પડછાયા વગરનો પિંડ – મીરા ભટ્ટ

(‘અખંડ આનંદ’ સામયિકના દિપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

ઝાંબિયાની રાજધાની લુસાકામાં એક પ્રાણીબાગ છે, જ્યાં જુદાં જુદાં પાંજરાંમાં જુદાં જુદાં પ્રાણીઓને રાખવામાં આવ્યાં છે અને દરેક પાંજરા ઉપર જે-તે પ્રાણીનું નામ લખ્યું છે – વાઘ, વરુ, સિંહ, શિયાળ વગેરે. બધાં પાંજરાંને અંતે એક સાવ ખાલી પાંજરું આવે છે, તેમાં કોઈ પશુ-પંખી-પ્રાણી નથી. કેવળ સામે એક મોટો આદમકદ અરીસો ગોઠવ્યો છે. તમે પાંજરાંની સામે જઈને ઊભા રહો એટલે આયનામાં તમારું આદમકદ રૂપ દેખાય અને પછી સહેજ નજર ઊંચી કરો, ત્યાં પાટિયું વાંચવા મળે – Man, the most dangerous animal. (માણસ, ભયાનકમાં ભયાનક પ્રાણી !)

એક બાજુ માણસની આ ઓળખ છે અને બીજી બાજુ ઓળખ ગરજી ગરજીને કહે છે કે – तत्त्वमसि તું તે છે. – પરમ શક્તિવાન, પરમ પ્રકાશમાન, પરમ ગુણવાન, અજર અમર તત્ત્વ. બંને હકીકત સાચી છે. માણસજાતે જીવી જીવીને હાંસલ કરેલાં આ બે સત્ય છે, જે સામસામે છેડે ઊભેલાં છે. પ્રાણીને કેવળ પ્રકૃતિ છે, પ્રકૃતિ જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં રહેવાનું. માણસને કેવળ એક દિશા નથી. એ પ્રકૃતિમાંથી નીચે વિકૃતિમાં ઊતરી ‘મોસ્ટ ડેન્જરસ’ પણ બની શકે છે અને પ્રકૃતિથી ઉપર ઊઠી ‘મોસ્ટ ડિવાઈન’ પણ બની શકે છે.

માણસની જીવનસરિતામાં સંભાવનાનાં નીર વહે છે. ભોગની અતિશયતાની દિશા ખેડીને જીવનમાં નિરાશા, વિષાદ, ખેદ, વિફલતા મેળવી પતનના પાતાળમાં પણ પહોંચી શકે છે અને બીજી બાજુ ભોગવૃત્તિને ત્યાગ અને સંયમના બે કાંઠા વચ્ચે જતું કરી, જીવનમાં તપ-સાધનાનું મૂલ્ય જીવીને પોતાની જ ભીતર પડેલા અસલી મનુષ્યત્વને જગાડી શકે છે. પૃથ્વી પર આવા બંને પ્રકારના માનવ થઈ ગયા છે. પસંદગી આપણા હાથમાં છે. આ ક્ષણ ક્ષણ અવસર વરસે રે ! કોઈ ઝીલી શકો તો ઝીલી જુઓ !

માણસને એક જ જન્મમાં બે જન્મોમાં જીવવાનું છે. પ્રત્યેક માણસ દ્વિજ છે. પ્રાકૃત માણસમાંથી કાં તો વિકૃત થાય છે, કાં સંસ્કૃત ! માણસને આ રૂપાંતરણનું વરદાન મળેલું છે. એ ધારે તો પશુ-પંખીનાં માંસ ખાઈને પણ જીવી શકે અને ધારે તો ફળાહાર પર પણ જીવી શકે. જ્યારે વાઘ-સિંહ ઘાસ ખાઈને જીવી ન શકે, ગાય-બકરી માંસ ખાઈ ન શકે. માણસ પાસે પસંદગી છે. ઉપનિષદો કહે છે તેમ એની પાસે બે માર્ગ છે – શ્રેય અને પ્રેય. આરંભે જે મીઠું અને પરિણામે જે કડવા વખ જેવું છે તે પ્રેય. અને આરંભે જે આકરું અને કડવું, પણ અંતે જે મધમીઠું તે છે શ્રેય. એટલે જ શ્રેયને પાળવાની વિદ્યાને મધુવિદ્યા કહી છે.

