યુવાપેઢી કયા રસ્તે? – દિનેશ પાંચાલ

(પ્રસ્તુત લેખ રીડ ગુજરાતીને મોકલવા બદલ શ્રી દિનેશભાઈ પાંચાલનો ખૂબ ખૂબ આભાર)

યુવા પેઢી અંગે વિચારીએ અને ચકાસીએ કે એ અંગે દિમાગમાં કેટલું ‘ભંડોળ’ છે ત્યારે દુઃખદ અહેસાસ થાય છે, અધધધ… યુવાનો સામે આટલી બધી ફરિયાદો છે ? કાકા કાલેલકરનું કથન અચૂક યાદ આવે છે. એમણે કહેલું, ‘યૌવન પાસે બધું છે માત્ર સુકાન નથી !’ પણ અમારા બચુભાઈ કંઈક જુદું જ કહે છે, ‘યુવાનો પાસે માત્ર સુકાન જ નહીં, સંસ્કાર, સદ્દબુદ્ધિ, સમજદારી, દુનિયાદારી, કોઠાસૂઝ… બધું જ ઓછું છે. એમની પાસે તનનો તરવરાટ છે. મનના મનસુબાઓ છે અને ધનના ઢગલાઓ છે પણ સ્વતંત્ર વિચારશક્તિ નથી. નક્કર ઇરાદાઓ છે પણ સારુનરસુ પારખવાની વિવેકબુદ્ધિ નથી. દિલમાં લાગણીઓ છે પણ દિમાગમાં લક્ષ્ય નથી. પગમાં ગતિ છે પણ દિશાસૂઝ નથી. એમના અંતરમાં આવેગ છે. અને ઉમળકો તો દુનિયાભરનો છે પણ વર્તનમાં ગંભીરતા અને ઠરેલતા નથી. પરિપક્વતાનો ખાસ્સો અભાવ છે. એમની પાસે યૌવનની મસ્તી જ મસ્તી છે પણ દીર્ઘદ્રષ્ટિ નથી. કપાયેલો પતંગ ગમે તે દિશામાં ઘસડાઈ છે તે રીતે યુવા પેઢી દિશાવિહીન બની ગઈ છે. પરીક્ષાના પરિણામો પ્રગટ પછી તેમની બેવકૂફીનું રિઝલ્ટ પણ પ્રગટ થાય છે. કોઈ ૯૮ ટકાવાળો હોશિયાર વિદ્યાર્થી મેડિકલમાં પ્રવેશ મેળવે એટલે તેના પચાસ ટકાવાળા મિત્રો મેડિકલમાં જવાની જીદ પકડે છે. માબાપ દેવુ કરીને ય દીકરાને દૂરની કૉલેજમાં પ્રવેશ અપાવે છે પછી ત્યાં તે ભણવાને બદલે હોસ્ટેલના મિત્રો સાથે એકી શ્વાસે બિયરની આખી બાટલી પૂરી કરી જવાની શરત લગાવે છે અને બિયર ન પી શકવાને કારણે ૫૦૦ રૂપિયા હારી જાય છે. (બાપના પરસેવાને બિયર સમજીને પી જનારા એવા નમૂનાઓના કરતૂતો ક્યારેક અખબારમાં પણ પ્રગટે છે.)

