વેન્ટીલેટર – પ્રફુલ્લ કાનાબાર

(‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર)

આજે ‘પિતૃછાયા’ બંગલામાં શોકમગ્ન વાતાવરણ ધુમ્મસની જેમ છવાઈ ગયું હતું. બંગલાના વિશાળ પ્રાંગણમાં વસંતરાયનો હાર ચડાવેલો ફોટો ટેબલ પર રાખવામાં આવ્યો હતો. ફોટા પાસે પ્રગટાવેલી અગરબત્તીની સુવાસ અને સીડીપ્લેયર પર ધીમા અવાજે વાગી રહેલી રામધૂન વાતાવરણને પવિત્ર કરી રહી હતી. વસંતરાયના ફોટાની બાજુમાં તેમના ત્રણેય દીકરા બેઠા હતા. જ્યારે બીજી બાજુ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને તેમની ત્રણેય વહુઓ બેઠી હતી.

કોઈ પણ માણસ કેવું જીવ્યો છે તેનો અંદાજ તેના બેસણામાં કેટલા માણસોની હાજરી છે તેના પરથી આવી શકતો હોય છે. વસંતરાયના બેસણામાં પણ માનવમહેરામણનો અવિરત પ્રવાહ ચાલુ હતો. સૌ કોઈ ધીમા પગલે ફોટા પાસે આવીને પુષ્પ અર્પણ કરતા હતા. ત્રણેય દીકરાઓ અને વહુઓ બંને હાથ જોડીને આવનાર વ્યક્તિની લાગણીને ઝીલતાં હતાં.

વસંતરાયનો આત્મા જાણે કે અત્યારે તેમના જીવંત લાગતા ફોટામાં આવીને બેસી ગયો હતો અને આખા દ્રશ્યને તેમની આંખોમાં કેદ કરી રહ્યો હતો.

વસંતરાય જીવનના આઠ દાયકાની સફર પૂરી કર્યા બાદ પરલોક સિધાવ્યા હતા. અનાથ વસંતરાય દેવકીને પરણીને ભાડાના મકાનમાં લાવ્યા હતા, પરંતુ દેવકીનું તેમના જીવનમાં આગમન સાચા અર્થમાં વસંતનું આગમન સાબિત થયું હતું. દેવકીનાં પગલાં વસંતરાય માટે એટલાં બધાં શુકનિયાળ સાબિત થયાં હતાં કે માત્ર ત્રણ જ વર્ષના ગાળામાં વસંતરાયે ધંધામાં અઢળક કમાણી કરી હતી અને અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે તો તેમણે આ વિશાળ બંગલો ખરીદવાનું સાહસ કરી નાખ્યું હતું.

આ જ બંગલામાં ત્રણેય દીકરાઓના જન્મ, જનોઈ, લગ્ન તથા દીકરાઓના ઘરે પણ પારણાં બંધાવાના પ્રસંગો ઊજવાયા હતા. છેલ્લે ત્રણેક વર્ષ પહેલાં દેવકીના અવસાનના દુઃખદ બનાવનો સાક્ષી પણ આ જ બંગલો બની રહ્યો હતો !

વર્ષો પહેલાં મોટા દીકરા મેહુલે વસંતરાયને પૂછ્યું હતું, ‘પપ્પા, તમે ખૂબ જ મહેનત કરીને, જાતે કમાઈને આ બંગલો બાંધ્યો છે, તો પછી તેનું નામ ‘પિતૃછાયા’ કેમ રાખ્યું છે ?’

“મેહુલ, તું એમ માને છે કે બાપદાદા તરફથી મોટો દલ્લો મળે અને તે પૈસામાંથી બંગલો બાંધવામાં આવે તેનું નામ જ ‘પિતૃછાયા’ રાખી શકાય ?” વસંતરાયે દીકરાને ધારદાર પ્રતિપ્રશ્ન કર્યો હતો. મેહુલને વિચારમાં પડી ગયેલો જોઈને વસંતરાયે તેને શાંતિથી સમજાવ્યું હતું… “મેહુલ, સ્વપાર્જિત શબ્દ કાયદાનો છે… લાગણીનો નથી.”

“એટલે ?”

