- ReadGujarati.com - http://www.readgujarati.com -

હા, અમને માઠું લાગ્યું છે… – વિનોદ ભટ્ટ

[‘અખંડ આનંદ’સામયિકના દિપોત્સવી વિશેષાંકમાંથી સાભાર]

ત્યારે અમે પોળમાં રહેતા. અમારી પોળમાં એંસી વરસનાં એક પસીફોઈ રહે. સ્વભાવ એમનો પહેલેથી જ આડો, છીંકતાં છેડાઈ પડે. આપણે તેમને લાગણીથી પૂછીએ કે ‘ફોઈ, મજામાં છો ને ?’ તો એના જવાબમાં તે છાસિયું કરતાં કે, ‘પીટ્યા, તારું ચાલે તો મારી નાખ.’ તે પંદર-વીસ કિલો વજનની ચીજ થેલીમાં ઊંચકીને સામેથી હાંફતાં હાંફતાં આવતાં હોય ને તેમને મદદ કરવાની ભાવનાથી આપણે કહીએ કે ‘લાવો, ફોઈ ઊંચકીં લઉં’, તો એ ગુસ્સે થઈ તરત બરાડતાં કે ‘મારા હાથ-પગ ભાંગી ગયા છે કે તું મોટા ઉપાડે થેલી ઉપાડવા નીકળી પડ્યો છે ?’ કઈ વાતે તેમને વાંકું પડશે, માઠું લાગશે એ કળવું અઘરું પડે.

કહેવાય છે કે આપણા મહાકવિ ન્હાનાલાલ સ્વભાવે મહારિસાળ હતા. ગમે તેના વિશે યદ્દવાતદ્દવા બોલી નાખવાની તેમને છૂટ, પરંતુ તેમના વિશે કોઈ સારું બોલે તો પણ કાઢવો હોય તો એમાંથી ભળતોસળતો અર્થ કાઢી લગાડવું હોય એટલા પ્રમાણમાં માઠું લગાડી શકતા. કોઈ મુદ્દે એમને ગાંધીજી સાથે અણબનાવ થયો એટલે જ કવિ ન્હાનાલાલે ગાંધીજીને ‘ગુજરાતનો તપસ્વી’ કહીને બિરદાવતું પ્રશસ્તિ કાવ્ય રચેલું એ જ ગાંધીજી પર ખીજે ભરાતાં તેમને ‘વર્ધાનો વંઠેલો’ કહેતા. આના પ્રતિભાવમાં ગાંધીજીએ આદરભાવે જણાવેલું કે ‘આપણાથી કવિના બોલ્યા સામે ન જોવાય. કવિ ન્હાનાલાલ તો દૂઝણી ગાય છે, કોઈ વાર તે પાટું મારે તો ખમી ખાવાનું.’ ગાંધીજીના આ વિધાનથી રાજી થવાને બદલે કવિ ગર્જેલા કે, ‘હું ગાય નથી, આખલો છું.’

કેટલાક લોકો આપણી જાણ બહાર આપણા પર ખોટું લગાડી બેસે છે. એક પરિચિતે મને ભારપૂર્વક જણાવ્યું કે મારે એમની જોડે જેલના ખૂંખાર કેદીઓ આગળ ભાષણ ઝાડવા જવું. પંદર-વીસ મિનિટ તેમને હસાડી(વી) નાખવાના છે. મેં તો તેમને નરમાશથી કહ્યું કે સૉરી, મને એ નહીં ફાવે. આમ પણ જેલના મોટા ભાગના કેદીઓ વીરરસથી ભરેલા હોય છે. અને વીરરસ અને હાસ્યરસ બંને એકબીજાના શત્રુ ગણાયા હોવાથી કેદીઓને હસાવવાનું કામ કપરું છે, મારું એમાં કામ નહીં. બસ, આટલી અમથી વાતથી એ ભાઈ મારા પર નારાજ થઈ ગયા, ખોટું લાગી ગયું એમને. અ-સામાજિક ગણાતાં તત્ત્વો તરફ સહાનુભૂતિ રાખવાની આપણી સામાજિક ફરજ છે એ આપણે ભૂલવું ન જોઈએ – એવુંય તેમણે મને ઠપકાભરી ભાષામાં સંભળાવ્યું હતું; પરંતુ તેમને માઠું લાગવાનું કારણ મને પછીથી જાણવા મળ્યું. જેલર તેમનો મિત્ર હતો અને તેને તેમણે પ્રોમિસ આપ્યું હતું કે, ‘તું જોજે, વિનોદ ભટ્ટને કેદીઓની સામે ઊભો કરી દઈશ.’ જેલરે તેમને પૂછ્યું હતું કે એ આવશે તો ખરો ને ? ત્યારે જેલરને તેમણે છાતી ઠોકીને કહેલું કે ‘એ તો શું એનો કાકોય આવશે, એને કલમ હાથમાં પકડતાં જ આપણે શીખવેલું હોં ! એ ટુચકાબાજને ટુચકા-બુચકામાંથી બહાર આપણે ખેંચી લાવેલા, એને તો જોકે આ બધું આજે કદાચ યાદ પણ નહીં હોય.’