વિકૃતિનું જગત જોવું હોય તો વર્તમાન જગતના ખળભળી ઊઠેલા સમાજમાં એનું પ્રતિબિંબ જોવા મળશે. આજના માણસને આખું જીવન નવેસરથી જાણવું-સમજવું છે એટલે એ જાતજાતના પ્રયોગો કરી રહ્યો છે. આગને અડવાથી દઝાય – આવી માની શીખને એ ડોસીમાનું ડહાપણ કહી ઉપેક્ષા કરે છે. અનુભવના આધારે બાપાદાદાઓએ જેને માનવના ‘ષડરિપુ’ કહીને જીતી લેવા જેવાં દૂષણો માન્યાં, તે કામ-ક્રોધ-લોભ-આદિને માણસ જીવનની સચ્ચાઈરૂપે જોઈ રહ્યો છે. હકીકતે, માણસમાં કામવાસના જાગે છે એ પણ હકીકત છે અને માણસ એ કામવાસના પર વિજય મેળવી શકે છે, એ હકીકત પણ સાચી છે.

રૂપાંતર કરવું જ પડે. પરંતુ એ રૂપાંતર કરતાં પહેલાં બંને રૂપોને જાણવાં-સમજવાં પડે. પ્રકૃતિઓને-પ્રાણીઓને પણ ઈન્દ્રિયો આપી છે, પરંતુ એ કેવળ બહિર્મુખી છે. પ્રાણીજગત પોતાની બહાર શું છે તે જોઈ શકે છે. જ્યારે મનુષ્યની ઈન્દ્રિયો દ્વિમુખી છે. એ બહિર્મુખી હોવા ઉપરાંત અંતર્મુખી પણ છે. માણસને અહેસાસ થાય છે કે પોતાની ભીતર પણ કશુંક છે. જેમ જેમ એ અહેસાસ સઘન બનતો જાય છે તેમ તેમ ભીતરની સૃષ્ટિ ખૂલતી જાય છે અને એને સમજાતું જાય છે કે એનું અસલી રૂપ તો કાંઈક જુદું જ છે !

માણસને પોતાના અસલીપણાની સહેજ પણ ગંધ આવતી જાય છે ત્યારે એના માટે પોતાનાં નામ, રૂપ, પદ-પ્રતિષ્ઠા, ઘર-બાર બધું બોજારૂપ બની જાય છે અને સાપ કાંચળી ઉતારવા તત્પર બને તેમ એ બધું ફેંકી દેવા તત્પર બને છે. રૂપાંતરની આ વિસ્ફોટક ઘટના છે. ચિત્તતંત્રમાં એક સ્ફોટ થાય છે અને એ આગમાં અહંની સાથોસાથ બીજું ઘણુંબધું હોમાઈ જાય છે. ઈંડાનું કોચલું તૂટે છે અને અંદરનું પ્રવાહી પાંખો ફફડાવતું પંખી બનીને બહાર નીકળે છે. આ બીજસ્ફોટ છે. ભૂમિ હેઠળ વાવેલું બી ફાટે છે અને ભીતરથી કૂંપળ ફૂટી નીકળે છે. બીમાં જ વૃક્ષ અને વૃક્ષમાં જ બીજ, એમ ચિત્તમાં જ ચૈતન્ય, માનવચેતનામાં જ પરમ ચેતના છુપાયેલી છે, એ ભેદ ખૂલે છે.