“એટલે એમ કે ભલે આ બંગલો મેં આપકમાઈથી બનાવ્યો હોય, પરંતુ હું ચોક્કસ માનું છું કે વડીલો અને પિતૃઓના આશીર્વાદ વગર આ શક્ય ન જ બની શકે, તેટલા માટે જ આપણા બંગલાનું નામ રાખ્યું છે ‘પિતૃછાયા’.”

“હા પપ્પા, તમારી વાત સાચી છે. કોઈ પણ વ્યક્તિની પ્રગતિમાં તેના વડીલોના આશીર્વાદ હંમેશાં ભળેલા હોય છે.” મેહુલે વસંતરાયની વાતમાં સૂર પુરાવ્યો હતો.

જોગાનુજોગ બાપ-દીકરાનો આ સંવાદ થયો ત્યારે વસંતરાયના અંગત મિત્ર છબીલદાસ હાજર હતા. બાપ-દીકરાનો એક સૂર જોઈને તેઓ પણ રાજી થયા હતા, પરંતુ બે ચાર વર્ષે ઈન્ડિયા આવે ત્યારે વસંતરાયની અવશ્ય મુલાકાત લેતા.

“વસંત, તું ખરેખર નસીબદાર છે… તમારે બાપ-દીકરા વચ્ચે જનરેશન ગેપ જેવું બિલકુલ નથી.”

વસંતરાય મંદ મંદ હસ્યા. થોડી વાર પછી મેહુલ કોઈક કામસર ઉપરના માળે ગયો એટલે વસંતરાયે છબીલદાસની વાતનો તંતુ સાંધ્યો… “કેમ તમારે લંડનમાં કેવું હોય છે ?”

“વસંત, લંડનમાં તો છોકરો ચૌદ વર્ષનો થાય એટલે અલગ ફલૅટ લેવાનું સ્વપ્ન જોતો થઈ જાય છે. પશ્ચિમનું કલ્ચર જ એવું છે કે જે ઘરમાં દીકરી દેવાની હોય ત્યાં જમાઈનું મકાન છે કે નહિ તે પહેલાં જોવામાં આવે છે.”

“શું વાત કરે છે ?” વસંતરાયે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

“હા, ત્યાં આપણા દેશ જેવી સંયુક્ત કુટુંબની ભાવના જ નથી. જોકે હવે તો અહીં દેશમાં પણ ધીમે ધીમે પશ્ચિમની અસર જોવા મળે જ છે ને ?”

“છબીલ, તારી વાત થોડેઘણે અંશે સાચી છે, પરંતુ મારા ત્રણમાંથી એકેય દીકરા મારું વેણ ક્યારેય ઉથાપે જ નહિ.” વસંતરાયે ગર્વથી કહ્યું હતું.

“દોસ્ત, તારી વાત સાચી છે, પરંતુ તેમ છતાં તને એક વણમાગી સલાહ આપું છું કે ગમે તેવા સંજોગો ઊભા થાય પરંતુ આ ‘પિતૃછાયા’ને ક્યારેય વેચતો નહીં, કારણ કે ઘડપણમાં આવી મહામૂલી મિલકત જ સાચી મૂડી સાબિત થતી હોય છે.”

“છબીલ, મારી સાચી મૂડી તો મારા ત્રણેય દીકરા જ છે. ત્યારપછી ‘પિતૃછાયા’.” વસંતરાયે છબીલદાસની વાત કાપતાં કહ્યું હતું.

છબીલદાસ ચૂપ થઈ ગયા પરંતુ તેમના મનમાં તો રમી જ રહ્યું હતું કે જ્યારે માણસ અંગત સંબંધ માટે અભિમાન રાખતો હોય છે ત્યારે તેને ક્યારેક તે અંગત સંબંધ જ રડાવતો હોય છે !

છબીલદાસના મોઢાના હાવભાવ વસંતરાય તરત કળી ગયા તેથી તેઓ પણ મનમાં જ બોલ્યા… ‘ભાઈ આ તારું લંડન નથી. અહીં બાળકો મા-બાપને ભગવાન કરતાં પણ વિશેષ માનતાં હોય છે.’