વધુ વિચારતાં એવું પણ લાગે કે માણસે બીમાર પડવા અગાઉ એનાં સગાં-સ્નેહીઓ તેમજ લાગતાં-વળગતાંઓને એની વેળાસર જાણ કરી દેવી જોઈએ. વચ્ચે બન્યું એવું કે મારી જાણ બહાર જ હું ગંભીર માંદગીમાં પટકાયો. ડોક્ટરોની પૂરી તૈયારી છતાં બચી ગયો. હૉસ્પિટલમાંથી ઘેર આવ્યો એ સાંજે મારા એક નજીકના સગા મારી ખબર કાઢવાને બદલે ખબર લઈ નાખવા આવ્યા હોય એમ ગુસ્સે થઈ જતાં મારા પર તાડૂક્યાઃ ‘તમે સાવ જાવ એવા માંદા પડી ગયા ને મને જાણ પણ ન કરી ! તમને કંઈ થઈ ગયું હોત તો ? છેલ્લા ચાર દિવસથી જે કોઈ સામે મળે એ મને પૂછે કે વિનુભાઈનો મોં-મેળો કરી આવ્યા કે નહીં ? આ તો ઠીક છે, અમારા નસીબે તમે બચી ગયા, બાકી તમને રજા-કજા થઈ હોત તો હું લોકોને શું જવાબ આપત ! સાચું કહું છું, મને બહુ જ ખોટું લાગ્યું છે…’ આટલું કહ્યા પછી તેમણે હાથ-રૂમાલથી પોતાની ભીની નહીં થયેલી આંખો લૂછી એટલે મેં અપરાધભાવ સાથે તેમને વચન આપ્યું કે આટલી વખત મને દરગુજર કરો. ભવિષ્યમાં તમને ખબર આપ્યા વગર હું માંદા પડવાનો વિચાર સુધ્ધાં નહીં કરું, ત્યારે જ તેમણે મને કચવાતા મનથી માફ કર્યો હતો.

પરંતુ ક્યારેક માફી મળતીય નથી. એક વાર હું સ્કૂટર પર જતો હતો. માથે હેલ્મેટ હતી. મારા એક સગા સામેથી આવતા હતા. મારી સામે જોઈ એ હસ્યા, હુંય હસ્યો, પણ મારું હાસ્ય હેલ્મેટમાં ઢંકાઈ ગયું. તેમનું હાસ્ય વિલાઈ ગયું. ઘેર જઈને મારા વિશે તેમણે ફરિયાદ કરી કે આ પેલો વિનોદ ભટ્ટ ! પોતાની જાતને તિસમારખાં સમજે છે ! હસવાનું લખે છે, પણ આપણી સામે હસવામાંય મરવા પડે છે ! તેમને એ વાતનું લાગેલું માઠું આજે પણ એટલું જ માઠું છે. સારું થયું નથી.

*

ઘણા એવા ઉદાર હોય છે જે આડેદા’ડે કોઈ વાતે રિસાઈ જતા નથી, કિન્તુ કોઈને ત્યાં સારો-નરસો પ્રસંગ આવે ત્યારે જ તેમને કોઈ ને કોઈ વાતે ઓછું આવી જાય છે. એવા લોકો માટે તો આવા ટાણે જ માઠું લગાડવાની મોસમ છલકે છે. દા.ત. એક બાપ અને તેના દીકરા વચ્ચે રાગ નહીં એની નિમંત્રણ આપનારને જાણ ન હતી એટલે તેણે એ બંનેને નિમંત્રણ આપી લગ્નમાં બોલાવ્યા. લગ્નમાં દીકરાને જોતાં જ બાપની આંખ ફરી ગઈ. બાપે તરત જ યજમાનને બોલાવી ધમકાવ્યો, ગુસ્સાથી પૂછ્યું, ‘મનહરને લગ્નમાં તમે કેમ બોલાવ્યો ? કંઈ કારણ ?’

‘તમે મારા માસા થાવ છો એટલે મનહર મારો ભાઈ થયો કે નહીં ?’ યજમાને પોતાનો બચાવ કર્યો.

‘મારે કારણે જ એ તારો ભાઈ થયો ને ? હું ના હોત તો એ તારો ભાઈ થવાનો હતો ? તેણે મને જેલમાં પૂરી દેવાની ધમકી આપી છે એની તને ખબર છે ? જેને હું મારા આંગણામાંય ફરકવા નથી દેતો એને તેં લગ્નમાં મહાલવા બોલાવ્યો ? આ મારું ઘોર અપમાન છે. હવે હું નહીં જમું…’ કહી પગ પછાડી, મોઢું ચડાવીને એ મુરબ્બી ઘટનાસ્થળ છોડી ગયા.