દોસ્તો, કારના સ્ટિયરીંગ પાર બેઠેલા ડ્રાઈવરે અમદાવાદ જવું હોય તો અમદાવાદ કઈ દિશામાં આવ્યું તેની તેને ખબર હોય છે. પણ દિશાવિહીન યુવાન અમદાવાદ જવા માગતો હોય અને મુંબઈની દિશામાં ગાડી ધમધમાવે છે. બાપના પૈસે ખરીદેલું નવું ‘હીરો’ હોન્ડા લઈને એ રોડ પર નીકળે છે ત્યારે બાઈકના સ્પીડો મિટર પર લખેલી મૅક્સિમમ સ્પીડ પર ગાડી દોડી શકે છે કે નહીં તેની ચકાસણી કરવાનું એ ચૂકતો નથી. પાછળની સીટ પર બેઠેલો એનો મિત્ર (એનો સ્વનિયુક્ત ભાટચારણ) એના કાનમાં મંત્રો ફૂંકે છેઃ ‘વાહ દોસ્ત, ગજબની તારી ગાડી છે… અજબની તારી સ્પીડ છે…! એવું લાગે છે જાણે આકાશમાં ઊડી રહ્યાં છીએ !’ રોડને ખુલ્લું આકાશ અને બાઈકને એરોપ્લેન સમજીને ‘ઉડાવી’ રહેલો એ બબુચક કોઈ રાહદારીને ઉડાવી દે છે ત્યારે એક મોટો ધમાકો થાય છે અને મામલો આખો પોલીસ ચોકીમાં પહોંચે છે. પોલીસને તે કહે છેઃ ‘અમે તો બહુ ધીમેથી હંકારી રહ્યાં હતાં. એ માણસ સામે ધસી આવ્યો !’ ખરી વાત એટલી જ, માણસ પાસે પૈસો હોય પણ બુદ્ધિની બ્રેક ના હોય, આવડત હોય પણ અક્કલનું ઍક્સીલેટર બેકાબુ બની જતું હોય ત્યારે આકાશમાં ઉડતા માણસને ભોંયભેગા થતાં વાર નથી લાગતી. ત્યારબાદ તેનો બાપ ‘પુત્ર બચાવ અભિયાન’ લઈને મેદાનમાં ઉતરે છે. બાપની બે નંબરની કમાણીથી પોલીસની મૂઠી ગરમ થાય છે ને દીકરો બચી જાય છે. એ કારણે થાય છે એવું કે લબરમૂછિયો પછી (એની બડફાગીરીમાંથી બોધ લેવાને બદલે) એવો ‘દિવ્યસંદેશ’ મેળવે છેઃ ‘મારા બાપના પૈસા સામે કાયદો, પોલીસ કે અદાલતની ઐસી કી તૈસી !’

દોસ્તો, સમગ્ર યુવા પેઢી આવા “અક્કલ-મંદ” યુવાનોથી જ ભરેલી છે એવું કહેવાનો ઈરાદો નથી. બલકે આજના શૈક્ષણિક પરિણામો પર નજર કરીએ તો જોવા મળે છે કે તેઓ ૯૯ ટકા સુધી માર્ક્સ લાવે છે. નિખાલસભાવે સ્વીકારીએ કે જૂની પેઢીનો યુવા વર્ગ પણ આવી તેજસ્વી અભ્યાસિક પ્રતિભા દાખવી શકતો નહોતો. યાદશક્તિ પર દબાણ કરીએ તો ય એવું યાદ આવતું નથી કે પચાસેક વર્ષો પૂર્વે કોઈના ૯૯ ટકા આવી શકતા હતા. (કમ સે કમ અમારા સમયગાળામાં તો ૯૯ ટકા લાવવાની વાત કલ્પી જ શકાતી નહોતી) એની તુલનામાં આજનો વિદ્યાર્થી (‘હીરો’ હોન્ડા જેવી જ) તેજ ગતિએ શિક્ષણના હાઈવે પર દોડી રહ્યો છે. એ પ્લસ પોઈન્ટની નોંધ નહીં લઈએ તો તે અન્યાય ગણાશે. પણ તેની સામે એટલું સ્વીકાર્યા વિના ચાલે એમ નથી કે ૯૯ ટકા લાવનાર એ સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી રોજબરોજના જીવનમાં કેવી રીતે વર્તે છે ? માત્ર રોડ પર જ નહીં, શાળામાં, સમાજમાં, ઘરમાં, બજારમાં… અરે ! એના ખુદના માબાપ સાથે કેવી રીતે વર્તે છે તે મુદ્દો નિરાશ કરે એવો છે. હમણાં એક વાલીએ કહ્યું, ‘મારો દીકરો કોઈ વર્ષે પંચાણુ ટકાથી ઓછા ટકા લાવ્યો નથી. પણ સૌને ફરિયાદ છે, ઘરમાં એ સૌની સાથે બહુ તોછડાઈથી વર્તે છે !’