સમયનું ચક્ર ફરતું ગયું. વસંતરાય પ્રૌઢમાંથી વૃદ્ધ બની ગયા.

દેવકી હતી ત્યાં સુધી તો તેણે પરિવારના સભ્યોની એકસૂત્રતાને ઘણી સારી રીતે સાચવી રાખી હતી. ત્રણેય દીકરાઓ-વહુઓ અને તેમનાં ભુલકાંઓ ખૂબ જ વિનયપૂર્વક વર્તતાં હતાં. પરંતુ દેવકીનું અવસાન થયું અને જાણે કે ‘પિતૃછાયા’ના વાતાવરણને ગ્રહણ લાગી ગયું. હવે વહુઓ માનમર્યાદાના ઉંબરા ઓળંગવા લાગી હતી. પહેલાં દરરોજ રાત્રે ડાઈનિંગ ટેબલ પર આખો પરિવાર સાથે જમવા બેસતો હતો. હવે સાથે જમવાનો નિયમ તૂટ્યો હતો. વસંતરાયની થાળી તેમના રૂમમાં પહોંચાડવામાં આવતી હતી.

વસંતરાયે નોંધ્યું કે જે દીકરાઓ પાછળ તેમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું, તેમની પાસે હવે બાપ માટે બિલકુલ સમય ન હતો.

વસંતરાયના બે દીકરાઓએ ધંધામાં ખૂબ જ પ્રગતિ કરી હતી જ્યારે એક દીકરો શહેરની જાણીતી ફર્મમાં ઉચ્ચ હોદ્દા પર હતો.

એકાએક વસંતરાયને મોતિયાનું ઓપરેશન કરાવવાનું થયું, ત્રણેય દીકરાઓના સમયના અભાવે ઓપરેશન પાછું ઠેલાતું જતું હતું. આખરે એક વાર કંટાળીને વસંતરાય ડ્રાઇવરને લઈને સીધા આંખના સર્જન પાસે પહોંચી ગયા. મોટી વહુને જાણ થઈ એટલે એણે તરત બધાને દવાખાને દોડાવ્યા અને સમય સચવાઈ ગયો હતો.

વસંતરાય હવે ફક્ત નામના જ ઘરના વડીલ રહ્યા હતા. સમગ્ર પરિવારમાં તેઓ બિલકુલ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. ખાલીપો અને એકલતા જાણે કે તેમનાં અંગત સ્વજન બની ગયા હતાં. ‘પિતૃછાયા’ તેમના નામે હતો તેથી હજુ દીકરાઓ તેમને થોડુંક માન આપતા હતા. જોકે બાપનું કોઈ પણ પ્રકારનું સૂચન માનવા માટે તેઓ હરગિજ તૈયાર નહોતા. બે પેઢી વચ્ચેનો જનરેશન ગેપ મોટો થતો જતો હતો. બાપ સામે દલીલ કરવાનો દીકરાઓ જન્મસિદ્ધ અધિકાર માનવા લાગ્યા હતા.

એક વાર વચેટ દીકરો મનન કોઈક ગોળી લઈ રહ્યો હતો.

“કેમ… મનન, તબિયત બરોબર નથી ?” વસંતરાયે સહાનુભૂતિપૂર્વક પૂછ્યું હતું.

“પપ્પા, બ્લડપ્રેશરની ગોળી લઉં છું. લાઈફ એટલી બધી સ્ટ્રેસફૂલ થઈ ગઈ છે કે વાત ન પૂછો… જોકે મારી ચિંતાનો તમને તો ક્યાંથી ખ્યાલ આવે ?”

“કેમ, તારે વળી શી ચિંતા છે ? ભગવાનની કૃપાથી તારે તો નોકરી પણ સારી છે.”

મનન એકદમ ગુસ્સે થઈ ગયો… “પપ્પા, શેની ચિંતા નથી તે પૂછો… અને મને એકલાને જ નહીં, ચાલીસીએ પહોંચેલી કોઈ પણ વ્યક્તિને પૂછશો તો તે સ્ટ્રેસમાં જ જીવતો હશે.”

“મનન, મને કાંઈ સમજાયું નહીં.” વસંતરાય આશ્ચર્યથી દીકરાને તાકી રહ્યા.