*

બાકી માઠું લગાડનારાઓને લગ્નપ્રસંગની જ સાડાબારી નથી હોતી, મરણનેય ટાણાનો દરજ્જો આપી ખોટું લગાડવાની તક પણ એવા લોકો ઝડપી લે છે. જેમ કે, ‘એવી તે શી ધાડ આવી’તી તે બંસીકાકાને ઉતાવળે કાઢી ગયા ? મારી રાહ ન જોવાય ? કાકાને બ્યાંસી વરસ રાખ્યા તો અડધો-પોણો કલાક વધારે ઘરમાં રાખવા હતા. ના, ખોટી વાત. બહાનાબાજી નહીં જોઈએ. સવાલ સેન્ટિમેન્ટ્સનો છે અને ડેડબોડીવાન તો કલાક-દોઢ કલાક રોકી શકાય, બહુ બહુ તો ડબલ ચાર્જ માગે, પણ એમને કાઢી જવામાં ખોટી ઉતાવળ કરી નાખી ને ! બરાબર છે, મને ખબર હતી કે એમને સાડા સાતે કાઢી જવાના છે, પણ મને ‘બસ’ તો મળવી જોઈએ ને ! ગુરુકુળથી બસો જ ક્યાં ટાઈમસર મળે છે રિક્ષાવાળો સો રૂપિયા માગતો હતો – બંસીકાકા પાછા આવવાના હોત તો સો રૂપિયા એમના નામ પર તોડી નાખત. એ જે થયું એ પણ હું સાડા નવે તો આવી ગયો હતો કે નહીં ? તમને પોતાનાં ને પારકાં વચ્ચેના ભેદની પહેલેથી જ ખબર નથી. મને ઘણો જ આઘાત લાગ્યો છે. હવે કાકાના દસમા-બારમામાં મારી શી જરૂર છે ? દુઃખ મને એ વાતનું છે કે બંસીકાકાને હવે હું ક્યાં જોવાનો ! (મોટેથી ઠૂઠવો)

*
અને આજ-કાલ તો લગ્નના સત્કાર સમારંભની પેઠે અમુક સાધન-સંપન્ન લોકો તો બેસણાંની વીડિયો પણ ઉતારે છે, અને બાપુજીના બેસણામાં કોણ કોણ નહોતું આવ્યું એની નોંધ રાખે છે, અને વખત આવ્યે સંભળાવી પણ દે છે કે બૉસ, ફાધરના બેસણામાં તમે દેખાયા જ નહીં ! મેં તો ત્રણ ત્રણ વખત વીડિયોમાં તમને શોધ્યા પણ તમે ન જડ્યા ! મને હતું કે ભાસ્કરભાઈને તો બાપુજીએ કપરા સમયમાં ઘણી મદદ કરેલી, શૅરબજારમાં તમે હાથ ઊંચા કરી દેવાની તૈયારીમાં હતા ત્યારે બાપુજીએ તમને કેવા સંભાળી લીધેલા ! પણ આ બધી તો સમય સમયની વાત છે. તમે બેસણામાં ન આવ્યા એનું માઠું લગાડું એવો નાદાન હું નથી, પણ આવું થાય ત્યારે હ્રદયમાં થોડો ચચરાટ થાય ખરો. એવો વિચાર પણ ઘડીભર આવી જાય કે ખરો કે માણસને ઓળખવામાં બાપુજી થાય ખાઈ ગયા, બીજું શું !

*
હજી ઘણી જ્ઞાતિઓમાં મરણ અંગેની કાળોતરી સગાં-સ્નેહીઓને મોકલવાનો રિવાજ છે ને આવી કાળોતરી નહીં પહોંચ્યાની ફરિયાદ સાથે સગાંઓમાં માઠું લગાડવાની પણ પ્રથા છે. કદાચ એટલે જ અખબારોમાં બેસણાંની જાહેરખબરની નીચે લખવામાં આવે છે કે આ જાહેરખબરને પત્ર મળ્યાતુલ્ય ગણવી. છતાં જેનો સ્વભાવ જ વાતવાતમાં ખોટું લગાડવાનો, ઓછું લાવવાનો છે એ તો બબડશેય ખરો કે અહીં છાપાં ક્યો ભૂતોભૈ વાંચે છે તે ખબર પડે કે હરિબાપા ઉકલી ગયા !… અને… અને આ લેખ વાંચીને કોઈ એ વાતે માઠું લગાડશે કે આ બદમાશે તો મારી જ વાતો લખી કાઢી છે…

– વિનોદ ભટ્ટ