દોસ્તો, શાળાઓ છૂટે ત્યારે રોડ પર તમે નજર કરજો. એકમેકના ખભે હાથ મૂકીને ચાર પાંચ વિદ્યાર્થીઓ (અડધો રોડ રોકીને) સાઈકલ ચલાવતા જોવા મળશે. (એમાનો કોઈ ૯૫ ટકા લાવ્યો હોય એમ પણ બને) આપણા જેવો કોઈ ડોસો એમને કહે – ‘ભાઈ, બીજા રાહદારીઓ માટે રસ્તો રાખીને સાઈકલ ચલાવો…’ તો એમાનો એકાદ જરૂર તમને સંભળાવશેઃ ‘રસ્તો તમારા બાપનો છે ?’ વળતો જવાબ તો ન આપીએ પણ કહેવાનું મન જરૂર થાયઃ રસ્તો ભલે અમારા બાપનો ના હોય પણ કોઈ ટ્રક કે બસની ટક્કર લાગી તો તારો બાપ મુશ્કેલીમાં પડશે. પરંતુ ઉપર કહ્યું તેમ યુવાનો પાસે ગતિ છે પણ મતિ નથી .

દોસ્તો, બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે આજના હોંશિયાર વિદ્યાર્થીને શૈક્ષણિક ફૂટપટ્ટી વડે માપતા જ હોશિયાર જણાય છે. એ મેઝરમેન્ટ અધુરું અને અસંતોષકારક છે. ૯૯ ટકા લાવતો વિદ્યાર્થી ઘરમાં એના માબાપ સાથે, સગાવહાલાં સાથે કે સમાજ સાથે કેવી રીતે વર્તે છે તેનો હિસાબ લગાવીએ તો ખાસ્સી નિરાશા ઉપજે છે. એવું લાગ્યા વિના નથી રહેતું કે આજની શાળા કૉલેજોની શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરીને સમાજમાં આવતો વિદ્યાર્થી અનેક રીતે અધૂરો, કાચો, અપરિપક્વ અને અશિક્ષિત છે. જરા વિચારો, શાળા કૉલેજો એને શિષ્ટ અને સમજદાર માનવી ન બનાવી શકે તો એ બધાં માટે તેને નવેસરથી ક્યાં મોકલવો ? આપણી પાસે સજ્જનતા, ઈમાનદારી કે શિસ્તની ટ્રેનીંગ માટેની કોઈ એક્સ્ટ્રા કૉલેજો છે ખરી ? એવા લાખો અધકચરાં વિદ્યાર્થીઓના હાથમાં દેશ અને સમાજનું સુકાન આવવાનું છે. એવા સમાજનું ભવિષ્ય કેવું હશે ? એથી જ બચુભાઈ કહે છેઃ ‘આજનું શિક્ષણ નર્યું પોથીલક્ષી અને પરીક્ષાલક્ષી બની રહ્યું છે. જ્યાં સુધી સમગ્ર શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવી તેને જીવનલક્ષી નહીં બનાવવામાં આવે ત્યાં સુધી શાળા કૉલેજો કે યુનિવર્સિટીઓના નીંભાડાઓમાંથી એવી કરોડો કાચી ઈંટોનો ઢગલો સમાજમાં ખડકાતો રહેશે. અને કાચી ઈંટોમાંથી બનેલું મકાન તૂટી પડવા માટે ધરતીકંપની પ્રતીક્ષા કરતું નથી !’