“હું તમને સમજાવું, પપ્પા.” નાનો દીકરો સ્પંદન તેના ભાઈ મનનની મદદ કરવા માટે વકીલની અદાથી આગળ આવીને બોલ્યો… “નોકરી કરતા હોય તો બૉસનું ટેન્શન, ધંધો કરતા હોય તો ઉઘરાણીનું ટેન્શન, બાળકો બોર્ડમાં ભણતા હોય તો રિઝલ્ટનું અને એડમિશનનું ટેન્શન અને જો સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈએ તો વડીલોના ઘડપણને સાચવવાનું વધારાનું ટેન્શન.”

નાનો દીકરો સ્પંદન વધારાનું ટેન્શન એવા હાવભાવ સાથે બોલ્યો કે જાણે તેને અત્યંત અણગમતી જવાબદારી વેંઢારવી પડતી હોય !

“બસ દીકરા, તમારી આખી પેઢીની સમસ્યા મને સમજાઈ ગઈ.” વસંતરાયે વાત પતાવવાના ઈરાદાથી કહ્યું.

બંને દીકરાઓ વાત પતાવવાના મૂડમાં નહોતા, તેઓ તો તેમની આખી પેઢીનું પ્રતિનિધિત્વ કરવાના મૂડમાં આવી ગયા હતા. “પપ્પા, અમારી પેઢીને જશ તો ક્યારેય મળે જ નહીં. જો મા-બાપનું થોડુંક વધારે ધ્યાન રાખવા જઈએ તો માવડિયા કહેવાઈએ અને જો પત્નીને સાચવવા જઈએ તો વહુઘેલા કહેવાઈએ.” સ્પંદન અને મનને એક સૂરમાં કહ્યું.

બંને દીકરાઓનો આક્રોશ સાંભળીને વસંતરાયને છેલ્લા થોડા સમયથી વહુઓ દ્વારા થતી અવગણના યાદ આવી ગઈ. દીકરાઓ અત્યારે વહુઓની જ ભાષા જ બોલે છે, તે વાત તેમના મનમાં સ્પષ્ટ થઈ ગઈ. વસંતરાયની આંખમાં આંસુનાં તોરણ બંધાયાં… તેમનાથી સામેની દીવાલ પર લગાવેલ દેવકીના ફોટા સામે જોવાઈ ગયું. દેવકી જાણે કે ફોટામાંથી કહી રહી હતી… “તમને મારા સમ છે, દીકરાઓ સમક્ષ ઢીલા ન પડશો, તમે તો પિતા છો અને પિતાનો પ્રેમ તો આકાશ જેવો હોય છે, ગમે તેટલી મોસમ બદલાય પણ આકાશ તો હંમેશાં સ્થિતપ્રજ્ઞ જ રહેતું હોય છે !”

બંને દીકરાઓ ગયા પછી વસંતરાય દેવકીનો ફોટો જોતા ક્યાંય સુધી ગુમસૂમ બેસી રહ્યા. આંખમાં આવેલાં આંસુને કારણે તેમને ફોટો ધૂંધળો દેખાતો હતો પરંતુ દેવકી સાથે ગાળેલો ભવ્ય ભૂતકાળ બરોબર દ્રષ્ટિમાન થતો હતો. ખાસ્સી વાર સુધી દેવકી સાથેનાં સુખદ સંસ્મરણો વાગોળ્યા બાદ વસંતરાયથી તેમના અસ્વસ્થ મનને આશ્વસ્ત કરતાં બોલાઈ ગયું… “સારું થયું દેવકી તેના વહાલા દીકરાઓનું આવું વર્તન જોવા માટે હયાત નથી.”

દેવકીના અવસાનના થોડા સમય બાદ વસંતરાયે મોટા દીકરા મેહુલને કહ્યું, “બેટા, મારી ઈચ્છા છે કે આપણે સહકુટુંબ સિદ્ધપુર જઈને કોઈ બ્રાહ્મણ પાસે માતૃશ્રાદ્ધની વિધિ કરાવી આવીએ.”

“પપ્પા, અત્યારે તો બિઝનેસમાં મને બિલકુલ સમય નથી.” મેહુલે અણગમાપૂર્વક કહ્યું.