પછી તો લાખ અરીસા સામે ઉભા રહો ! તમારી જૂની અને જાણીતી છબી જ ગુમ ! હવે અરીસાના પ્રતિબિંબમાં ન કોઈ ચહેરો-મહોરો છે, ન કોઈ અંગ-પ્રત્યંગ ! માત્ર એક છાયાનાં દર્શન થાય છે. બાકીની બધી અસ્મિતા ગાયબ થઈ જાય છે. અસલી જાતને પાળવા જન્મજાતને ભૂંસવી પડે છે. મૂળ સ્વરૂપને પામવા નવી દ્રષ્ટિ ખીલવવી પડે છે. પંડ મીટે, છાયા સંકેલાય.
ભારતીય તત્ત્વજ્ઞાનમાં જાણવા માટે બુદ્ધિનો આશ્રય નહીં, દ્રષ્ટિનો આશ્રય લેવાયો છે. ભારતનું તત્ત્વચિંતન લખાણ નથી, એ ‘દર્શન’ છે. ઋષિઓને જે દેખાયું તે અહીં વેદ રૂપે પ્રગટ થયું. આ નવી દ્રષ્ટિ લાધવી, એ જ જ્ઞાનપ્રાપ્તિ ! હકીકતે આંખો તો કશું જોતી નથી. જે કંઈ દેખાય છે, તે દ્રષ્ટિ દ્વારા. એટલે આપણું સાચું મૂળભૂત સ્વરૂપ જોવું હોય તોપણ એક ખાસ દ્રષ્ટિ જોઈએ, નજર જોઈએ.

સર્જનહારે માણસમાં બે રૂપ મૂક્યાં, એ જ રીતે પ્રત્યેક જડ-ચેતનનાં બાહ્યાંતર બે રૂપ રાખ્યાં. ઉપરથી દેહ દેખાય, ભીતર હોય આત્મા, બહારથી તલ દેખાય, અંદર હોય તેલ. એ જ રીતે, વૃક્ષમાં બીજ, બીજમાં વૃક્ષ, કંકણમાં સોનું, દૂધમાં દહીં, ઇયળમાં પતંગિયું.. પ્રગટ રૂપ એક, પ્રચ્છન્ન રૂપ બીજું ! આ બંને રૂપ જોઈ યથાર્થને પામી શકે તેવી જ્ઞાનદ્રષ્ટિ ખૂલવી જોઈએ. આ જ્ઞાનદ્રષ્ટિને આધારે જ માણસમાં વિશ્વાસશક્તિ જાગે છે કે દેખાતા અસુરમાં પણ દૈવી તત્ત્વ હોઈ શકે. રાવણ સીતાજી પર બળાત્કાર ન કરી શક્યો, એમાં સીતામાઈનું સતીત્વ અને શીલ તો હતાં જ, પરંતુ રાવણમાં પોતાનામાં પણ કશુંક એવું શુભતત્ત્વ પ્રચ્છન્ન રૂપે પડેલું તે જાગ્રત થઈને એને રોકતું હતું. માણસ પરિવર્તનશીલ છે, આ શ્રદ્ધા જ માણસને સામાજિક બનાવે છે.

પશુયોનિ ભોગયોનિ છે, માનવયોનિ યોગયોનિ છે. પશુપંખીને સુખ આવે કે દુઃખ, ભોગવી લેવાનાં હોય છે. માણસમાં એવી શક્તિ છુપાયેલી છે કે એ દુઃખને પણ સુખ બનાવી શકે, રાતને પણ દિવસ બનાવી શકે. આ યોગશક્તિ એ યજ્ઞની શક્તિ છે. માનવજીવનમાં યજ્ઞ છે. જાનવરને ભૂખમરો વેઠવો પડે, માણસ નજર સામે છપ્પનભોગ પડ્યા હોય તો પણ ઉપવાસી રહી શકે. આ સંયમ-તપ-ત્યાગ એ જ સાર્થક માનવતાનો જીવનયોગ છે. આ કાંઈ એવું તથ્ય નથી કે જે સમજવા માટે આપણે વેદવેદાંત ઉથલાવવાં પડે. પ્રત્યક્ષ જીવનમાં આ મૂલ્યોને ચકાસી લેવાથી જ એનાં સીધાં પરિણામ પલ્લે પડી જાય છે.