કોઈ મિલ ટકાઉ સાડીનું ઉત્પાદન કરવા માગતી હોય તો તેણે સાડીમાં વપરાતા તાર કાચા ન રહી જાય તેની તકેદારી રાખવી પડે છે. દેશને મજબૂત બનાવવો હશે તો પ્રત્યેક નાગરિક શિષ્ટ, સંસ્કારી અને સમજદાર હોવો જોઈશે. આજ પર્યંત એવું સાંભળતા આવ્યા છીએ કે ભારતનું ભાવિ વર્ગખંડોમાં આકાર લઈ રહ્યું છે. પણ યુવા પેઢી પર નજર કરતાં એવી દુઃખદ પ્રતીતિ થાય છે કે દેશનું દુર્ભાગ્ય યુવાનોમાં ઉછરી રહ્યું છે !

– દિનેશ પાંચાલ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પડછાયા વગરનો પિંડ – મીરા ભટ્ટ
સત્યમેવ જયતે – ડૉ. ચંદ્રકાન્ત મહેતા Next »   

16 પ્રતિભાવો : યુવાપેઢી કયા રસ્તે? – દિનેશ પાંચાલ

 1. Shaswat says:

  Saras lekh..
  Aabhar.
  l
  _वो दोस्त मेरी नजर में बहुत माएने रखते है,

  _वक़्त आने पर सामने जो मेरे आइने रखते है…!!
  Amara jevi yuva pedhi ne Ariso dekhadva mate Aabhar.

 2. p j paandya says:

  સમજે તેના માતે આરિસો ચ્હે અરિસો કદિ ગલત નથિ બોલતો

 3. ruhi says:

  bdha ne j uvano thi complain che. bdha ne bs dosh no toplo nakhi ne khsi jvu che. ajna yuvano ketla eva kam pn kare che je soceity mate profitable che bt koi ne pn e dhyan ma nai avtu.bija ni vat to su kariye family pn emna emotion ne smjva ready nathi.

 4. pooja says:

  ektarfi lekh

 5. Narendra R Gala says:

  Dineshbhai,

  Aap no lekh ketlek anshe sachu hashe. Aa paristhiti mate jawabdar kon?

  Dekhadekhi ni spardha, maru badak bija thi sarvoch ane te sarvochata pamwa mate ghani vakhat apnawama avti khoti rito pan dhanma levi jaruri chhe.

  Ruhiben e aapel pratibhavma society mate profitable kamni vigat aapi hot to jani anand that.

  Aapne koini same ek angadi chindhia chhia to bakini tran angadi aapna tarf chindha chhe e dhyanma rakhie.

  Aabhar.

 6. gita kansara says:

  લેખ ઉત્તમ્. અપવાદરુપ યુવાવર્ગ સત્ય માર્ગે આદર્શ જિવન પસાર કરેીને લોકોપયોગેી
  સમાજ્ને યેન્કેન પ્રકારે મદદ કરેજ ચ્હે.

 7. YOGESH CHUDGAR says:

  આજના યુવાનો ને ખરાબ ચિતરવાની ફેશન થયી ગયી છે.આજની પેઢીનો યુવાન વધુ તિવ્ર બુધ્ધીનો છે, ગઈ પેઢી કરતા તેને વધારે એક્સપોઝર મળ્યું છે. તેને નવી ટેકનોલોજી નો લાભ મ્ળ્યો છે. વિદેશોમાં પણ ભારતિય યુવાનો ની પ્રતિભાને
  બીરદાવવામાં આવી રહી છે.

  કદાચ કોઇ યુવાનો ગેર માર્ગે દોરાઇને બગડ્યા હશે,તેનાથી સમગ્ર યુવા જગતને બદનામ કરવું યોગ્ય નથી.