વસંતરાયને આંચકો લાગ્યો. તેમણે હિંમત કરીને કહ્યું, “મેહુલ, તારા જન્મ પછી તું માંદો રહેતો હતો ત્યારે દેવકીએ તિરુપતિની બાધા રાખી હતી. તે સમયે ધંધામાં હું એકલો જ હતો… મારી પાસે ડાકોર સુધી જઈ શકાય તેટલો પણ સમય નહોતો છતાં અમે તને તિરુપતિ દર્શને લઈ ગયા હતા.”
“પપ્પા, એ સમય જુદો હતો. અત્યારે બિઝનેસમાં ડેવલપમેન્ટ થયા કૉમ્પિટીશન પણ ખૂબ જ વધી ગઈ છે, અહીં મારી હાજરી કેટલી જરૂરી છે, તે તમને નહિ સમજાય.”

વસંતરાય વિચારી રહ્યા… જે દીકરો ધંધાનો કક્કો જ તેમની પાસેથી શીખ્યો હતો… તે આસાનીથી કહી રહ્યો હતો… પપ્પા તમને નહીં સમજાય ! હવે મોટા દીકરા આગળ વાત કરવાનો કોઈ મતલબ જ નહોતો તેથી વસંતરાયે મૌન રહેવાનું પસંદ કર્યું.

બીજે દિવસે વસંતરાયે નાના દીકરા સ્પંદન આગળ માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર જવાની ઈચ્છા વ્યક્ત કરી કારણ કે ધાર્મિક વિધિમાં મોટો દીકરો ન બેસે તો નાનો પણ બેસી શકે.

સ્પંદન ચમક્યો… “પપ્પા, મને તો આવી કોઈ વાતમાં સંડોવશો જ નહિ… હું તો આવાં બધાં તૂતમાં માનતો જ નથી.”

વસંતરાયને આઘાત લાગ્યો. આજ સુધી આ દીકરાઓને તેમની સાચી મૂડી માનતા હતા ! આજે તેમની આંખ ખૂલી ગઈ… સાચી મૂડી બાબતની તેમની માન્યતા કેટલી ભ્રામક હતી તે તેમને સમજાઈ ગયું.
વસંતરાયે અનાયાસે જ આંખમાં આંસુ સાથે દેવકીના ફોટા સામે જોયું. દેવકી ફોટામાંથી કહી રહી હતી… “તમે નાહકનાં દુઃખી થાવ છો. મારી ખુશી તો દીકરા ખુશ રહે તેમાં જ સમાયેલી છે.”

“હા… દેવકી ગમે તેમ તું મા છો ને ? માની ખુશી તો હંમેશાં દીકરાની ખુશી સાથે જ સંકળાયેલી હોય ને ? પરંતુ… મને લાગે છે કે આપણી સાથે ઈશ્વરનો આ હળહળતો અન્યાય છે. મારાથી આવી વિષમ પરિસ્થિતિ સહન થતી નથી.”

વસંતરાય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેમને સાંત્વન આપવાવાળું કોઈ જ નહોતું. સ્પંદન તો ક્યારનો ય બહાર જવા માટે નીકળી ગયો હતો.

વસંતરાયનું શરીર હવે ઘસાતું જતું હતું. દિવસ મોટો લાગતો હતો… ડ્રૉઇંગ રૂમમાં ટીવીનો રિમોટ વહુઓ અથવા તેમનાં બાળકોના હાથમાં જ રહેતો હતો. તેથી વસંતરાય ભક્તિ ચેનલ જોવા માટે પણ અસમર્થ હતા. સમય પસાર કરવા માટે તેમની પાસે એક પણ વિકલ્પ નહોતો બચ્યો. પગ સાથ આપતા નહોતા તેથી મૉર્નિંગ વૉક કે ઇવનિંગ વૉકમાં જવાનું શક્ય નહોતું.