આખરે આપણે એકમેકને ચાહીએ છીએ, નવા વર્ષે ‘સાલ મુબારક’ ઈચ્છીએ છીએ, તે શા માટે ? શું આપણા તમામ પ્રેમસંબંધોમાં નકરો સ્વાર્થ જ ભર્યો છે ? એવું નથી. આપણા જીવનમાં કોઈ એક એવી ઘડી તો આવી જ છે કે જ્યારે કોઈના માટે પ્રેમ અનુભવીને આપણે સમૃદ્ધ થયાનો ભાવ ઊમટ્યો હોય ? સાચો પ્રેમભાવ આપીને જે અનુભવી શકાય છે. પ્રેમનો પર્યાય છે – આપવું. પ્રેમ બીજાને દે છે, એટલા માટે તો તે ‘દેવ’ છે. પ્રેમ આપણા અહંને ઓગાળે છે, આસક્તિનાં, મોહનાં જાળાંને દૂર કરે છે અને આપણને ઈશ્વર સાથે જોડી આપે છે. પ્રેમ એવો ચૈતન્ય સ્પર્શ છે, જે શલ્યામાંથી અહલ્યાનું રૂપાંતર કરી શકે છે.

મુખ્ય વાત આ જ છે કે માણસ પોતાનામાં રહેલા પ્રાણીને કેટલો મિટાવી શકે છે અને પોતાનામાં રહેલા દૈવી દેવોને કેટલો જગાડી શકે છે. મીરાંબાઈએ ગાયું કે – ‘કાયામાં કામ હજુ જાગે ન જાગે ત્યાં રુદિયામાં રામ ગયો જાગી !’ જ્યારે આપણામાંના ઘણાંનો રામ દેહાંત સુધી ઢબુરાયેલો જ રહે છે. ભીતરના આ રામને જગાડવા પ્રભાતિયાં સાંભળવાં પડે છે, વિવેકાનંદ જેવાનાં જાગરણ ગીત કાને ધરવાં પડે છે, જે ગાય છે. ‘આભને માપવા, જાતને પામવા, જાગ રે જાદવા !’
જાતને જાણવા જગતને જાણવું પડે. પરંતુ જગતને જાણવા માટે એના જેવા થવાની જરૂર નથી. જગત તો દૂધ જેવું છે. એમાં આપણે મેળવણ નાખી દહીં બનાવવાનું છે, જેમાંથી ‘નવનીત’ કાઢી શકાય. મેળવણ ખાટું હશે તો દહીં ખાટું થશે, એટલે મેળવણની જાત શુદ્ધ રહે એટલું જ આપણે જોવાનું, તદુપરાંત યોગ્ય પ્રમાણ પણ જોઈએ. તપેલાભર દૂધ માટે ચમચી મેળવણ ન ચાલે. કેવળ આપણે સજ્જન થઈને જીવીએ એટલું પૂરતું નથી. સજ્જનતા વધવી જોઈએ, વ્પાયક થવી જોઈએ.

આજે આપણને જગત વિપરીત રાહે જતું અનુભવાય છે. આપણો એક જ ધર્મ છે કે – વૈકલ્પિક રસ્તો છે એની જાણ દુનિયાને થાય અને એ રસ્તે જતાં જીવનનું સર્વોત્તમ તથ્ય પ્રાપ્ત કરી શકાય છે. એની પ્રતીતિ જગાડી શકીએ એટલું પૂરતું છે. આપણે દુનિયાને છોડી દેવાની નથી, પરંતુ આપણું અસ્તિત્વ શાશ્વતનો સ્પર્શ પામી કેટલું આનંદિત-પ્રકાશિત અને સાર્થક છે તેનો પ્રત્યય જગતને કરાવવાનો છે.

આપણે પણ એક નવો પ્રાણીબાગ તૈયાર કરવાનો છે, જેમાં વિશ્વનાં તમામ પશુ-પ્રાણી-જીવ-જંતુઓના પરિચય સાથે માનવ નામના જીવનો પણ પરિચય આપવાનો છે. તે માટે આપણે પણ આદમકદ અરીસો રાખી શકીએ, જેથી મુલાકાતીઓ આત્મદર્શન કરી શકે. પરંતુ આ અરીસાની ખૂબી જ આ હોય કે એમાં કોઈ પડછાયો જ ન ઝિલાય. જોનાર માણસ ઊંચી નજર કરે ત્યાં લખેલું વાંચવા મળે – નવા યુગનો પડછાયા વગરનો માનવપિંડ. ‘આપ’ મૂએ પીછે ડૂબ ગઈ દુનિયા.

– મીરા ભટ્ટ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “પડછાયા વગરનો પિંડ – મીરા ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.