 8. shirish dave says:

  મને તો જરાપણ એમ લાગતું નથી કે આજનો યુવાન દિશા હીન કે સુકાન વગરનો છે.
  વાસ્તવમાં તો આજનો વિદ્યાર્થી સાચે જ ઘણી મહેનત કરે છે. તેની પાસે વધુ વિચાર કરવાનો સમય પણ આપણી શિક્ષણ પ્રથાએ રહેવા દીધો નથી. માર્ક્સ આધારિત પ્રવેશ પહેલાં પણ હતો અને આજે પણ છે. વાસ્તવમાં જેઓ વધુ મહેનત કરે છે તેમને વધુ માર્ક્સ આવે છે. પહેલાં પણ તેમ જ હતું. પણ તે વખતે માર્ક્સ આપવાનો આધાર જુદો હતો.
  આપણા યુવાનો સામાન્યરીતે ઈતર પ્રવૃત્તિ કરી શકતા નથી તેથી ખેલ કૂદના વૈશ્વિક ક્ષેત્રે આગળ વધી શકતા. તેમની પાસે વિચારવાનો પણ સમય નથી કે તેઓ વૈશ્વિક ક્ષેત્રે સંશોધન કરી શકે. તેનું કારણ માર્ક્સ માટેની દોટ છે. જે પહેલાં પણ હતી અને આજે પણ છે.
  ૧૯૭૧માં પણ યુવાનો વિષે આવી ટીકાઓ થતી હતી. અને ૧૯૭૩માં જ્યારે નવ નિર્માણનું આંદોલન થયું ત્યારે આ ટીકાઓ કરનારાઓની દશા આમ તો ભોંમાં માથું નાખી દેવા જેવી થઈ હતી, જો કે તેઓએ તેવું કર્યું નહીં અને પોતાના ઉચ્ચારણો કેટલા અધકચરા હતા તે માટે તેઓએ આત્મખોજ પણ કરી નહીં.
  જેઓ પાસે પૈસા હતા તેઓ તે વખતે પણ હોટલમાં જવાનો શોખ અને રેસ લગાવવાનો શોખ ધરાવતા હતા. પણ ટ્રાફિકની ખાસ સમસ્યા ન હતી તેથી કોઈના ધ્યાન ઉપર આ વાત આવતી નહીં.
  પહેલાં પણ કાળું નાણું હતું. આજે પણ છે. પહેલાં પણ કાળા નાણાની સીમા આકાશ હતી. પણ તે વખતે આકાશને છત્રીથી ભેદી શકાય તેટલું ઉંચું હતું આજે સાતમા આસમાન જેટલું ઉંચું છે. ચિમનભાઈ પટેલે ચોપડી લખેલી કે ઈન્દીરા ગાંધીએ કેવી રીતે પૈસા ઉઘરાવેલા. એટલે સમજી લો ગયો જમાનો આજના જમાનાનો બાપ હતો. અને બાપે જે દિશા પકડી હોય તે દિશામાં સંતાન સવાયું થાય.
  જો તમે સક્રીય હો તો તમે પણ જુવાન જ છો. ઉંમર એ એક સંખ્યા છે.
  એક વાત ખરી કે આજની જુવાની વિચારવામાં અને તર્કમાં થોડી પાછળ પડે છે. દાખલા તરીકે આપણું અમદાવાદનું આઈ. આઈ. એમ.. આજ આઈ આઈ એમ ની બહારના રસ્તા ઉપર નજર કરો.
  આ જ આઈ. “આઈ. એમ.”ના વિદ્યાર્થીઓને ચાની અને નાસ્તાની લારીઓ ઉપર આરોગ્યને હાનિકારક ખાદ્યપદાર્થો કે જેના ઉપર અસ્વચ્છતા ભરપુર છે, અને આ વેચાણ પણ ગેરકાયદેસર છે અને ફૂટપાથ ઉપરનું દબાણ છે, આ બધું અવગણીને આરોગતા જોઉં છું ત્યારે લાગે છે કે આ લોકો દેશમાં કાયદાનું શાસન કેવી રીતે લાવી શકશે? અને જુઓ અમદાવાદના મ્યુનીસીપલ કમિશ્નર પણ ગઈકાલે જુવાન હતા અને કદાચ આજે પણ પોતાને જુવાન માનતા હશે. પણ તેમને તો પોતાની ફરજ દેખાતી જ નથી.