વસંતરાયને જ્યારે વધારે ખાલીપો લાગે ત્યારે તેઓ દેવકીના ફોટા સાથે વાર્તાલાપ કરી લેતા. આજે રવિવાર હતો. ઘરના બધા સભ્યો વન ડે પિકનિકમાં ગયા હતા. વસંતરાયનો દેવકી સાથે વાર્તાલાપ ચાલુ હતોઃ “દેવકી, દીકરાઓ એ વાત જ વીસરી ગયા છે કે… ઘરમાં મોભી તરીકે બાપનું સ્થાન ક્યાં હોવું જોઈએ ?” દેવકીએ કોઈ જવાબ ન આપ્યો. વસંતરાયને ઉધરસ ચડી.

“તમે તમારી તબિયત સંભાળજો કારણ કે મને લાગે છે કે તમે માંદા પડશો તો કોઈ તમારી ચાકરી કરવા માટે સમય નહીં ફાળવી શકે.” દેવકીએ ધીમા અવાજે કહ્યું.

“હા… તારી વાત સાચી છે, દેવકી… પણ એક વાત કહું?”

“શું ?” દેવકીએ ફોટામાંથી પૂછ્યું.

“ત્રણેય વહુઓની સજાગતાને દાદ દેવી પડે તેમ છે.”

“એટલે ?”

“એટલે એમ કે ત્રણેય વહુઓ તેમના પતિ અને બાળકો મારી સાથે હળે-મળે નહીં તે બાબતે ખૂબ જ સજાગ છે… વૃદ્ધાવસ્થામાં આવી સમસ્યાનો સામનો કરવો પડશે તેવી તો મને કલ્પના જ નહોતી.”
મોડી રાત્રે પિકનિકમાંથી બધાં પરત આવ્યાં. કોઈને વસંતરાયનું સાંજનું જમવાનું બાકી છે તે યાદ આવ્યું નહિ. વસંતરાય ભૂખ્યા પેટે જ ઊંઘી ગયા.

વસંતરાય હવે વિષમ પરિસ્થિતિને સહન કરતા જતા હતા. જ્યારે વહુ થાળી પછાડીને મૂકતી ત્યારે તેમને ખ્યાલ આવી જતો કે આજે પુત્રવધૂ ગુસ્સામાં છે. વસંતરાય આખો દિવસ તેમના રૂમમાં પડ્યા રહેતા હતા, પરંતુ પરિવારની નાની મોટી દરેક વાત તેઓ હજુ પણ પામી જતા હતા. વૃદ્ધાવસ્થામાં કેટલીક વાર શરીરનાં અંગો વધુ શિથિલ થઈ જાય ત્યારે ‘સિકસ્થસેન્સ’ વધુ પાવરફૂલ થઈ જતી હોય છે !

ત્રણેય વહુઓ વચ્ચેનો ખટરાગ અને નાની નાની ચડભડ વસંતરાયના ધ્યાન બહાર નહોતી. ત્રણેય વહુઓને હવે સ્વતંત્ર રીતે રહેવું હતું તેથી તેમણે તેમના પતિ પાસે અલગ મકાન લેવાની જીદ પકડી હતી. આખરે એક દિવસ સવારે ત્રણેય દીકરા ભેગા થઈને વસંતરાય પાસે આવ્યા.

જમાનો જોઈ ચૂકેલા વસંતરાયની અનુભવી આંખે પારખી લીધું કે દીકરાઓના મનમાં ચોક્કસ કંઈક વાત છે. વસંતરાય જાણી જોઈને ચૂપચાપ બેસી રહ્યા.

મોટા દીકરા મેહુલે વાતની શરૂઆત કરી. “પપ્પા, અમારા બધાની ઈચ્છા છે કે આ બંગલો વેચીને આપણે ત્રણ ફલૅટ લઈ લઈએ.”

વસંતરાય થોડાં વર્ષો પહેલાં તેમના મિત્ર છબીલદાસની બંગલો ક્યારેય ન વેચવાની સલાહ યાદ આવી ગઈ.

વસંતરાય ગળું ખોંખારીને બોલ્યા… “’પિતૃછાયા’ મારું હ્રદય છે, તે વેચવાનું મને યોગ્ય લાગતું નથી.”

