઠેરથી મળતા રહ્યા. સૂર, તાલની ઊંડી સૂઝ-સમજ. વાદનનો જાત અનુભવ. એમાં ભળ્યો ગાયનનો ભાવ. સંતવાણીમાં એમના કંઠેથી આરાધ ઢંગના ભજનો સાંભળતા ભાવક સમુદાય ભાવપૂર્ણ સમાધિમાં રસલીન બની રહે. કવિ દાદની રચનાઓએ બે દાયકા સુધી એમના કંઠે રૂડી રીતે રાજ કર્યું. એ જ રીતે એમના કંઠેથી નીતરતી કવ્વાલીમાં સૂફીભાવ, હ્રદયની ભીનાશમાંથી ટપકતું માશુક ભાવવિશ્વ ભારે કામણગારું બની રહેતું. ભજન, લોકગીત કે કવ્વાલી ક્યાંય સસ્તુ મનોરંજન નહીં, પણ ભાવની ઊંડાઈ અને પ્રસ્તુતિની ઊંચાઈને કારણે એ રચનાઓ ભાવકને ગહન, ગંભીર અને રસપૂર્ણ અવસ્થિતિમાં મુકી આપતી મેં અનુભવી છે. ‘નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં’ લોકગીત પ્રાણલાલ વ્યાસ આરંભે ત્યાં તો શ્રોતાવૃંદ પણ એમાં સામેલ થઈને હિલોળા લેતું હેલે ચઢીને સાથે-સાથે ગાવા લાગે. અપાર લોકપ્રિયતાને એમણે ક્યારેય વટાવી નથી. એમને સદાય સાજીંદામાં સંગત આપતા હાજી રમકડુ મુસ્લિમ પણ હિંદુ ધર્મની ભાવનાશીલ વૃત્તિના ભારે પરખંદા. પ્રાણલાલ વ્યાસને સંગત આપતા આ મુસ્લિમ વાદકે સદ્દભાવ-સમભાવ અને હિન્દુ-મુસ્લિમ એકતાનું એકધારુ ઉદાહરણ પૂરું પાડ્યા કર્યું.

હેમુ ગઢવીની ગાયકી પછી સૌથી વધુ પ્રભાવક ગાયકી ભારતીબહેન કુંચાલાને પ્રાણલાલ વ્યાસમાં કળાણી છે. દીવાળીબહેને એમના ઉપર આશિષ વેર્યો છે સદાય. જાણીતા લોકગાયક પ્રફુલ્લ દવે કહેતા કે સૌથી વધુ હેતથી વહાલથી કોઈ કલાકારને સમકાલીન ગાયકોએ તુકારાથી સંબોધ્યા હોય તો એ માત્રને માત્ર પ્રાણલાલ વ્યાસ. આવી પ્રતીતિથી અને પ્રફુલ્લ દવે બોલ્યા છે કે ‘વધુમાં વધુ હેતનો તુંકારો, હોંકારો અને હલકારો કોઈને મળ્યો હોય તો માત્રને માત્ર પ્રાણલાલ વ્યાસને.’ સી.અર્જુન અને નાનજીભાઈ મિસ્ત્રીએ એમના ગાનને મૂળ ઢાળના પડઘારૂપ ગણાવેલું. અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસે પણ એમને અપાર ચાહ્યા. પુરુષોતમ ઉપાધ્યાય અને દિલીપ ધોળકિયાનો પણ પારાવાર પ્રેમ સંપાદન કરેલો. ભારતીબહેન કુંચાલ અને મીનાબહેન પટેલ સાથેના એમના ગીતો ખૂબ લોકપ્રિય થયેલા. ગુજરાતી ગીતોની સહુપ્રથમ રેકર્ડ કોઈની તૈયાર થઈ હોય તો એ પ્રાણલાલ વ્યાસની. પ્રાણલાલ વ્યાસે પ્રસિદ્ધિ છકી જઈને ક્યાંય-ક્યારેય આછકલાઈ કે અભિમાન પ્રગટાવ્યું જાણ્યું નથી. પત્રકારત્વ જગતે ક્યારેય એમની ટીકા કરી નથી. એવું શીલભદ્ર કલાકાર તરીકેનું વ્યક્તિત્વ પ્રાણલાલભાઈનું. એમની કેટલીક કેસેટ તો પાંચ લાખની સંખ્યામાં વેચાયેલી. આવું લોકસ્વીકૃતિનું જબરું દ્રષ્ટાંત પણ પ્રાણલાલ વ્યાસને ફાળે નોંધાયેલું છે. હેમુ ગઢવી પાસેથી દીક્ષિત થયેલા અને નારાયણસ્વામીના સંગમાં વધુ વિકાસ પામેલા. એટલે મોરારિબાપુ એમને ‘પ્રાણવાન વ્યાસ’ તરીકે સંબોધતા. એમની શ્રીમંતાઈ અને હ્રદયની અમીરાત ભારે ઊંચી કોટિની. જાહેર પ્રસ્તુતિના પ્રસંગે પ્રાપ્ત થયેલ દ્રવ્યમાંથી ભારે હોંશથી સાજીંદાઓના ખીસ્સામાં નાખતા પણ મેં એમને અનેક વખત જોયા છે.