 9. વિચારતા કરી દે તેવો લેખ. કદાચ આજના યુવાનો માટે વધારે પડતો નકારાત્મક લાગ્યો. આખી યુવા પેઢી આવી જ છે; એમ તો ભાગ્યે જ માની શકાય.
  કોઈ પણ દેશ, પ્રદેશ કે પ્રજાની આવતીકાલ એની યુવા પેઢી પર આધાર રાખે છે – એ બાબત કોઈ જ બેમત ન હોઈ શકે.
  આ બાબત સત્ય હકીકત શું છે; એ તો કોઈ સંસ્થા નિષ્પક્ષ રીતે સર્વેક્ષણ કરે તો જ સાચી હકીકત પર પ્રકાશ પડે. કદાચ એવું સર્વેક્ષણ બહુ જ જરૂરી પણ છે. સંચાલકોને વિનંતી કરવાની કે, ગુજરાત રાજ્યના શિક્ષણ ખાતાને આની નકલ મોકલી, આવું કશુંક ક્રરવાની વિનંતી કરો તો? હાલના મુખ્ય પ્રધાન શિક્ષણ ખાતાના મંત્રી પણ હતા; અને તેમના વિશે ઘણી પ્રશંસા જાણવા મળી છે; આથી તેઓ આવી અગત્યની બબતને જરૂર મહત્વ આપશે. કદાચ માનનીય વડાપ્રધાન પાસે ગુજરાતના આ પ્રશ્ન અંગે ઘટતું કરવાનો સમય ન હોય; પણ તેમના પ્રધાન ( સુષમાબેન સ્વરાજ ?) પણ આ બાબત કાંઈક કરે; એમ બને.
  આશા રાખીએ કે,બ્લોગ જગત પર સક્રીય શિક્ષકો આ લેખ વાંચી, એમના મંતવ્ય રજુ કરે. કદાચ એ વધારે અધિકૃત અને જવાબદાર મન્તવ્ય બની રહે.

  ——-
  આપણે, સામાન્ય માણસો આ ગંભીર બાબત અંગે કશું જ ન કરી શકીએ? એક દિશા સૂચન અહીં કર્યુ છે –
  http://gadyasoor.wordpress.com/2014/10/14/parenting/

 10. hiral says:

  જે રસ્તે જવાથી વધુ યોગ્યતા પુરવાર થતી હોય, તે રસ્તે સહજ સામાન્ય જન જાય જ.
  પહેલાંની પેઢીમાં બૅંકની નોકરી, સરકારી નોકરી, શિક્ષકની નોકરી વગેરે માટે રીતસરની હોડ હતી. લોકોએ લાંચ આપી પણ છે અને લીધી પણ છે.

  ત્યાર પછીની પેઢીમાં કોઇ પણ ભોગે ડોનેશન આપીને પણ ડૉક્ટર કે એન્જીનિયર બનવાની હોડ લાગી. અને અત્યારે પણ ચાલુ જ છે.
  મોટાભાગે બધા મધ્યમવર્ગીય છીએ, એટલે ડોનેશનની માયાજાળથી બચવા ગોખી ગોખીને પણ કે ટ્યુશન રાખીને પણ ૯૯ ટકા લાવવાની હોડ છે.
  કારણકે તો જ સમાજમાં માન-પાન છે.

  ૧૯ વરસનો દિકરો બેંકમાં જાતે ખાતુ ખોલવા કદાચ અસમર્થ હોય તો પણ, માતા – પિતાને એ જ્યારે કંઇક પૂછે તો એને જવાબ મળશે, એ બધી માથાકૂટ તું મૂકને!, તારા પપ્પા કરી લેશે. તું ભણવા બેસ.

  કારણકે, ભણવાથી, માર્કશીટ થી જ સફળ થઇ શકાય અને સમાજમાં વટ પડે, એવું સામાન્ય ગણિત બધાના મનમાં ઘર કરી ગયું છે.