“પણ પપ્પા, અત્યારે રિયલ એસ્ટેટમાં તેજી છે. છ કરોડ તો આસાનીથી આવી જશે. બે-બે કરોડના ત્રણ લક્ઝુરીયસ ફલૅટ લઈ લઈએ તો બધા સ્વતંત્ર રીતે રહી શકે… વળી આપણા એરિયામાં ઘણા બંગલા બિલ્ડરોએ ખરીદી જ લીધા છે ને ?” નાના દીકરા સ્પંદને દલીલ કરી.

“પણ, પછી મારે ક્યાં રહેવાનું ?” વસંતરાયે વારાફરતી ત્રણે દીકરાઓની આંખમાં જોયું.

ત્રણેય દીકરાઓ નીચું જોઈ ગયા. થોડી વાર માટે મૌન છવાઈ ગયું. આખરે મોટા દીકરા મેહુલે ખેલદિલીપૂર્વક કહ્યું… “પપ્પા, તમારે મારી સાથે જ રહેવાનું છે, ક્યારેક ચેન્જ માટે તમે મનનને ત્યાં કે સ્પંદનને ત્યાં જાવ તે બરોબર છે, બાકી તમારું કાયમી સરનામું તો મારું ઘર જ રહેશે.”

“સારું, હું વિચારીને કહીશ.” વસંતરાયે મુદત માંગી.

ત્રણેય દીકરાઓ આશાવાદી હતા તેથી તરત કોઈક બિલ્ડરને મળવા માટે ઊપડી ગયા.

સાંજે વસંતરાય ઘણા સમય બાદ બહાર ફળિયામાં ઝાડ નીચે બેઠા હતા. ત્યારે મોટા દીકરાની વહુ તેના પિયરપક્ષમાં કોઈકની સાથે મોબાઈલ પર વાત કરી રહી હતી… “અમે મોટાં એટલે અમે શું ગધેડી પકડી છે ? અમારે જ પપ્પાજીને કાયમ સાથે રાખવાના ? બાકીના બે ભાઈઓની કાંઈ ફરજ જ નહીં ? કાયમ અમારે જ જવાબદારીનાં પોટલાં ઉપાડીને ફરવાનું ? મેં તો મેહુલને કહી દીધું છે કે ત્રણેય ભાઈઓએ ચાર ચાર મહિના પપ્પાજીને રાખવાના વારા બાંધવાના છે…”

વસંતરાય આગળ કશું સાંભળી ન શક્યા. તેઓ મનમાં સમસમી ગયા. હવે તેઓ સ્પષ્ટપણે સમજી ગયા કે ‘પિતૃછાયા’ જેવો આશરો છોડીને તેમને ઓશિયાળું જીવન જીવવું પડશે. હવે તેઓ પરિવારના સભ્યો માટે વધારાનો બોજ બની ગયા હતા… અને તે પણ એવો બોજ જેને ફરજ સમજીને નહીં, પરંતુ માત્ર સમાજમાં આબરૂ જળવાઈ રહે તે માટે જ દીકરાઓ અને વહુઓ ઉપાડી રહ્યાં હતાં !

વીસેક દિવસ પછી એકાએક વસંતરાયની તબિયત લથડી. ઍમ્બુલન્સ બોલાવવામાં આબી. વસંતરાયથી બોલી નહોતું શકાતું તોપણ વારંવાર બોલી રહ્યા હતા… “મારે મારો આશરો નથી વેચવો… હું ‘પિતૃછાયા’ નહિ વેચવા દઉં… ‘પિતૃછાયા’ મારું હ્રદય છે… મારો આત્મા છે…”

ઍમ્બુલન્સમાં બધાં તેમનો લવારો સાંભળી રહ્યાં હતાં. હવે સૌને ખાતરી થઈ ગઈ હતી કે વસંતરાય કોઈ પણ સંજોગોમાં બંગલો વેચવા નહીં દે.”

હૉસ્પિટલે પહોંચ્યા પછી વસંતરાયની તબિયત વધારે બગડી. તેમને વેન્ટીલેટર પર રાખવા પડ્યા. બીજે જ દિવસે સવારે તેમણે દેહ છોડી દીધો.