જ્યારે ગળામાંથી લોકરસની સરવાણી વહેતી હોય, હાજી રમકડું ઢોલક પાર થાપ મારીને વાતાવરણને સંગીતમય બનાવતા હોય, એમના હારમોનિયમના સૂરમાં ભળતો મંજીરાનો ધ્વનિ ભાવકના પ્રાણ તત્વને જાગૃત કરીને એમની કંઠપ્રવાહની ભાગિરથીમાં ભાવક વૃંદને પૂરા ભાવથી ઝબોળે, આદ્ર બનાવે. પોતાની બંધ આંખમાંથી વહેતી ગંગા-યમુના રોપી અશ્રૃધારા આખા વાતાવરણને ભાવસભર, લયથી લથબથ બનાવી દે.

એમણે ક્યારેય લોકોને ડોલાવવા, મજા કરાવવા માટે ભેળ-સેળ કરીને ગાયું નથી. નર્યા ખરા મૂળ ઢાળના આ માલમીએ એ નિમિત્તે સંત-લોકસંસ્કૃતિનું જતન કરીને લોકવાણીને અસલ રૂપમાં જાળવી. એટલે સંગીતની પરિભાષામાં જેને ‘ચીજ’ કહેવામાં આવે છે એવી ચીજની રખેવાળી કરતા રહ્યા સદૈવ પ્રાણલાલભાઈ. એમનો પહેરવેશ પણ એકરંગો, એક સરખો. ક્યારેય વેશ કાઢ્યા નથી એમણે. લાંબો ડાર્ક ડિઝાઈનનો ઝભ્ભો. દરવેશ જેવા દીસે. ભારે રૂડા લાગે લાંબે હાથે હારમોનિયમ વગાડતા શ્રોતાસમુદાય સમક્ષ ભાવથી હાથ હલાવે, ત્યારે અને ક્યારેક પરમતત્ત્વને બોલાવતા હોય એવું પણ લાગે. એમની ભાવસભર મુદ્રા આંગિક, વાચિક અને સાત્ત્વિક, આજે કેસેટ સાંભળતા-સાંભળતા આંખ મીંચું ત્યાં નજરે તરવરવા લાગે.

* * *

એમનું નિધન થતાં જૂનાગઢથી સન્મિત્ર હેમંત નાણાવટીએ, ભાંગતા સૂરે અને ભારે ઢીલા અવાજે ફોનમાં કહેલું, ‘બળુભાઈ એક માઠા સમાચાર કહેવા છે.’ સાંભળ્યા પછી દિગ્મૂઢ બની ગયેલો. પહેલી ઑગસ્ટ ૨૦૧૪ના રોજ એમના કૈલાસધામગમનને ત્રણ વર્ષ પૂરા થયાં પણ તેઓ અનુપસ્થિત છે એમ મનાતું જ નથી. એમની બે હાથની મળીને છ-એક આંગળીઓમાં જાત-ભાતના રંગબેરંગી નંગથી સુશોભિત સુવર્ણ મુદ્રિકાઓ શોભતી હોય. ગળામાં રંગબેરંગી પાંચ-છ રજત-સુવર્ણમાળાઓ લટકતી હોય. ઝૂલ્ફા-વાંકડિયા વાળથી શોભતું મસ્તક, વિશાળ કપાળ, લીંબુની ફાડ જેવી આંખો. અને હાસ્ય-નરી પ્રસન્નતાનો અનુભવ કરાવતું સમગ્ર ચૈતન્ય. આયુષ્યની છેલ્લી ઘડી સુધી પોંખતા રહ્યા. સંતવાણી, લોકવાણી, ગુજરાતી ફિલ્મજગત સંદર્ભે બધુ મળીને એમને પચીસેક જેટલા માનસન્માનો પ્રાપ્ત થયેલા. જયમલ્લ પરમાર કહેતા કે ‘બળવંતભાઈ ! આકાશવાણી ઉપર મુગટલાલ જોશી કે પ્રાણલાલભાઈનું રેકોર્ડિંગ હોય ત્યારે અનુકૂળતાએ અચૂક જાઉં અને ત્યાં ઉપેન્દ્ર ત્રિવેદી, વસુબહેન અને અમે બધા વાતુએ વળગીએ. પ્રાણલાલભાઈને ક્યારેય ઉતાવળા થતાં જોયા નથી. ગાવામાંય ભારે નિરાંતથી જ ગાય. નરવા અને ગરવા પણ એવા જ.’