  અત્યારે આઇ.ટી ના કારણે ઘણાં વિકલ્પો છે, મનમાં ઉઠતા સવાલોની સામે એટલી જ ઝડપથી એક જ ક્લિકમાં ઘણાં જવાબો મળે છે. વિદ્યાર્થી પાસે ાનુભવના અભાવે પોતાને સમજવાની પૂરતી કોઠાસૂઝ ના હોય તેવે વખતે માતા-પિતા કે વડીલો પાસે પણ નવા વિકલ્પો વિશે પૂરતી માહિતી નથી હોતી. એટલે અહીં દર્શાવી છે તે પરિસ્થિતિ ઉભી થઇ છે.

 11. આમ હશે; પણ આમ પણ હોય છે….
  http://evidyalay.net/malay/
  આ તો એક જ સત્યકથા આધારિત વાર્તા છે; પણ આવા અનેક મલયો અને માલતીઓ આ નવી પેઢીનાં ઘરેણાં જેવાં છે. એમનાં જીવન અનેકોને પ્રેરણા આપી’ ભાગ્યના સૃષ્ટાઓ’ બનાવી શકે.
  જો ‘રીડ ગુજરાતી’નું સંચાલક મંડળ અનુમતિ આપે તો, આવી બીજી સત્યકથાઓ રજુ કરવા ઉમેદ છે.

 12. Manish says:

  We all need to accept that demography is changing. Now, we have many more young people compare to other age groups. Yes, I partially agree with what is written. However many religious and spiritual oragnisations are doing excellent work to train the youth. The youth should also progress not by complaining about old generation, but by taking more and more responsibility for self and for society. The old generation need to become more open minded and need to delegate more task to youth.

 13. Manish says:

  i read in a book by probably Gunvat Shah. A mummy wake up in pyramid. He came out. roam around the Egypit. Went back to pyramid and lie down again. He just made comment, the world is not as good now as earlier.

  So, yes each generation has same comment about new generation. it is truth regardless of era.

  • પ્રિય મનીશભાઈ,
   દરેક વ્યક્તિના વિચાર અલગ જ રહેવાના. વિચાર વિમર્શ કરીએ એ જરૂરી છે; પણ
   કદાચ… મારી કોમેન્ટમાં મુકેલ લિન્કમાં દર્શાવેલી સત્યકથા આધારિત કહાણીઓ મનમાં ઊતરી જાય; એવી પ્રેરણા આપી શકે.
   અને આવા તો અનેક મલય અને માલતીઓ આખી દુનિયામાં ઠેર ઠેર જોવા મળશે. માત્ર ગુજરાતી જ નહીં – દરેક જાતિના.
   ——-
   આપણે આવી વેન સાઈટો પર; બ્લોગો પર; કોમેન્ટો દ્વારા આમ વિચારોની આપલે કરી શકીએ છીએ; તે લાખો યુવાન/ યુવતિઓના પ્રદાનથી જ નથી?

   દીનેશ ભાઈએ દર્શાવેલા યુવક/ યુવતિઓ જરૂર આ લેખ; એની પરના વિચાર વિમર્શ અને મલય જેવાની સત્યકથાઓથી પોતાના ભાગ્યના સૃષ્ટાઓ બને – એવી અભ્યર્થના.

 14. Arvind Patel says:

  એક જૂની કહેવત છે, બાપ કરતા બેટા સવાયા હોય છે. આ વાત તદ્દન સાચી છે. પરંતુ વડીલોને નવી પેઢી માં વિશ્વાસ ઓછો છે તેથી તેઓ નવી પેઢી ને વગોવે છે. આમ જોઈએ તો નવી પેઢી નો કોઈ જ વાંક નથી. નવી પેઢી હોશિયાર છે, તેમને ખબર છે કે તેમને શું જોઈએ છે. તેઓ તેમને સ્થાને પહોંચી જશે.

 15. પ્રવિણ ઠાકર says:

  વોટ્સએપ પર મોકલવામાં આવે

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.