બેસણામાં રાખેલા ફોટા પાસે અગરબત્તી બુઝાઈ ગઈ એટલે ત્રણેય આજ્ઞાંકિત (?) દીકરાઓએ ઊભા થઈને બીજી વધારે અગરબત્તી પ્રગટાવી. અનાયાસે જ તેમનું ધ્યાન ફોટા પર પડ્યું તો વસંતરાયની આંખો જાણે કે વારાફરતી તેમને ધ્યાનપૂર્વક જોઈ રહી હતી. ત્રણમાંથી એકેય દીકરો ફોટામાં પણ બાપની સામે આંખ મેળવવાની હિંમત ન કરી શક્યો.

બે દિવસ પછી રાત્રે ઘરના તમામ સભ્યો બેઠા હતા. ‘પિતૃછાયા’ વેચવાનો સોદો શક્ય તેટલો વહેલો કરી લેવાની સૌ કોઈની ગણતરી હતી. જમીન મકાનના દલાલોના ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા. એકાએક લંડનથી છબીલદાસ આવી પહોંચ્યા. તેમણે વસંતરાયના અવસાનનો ખરખરો કર્યો. થોડી વાર માટે મૌન છવાઈ ગયું. છબીલદાસે ધીમેથી તેમના ઝભ્ભાના ખિસ્સામાંથી કાગળ કાઢ્યો, જે તેમને વસંતરાય તરફથી ચારેક દિવસ પહેલાં જ મળ્યો હતો. છબીલદાસે ગંભીરતાપૂર્વક કહ્યું… “આ પત્રની સાથે વસંતે કરેલા વિલની કોપી પણ છે.” સૌ કોઈને નવાઈ લાગી.

છબીલદાસે મોટેથી પત્ર વાંચવાનું શરૂ કર્યું…

‘વસિયતનામું કરવાની મારી કોઈ જ ઈચ્છા નહોતી પરંતુ દેવકીના અવસાન પછી મારે મારા જ ઘરમાં પરાયા થઈને રહેવાની અસહ્ય સજા ભોગવવી પડી છે, જેને કારણે નાછૂટકે હું વિલ કરવા માટે મજબૂર બન્યો છું. દેવકીના અવસાન પછી હું તૂટી રહ્યો હતો. મને એમ હતું કે મારો પરિવાર મને તૂટતો બચાવી શકશે. દીકરાઓ એક એવા ‘વેન્ટીલેટ’ની ગરજ સારશે જેને કારણે હું ટકી જઈશ, પરંતુ વ્યથિત હ્રદયે સ્વીકારું છું કે મારી માન્યતાને ત્રણેય દીકરાઓએ ભેગાં મળીને ખોટી સાબિત કરી છે.

આ સાથેના ‘વિલ’ મારફત હું ‘પિતૃછાયા’ આપણા જ શહેરના ‘જલારામ વૃદ્ધાશ્રમ’ને દાનમાં આપતો જાઉં છું.’

છેલ્લું વાક્ય સાંભળીને ત્રણેય દીકરાઓ ડઘાઈને એકબીજા સામે જોઈ રહ્યા.

ત્રણેયના મનમાં તો એક જ વાત ઘુમરાતી હતી… પપ્પાને વાતનો અગાઉથી અણસાર કેવી રીતે આવી ગયો હશે કે દીકરાઓ હૉસ્પિટલમાં તેમને જિવાડવા માટે રાખવામાં આવેલ ‘લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ’ ખસેડી લેવાનું કુકર્મ પણ આચરવાના છે !

હા… બંગલાની લાલચમાં ત્રણેય દીકરાઓએ ભેગા મળીને બીજે જ દિવસે વેન્ટીલેટર ખસેડી નાખવાનો ક્રૂર નિર્ણય લીધો હતો !

વસંતરાયનું વસિયતનામું સાંભળીને હવે દીકરાઓની આંખમાં પસ્તાવાનું વિપુલ ઝરણું ઊતરી આવ્યું હતું પરંતુ હવે તો આંખમાં આંસુનો દરિયો ઊભરાઈ તો તે પણ આ પાપકર્મને ધોવા માટે અસમર્થ હતો !
ફોટામાંથી વસંતરાયની નિસ્તેજ આંખો આખા દ્રશ્યને આક્ષીભાવે નિહાળી રહી હતી !

– પ્રફુલ્લ કાનાબાર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “વેન્ટીલેટર – પ્રફુલ્લ કાનાબાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.