ગુજરાતી ફિલ્મોમાં એમણે અવિનાશ વ્યાસની કલ્પનાને સાકાર કરતા લોકઢાળના ગીતો રજૂ કરીને પાંચ જેટલા એવોર્ડ મેળવેલા. પાંચ એવોર્ડથી વધુ ન આપી શકવાના નિયમને કારણે વધુ એવોર્ડથી એમને વંચિત રાખવા પડ્યા. હું ગુજરાતી ફિલ્મ એવોર્ડ સમિતિમાં અધ્યક્ષ હતો ત્યારે સાથી સદસ્યશ્રી અરવિંદ ત્રિવેદી કહેતા, ‘ગુજરાતી ફિલ્મમાં પ્રાણલાલે જે ગુજરાતની ગરવાઈ, ગરિમા અને ગૌરવ જાળવ્યા છે એવા અને એટલા બહુ ઓછાએ જાળવ્યા છે.’

નૈવાશામાં એક કવિની પાસે એમની ડાયરી ન હતી એટલે તેઓ પોતાની કાવ્યરચના રજૂ ન કરી શક્યા એ જોઈને મારી સમિપ બેઠેલા, તે સહજ રીતે બોલી પડેલા, ‘બળુભાઈ ! પોતાની રચેલી વાણી મોઢે ન હોય, એ મને સમજાતું નથી.’ મેં પૂંછેલું પ્રાણભાઈ તમને કેટલું મોઢે હશે, તો કહે કે. ‘ઘણું હશે, ખબર નથી, પણ એક વખત કચ્છમાં નારાયણસરોવરે કથામાં હતો. રોજ રાતે મારે માથે ત્રણ-ચાર કલાક ગાવાનું આવેલું. રોજ-રોજ પાંચ દિવસ સુધી નવું-નવું રજૂ કરેલું એટલે વીશ-બાવીશ કલાક ગવાય એટલી રચનાઓ મોઢે હશે.’ પછી મોરારિબાપુ સામે હાથ ફેલાવીને કહે, ‘સંતની કૃપા બળુભાઈ !! અન્યથા આપણે તે વળી શું ?’ કહીને આંખો મીંચી ગયેલા. તેમની સાથે ગાળેલો સમય સદાય સ્મરણમાં રહેશે. ભારે સભરતાનો અનુભવ કર્યો છે તેમના સાનિધ્યથી. અનેક વખત એમની સન્મુખ, તેમના વિશે બોલતા પણ નરી સભરતા અનુભવી છે. આજે એમના વિશે થોડું લખતાય સભરતાનો ભાવ અનુભવું છું. આપણાં ખાલીપાને સભર કરનારા, સંતવાણી અને લોકસંગીતની સરવાણીથી લથબથ કરી દેનારા, સરસ્વતીના કૃપાપાત્ર કલાધર પ્રાણલાલ વ્યાસ ગુજરાતનું ભારતીય લોકજગતને પ્રદાન હતા. ગુજરાતનું ભારતને પ્રદાનસ્વરૂપ હતા સ્મૃતિશેષ પૂણ્યાત્મા, પ્રાણલાલ વ્યાસ.

– ડૉ. બળવંત જાની

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ગિરનારી પરંપરાના પ્રાણવાન ગાયકઃ પ્રાણલાલ વ્યાસ – ડૉ. બળવંત જાની”

Copy Protected by Chetan's WP-Copyprotect.